Amit Chauhan

Others

4.6  

Amit Chauhan

Others

ગુજરાતી યુવાન

ગુજરાતી યુવાન

4 mins
332


ગુજરાતી યુવાન, હા, હા, એક સરેરાશ ગુજરાતી યુવાન પહેલાં તો એક બાળક જ હતો. એ હસ્યો, રડ્યો ને દિવસનો મોટાભાગનો સમય સૂઇ રહ્યો. પ્રાથમિક શાળામાં જતો થયો એટલે એના માથે કાંસકો ફરવા લાગ્યો.

એ તો અત્યારે એ સ્વયં પોતાના માથાના વાળમાં કાંસકો ફેરવે છે. એ વખતે તો મા જ માથામાં કાસકો ફેરવી 

આપતી'તી ને ! કોઇકને માએ સાઇડમાં પાથી પાડી આપીતો કોઈકને મધ્યમાં કોઇના વાળ માએ ઊભા રાખ્યા તો કોઇકના વાળ વધારે તેલ નાંખીને બેસાડી દીધા. કોઇકને સાવકી માએ મો બગાડીને પણ વાળ ઓળી આપ્યા.  આ સાવકી મા એટલે બીજી મમ્મી ! ઘણાખરાને અસલી કે સગ્ગી માએ વાળ ઓળી આપ્યા 

ખેર, એ પછી તે બાળક ન રહ્યો. કિશોર થયો. અને એ પછી યુવાન. આજનો સરેરાશ ગુજરાતી યુવાન ઓછામાં ઓછું બારમા ધોરણ સુધી ભણેલો છે. આજનો સરેરાશ ગુજરાતી યુવાન મિત્રતાના ઓથા હેઠળ મનમાં કપટ સંઘરી રાખે છે. મિત્રતાના ઓથા હેઠળ તે યુવતીને ઉલ્લુ બનાવવાના પ્રયત્નોમાં જોતરાયેલો રહે છે . સરેરાશ ગુજરાતી યુવાનને સ્લીમ શર્ટ શું છે તે ખબર છે. તે નવરાત્રીના પોતાના પેંતરા અંગે ચાર મહિના અગાઉથી વિચારી રાખે છે. સરેરાશ ગુજરાતી યુવાનને બ્રાન્ડેડ કંપનીના નામ મોઢે છે. તેને હવે સ્માર્ટફોનમા નવાઇ લાગતી નથી. તે ભૂલી ગયો છે કોઇ એક વખતે બાપ- દાદાને કોઇને કોઇ સંદેશો પહોચાડવો હોય તો કેટલાય ગાઉ ચાલીને બીજે ગામ જવું પડતું હતું. 

આજના ઘણા ખરા ગુજરાતી યુવાનોને મદિરામા કઇ કઇ બ્રાન્ડ આવે છે તેની જાણ છે. ઘણાખરાઓ તો વારે તહેવારે છાંટો પાણી કરતા પણ થઇ ગયા છે ! આજના હા, હા, આજના સરેરાશ ગુજરાતી યુવાનને પ્રોટીનના પાઉડરે અને જીમના વર્ક આઉટે જોન અબ્રાહમ જેવો બનાવી દીધો છે ! પણ એ એક વસ્તુ ભૂલી ગયો છે કે સવારનું થોડું વર્ક આઉટ અને પ્રોટીન પાવડર બાવડાં બનાવી આપશે પણ જોનની અભિનયકવલા નહીં શીખવાડે. 

જોનનુ સ્મિત એ જોનનુ સ્મિત છે. જોનનુ સ્મિત આમિર કે અક્કીનુ સ્મિત ન બની શકે ! સરેરાશ ગુજરાતી યુવાન દેખાદેખીમા સોશ્યલ વર્ક કરશે તોયે બે - ચાર સેલ્ફી કે ફોટા પાડ્યા વિના નહી રહે!  સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ એક સરેરાશ ગુજરાતી યુવાનને તમે જોયો છે કે જે પ્રોપર્ટી ડીલ કરે છે ? જમીન કે સંપત્તિનો સોદો કરનાર આવો ત્રીસ કે પાંત્રીસ વર્ષનો કોઇ ગુજરાતી યુવાન જ્યારે જોવા મળે છે ત્યારે બોલાઇ જવાય છે: ક્યાં જઇને ભોગવશે ! એની પાસે જઇને ક્યારેય એવું પૂછવાનું મન થાય છે: ઓ હાડ-માંસ-રક્તના માણસ તને ભૂદાન યગ્ન વિશે કશી ખબર છે? 

