Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ગાંઠ

ગાંઠ

9 mins
15K


આખરે ધીરજનું સ્વપ્ન સાચું થયું. એક અનાથાશ્રમમાં ઉછરેલું બાળક આજે એક મહાનગરીમાં વસવા આવી પહોંચ્યું. જીવનના ૨૫ વર્ષોનો સંઘર્ષ ફળ્યો. પોતાની મુશ્કેલીઓ ને નિષ્ફળતાઓનું કારણ દર્શાવનારાઓમાં એ નહીં. દરેક મુશ્કેલીઓમાં તક શોધતી દ્રષ્ટિ ધરાવનારાઓમાંનો એ એક. નિયતિનો તો એક જ નિયમ: 'હિંમતે મર્દા તો મદદે ખુદા' અને આ નિયમ અનુસાર એણે દાખવેલી હિંમતના ફળસ્વરૂપ આજે એ એક મોટા શહેરની મોટી ઓફિસમાં નોકરી મેળવી ચુક્યો. અજાણ્યા શહેરમાં ફાવટ આવતા સમય તો લાગે. ધીરે ધીરે એ નવા વાતાવરણ અનુસાર ઢળવા લાગ્યો. ભાડે રાખેલું આ મકાન બહુ સુવિધાજનક તો ના હતું પણ સુવિધા અસુવિધાના નિર્ણયો તો વ્યક્તિગત  ભૂતકાળ પર આધાર રાખે. અનાથાશ્રમમાં ઉછરેલ વ્યક્તિ માટે તો પોતાનું એક અંગત સ્થળ જ ખુશી માટે પર્યાપ્ત! એક નાનકડો ઓરડો જ એનું શયન ખન્ડ, બેઠક ખંડ ને  જમવાનો ખંડ પણ. પાછળ તરફ જાતે જ ભોજન બનાવી શકે એ માટે નાનકડું રસોડું. મહાનગરીઓમાં રોજ ને રોજ બહાર જમવાનું ક્યાં પોષાય? નવું જીવન અને નવી શૈલીથી એ ખુબજ સંતુષ્ટ હતો. ફક્ત એક જ સમસ્યા હતી અને એનું નામ મીના'દેવી.'

આ 'દેવી' શબ્દ એમના નામ જોડે અચૂક ઉચ્ચારવો જોઈએ એ નિયમ એમણે જાતે જ બનાવ્યો હતો. મીના'દેવી' ના કપરા સ્વભાવથી આખી શેરી પરિચિત પણ હતી ને હેરાન પણ! આધેડ વયની એ સ્ત્રી ધીરજના મકાનના ઉપરના માળ પર ભાડુત તરીકે રહેતી. આખો દિવસ બધાની સાથે કજિયો કરવાના બહાના શોધતી. એક દિવસ એવો પસાર ના થતો કે મીના'દેવી ' કોઈની જોડે લડ્યા ના હોય કે શેરીમાં એમનો ઘાંટો કોઈએ સાંભળ્યો ના હોય . વ્યક્તિનો સ્વભાવ એના જીવન અનુભવો જ ઘડે . જીવન અનુભવો સુખમય તો એની મીઠાશ સ્વભાવમાં ઉતરે. પણ જો જીવને આપેલ અનુભવો જ કડવા હોય તો સ્વભાવમાં એ કડવાહટ ભળ્યા વિના ના જ રહે. મીના'દેવી'ના આ ગુસ્સાને ચીઢનું કારણ પણ જીવનના કેટલાક કડવા બનાવો હતા. લગ્નના થોડા જ વર્ષોમાં જાણ થઈ કે એ કદી મા નહીં બની શકે. એટલું ઓછું ના હતું કે પતિ પણ એમને છોડી પરદેશ કમાવા ઉપડી પડ્યા અને એ ગયા તે ગયા જ. ત્યાં જ કોઈ વિદેશી જોડે લગ્ન કરી સીધી જ એ દેશની નાગરિકતા હાથ લાગી. પાછું દેશ પરત થવાનો કોઈ પ્રશ્ન જ નહીં. માનવસ્વભાવની સૌથી મોટી નબળાઈ એ જ કે જયારે પોતે સુખી ના હોય તો અન્યનું સુખ જરાય ના પચે. બસ પોતાના જીવનના દુઃખોનો બદલો એ અન્યોના સુખ સાથે લેવા લાગ્યા. નકામી લડાઈઓ, તિરસ્કાર, ગુસ્સો, ચિઢયાપણાથી ધીરે ધીરે ગણ્યાગાંઠયા સંબંધોએ પણ સાથ છોડી દીધો. ના કોઈ એમને મળવા આવતું ના એ કોઈને મળવા જતા. શેરીમાં પણ એ બધાની નબળાઈઓ પર જ પ્રહાર કરતા. કોઈ સંગીત ઊંચા અવાજે સાંભળે અથવા  મોટેથી વાત કરે કે એની ઉપર ત્રાડ પાડે. સાંજે ફળીયામાં રમતા બાળકોનો દડો ભૂલથી એમની બારી ઉપર અથડાય કે બસ ના પૂછો વાત. કોઈ એમની જોડે જીભાજોડી કરવાની હિમ્મત જ ના કરે. ઉંમર જેમ વધતી જાય માનવ જીવનમાં પ્રેમની ઉણપ અસહ્ય બનતી જાય. પોતાની આ અસહ્ય વેદનાને હળવી કરવાનો આ ઊંધો જ માંર્ગ એમણે અપનાવ્યો હતો!

