એકાંત
એકાંત


લોકડાઉનનાં બીજા દિવસે સવારે રોજનાં ક્રમ પ્રમાણે પાંચ વાગ્યે આંખ ખૂલી ગઈ. લગભગ અઢી કલાક સુધી મારા ઘરની બાલ્કનીમાં બેઠી. રોજ બેસવાની ઈચ્છા હોય પણ, ઉઠીને તરત કામકાજમાં એવાં ખોવાઈ જવાય કે બીજું કંઈ સૂઝે જ નહિ. પરંતુ, આજે કોઈ માણસની અવર-જવર નહિ. ના કોઈ સ્કૂલ બસ કે ના કોઈ બીજા વાહનોનો ઘોંઘાટ. મારા ઘરની બાજુમાં પાર્ટી પ્લોટ છે. તેમાં ઊડાઉડ કરતાં પક્ષીઓ અને દૂરદૂરથી સંભળાતો તેમનો મધુર સ્વર. આજે તો મેં એ પક્ષીઓનાંં ફોટા પણ પાડ્યાં.
જાણે કુદરતનાં સાનિધ્યમાં આવી ગઈ હોઉં એવું લાગ્યું. આજુબાજુની તોતીંગ બિલ્ડિંગો જાણે નિર્જીવ (કોઈ માણસ વગરની સૂમસાન) ઉભી હોય એમ ભાસતું હતું. બિલ્ડીંગમાં કે બિલ્ડીંગની બહાર પાર્ક કરેલાં વાહનો જાણે પહેલીવાર નિરાંતનો શ્વાસ લઈ રહ્યાં હોય એવું અનુભવ્યું. ટૂંકમાં, હું જે નિરાંત અને શાંતિનો અનુભવ કરવા ઈચ્છતી હતી. તે એ દિવસથી લગભગ રોજ મળવા લાગ્યો.
રોજ સવારે ઉઠીને બારી પાસે બેસી રહેતી. આ કુદરતી સાનિધ્ય માણતી વખતે મને કોલેજનાં એ દિવસો યાદ આવી ગયાં. લાયબ્રેરીમાં જતી ને બારી પાસે બેસતી. બુક વાંચવા કરતાં બારીની બહાર કુદરતી સાનિધ્યને વધારે માણતી. આજે ફરીથી એ જ સપનાંઓ તાદ્રશ્ય થયાં. જાણે જાત સાથે રીતસરનો સંવાદ સધાયો. જિંદગભર સાથ નિભાવવા માટે કટિબધ્ધ ઈચ્છાઓ શમણાંઓનો ભાર ઉપાડી નહોતી શકતી. છત્તાં તેણે હથિયાર તો હેઠાં ન જ મૂક્યાં. ઈચ્છાઓ ટોળે વળી. તેમાં શમણાંઓએ ઝૂકાવ્યું. "મારી વાત તો નથી કરતાં ને ?" કાન દઈને સાંભળ્યું તો, યાદોનાં રથ પર સવાર થઈને, ભૂતકાળને ફંફોસતી ઈચ્છાઓ-આકાક્ષાઓ અધૂરાપણાંનો અફસોસ કરતી, નિ:સાસા નાંખતી, ઈચ્છાઓ ફરી આગળ વધવાનાં પ્રણ લઈને છૂટી પડી."
"ઈચ્છાઓને ક્યાં રોકી શકાય છે. ઈચ્છાઓ તો પાંખો લઈને જન્મે છે. એ તો આકાશમાં અનંત સુધી વિહર્યાં જ કરે છે. વગર કહ્યે કોઈ અમાપ, અગાધ દરિયાનાં પેટાળ સુધી પણ પહોંચી જ જાય છે. આમ-તેમ ઉડવું ને જ્યાં-ત્યાં વિહરવું તેનાં સ્વભાવમાં વણાઈ ગયું હોય છે."
"આટલાં વર્ષોથી જે શાંતિ અને એકાંત મેળવવા ફાંફા મારતી રહી. તે શાંતિ જાણે મારી પાસે આવીને બેસી ગઈ અને મને કહેવા લાગી, "જાણું છું આપ ને..ઘણાં વખતથી આપનાં મનમાં ઊમટેલાં સમુદ્રને શાંત કરવા કે આપનાં આંસુઓનો ભાર ઊંચકવા સક્ષમ હોય એવો કોઈ અવસર આપને પ્રાપ્ત થયો જ નથી. પરંતુ આપને એવું લાગતું હોય કે મારો ખભો આપનાં આંસુનો ભાર ઝીલી શકશે તો.. આપ, આપની અંદર સમાવેલાં ડૂસકાંને તીવ્ર વેગે બહાર કાઢી શકો છો."
"જાત સાથે સમય વ્યતિત કરવાનો અમૂલ્ય અવસર, ફરી ક્યારે આવશે ખબર નહિ. કેમ કે, સ્ત્રીનું જીવન આજીવન જવાબદારીઓનાં બોજ તળે દબાયેલું હોય છે. એને બસ, થોડોક સમય હાશકારાનો શ્વાસ લેવાં મળે તોય પૂરતું છે."
"ખરેખર, અદભૂત અનુભવ છે નહિ ? પળભર માટે તો જાણે બધું જ થંભી ગયું."
"બસ, આવા બધાં વિચારોમાં ખોવાઈ જતી ને લોકડાઉનને ગોલ્ડન પીરીયડ સમજીને ભરપૂર માણવાનો પ્રયાસ કરતી. ક્યારેક આ બધામાં ઘણો સમય નીકળી જતો. કોઈને બહાર જવાનું ના હોય એટલે સમય તો સાચવવાનો ના હોય, પણ કામ તો રોજનાં કરતાંયે વધી જાય. એ તો કરવું જ પડે, એમાં કોઈ બેમત નથી. એમ વિચારી રૂટિન પ્રવૃતિમાં પરોવાઈ જતી."