Varsha Tanna

Others Classics Inspirational

3  

Varsha Tanna

Others Classics Inspirational

દીવો

દીવો

4 mins
13.9K


એક વખત પવન અને સૂરજ વાતે ચડ્યા અને વાત વાતમાં વાદે ચડ્યા. પવને કહ્યું,‘હું તારા કરતાં વધારે બળવાન. જો હું તને મારું

બળ દેખાડું.’ ધરતી પર નજર કરી તો એક વટેમાર્ગુ કામળો ઓઢીને જતો હતો. પવન તરત જ બોલ્યો ‘આ વ્યક્તિ પરથી હમણાં

કામળાને અળગો કરી દઉં.’ સૂરજે મલકીને કહ્યું ‘પહેલાં તારો વારો....’ પવન જોરથી ફૂંકાવા લાગ્યો. વટેમાર્ગુએ કામળાને પોતાના દેહ

પર વધારે સંકોર્યો. પવને વધારે જોર કર્યુ. પણ વટેમાર્ગુએ કામળાને વધુ જોરથી પકડ્યો. છેલ્લે પવનનું બળ ન ફાવ્યું. હવે સૂરજનો

વારો આવ્યો. તેણે એક હૂંફાળું સ્મિત વેર્યુ. વટેમાર્ગુના ચહેરા પર પણ સ્મિત આવ્યું. અને કામળા પરની પકડ આપોઆપ ઢીલી પડી.

પછી થોડી વધુ ગરમી લાગી. વટેમાર્ગુએ કામળાને સાવ અળગો કરી નાખ્યો.આમ સૂર્ય જીત્યો. સૂર્ય એ આપણો સનાતન દીવો

છે.. દીવો માત્ર પ્રકાશ નથી આપતો પણ આપણને પોતાનાપણાની હૂંફ પણ આપે છે.


રામજી રાવણને હરાવી સીતા અને લક્ષ્મણ સહિત અયોધ્યા પધાર્યા ત્યારે અમાસની રાત હતી. આ અમાસની રાતમાં દીવા પ્રગટાવી

અજવાળું કર્યુ. રામજીનો સત્કાર કર્યો. આ સાથે તેઓએ પોતાના મનને આવતીકાલ માટે પ્રકાશિત કર્યું. હવે અંધારું, દુ:ખ પૂરું થયું છે

તો પ્રકાશ ફેલાવી સુખનો આવિર્ભાવ કરે છે.


આમ જોઈએ તો દીવો એટલે મુઠ્ઠીભર અજવાળું. આ દીવો જ્યાં પ્રગટે ત્યાં અંધારાને આઘું ધકેલી દે છે. અને પોતે મલક્યા કરે

છે.. કોઈ તેની સામે જુએ કે ન જુએ. આમ જોઈએ તો નાનકડો પણ દીવો સૌને પોતાના બનાવી લે છે. દીવો ચેતન જગાડવાનું કામ

કરે છે. ક્યાંક ભૂલા પડ્યા હોઈએ ત્યારે આ ટચૂકડો દીવો આશાનું માત્ર કિરણ જ નહીં પણ આખું મેઘધનુ બની જાય છે. ‘આ દીવો છે

તો વસ્તી છે... કોણ હશે... કેવું? સારું કે ખરાબ? હવે ચોક્ક્સ રસ્તો નીકળશે..’ આમ દીવો ત્યારે દીવાદાંડી બની જાય છે.

મંદિરનો દીવો એટલે આપણી શ્રધ્ધાનો આધાર. મંદિરમાં જઈ તેના દીવાને જોઈએ તો મન આમ જ પવિત્રતાના પાઠ ગણવા લાગે.

મંદિરનો દીવો માનવીની શ્રધ્ધાનો સેતુ છે. દીવો એ લાભ શુભનું સાતત્ય છે. દીવો અંધારાને દૂર કરવાનો મળેલો જાદુઈ ચિરાગ છે.

આ નાનકડું અજવાળું પથદર્શક બને છે. અને ચિતદર્શક પણ છે. નદીમાં વહેતો મૂકેલો દીવો આપણાથી ભલે દૂર જાય પણ

આપણા મનમાં પવિત્રતાનો સ્ત્રોત આપોઆપ બની જાય છે.


આપણે ત્યાં વીજળીના દીવા તો મોડા આવ્યા. તે પહેલાં દીવાએ વાંચી પોતાનું જીવન અને સમાજમાં અજવાળું ફેલાવનારાના

ઉદાહરણ અસંખ્ય છે. આતમનું અજવાળું પ્રગટાવવામાં આ ટચૂકડા દીવાનો હાથ ઝાલીએ તો સકલ સમાજનું કલ્યાણ થઈ જાય.

આમ દીવો આશા... પ્રતીક્ષા... પ્રેમ અને કલ્યાણનું પ્રતિક છે.


Rate this content
Log in