ધીરજ સ્વભાવે ખુબ જ શાંત. કોઈ ને કોઈ પણ પ્રકારની તકલીફ એના તરફથી ના પહોંચે એની એ સંપૂર્ણ કાળજી દાખવતો. મીના'દેવી'ને એની સાથે કજિયો કરવા કારણ જ ના મળતું. તેથી એનાથી એ વધુ ચિઢાવા લાગ્યા. શું કરે કે એ દુઃખી થાય? કઈ રીતે એને ઉકસાવવું? કઈ રીતે એની શાંતી ભંગ કરવી! અને એક નવો જ ઉપાય એમને સુજ્યો. સવારે જયારે પણ ધીરજ ઓફિસ જવા નીકળે કે એ ઉપરથી પાણીની બાલ્દી ઉંધી કરે. સમયની પકડ એવી કે શિકાર ભાગી શકે જ નહીં. શરૂઆતમાં  ધીરજને લાગ્યું કે આકસ્મિક હશે, સંજોગ હશે, ભૂલ હશે. પણ ભૂલ જયારે વારંવાર પુનરાવર્તિત થાય ત્યારે એ ઈચ્છામાં જ પરિણમે અને મીના'દેવી'ની આ ઈચ્છા હવે એના રોજિંદા જીવનમાં શાંતિભગ્ન બની રહી હતી. રોજ આ રીતે પલાળવું મીના'દેવી'નો જીવનક્રમ  કઈ રીતે હોઈ શકે? એમની એ ગંદી ટેવનો જવાબ આપવો હવે જરૂરી હતો. હવે આ અપમાનના જ સહેવાય. હવે આ ક્રૂર સ્વભાવના ચલાવી લેવાય. કોઈ એ તો પહેલ કરવી જ રહી. તો પોતે જ કેમ નહિ! પણ આ આડકતરા સ્વભાવને કેમ સીધો કરવો? પોતાના સંસ્કાર વડીલો ઉપર અવાજ ઊંચો કરવાની, જીભાજોડી કરવાની કે સમાન સ્તરે ઉતરવાની કદી પરવાનગી ના આપે. હવે એક જ માર્ગ એને યોગ્ય લાગ્યો. પોલીસ કાર્યવાહી. ફકત એની સાથે જ નહીં શેરી ના અન્ય કોઈ સભ્ય જોડે પણ જો કંઈ પણ અકારણ કજિયો કર્યો કે સીધી જ પોલીસ માં જાણ કરવી. અભદ્ર અને અસંસ્કારી વ્યવહારને હવે એ સંપૂર્ણ શિક્ષિત અને કાયદાકીય ઉત્તર આપવા માનસિક રીતે પૂરો તૈયાર હતો અને એના આ નિર્ણયમાં શેરી ના બધાજ લોકો એનો સાથ આપશે એનો એને પૂરે પૂરો વિશ્વાસ હતો.

એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ  પસાર થઈ ગયા. ધીરજ રાહ જોતો રહ્યો. પરંતુ મીના'દેવી' તરફથી એક પણ બાલદી આ ત્રણ દિવસમાં ઉંધી ના વળી. શેરીમાં પણ ના કોઈની જોડે લડાઈ ના કજિયો. આ ત્રણ દિવસમાં કોઈએ એક પણ અપશબ્દ સાંભળ્યો નહીં. બાળકોનો દડો બારી સાથે ઠોકાય તો પણ કોઈ પણ પ્રકાર ની પ્રતિક્રિયા જ નહીં . આખા ફળીયામાં જાણે શાંતિનો ઉત્સવ ઉજવાય રહ્યો. લોકો વ્યંગ માં કહેવા લાગ્યા :"લાગે છે મીના'દેવી' સુધરી ગયા!"

પણ ધીરજને તો દાળમાં કંઈક કાળું લાગ્યું. આ શાંતિ એને વાવાઝોડું આવવા પહેલાની શાંતિ જેવી લાગી. મીના'દેવી'નું દિમાગ કંઈક નવી જ ખીચડી બનાવી રહ્યું હશે. નહીંતર માનવસ્વભાવ આમ રાતોરાત બદલવાથી તો રહ્યું!

પણ કારણ જે કઈ પણ હોય આ શાંતિનો ઉત્સવ એ પંણ ઉજવી રહ્યો. થોડા દિવસ માટે જ ખરું પણ મન અને મગજ બંને  જરા રાહત તો પામ્યું.

ચોથે દિવસે સવારે એ ઓફિસે જવા નીકળ્યો. આજે તો ફુવારો વરસસે જ. એ હિંમતથી આગળ વધ્યો કે એના અચરજ વચ્ચે આજે પંણ સૂકો દિવસ. મનમાં મોટો હાશકારો થયો અને ખુશીથી એના પગલાં કામ પર જવા ઉપડ્યા. એણે એક નજર પાછળ ફેરવી. મીના'દેવી'ની કોઈ ઝલક જ નહીં. એ ફરી ને આગળ વધવા ગયો કે પગ થંભી ગયા. એની નજર ફરી મીના'દેવી'ના માળ ઉપર તકાય. કોઈ આહટ નહીં. ખબર નહીં કેમ એના પગ મીના'દેવી' ના માળ તરફ દોરાયા. પોતાના વર્તનથી પોતે જ અચરજ પામતો એ પગથિયાં ચઢવા લાગ્યો. આ કેવી ભાવના? કંઈક અયોગ્ય બનાવની આ કેવી આગાહી મન કરી રહ્યું? આમ ત્રણ દિવસથી કોઈ વ્યક્તિ કઈ રીતે અદ્રશ્ય થઈ જાય? ના કોઈ શબ્દ ના કોઈ... પંણ એને શું પડી? કેમ નહીં પડી? એ માનવ ખરો ને? મનોમંથનની સાથે એના પગ પણ ગતિ પકડી રહ્યા. અને થોડા સમયમાં પગથીયાઓ ચઢી એ મીના'દેવી'ના બારણે આવી ઉભો રહ્યો. બારણે ટકોરા માર્યા. પણ બારણું ખોલાય પછી શું કરવું?  એ દાદર ઉતરવા ભાગ્યો. પણ બારણું ના ખુલ્યું. એ ફરી બારણાં સામે આવી ઉભો રહ્યો.

