ગમ્મત સાથે જ્ઞાન
ગમ્મત સાથે જ્ઞાન


સાહેબે તો માંડી વાર્તા. સુંદરવન નામનું એક જંગલ હતું.
"કેટલું રે કેટલું? "
બાળકો:"એક, સુંદર વન."
જેમાં બે ભાઈબંધ રહે. શકરો સસલો અને ભોલુ રીંછ.
"કેટલા રે કેટલા ?"
બાળકો:" બે, શકરો સસલો અને ભોલુ રીંછ.
ભોલુભાઇ તો ખૂબ મહેનતું. રોજ માખીઓનાં ડંખ ખાઈને જંગલમાંથી મધપૂડા લાવે. ખાતા વધે એ મધપૂડા સાચવીને ઘડામાં મૂકી દે. એક દિવસ તો ત્રણ મધપૂડા વધ્યાં ત્રણ.
"કેટલા રે કેટલા?"
બાળકો:" ત્રણ, મધપૂડા."
ભોલુભાઈ તો મધપૂડા ઘડામાં મૂકી બહાર ફરવા ગયા. તેવામાં મકન શિયાળ ,વરુણ વરુ, જમન ઝરખ અને કાળિયો કૂતરો આવ્યાં. ભોલુભાઈની ગુફામાં જઈ આ ચારેય ભૂખડાં મધ ચોરી ને ખાઈ ગયા. મકન તો પાછું ગાતું જાય,
"મેં તો આંકડે મધ દીઠું,
માખી વગરનું લાગે ભારે મીઠું."
"કેટલા રે કેટલા?"
બાળકો:" ચાર, મકન શિયાળ ,વરૂણ વરુ, જમન ઝરખ અને કાળિયો કૂતરો."
પછી તો ભોલુભાઇને તે દિવસે જંગલમાંથીયે મધ ના મળ્યું અને ઘડામાંથીયે ના મળ્યું. બિચારા ભોલુભાઈ તો ઢીલા ઢફ થઈ ગયા. આવું ને આવું પાંચ દિવસ ચાલ્યું.
"કેટલા રે કેટલા?"
બાળકો:"પાંચ, દિવસ."
પછી ભોલુભાઈ ને શકરાભાઈએ પેલા ચારેય ભૂખડાંને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ચારેય ભૂખડાં પાછા ભોલુભાઈની ગુફામાં મધ ખાવા ઘૂસ્યાં.આ વખતે મધ ખાવા માટે જેવો ઘડામાંથી મધપૂડો કાઢ્યો. મધપૂડામાં રહેલી મધમાખીઓ એમની પાછળ થઈ. મકનના મોઢે તો છ-છ માખી ચોંટી ગઈ.
"કેટલી રે કેટલી?"
બાળકો:"છ, મધમાખીઓ."
ચારેય ભૂખડાં તો ઓય બાપા કરતાં ભાગ્યાં. મકનને તો કંઈ દેખાતું નહોતું .એક મોટા પથ્થર સાથે ભટકાયો અને ધડામ કરતો પડ્યો . તેના મોઢે છ માખીના અને એક પથ્થરનું એમ સાત -સાત ઢોકળાં થઈ ગયાં.
"કેટલા રે કેટલા?"
બાળકો:" સાત, ઢોકળા."
કોઈને મોઢું બતાવવા જેવું રહ્યું નહીં. આઠ-આઠ દિવસ ગુફામાં પડ્યાં રહ્યાં.
" કેટલા રે કેટલા?"
બાળકો :"આઠ,દિવસ."
નવ- નવ જાતની દવા મોઢે લગાડી તોય મોઢું તો એવું ને એવું સોજેલા દડા જેવું .
"કેટલી રે કેટલી?"
બાળકો:"નવ, દવા."
શકરાભાઈ તો પંચના સભ્ય હતા. પોતે પાંચ અને છઠ્ઠા ભોલુભાઈ એમ બધાં મિત્રો મળીને પેલા ચારેય ભૂખડાંની ખબર કાઢવા ગયા. તેમના સુજેલા મોઢા જોઈને બધા ને હસવું આવી ગયું. ને શકરાભાઈએ તો ગીત પણ ગાયું.
"આવું દડા જેવું મોઢું તો ક્યાંય નહીં દીઠું,
બોલો મિત્રો મફત મધ કેવું લાગ્યું મીઠું?"
ચારેય ભૂખડાંએ બધાની માફી માંગી.પછી તો દસેય જણાંએ સુંદરવનમાં સંપીને રહેવાનો નિર્ણય કર્યો.
"કેટલા રે કેટલા?"
બાળકો: "દસ."
સાહેબ કહે," તો પછી બસ."