STORYMIRROR

Varsha Tanna

Others

4  

Varsha Tanna

Others

જન્મદિવસ

જન્મદિવસ

7 mins
28.1K


‘જો આજે અનુપ બાબાનો હેપી બર્થડે છે. તો આજે તેનો ફોન ચોક્કસ આવશે.’ રંજનાએ મોહનને કહ્યું.

‘આજે અનુપ બાબાનો હેપી બર્થડે છે? ઇ ક્યારે આવવાના છે?’ મોહને ફરનીચર લૂછતાં કહ્યું

‘હા થોડા દિવસમાં આવશે પછી આપણે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરીશું.’ આમ બોલી રંજનાએ ફોન પર વાત કરતાં પોતાનો આખા દિવસનો કાર્યક્રમ નક્કી કરી નાખ્યો. હજુ મોહન ત્યાં જ ઊભો હતો. એટલે રંજના બોલી ‘હવે શું છે?’ ‘ભાભી આજે દાદાજીનો પણ બર્થડે છે ને?’ મોહન ધીમેથી બોલ્યો. ‘તો એનું શું? પગ કબરમાં લટકતો હોય ને જન્મ દિવસ થોડો સેલિબ્રેટ થાય?. ચાલો સહુ કામે લાગો.’ આમ બોલી રંજના તૈયાર થવા પોતાના રૂમમાં જતી રહી.

માણેકલાલે રંજનાના છેલ્લા શબ્દો સાંભળ્યા. તેના હાથમાંનો કપ પડતો બચાવી લીધો પણ ચાને ધ્રુજતી ન બચાવી શક્યા. ચામાં રંજનાના શબ્દોની દવા આવી ગઈ હતી એટલે ચા કડવી થઈ ગઈ હતી. આમ પણ નાનપણથી તેને દવા પીવી ગમતી ન હતી. નાના હતા ત્યારે એટલે ક્યારે? વિચારતા માણેકલાલ અતીતમાં સરી ગયા. જ્યારે અનુપનો જન્મ થયો ત્યારે તરત જ મયંક બોલ્યો હતો ‘ અરે, આપણે કેટલા નસીબદાર છીએ દાદા અને પૌત્રનો જન્મદિવસ એક જ દિવસે. પપ્પા યશ ખૂબ જ લક્કી છે.’ રેવતી પણ બોલી ‘હા, દાદા દીકરાનો જન્મદિવસ એક જ દિવસે હોય તેવું જવલ્લે જ બને છે.’ અને સાસુની વાતને ટેકો આપતાં રંજના બોલી ‘મમ્મી આપણું ફેમીલી છે જ યુનિક. બધું સારું અને ગ્રેટ જ થાય.’ બસ, આ ખુશખુશાલ જીવનમાં રેવતીના ગયા પછી ઓટ આવવા લાગી. પછી અનુપ હોસ્ટેલમાં આગળ અભ્યાસ માટે ગયો.

જ્યારે તે આવતો ત્યારે તેના મિત્રો તેની પાર્ટીઓ પિકનિક આ બધામાં સમય દોડતો ત્યારે માણેકલાલને તેની ઉંમર વર્તાતી. ‘તમારી ચા હજુ નથી પીધી.’ મોહને માણેકલાલને વર્તમાનમાં ખેંચ્યા. ‘ના નથી પીવી.’

માણેકલાલે થોડા રીસાયેલ સ્વરમાં કહ્યું. અને ત્યાંથી નીકળી ગયા.

‘સર, હું તમારા બુટને પોલિશ કરી દઊં’ એક લગભગ બાર તેર વરસનો છોકરો બોલ્યો..માણેકલાલે નીચે જોયું. મોટી અને ભૂરી આંખોવાળો એક છોકરો તેને પૂછી રહ્યો હતો. માણેકલાલે પગ તરફ નજર નાખી. ‘તેણે ક્યાં બુટ પહેર્યા હતા?’ આ છોકરાને કેમ સમજણ પડતી નથી મારી પાસે બુટ નથી તો પાલિશનું કેમ પૂછવાનું?’ માણેકલાલ મનોમન બોલ્યા. ‘હું તમારા બુટને સરસ મજાના ચમકાવી દઈશ.’ ફરી વખત પેલો છોકરો બોલ્યો. ‘તને દેખાય છે મે બુટ નહીં ચપ્પલ પહેર્યાછે.’ માણેકલાલે જરા ઉંચા અવાજે પેલા છોકરાને કહ્યું ‘સર, તમે ભલે ચપ્પલ પહેર્યા પણ તમારા ચપ્પલને પણ હું પાલિશ કરી બુટ જેવા ચમકાવી દઈશ.’ છોકરાએ કહ્યું

‘ના.’ માણેકલાલે એકાક્ષરી જવાબ આપતાં માથું ધુણાવ્યું.