"મીના'દેવી.." એણે ઊંચા અવાજે સાદ પાડ્યો. કોઈ ઉત્તર નહીં. વધુ જોર એણે બારણું ખટખટાવ્યું. પંણ વ્યર્થ. બારણું બહુ જૂનું હતું. આખા શરીરનું બળ બારણાંને હડસેલવામાં એણે લગાવી દીધું. બીજા ત્રીજા પ્રયત્નમાં જ બારણું અંદર તરફ ધસ્યુંને એ સીધો જ મીના'દેવી'ના ઘરમાં પ્રવેશ્યો.

ઓરડો તદ્દન શાંત હતો. એની દ્રષ્ટિ મીના'દેવી'ને શોધી રહી. પણ એમનું ક્યાંય નામોનિશાન નહીં .

"મીના'દેવી'..." એણે ફરી વ્યર્થ પ્રયત્ન કર્યો. કોઈ ઉત્તર નહીં.  આખો ઓરડો અસ્તવ્યસ્ત હતો. ઘણા દિવસથી ઘરની સાફસફાઈ થઈ ના હતી. ધૂળના જાળાં એની સાબિતી આપી રહ્યા હતા. પાછળની તરફ એક નાનકડું રસોડું હતું. એ સાચવી ને ત્યાં પહોંચ્યો. પણ એમના કોઈ જ અણસાર નહીં. તદ્દન  પાછળના ભાગમાં એક નાનકડું સ્નાનાલય  જ તપાસવાનું બાકી રહ્યું. વિચિત્ર લાગણી એને ઘેરી વળી પણ માનવતા ખાતર આગળ વધવું જ રહ્યું. આગળ વધતા જ પગ સાથે કંઈક ઠોકાયું ને એ સીધો જમીન ઉપર પછડાયો.

"મીના'દેવી'..!" મીના'દેવી' રસોડામાં બેભાન પડ્યા હતાં. શીઘ્ર ઉઠીએ તેમને જગાવી રહ્યો. પણ એમના શરીરે કોઈ પ્રતિક્રિયા ના આપી. પાસેના નળમાંથી ખોબો પાણી લઈ એમના ચ્હેરા ઉપર છાંટી જોયું પણ એ પણ નકામું.

હવે શું કરે? એમના નાક આગળ હાથ ધર્યો. સદભાગ્યે શ્વાસ હજી ચાલુ હતો. એમને બંને હાથે ઊંચકી ગોદમાં ઉઠાવી એ સંભાળીને દાદર ઉતર્યો. ફળીયાના નાકે ઉભેલા એક તરુણને ટેક્ષી લઈ આવવા મોકલ્યો. ટેક્ષી આવતા જ એ મીના'દેવી'ને લઈ સીધો હોસ્પિટલ પહોંચ્યો.

ડોક્ટર અને નર્સ મીના'દેવી'ની સંભાળ લઈ રહ્યા. ડોક્ટરે તરતજ ગ્લુકોઝની બોટલ ચઢાવાનો આદેશ આપ્યો. ધીરજને દવાની લાંબી યાદી આપી તત્કાલ બધી જ દવાઓ લઈ આવવા કહ્યું. એ દોડ્યો.. એકજ શ્વાસે... દવાની સાથે સાથે એ થોડા ફળ, બિસ્કિટ, જ્યુસના પેકેટ પણ ખરીદી લાવ્યો. એ પરત થયો એટલે મીના'દેવી' પણ હોશમાં આવી ગયા હતા. એના જીવમાં જીવ આવ્યો. ડોક્ટર મીના'દેવી'ને સમજાવી રહ્યા હતા.

"હવે આ ઉંમરે જરા આરામ પણ કરવું. ને ભોજન પર તો  ખાસ ધ્યાન આપવું."