બજારમાં ફરતા ફરતા એક ગુજરાતી યુવાનના હાથ પર એક ટેટૂ ચિતરાવેલુ જોયું. નજીક ગયો. સ્મિત આપ્યું અને પૂછ્યું: કેટલાં આપ્યા ?  જવાબ મળ્યો: પચ્ચીસો હું મો વકાસતો રહી ગયો ! શું સરેરાશ ગુજરાતી યુવાન એટલો તાલેવંત છે કે હાથ પર ટેટૂ ચિતરાવવાના પચ્ચીસો રુપિયા આપી દે ! શું એને ખબર છે કે દસ ચોપડી ભણેલો એક ગરીબ માણસ કોઇ કારખાનામા કેટલા દિવસ ભરે ત્યારે એને પચ્ચીસો રુપિયા હાથ લાગે છે !

આજના સરેરાશ ગુજરાતી યુવાનને હજી પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરી આપતી કોઇ સ્ત્રી કે યુવતીને જોઇને આશ્ચર્ય થાય છે ! આવું કાર્ય કરનાર વ્યક્તિને અંગ્રેજીમાં ફિલર તરીકે ઓળખવામાં આવે છે. પણ એણે હવે એ આશ્ચર્ય ખંખેરી નાખવું પડશે. એક સરેરાશ ગુજરાતી યુવાનને હવે પેટ્રોલ પૂરી આપતી સ્ત્રી કે યુવતીને જોતાંની સાથે એનો પરિવાર પણ દેખાવો જોઇએ. એને પેલી નોકરી કરતી સ્ત્રીના ટી.બી.ને કારણે ખાસતા પિતાજી દેખાવા જોઇએ. એને કપડાં કેટલાં જૂનાં થઇ ગયા છે એ પારખવાની કલા શીખવી પડશે.

એ મસલ્સ પાવર નહીં વધારે તો ચાલશે, એણે ઇમેજીનેશન પાવર કેળવવો પડશે. સરેરાશ ગુજરાતી યુવાન લગભગ દરેક બાબતમાં હસ હસ કરવા લાગ્યો છે. એ એટલો તો નિષ્ઠુર બની ગયો છે કે ફૂડ પાર્સલ આપવા આવનાર ડિલીવરી મેન કે બોયને બે સારા શબ્દો પણ કહેતો નથી. અલબત, ગુજરાતી ડિલીવરી મેન કે બોયે પણ પોતાની જાતનું ઓડિટ અને ખાસ તો નિરીક્ષણ કરવા જેવું છે.  નવરંગપુરા પુરામા આવેલ કોઇ ફ્લેટમા ઘુસીને અડપલાં કરનાર ડીલીવરીબોયનો કિસ્સો જનતાને હજી યાદ છે ! ગુજરાતના પ્રત્યેક ડીલીવરી મેન કે બોયે સવારે ઉઠતાંની સાથે જ આ કિસ્સાને કોઇ શ્લોકની જેમ સ્મરી લેવો જોઈએ. નહીં તો સીસીટીવી તૈયાર જ છે તમારા કારનામા કેપ્ચર કરવા માટે

બહુ હસ હસ કરનાર એક સરેરાશ ગુજરાતી યુવાનને 'પ્રેમચંદ'નો ચહેરો બતાવવાની આવશ્યકતા ઊભી થઇ છે.  એને રા.વી. પાઠકની 'મુકુન્દરાય ' વંચાવડાવવાની આવશ્યકતા ઊભી થઇ છે. એને પોતાના ખોળામાં પુત્રનો મૃતદેહ લેતાં મધર મેરીનો ફોટો બતાવવાની આવશ્યકતા ઊભી થઇ છે. એક સરેરાશ ગુજરાતી યુવાને રોજ સવારે પોતાના બાળપણને સ્મરી લેવું જોઇએ કે જેથી કરીને એક રુપિયાની કીમત કેટલી છે એનો અંદાજ આવે.

એક સરેરાશ ગુજરાતી યુવાને રેડિયો પર બોલનારાઓથી બહુ અંજાય જવાની જરૂર નથી. રેડિયો પર બોલતી ન હોય એવી એક સામાન્ય વ્યક્તિ પાસેથી પણ કશુંક ગ્રહણ કરી શકાય છે. એક સરેરાશ ગુજરાતી યુવાન એકલો રહેવા ટેવાયેલો નથી. અને એટલે એ હસા હસ કરી મૂકે છે.  ગુજરાત સરકારે એક એવી સંસ્થા ઊભી કરવી જોઈએ કે જેમાં જેમના પિતાશ્રીઓ સરકારી નોકરી કરતા હોય એવા નબીરાઓને 'ખાસ ' તાલીમ આપવામાં આવે.


Rate this content
Log in