‘સર, તમે ચપ્પલને પાલિશ કરાવો ને. મારે પૈસાની જરૂર છે. મારે ફી ભરવા માટે હવે થોડા પૈસા ખૂટે છે. તમે પાલિશ કરાવશો તો મારી ફીના પૈસા ભેગા થશે.’ પેલા છોકરાએ આજીજી કરતાં કહ્યું.

હવે માણેકલાલના ચહેરા પર મુંઝવણના ભાવ આવી ગયા. થોડો વિચાર કરીને તેણે ખિસ્સામાં હાથ નાખી કહ્યું ‘ચલ, લે કર પાલિશ. જોજે બરાબર ચમકાવજે.’

પેલા છોકરાએ ચપ્પલને એવા ચમકાવ્યા કે માણેકલાલ બધું ભૂલી ગયા. તેણે પેલા છોકરાને પૂછ્યું ‘તારું નામ શું છે?’ ‘સર, રસ્તે રખડતા છોકરાનું નામ રાજુ સિવાય બીજુ શું હોય?’ છોકરાએ કહ્યું ‘સરસ નામ છે રાજુ, તને નથી ગમતું?’ માણેકલાલે વાત આગળ વધારતાં કહ્યું. હવે તે બાજુના બાંકડા પર બેઠાં. આમ પણ તેને શું કરવું તેની ખબર ન હતી એટલે આ રાજુ સાથે ગપ્પા મારી ટાઇમપાસ કરવાનું કંઇ ખોટું નથી તેમ વિચાર કરી તેણે રાજુ સાથે વાત માંડી

‘તારા માબાપ ક્યાં છે? ‘ માણેકલાલે રાજુને પૂછ્યું.

‘મા તો ક્યારનીયે મરી ગઈ. અને બાપુ દારૂ પીને ક્યાંક પડ્યો હશે.’ રાજુએ સાવ સામાન્ય વાત કરતો હોય તેમ કહ્યું. તેના શબ્દો તો સામાન્ય હતા પણ તેના પોલિશ કરતાં બ્રશનો અવાજ ખૂબ જોરથી આવ્યો. તેનાં બુટ વગરના હાથનું બ્રશ જોરથી જમીન સાથે અથડાયું. અવાજ આવ્યો પણ ટ્રૈનના અવાજમાં અને લોકોના કોલાહલમાં માણેકલાલ સિવાય આ ખખડાટ કોઇએ સાંભળ્યો નહીં.

‘તું ક્યાં રહે છે?’ માણેકલાલે તેને બીજો સવાલ પૂછ્યો.

’તમે બેઠાં છો ત્યાં.’ રાજુએ સહજતાથી જવાબ આપ્યો.

‘અહીં?’ માણેકલાલે તેને આશ્ચર્યથી પૂછ્યું.

‘જો અહીં રાજા ન સૂવે તો હું અહીં સૂઈ જાઉં છું. અને રાજા અહીં સૂવે તો મારી જગ્યા ત્યાં.આ અમારી વચ્ચે વણલખ્યો કરાર છે.’ રાજુએ કહ્યું.

‘રાજા? કોણ રાજા?’ માણેકલાલે આજુબાજુ જોતાં પૂછ્યું

‘આ જો સામેથી પૂછડી પટપટાવતો આવે.’ રાજુએ સામેથી આવતાં કૂતરા તરફ આંગળી ચીંધતા કહ્યું

માણેકલાલના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એટલામાં કોઇ બુટ પાલિશ કરાવવા આવ્યું એટલે રાજુ કામે લાગ્યો અને માણેકલાલ ઘર તરફ રવાના થયા.

માણેકલાલ ઘરેથી નીકળ્યા ત્યારે મનનો ભાર એટલો હતો કે પગ રસ્તાનું માપ લેતાં હતાં અને ચપ્પલ કઠતાં હતાં, પગ કરતાં મનમાં. પણ ઘરે પાછા ફરતાં તે થોડા હળવા થયા હોય તેમ લાગતું હતું. પોતે ઘરેથી નીકળ્યા ત્યારે પોતાની જાતથી ભાગતાં હોય તેવું લાગતું હતું. પણ રાજુને મળ્યા પછી તેને જાતને ફરીથી મળ્યા હોય તેમ લાગ્યું.

