એનો છેલ્લો ફોન
એનો છેલ્લો ફોન
લતાબેન ચેહર માતાનાં મંદિરે દર્શનાર્થે જતાં ત્યાં એમને કોલેજમાં અભ્યાસ કરતી પ્રેરણા મળી. એણે કહ્યું કે હું ટ્યુશન કરું છું ને મારું ભણતર ને મારો ખર્ચ હું પુરો કરું છું.
લતાબેનને જય નાનો જ હતો એમણે સરનામું આપ્યું ને કહ્યું કે કાલથી ઘરે આવી જજે બેટા.
પ્રેરણાએ પણ સારું માસી કહીને વિદાય લીધી. બીજા દિવસે પ્રેરણા સાંજે પાંચ વાગ્યે આવી જય સાથે મુલાકાત કરીને ભણાવવાનું શરૂ કર્યું. આમ પણ લતાબેન બહું જ લાગણીશીલ હતાં એટલે એમણે પ્રેરણા ને ચા, નાસ્તો કરાવ્યો ને પ્રેમથી વાત કરતાં પ્રેરણાએ પોતાના જીવનની વિતક કથા કહી કે મારાં મમ્મી પપ્પાને હું પસંદ નથી મને મારે છે એમ કહીને રડી પડી. મારી નાની બહેનને ભાઈ જ વહાલા છે. લતાબેને એને હૈયાસરસી ચાંપીને સાંત્વન આપ્યું. પછી તો લતાબેન ઘરમાં જે સારું ખાવાનું બનાવે એમાંથી પ્રેરણાને આપે.
આમ અરસપરસ માયા બંધાઈ ગઈ. પણ પ્રેરણાને પેટનાં દુઃખાવાની ગોળીઓનો નશો કરવાની આદત હતી એ ધ્યાનમાં આવ્યું એમણે એને ઘણું સમજાવ્યું પણ પ્રેરણા જૂઠું બોલીને દવાઓ ગળતી.
અવારનવાર પ્રેરણાને ઘરે ઝઘડો થાય અને લતાબેન પર રડતાં રડતાં પ્રેરણાનો ફોન આવે એટલે એ અને જયનાં પપ્પા રાકેશભાઈ જતાં અને સમાધાન કરાવીને આવે.
દિવાળીનાં દિવસો હતાં. ધનતેરસના દિવસે સવારે રડતાં રડતાં પ્રેરણાનો ફોન આવ્યો કે મને બહુ મારે છે બધાં ભેગાં થઈને મને બચાવો. અને લતાબેનનાં મોંમાંથી અનાયાસ શબ્દો સરી પડ્યા કે તારે રોજનું થયું તું મોટી છું તારે જે કરવું હોય તે કર અમે કેટલું દોડીએ. તું દવાઓ બંધ કરતી નથી અને અમારે પણ કેટલું સાંભળવું.
એણે આજીજી કરી મને બચાવી લો. લતાબેને ફોન કટ કર્યો. એક કલાકમાં તો પ્રેરણાની બહેન અર્પિતાએ કહ્યું કે પ્રેરણાએ પંખે લટકીને આત્મહત્યા કરી. એ છેલ્લો ફોન.
લતાબેન ખૂબ રડ્યા ને અફસોસ થયો કે હું ગઈ હોત તો કદાચ એ બચી જાત. એ છેલ્લો ફોન આજેય લતાબેનને યાદ આવે તો કમકમાટી આવી જાય છે.
