એવી કરામત
એવી કરામત
એક સુંદર મજાનું નાનું ગામડું હતું.
આશરે પીસ્તાલીશ વર્ષ પહેલાંની આ વાત છે અને સત્ય ઘટના છે.
એ જમાનામાં સગવડો ઓછી હતી તોય પોતાનાં હાથની કરામત થકી માણસો સુખમય જીવન જીવતાં હતાં.
વાત છે વિનુભાઈ અને ઉર્મિલા બહેનની પોતાનો સંસાર પોતાની જાત મહેનતથી આગળ વધારી રહ્યાં હતાં.
નાનપણથી જ વિનુભાઈ બેહરા મૂંગા હતાં પણ કુદરતે ઘણી બધી કરામત એમને બક્ષિસ તરીકે આપી હતી. એમને કુદરતી હસ્તરેખા જોતાં આવડતું હતું એ જેનો પણ હાથ જોઈને કહી દે એ પ્રમાણે જ ભવિષ્યમાં બનતું. વિનુભાઈ ને ગેરુ રંગ અને કંકુ, ગુલાલ ને કુદરતી રંગોથી અવનવી ડિઝાઈન દોરવી ગમે અને એ વાર તહેવારે, લગ્ન પ્રસંગે પોતાના ઘરમાં તો રંગોળી ને ડિઝાઇન બનાવે પણ જો કોઈને ત્યાં પ્રસંગ હોય અને બોલાવે તો હોંશ હોંશ જઈને હૈયાનાં હરખથી મફત કામ કરી આપે.
વિનુભાઈ ની રસોઈમાં પણ ગજબનો સ્વાદ હતો પછી એ દાળ,ભાત, શાક, રોટલી હોય કે બત્રીસ પકવાન હોય.
વિનુભાઈ ઘરમાં જ શ્રીખંડ ને માલપુઆ તો એવાં સ્વાદિષ્ટ બનાવે કે ગામના લોકો પણ એમને જ બોલાવે એવી બોલબાલા હતી પણ વિનુભાઈ સેવાભાવી હતાં એટલે કોઈ પાસે એક રૂપિયો પણ લેતાં નહીં..
કેરીની સીઝન આવે એટલે કેરીનો રસ, ગોટલીનો મુખવાસ, કેરીનો બાફલો, ફજેતો, અને વિધવિધ પ્રકારના અથાણા, છુંદો તો એમનાં જ હાથનો.
કુટુંબમાં લોકો દર વર્ષે દશ કિલો ને પાંચ કિલો એવો ઓર્ડર લખાવી દે.
આવી કરામત હતી વિનુભાઈ નાં હાથમાં..
ભગવાને મૂંગા બહેરા બનાવીને ઘણી બધી કરામત એમનાં હાથમાં મૂકી હતી.
આવી આવડતો નાં માલિક હતાં વિનુભાઈ પણ સંચો ચલાવીને જે રોજગારી મળી રહે એમાં જ સંતોષ પૂર્વક જીવન જીવતાં હતાં..
પણ વિનુભાઈની કરામત તો સિલાઈ કામગીરીમાં પણ ગજબની હતી જૂનાં કપડામાંથી ઉપયોગી બને એવું નવું સીવી આપતાં અને જૂનાં પેન્ટમાંથી સ્કર્ટ ને થેલીઓ, નાનાં બાળકોને થાય એ માપનાં બરમૂડા બનાવી દે અને આજુબાજુ ડિઝાઇન કરે એવી કરામત હતી એમનાં હાથમાં.
તો સામે પક્ષે ઉર્મિલા બહેન પણ ગાજ્યા જાય એવાં નહોતાં..
આ બન્નેનાં સંસારમાં ચાર છોકરાઓ થયાં. ત્રણ દીકરા પછી એક દીકરી.
આમ સંસાર ભર્યો ભર્યો થયો.
