એ કાપ્યો છે - ‘કુદરતની પેચ’
એ કાપ્યો છે - ‘કુદરતની પેચ’


હું પતંગ ચગાવવાનો શોખીન હોવાથી, ઉત્તરાયણ સાથે મારી ઘણી બધી યાદો સંકળાયેલ છે. જ્યારે જ્યારે હું નાના બાળકોને પતંગ ચગાવતો જોવું છું ત્યારે મારી સાથે, હું નાનો હતો ત્યારનો મારો એક પ્રસંગ મને જરુરથી યાદ આવે છે.
ત્યારે હું લગભગ બાર વર્ષનો હોઇશ. ત્યારે અમે મુંબઇ – મલાડ ખાતે રહેતા હતા અને મને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હતો. ત્યારે વસ્તુઓ એટલી આસાનીથી ન મળી જાતી. મારી પાસે પતંગ અને દોરી હતી પણ ફીરકી ન હતી એટલે અમે લચ્છી અને ઢેરાથી કામ ચલાવતા.
મારો પતંગ આકાશમાં મસ્ત ચગ્યો હતો ત્યારે બે ભાઇઓ આવ્યા અને બનેંના હાથમાં દફતર હતા. બનેં ભાઇઓ મને વાતોએ વળગાળ્યા અને પછી એક ભાઇ જે દિશામાં પવન હતો ત્યાં આગળ વધી ગયો. હું મારા પતંગ ચગાવવામાં મસ્ત હતો અને ઢીલ દીધે જાતો હતો. ઢીલ દેતા દેતા, ઓચીંતો મારા હાથમાં દોરનો છેડો આવ્યો અને મારા હાથમાંથી સરી ગયો અને મારો પતંગ, વગર પેચે કપાઇ ગયો. મારું મોઢું જોવા જેવું થઇ ગયું. પલકારામાં મને પુરો ખેલ સમજાઇ ગયો. એ બે ભાઇઓએ મારા પતંગ અને દોરી બનેં નો ખેલ કરી નાખ્યો હતો.
જે ભાઇ મારી સાથે હતો તેણે ચુપકીથી દોરો કાપીને મારો ઢેરો ચોરાવીને ચુપચાપ ત્યાંથી નીકળી ગયો હતો. આ ચીજનો મને ખ્યાલ ન હોતા, જ્યારે મેં ઢીલ આપી ત્યારે દોરનો છેડો મારા હાથમાંથી સરકી ગયો અને વગર પેચે મારો પતંગ કપાઇ ગયો! આ બાજુ, જે બીજો ભાઇ આગળ ચાલી ગયો હતો, તેણે આગળ જઇને મારો કપાયેલ પતંગ લૂંટી લીધો. આમ, બનેં ભાઇઓએ મારી પતંગ અને દોર લૂંટી લીધા અને મને ઉલ્લુ બનાવી ગયા.
પણ કુદરતની પેચ ક્યાં કોઇને સમજાય છે? જે ભાઇ મારી દોર કાપીને ઢેરો ચોરી ગયો હતો તે ઉતાવળ કે ગભરાટમાં પોતાનું દફતર ત્યાં જ ભૂલી ગયો હતો. મેં દફતર જપ્ત કરી લીધું અને જોયું કે ભાઇ આવી રહ્યા હતા દફતર લેવા માટે. અબ આયા ઊંટ પહાડ કે નીચેવાળો તાલ સર્જાયો અને પછી મેં તેમની પાસેથી મારી દોર અને પતંગ બનેં કઢાવી લીધા.
વગર પેચે મારો પતંગ કપાઇ ગયો, કુદરતના પેચમાં સામેવાળો મપાઇ ગયો.