મીના'દેવી'ની નજર દવા હાથમાં પકડી ઉભેલા ધીરજ ઉપર પડી. શરમથી એમનો ચ્હેરો રડમસ થઈ રહ્યો. એની સાથે આંખ મેળવવાની હિમ્મત ખૂટતાં એમણે ડોકું નીચે ઝુકાવી નાખ્યું.

પોતાની પાછળ આવી ઉભેલ ધીરજને જોતાજ ડોક્ટરે એના ખભા ઉપર હાથ મુક્યો:"ડોન્ટ વરી માય બોય. તારી મા બિલકુલ ઠીક છે હવે. પણ એમના ભોજન ને આરામનું ખ્યાલ રાખજે. શરીરમાં લોહીની કમી છે. શી ઇઝ એનમિક."

મીના'દેવી' તરફ ફરી એ હસ્યાં :"આપના દીકરા સાથે ઘર જઈ શકો છો. દવા  સમયસર લેજો અને સંપૂર્ણ આરામ અનિવાર્ય."

ડોક્ટર જતા રહ્યા. બંનેમાંથી કોઈ એક શબ્દ પણ ના બોલ્યું. "ના એ મારી મા નથી.." ધીરજ કેમ ના બોલ્યો?  "ના હું એની મા નથી.." મીના'દેવી' કેમ ના બોલ્યા?

કુદરત જાણે સંબંધની કોઈ ગાંઠ બાંધી રહી હતી. એક બાળક વિનાની મા ને એક મા વિનાનું બાળક આ ગાંઠના બે છેડા બની એકબીજા જોડે જાણ્યે અજાણ્યે વીંટળાઈ રહ્યા હતા! આ ગાંઠ બંધાતી જોઈ તો બંને રહ્યા હતા પણ એને બંધાતી રોકવાની પહેલ  જાણે કોઈ ને ના કરવી હતી!

ઘરે પહોંચતા જ ધીરજે એમને પલંગ ઉપર સુવડાવ્યા. થોડા બિસ્કિટ ને એક ગ્લાસ જ્યુસ પીવા આપ્યું. દવાઓ ટેબલ ઉપર ગોઠવી ને કઈ દવા ક્યારે લેવી એની માહિતી પાછળ લખી આપી. બંને વચ્ચેની શાંતિ અકબંધ હતી.

ત્યાંજ ધીરજ નો મોબાઈલ રણક્યો.

"નો આમ ટેકિંગ એ લિવ, ફેમિલી ઈમરજંસી.."

મીના'દેવી' ફક્ત પાંચ ધોરણ સુધી જ ભણ્યા હતા. અંગ્રેજી ભલે ના આવડતું પણ 'ફેમિલી' કોને કહેવાય એટલું તો જરૂર સમજતા.

કોલ કાપીને ધીરજે ઓરડાની સાફસફાઈ આરંભી. ધૂળના જાળ હટાવી જાડૂ ફેરવી, પોતું કર્યું. અનાથાશ્રમમાં ઉછરેલ બાળક બહું  જ જલ્દી સ્વનીર્ભરતા શીખી જાય. આ બધા કાર્યોની તો એને ટેવ પડી ચૂકી હતી. મીના'દેવી' એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના ફક્ત પથારી પરથી બધું જ ચુપચાપ નિહાળી રહ્યા હતા. પાછળ રસોડામાંમાં જઈ  ધીરજે બે ત્રણ દિવસના ભેગા થયેલા વાસણો ધોઈ મૂકી દીધા. થોડી શાકભાજીઓ  પડી હતી એમાંથી થોડું 'વેજીટેબલ સૂપ' કરી નાખ્યું. મીના'દેવી'ના આખા ઘરનો જાણે નક્શો જ બદલાય ગયો. સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત. ઓફિસમાંથી લીધેલી લિવનો એણે પૂરો સદુપયોગ કર્યો.

