દિવાળી
દિવાળી
આપણી હિન્દુ સનાતન ધર્મની પરંપરા અને સંસ્કૃતિ તહેવાર અને ઉત્સવ પ્રિય છે. આપણા દેશમાં ઘણાં પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. ધાર્મિક,સામાજિક ,રાષ્ટ્રીય વગેરે વગેરે. દિવાળી અને નવરાત્રી એ બંને આપણાં મોટાં તહેવારો છે. વાઘ બારસથી લાભપાંચમ સુધી આપણો આ તહેવાર નવ દિવસનો હોય છે. આપણાં ઋષિમુનિઓ એ બનાવેલા આ તહેવારો અને પરંપરા પાછળ આર્થિક,સામાજિક, ધાર્મિક, વૈજ્ઞાનિક,આયુર્વેદિક, આધ્યાત્મિક ઘણાં બધાં કારણો સમાયેલાં હોય છે.
નવરાત્રી પૂરી થાય એટલે તરત જ લોકો દિવાળીની તૈયારી શરૂ કરી દે છે. તેમાં પોતાનાં ઘરને સાફસૂફ કરી ધોઈધફાવી ચોખ્ખું ચણાક કરી રંગ રોગાન પણ કરતાં હોય છે. જુનો ભંગાર કાઢી નવી વસ્તુની ખરીદી, નવાં કપડાં, સુશોભનની વસ્તુઓ, ફટાકડા, મીઠાઈ વગેરેની ખરીદી માટે બજારમાં ભીડ જોવામાં આવે છે.તો ધનતેરસની સોનાની ખરીદી. થતી હોય છે.તેના લીધે જુદાં જુદાં નાનાં મોટાં વેપારીઓનો ધંધો ચાલે છે.
ઘરમાં ઝીણીથી ઝીણી દરેક બાબતમાં સ્વચ્છતા કરવામાં આવે છે...આમ જોઈએ તો આ સમય ચોમાસું પૂરું થયું હોય અને ઠંડીની શરૂઆત થઈ હોય તેઓ સંધિનો સમય હોવાથી આ સમયમાં માખીઓ, મચ્છરો, ઝીણા ઝીણા ઝેરી જીવ જંતુઓનો ઉપદ્રવ વધારે થયો હોય છે. આ બધી સફાઈથી અને બાકી હોય તે સરસવના તેલના દીવા પ્રગટાવવાથી તેનાં પ્રકાશથી અને છતાં રહી ગયાં હોય તે ફટાકડાના ધુમાડાથી મરી જાય છે.આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આ સમયમાં ખેતરમાં ફસલ પાકીને તૈયાર થઈ ગઈ હોય છે. તેને ઉતારવાની હોય છે. આ અનાજ બાર મહિના સાચવવાનું હોય છે. અનાજ સારું રહે તે માટે તે માટે ઘરનો ખુણો ખાચરો સંપૂર્ણ સાફ કરવો જરૂરી હોય છે.આ સ્વચ્છતાથી આ બધું અનાજ સરસ રીતે સંગ્રહાઈને સચવાય રહે છે.
એ સિવાય એવું પણ કહેવાય છે કે સ્વચ્છતાથી વાસ્તુદેવ પણ પ્રસન્ન થાય છે. આ દિવાળી નિમિત્તે કરવામાં આવતી સફાઈના આવા જ કારણો હોય છે.
દિવાળી વિશે ધાર્મિક રીતે વિચારીએ તો દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધારેલા હતાં. અયોધ્યાવાસીઓએ પોતાની ખુશી વ્યક્ત કરવા ઘરે ઘરે દીવા પ્રગટાવેલા હતાં.એટલા બધાં દીવાઓની હારમાળા કરેલી તેનાં લીધે આ દિવાળીને દિપ અવલી એટલે દિવાઓની પંક્તિ એટલે કે દિપાવલી કહેવામાં આવે છે. આખી અયોધ્યા દિવાઓથી ઝગમગ થઈ રહી હતી. દરેક ઘરે રંગોળી પુરવામાં આવી હતી. એટલે અમાસની રાત હોવા છતાં પૂનમ જેવો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. રંગોળી અને દીવાઓને કારણે વાતાવરણ સકારાત્મક બન્યું હતું...ત્યારથી આ પ્રથા ચાલુ થઈ છે તેવું કહેવાય છે.આ દીવાઓનો પ્રકાશ આપણને સ્વસ્થતા,પવિત્રતા અને સકારાત્મક ઊર્જા પણ આપે છે.
સામાજિક રીતે આ તહેવારની તૈયારીમાં સફાઇ વગેરેમાં અડોશી પાડોશી સહિત બધાં એકબીજાને મદદરૂપ થતાં હોય છે. તો વળી દિવાળીનો નાસ્તો બનાવવામાં એકબીજા એકબીજાને મદદરૂપ થઈ સામાજિક રીતે બધાં હળી મળી ને રહેતાં હોય છે.
બેસતા વર્ષના દિવસે મંદિરે દર્શન કરી પછી દરેક માણસો એકબીજાનાં વડીલોને પગે લાગી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે. ગળે મળે છે. આપણી દિપાવલીની વાઘબારસ તે મૂળ વાકબારસ અને તેમાંથી અપભ્રંશ થઈ વાગબારસ તેમાથી વાઘબારસ થયું છે. વાક્ એટલે વાણીની દેવી મા સરસ્વતીની આ દિવસે પૂજા થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા થાય છે. તો કાળી ચૌદસના દિવસે મહાકાળીની પૂજા થાય છે. સૃષ્ટિની સંચાલક ત્રણેય શક્તિઓની પૂજા કર્યા પછી દિવાળીનાં દિવસે પ્રાર્થના કરવાની કે " તમસો મા જ્યોતિર ગમય " હે! આદિ શક્તિ ,હે ! પરાશક્તિ અમારાં જીવનમાંથી તમસ એટલે કે અંધકારને દૂર કરો. અને પ્રકાશને ફેલાવો. અમારું જીવન પ્રેમ, કરુણા ભક્તિ ,શ્રધ્ધા - વિશ્વાસથી ભરપૂર બની રહે. કામ, ક્રોધ લોભ ,ઈર્ષા ,અહમ વગેરે તમસ રુપી રાક્ષસને દૂર કરો.આવી સામૂહિક પ્રાર્થના કરી...જૂની બધી વાતો ભૂલી આપણાં વિક્રમ સંવતના પ્રથમ દિવસે એકબીજાને નિર્મળ મનથી શુભેચ્છા આપી...નવી શરૂઆત કરવાનો દિવસ એટલે બેસતું વર્ષ. ભાઈબીજના દિવસે ભાઈ બેનના ઘરે જમવા જાય છે. બહેન પણ પ્રેમથી સ્વાદિષ્ટ રસોઈ બનાવી ભાઈને જમાડે છે. ભાઈ પણ યથાશક્તિ બેનને ભેટ આપી આશીર્વાદ લે છે. ત્રીજ અને ચોથના દિવસે હળવું. મળવું.ફરવુ વગેરે મા લોકો પરિવાર સાથે સમય વિતાવે છે.લાભપાચમ ના દિવસે દરેક લોકો પોતાનાં ધંધા-રોજગારનું મુહર્ત કરે છે .ખુશી ખુશી તરોતાજા થઈ વર્ષની શરૂઆત કરે છે.