છોકરાઓ ને ભણતર આપતાં સાથે પોતાના હાથની કરામત પણ શિખવાડતા પણ રમતિયાળ બાળકો એ કશું ગંભીરતાથી લીધું નહીં ને આજે એટલો અફસોસ દીકરી કરે છે કે કાશ હું એ વખતે એ બધી કરામત શીખી હોત તો. !
ઉર્મિલા બહેનમાં ગાજ, બટન કરવાની આવડત, ભરત ગૂંથણ, તથા નાનાં બાળકોનાં કપડાં ઉપર રંગબેરંગી દોરાઓથી પતંગિયા, ફૂલો, ને વિગેરે ભરતકામ કરીને કપડાં ને આકર્ષકને સુંદર બનાવી આપતાં હતાં.
નોટબૂક નાં પૂંઠાથી નાનાં મોટાં ઘર બનાવે અને ચકલીઓ માટે પણ ઘર બનાવે ઉર્મિલા બહેન.
પૂંઠા પર ઘરમાં જ પડેલાં ગેરુ ને કંકુ, હળદરથી ડિઝાઇન કરીને ઘરમાં સજાવટ માટે ફ્રેમ બનાવી દેતાં, જૂની નોટબૂક નાં પાનાં લઈને એને પલાળીને એને નીચોવી ને સૂકવે પાણી નિતારી જાય એટલે એમાં લીલી મ્હેંદી વાટીને નાંખે અને ઘરમાં પડેલા કુદરતી, સીમાડાનો કાંટાનો રસ વગેરે ઉમેરીને વિધવિધ આકારો આપીને રમકડાં બનાવે. ઊંટ, ઘોડા, હાથી, વિગેરે રમકડાં બનાવીને બધાંને ભેટ તરીકે આપે.
નાયલોનની દોરીઓથી ગૂંથણ કરીને કાચની બોટલ સજાવે અને ઘરમાં જ વળીયારી ને તલ સેકી ને એ બોટલમાં ભરે. કુટુંબના પણ જ્યારે ઉનાળામાં આવે ત્યારે આવી બોટલો લેતાં જાય યાદગીરી રૂપે..
ખેતરમાં જાય ત્યારે નેતર લાવે અને એની પાતળી છાલ કાઢીને એનાં હાથ પંખા બનાવે અને કાપડમાં ભરત ગૂંથણ કરીને પંખાને પહેરાવીને પંખાને શણગારે.
હાલમાં ક્યાંય એવાં પંખા જોવા નથી મળતાં.
સૂપડાં પણ ઘરે જાતે બનાવે.
આવી કેટ કેટલીયે કરામત ઉર્મિલા બહેનનાં હાથમાં હતી.
રાજગરાના ફૂલનો શીરો બનાવે, ચોખાના લોટ નો લાડું, ઘઉંના ઝીણા લોટનો લાડુ બનાવે પણ છોકરાઓ મોટા થયાં એમને માતા-પિતાની આ કરામતોમાં રસ પડ્યો નહીં ને પરણીને સૌ પોતપોતાનો સંસાર વસાવવા અલગ અલગ દિશામાં ઊડી ગયા.
રહી ગયાં બે પતિ પત્ની એમણે ગામના છોકરાઓને આ કરામત મફત શીખવવાની ચાલું કરી એમાં એ ખુશખુશાલ રહેતાં હતાં પણ ઘરમાં જતાં ભર્યું ભાદરયુ ઘર સૂનું સૂનું લાગતું ને રાતે એકલતાનો અનુભવ થાય એ દર્દ નાસૂર બની ગયું.
એવી એ એકલતાના ભાર નીચે સદાય માટે દબાઈ ગયાં.
અને એમની એ કરામત બધી એમ જ ખાલી યાદગીરી રહી ગઈ.
દીકરાઓની તો ખબર નથી પણ દીકરી એ બધું યાદ કરીને અફસોસ કર્યા વિના રહી શકતી નથી.