બધુ જ કામ આટોપી એ મીના'દેવી'ની રજા લેવા ગયો. આટલા કલાક પછી આખરે મૌન તુટયું.

"તો હું જાઉ?"

મીના'દેવી' પાસે શબ્દો જ ના હોય એમ એમણે માથું ધૂંણાવ્યું.

"દવા સમયસર લેજો.."

બીજીવાર પંણ એમણે માથું જ ધૂંણાવ્યું.

"તો હું જાઉં?"

પોતાનો પ્રશ્ન એણે પુનરાવર્તિત કર્યો. જાણે એનો કોઈ અન્ય જ ઉત્તરની અપેક્ષા હોય! પંણ આ વખતે પણ એમણે ડોકું હલાવી હામી ભરી. કોઈ ઉત્તર મળવાની આશ છોડી એ પગથિયાં તરફ દોરાયો. પગ પંણ જાણે ઉપડવા ઈચ્છતા ના હતા!

"હવે પાછો નહીં આવીશ?"

આ જ શબ્દોની રાહ જોતો હોય એમ એ શીઘ્ર પાછળ વળ્યો. આંસુઓમાં ભીંજાયેલ  મીના'દેવી' એણે પહેલીવાર જોયા. આંસુઓ નહીં આંસુઓનું પૂર હતું એ જેમાં વર્ષોથી સંગ્રહિત ઈર્ષ્યા, ક્રોધ, ચીઢ, અહંકાર, દંભ તિરસ્કાર એક જ સાથે એક જ ક્ષણમાં ઓગળી  ગયા!

આ ઘટના  બનવાને તો હવે બે મહિના પણ થવા આવ્યા અને બદલાયેલા સમયની સાથે આ શેરીમાં હવે ઘણું બધું બદલાયું છે. મીના'દેવી' હવે મીના'દેવી'ના રહેતા બધાના મીના'બા' બની ગયા છે. હવે કજિયાની જગ્યા એ ફળીયામાં ઠઠ્ઠા મશ્કરીઓ ગુંજે છે. જોરથી ગીતો વગાડતા તરુણોને ક્યારેક એમનું ગમતું ગીત વગાડવા પણ મીના'બા' માંગણી કરે છે. બારી પર જો ભૂલથી દડો ઠોકાય તો એમને પ્રેમથી દડો પરત કરવા એ અચૂક જાય છે. કોઈ મોટેથી વાત કરે તો પોતે પંણ ચર્ચામાં જરૂરથી ભાગ લે છે. ક્યારેક સંબંધીઓને ફોન કરે છે તો ક્યારેક સંબંધીઓ મળવા પણ આવી જાય  છે.

ફક્ત મીના'બા'નું નહીં ધીરજનું જીવન પંણ ઘણું બદલાયું છે. એનું પોતાનું રસોડું તો જાણે બંધ જ પડ્યું છે. સવારે મીના'બા' એને ગરમાગરમ નાસ્તાની સાથે ઓફિસે લઈ જવા જમવાનો ડબ્બો પણ આપી જાય છે. રાત્રીનું ભોજન તો એ મીના'બા'ની જોડેજ કરે છે. રવિવારે એ મીના'બા'ના ઘરની સાફસફાઈ કરી નાખે ને એમને માટે આખા અઠવાડિયા માટેનું બજાર ખરીદી આવે છે. ક્યારેક જાહેર રજા ના દિવસે બંને ક્યાંક ફરવા પણ નીકળી પડે છે.

કુદરતે બાંધેલી આ ગાંઠથી જે સંબંધ રચાયો છે એની કોઈ વ્યાખ્યા તો ના આપી શકાય પણ એટલું જરૂર કહી શકાય કે જો લાગણી ના હોય તો આપણાં પણ પારકા ને જો લાગણી હોય તો પારકા પણ આપણાં!


Rate this content
Log in