‘હું અહીં બેસું ને?’ માણેકલાલે રાજુને પૂછ્યું

‘અરે સર, એ ક્યાં મારી જગ્યા છે?’ રાજુએ કહ્યું. ‘અહીં તો આખું લોક આવીને બેસે છે.આપણી મુંબઈમાં તો લોકલમાં રિઝર્વેશન થતું નથી તો આ તો સ્ટેશનનો બાંકડો છે.; રાજુએ પોતાની વાત પૂરી કરી.

‘કેમ, તે જ તો કહ્યું હતું કે તું અહીં સૂવે છે.’ માણેકલાલે કહ્યું

‘ઇ’તો પોલીસ નો આવે ત્યાં સુધી. ને પોલીસનું પેટભરો ત્યાં સુધી. નહીં તો જગ્યા નહીં એક દંડો પડે.’ રાજુએ ફોડ પાડતાં કહ્યું. ‘તો તારો સામાન તારી સ્કુલ બેગ?’ માણેકલાલે રાજુને પૂછ્યું

સામે ચાવાળાની દુકાન દેખાડી રાજુએ કહ્યું ‘સર, આ બહુ સારા માણસ છે.’

‘તું મને સર કેમ કહે છે? તારે તો બુટ પોલિશનું કામ પણ છે હું તો સાવ નકામો માણસ છું’ માણેકલાલે કંઇક અથરા સ્વરમાં કહ્યું.

‘હું તમને દાદુ કહું. મારે તો બાપને બાપ કહેવાના નથી. આખો દિવસ પીધેલ માણસ ઢોરની જેમ રખડ્યા કરે છે. તેને દીકરો કોને કહેવાય તેની તેને ખબર નથી આ તો ભગવાને આપેલો સબંધ છે પણ તેના કરતાં આ ચાવાળા કાકાનો સબંધ વિશેષ છે,’ રાજુ થોડા ગળગળા અવાજે બોલ્યો.

આમ વાત ચાલતી હતી અને રાજુનું બુટ પોલિશનું કામ ચાલતું હતું ત્યાં માણેકલાલ પાઉંવડા લઈ આવ્યા અને રાજુને આપતાં બોલ્યા

‘ચાલ આપણે આજે આપણા સબંધને નામ આપ્યું તેના માટે આજે મારા તરફથી પાર્ટી.’ પાઉવડાની પાર્ટી પૂરી થયા પછી માણેકલાલ જવા માટે ઊભા થયા. અને જતાં જતાં બોલ્યા ‘તને હોમવર્કમાં કંઇ તકલીફ હોય તો મને કહેજે. આપણે સાથે મળીને સોલ કરીશું.’ બસ, પછી માણેકલાલ રાજુના દાદા બની ગયા અને રાજુ દાદાનો વહાલસોયો દીકરો. હવે માણેકલાલ રાજુ માટે ખાવાની કંઇ ને કંઇ વસ્તુ લઈ આવતાં. તો રાજુ પોતાની અને આખા દિવસની રોજિંદી વાતો કરતો અને માણેકલાલ તેને ગીતાના પાઠની જેમ સાંભળતા. આમ ક્યારેક તેનો સબંધ દાદા દીકરાનો તો કોઇ વખત કૃષ્ણ સુદામા અને કોઇવખત કૃષ્ણ અર્જુનનો બની જતાં. પણ આ સબંધ વહેણમાં બન્ને તણાંતા હતાં અને આ તાણ બન્નેને એકબીજાથી વધુ નજીક લાવતું હતું. એક દિવસ માણેકલાલે રાજુને પૂછ્યું ‘તારો જન્મ દિવસ ક્યારે છે?’ ‘અરે, જેનો જન્મ થયો છે તે જોવાની કોઇને પડી ન હોય તેનો જન્મ દિવસ કોણ નોંધે.’ રાજુએ જવાબ આપ્યો. પછી તરતજ પૂછ્યું ‘દાદુ તમારો જન્મ દિવસ ક્યારે છે? તમારા જન્મદિવસે આપણે કેક ખાશું. મને કેક ખૂબ ભાવે હો કે.’ રાજુએ લાડમાં કહ્યું. ‘અરે, દીકરા આમારા જમાનામાં ક્યાં કોઇ યાદ રાખતું ને કેવો જનમ દિવસ ને કેવી વાત.’ આટલું બોલી

માણેકલાલ ઝડપથી ત્યાંથી નીકળી ગયા.

