Dina Vachharajani

Others

4.6  

Dina Vachharajani

Others

હાંફ

હાંફ

2 mins
290


ચાલુ મીટીંગે નિરવનું ધ્યાન વારેઘડીએ ઘડીયાળ તરફ જતું હતું.એને ખુરશીમાં કોઈ તકલીફ પડતી હોય તેમ ઊંચો નીચો થતો જોઈ એના ગ્રૂપ લીડરે મજાક પણ કરી " નીરવ, એની પ્રોબ્લેમ વીથ યોર ટમી ? વ્હાય યુ આર સો રેસ્ટલેસ ? થોડા કમ ખાયા કરો યાર..." ને ટેબલ પર બેઠેલા બધાના હાસ્યમાં નીરવ પણ જોડાયો પણ અંદરથી તો હજીયે એ રેસ્ટલેસ જ હતો.

એને ખબર હતી કે આજની મીટીંગ ટારગેટ અચીવ કરવાની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે છે. પૂરેપૂરું ઈનવોલમેન્ટ એમાં હોવું જોઈએ. પોતાનું તો ખાસ. કારણ હજી પોતે તો પોતાના આ વર્ષના ટારગેટથી ઘણો જ દૂર હતો. તનતોડ મહેનત કરવા છતાં ફાયનાન્સમાં એમ.બી. એ. કરી આઠ-દસ વર્ષથી આ સેક્ટરમાં કામ કરી રહ્યો હતો. કંપની માટે ઈન્વેસ્ટમેન્ટનાં આંકડા વધારવાની લ્હાયમાં એ જાણે જિંદગીમાંથી જ ઈન્ટરેસ્ટ ગુમાવી બેઠો હતો....એની પત્ની નિશીને તો જાણે એવું જ લાગતું હતું. સવારે આઠને ટકોરે બ્રેકફાસ્ટ કર્યો ન કર્યો ને આ મહાનગરનાં ટ્રાફિકથી બચી ઓફિસ પહોંચવા કાર ભગાવે. આખો દિવસ આંકડાની માયાજાળમાં અટવાતા વીતે. આવવાનો કોઈ જ સમય નક્કી નહીં. મહિનાની શરૂઆતના દિવસોમાં તો લગભગ મધરાત જ થાય. ઘરે આવે ત્યારે નિશી સાથે વાત કરવાનાં પણ હોંશ ન હોય. રજાને દિવસે પણ કામના કોલ ચાલુ હોય. નિશી નિરવની હાલત સમજતી, એ પણ સમજતી કે આ ફ્લેટ-કારની સાહ્યબી ચાલુ રાખવા જોબ તો કરવી પડે ને તોય એને એકલતાનો અસંતોષ કોરી ખાતો. આવામાં બંને એકમેકને પ્રેમ કરવાનું પણ જાણે ભૂલતાં જતાં હતાં.

લગ્નના પાંચ વર્ષ પછી નિશી પ્રેગનન્ટ હતી. આવનારા બાળક માટે બંને ખૂબ જ ઉત્સુક હતાં. આજની આ મીટીંગની થોડીવાર પહેલાં જ નિશીએ પોતાને થોડું પેટમાં દુખતું હોય એવું ફોન કરી જણાવ્યું અને નિરવને વહેલાં આવવાની સૂચના આપી જેથી ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ અવાય. પણ... નિરવના પ્રમોશનનો આધાર આવતા થોડા મહિનાઓના એના પર્ફોર્મન્સ પર જ હતો. એટલે આ મીટીંગતો મિસ કરાય એવું તો હતું જ નહીં !

મિટીંગ પતે એણે ઘર તરફ કાર ભગાવી પણ ટ્રાફીક જામને કારણે બે કલાક નીકળી ગયાં. ઘરે પહોંચી અધીરાઈથી બેલ મારી....નિશીને કેમ ઉઘાડતાં વાર લાગી ? વિચારતાં પોતાની પાસેની ચાવીથી દરવાજો ખોલ્યો તો નિશી બેવડ વળી પેટ પકડી બેડ પર બેઠેલી હતી. એની આસપાસની ચાદર લોહીથી રંગાઈ ગઈ હતી. નિશીનાં પેટમાં રહેલો ગર્ભ જ નહીં એમણે જોયેલાં સપના પણ જાણે રેલાઈ રહ્યાં હતાં...લાલ-લાલ ધબ્બાં રુપે...નિરવ આંખો ફાડી એ વિસ્તરતા જતાં ધબ્બાને તાકી રહ્યો....એને એમાં કોઈ ચહેરો ઉપસતો લાગ્યો...કૂતરાની જેમ હાંફતો...અરે ! આતો હું જ છું ! ને એ નિશીને વળગતાં રડી પડ્યો...." ના....મારા પોતાના પીંડને બચાવવા માટે પણ લાચાર...આવી કૂતરા જેવી જિંદગી નથી જીવવી હવે."

પાંચ વર્ષ પછી.....આવી જ એક સાંજે....નિરવ હાંફતો હતો, પણ એ હાંફ લાંબા જોગીંગ પછીની ઉત્તેજનાની હતી અને એ હાંફમાં એક સિંહની ખુમારી હતી. બાપ-દાદાના ગામમાં પોતાની સફળ ઓર્ગેનીક ખેતી થકી મેળવેલી શાખ-સંપત્તિ -મનની શાંતિ અને એક વહાલી દીકરીરૂપે મળેલી સ્નેહની સરવાણીની ખુમારી !


Rate this content
Log in