આજે રાજુ ખૂબ જ ખુશ હતો. આજે તેને પહેલું ઇનામ મળ્યું હતું તે પણ કવિતા બોલવામાં. આ કવિતા તેને તેના દાદુએ શીખવી હતી. તેને પોતાને મળેલ મેડલ દેખાડવો હતો. પણ ઓચિંતા દાદુ રાજુને મળવાનો નિયમ ચૂક્યા. આજે રાજુનું પોલિશ ચમકતું ન હતું. તેની નજર ઘડી ઘડી સામે જતી હતી તો ક્યારેક બાંકડા પર જોઇ લેતો હતો. પણ ખાલીપામાં મેડલ મળવાની ખુશી ક્યાંક ખોવાઇ ગઈ હતી. તેને ખબર ન હતી કે દાદુ ક્યાં રહે છે? તેને ભણવામાં મદદ જોઇતી હોય તો દાદુ, તેને મધ મીઠી જલેબી ખાવી હોય તો દાદુ, પાઉંવડાની જ્યાફત તો લગભગ રોજ જ અને વાતોની વણઝાર માટે તો દાદુ જ. જે રસથી તે વાત સાંભળે અને જે રસથી રાજુ તેને વાત કહે જાણે એક ડાયરો જામ્યો. પણ હવે માત્ર અશાંતિ અશાંતિ એકલતાની.

રાજુએ પૂછી પૂછી અને દાદુનું ઘર શોધ્યું. દાદુ તો એકલા જ હતા. હા, નોકર ચાકર હતા. તેને પગમાં વાગી ગયું હતું. એટલે રાજુ અને દાદુની જુગલબંધી તૂટી હતી. પગમાં ફ્રેક્ચરથયું હતું છતાં દાદુ રાજુને જોઇને ઊભાં થઈ ગયા. રાજુ પણ દાદુને ભેટી પડ્યો ‘દાદુ તમે કેમ નથી આવતાં? મને તમારી વગર જરા પણ નથી ગમતું. દાદુ આઇ મિસ યુ. દાદા મને તમે કવિતા શીખવી હતી ને તેમાં મને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું છે. જૂઓ મારી પ્રાઇઝ.’ રાજુ એક શ્વાસે બોલી ગયો અને જલદીથી પોતાનો મેડલ દેખાડ્યો અને ગાવા લાગ્યો

‘ભોમિયા વિનાના મારે ભમવા’તા ડુંગરા.’ માણેકલાલે તેને ચૂમી લીધો. એટલામાં અનુપ રંજના અને મયંક દાખલ થયા. તેમને જોઇ માણેકલાલે તેઓને કહ્યું ‘આ રાજુ છે.’ તેને વધારે ઓળખાણ આપવાનું ટાળ્યું ‘આ રાજુ છે’ તમ સાંભળ્યા પછી પણ બધાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિંન્હ હતું. રાજુ બે પળ કશું બોલ્યો નહીં. પણ ફરી પોતાના રંગમાં આવીને વાતો કરવા લાગ્યો. તેણે માણેકલાલને કહ્યું ‘ દાદુ એક સરપ્રાઈઝ છે તમારા માટે.’ માણેકલાલે પણ એજ રંગમાં રંગ ભરતાં કહ્યું ‘સરપ્રાઈઝ? જલદી બોલ..’ ‘દાદુ જોયું ને તમે ભૂલી ગયા છો પણ મને બરાબર યાદ છે. રાજુ બોલ્યો. ‘આજે મારો અને તમારો જન્મ દિવસ છે. બોલો કેવીરીતે?’

‘મારો જન્મદિવસ તને યા......દ......’ ‘અરે દાદુ તમે ભૂલી ગયા ને આ જ દિવસે આ જ તારીખે આપણે મળ્યા હતા. અને તે દિવસથી તમે મારા દાદુ થયા અને હું તમારો દીકરો. બરાબરા ને? આ આપણો નવો સબંધ અને નવો જનમ કહેવાય ને? જૂઓ હું કેક પણ લઈ આવ્યો છું. આપણે બન્ને મળીને કેક કાપીને જન્મદિવસ ઊજવીએ.’ આમ બોલી રાજુએ એક બોક્સમાંથી કેક કાઢી અને લાવેલી છરીથી દાદુનો હાથ પકડી કેક કાપીને માણેકલાલના મોંઢામાં મૂકી. માણેકલાલના મોં સાથે ખારા આંસુ પણ ગળ્યા થઈ ગયા.

અને અનુપ રંજના અને મયંકના પગ ત્યાં જ જડાઇ ગયા.


Rate this content
Log in