પારિજાત…….
પારિજાત…….
‘તમને સૌથી વધારે શું ગમે?’ જાણે કોયલનો ટહુકો અને જાણે આમ્ર મંજરી ખીલી હોય તેવો ચહેરો લિપિનો થઈ ગયો.આજ સુધી કોઈએ આવું પૂછ્યું છે? ફરીથી એ જ સવાલ.
‘તમને સૌથી વધું શું ગમે?’ ફોન પરનો અવાજ વધું મનગમતો થયો.
લિપિએ સાકેતને જોયો નથી પણ ખબર નહીં સાકેત માટે મન ના ,પ્રેમ જ થઈ ગયો હતો. હવે આ ઉંમરે! કોઈ સાંભળે તો પણ કેવું લાગે? લિપિનો હાથ માથા પર ફરવા લાગ્યો. આ ફરતાં હાથને ફરી સાકેતના અવાજે રોક્યો. ફરી એ જ સવાલ. ‘મને શું ગમે? લિપિ વિચાર કરતાં બોલી
‘અરે, આટલો બધો વિચાર કરવો પડે છે! કંઈક એવું બોલજો કે હું તમારા માટે લાવી શકું. બાકી મને ફિલ્મીવેડાં નથી ગમતા કે તારા માટે હું આકાશના તારા તોડી લઈ આવીશ.આપણે પરગ્રહ વાસી પણ નથી.’ આટલું બોલી સાકેત રોજની જેમ જોરથી હસ્યો.
‘ફિલ્મીવેડાં નથી ગમતાં તો લાવવાની જીદ શું કામ કરે છે. તને ખબર છે કે મને પણ આવું બધું નથી ગમતું. સાચું કહું ? તે મારા માટે આટલો વિચાર કર્યો એ જ મારા માટે મોટી વાત છે.’ આટલું બોલતા બોલતા લિપિના ગળામાં કશુંક અટવાયું. તે સાવ ચૂપ થઈ ગઇ. અને બે પળ માટે સાકેત પણ. સાકેત ફોન મૂકતાં બોલ્યો ‘ઓકે, તો નાઉ નો ફોન નો મેસેજ હવે આપણે સીધા મળીએ છીએ.’
લિપિએ ફોન હાથમાં પકડી રાખ્યો. જરા હોઠ પાસે લઈ ગઈ. ચૂમ્યો નહીં પણ માત્ર હોઠથી સ્પર્શ કર્યો. આ સમયે કશી ન સમજાય એવી લાગણી થઈ. જાણે એક અજાણ્યો છતાં મનગમતો સ્પર્શ.કોયલનો મૌન ટહુકો! કેટલા વરસ થયા? અત્યારે પોતાને પણ સત્તાવન વરસ થઈ છે. સત્તાવન તો હવે પૂરાં થશે. ના, હજુ થોડા મહિના બાકી છે. લગ્નને પણ પચ્ચીસ વરસ અને વિધવા થયે બે વરસ. તે અરીસા સામે આવી ફોન તેનાં હાથમાં જ હતો. પણ આ ફોન અત્યારે તેને એક ટેકો હતો.એક હૂંફ હતી. આટઆટલાં વરસોની તરસ આટઆટલા વરસોની પ્રતીક્ષા એક ફોનનો અવાજ હૂંફ આપતો.
લિપિ આયના સામે ઊભી હતી. આંખો સજળ બની!ના, એ તો એમ જ કંઈક છલકાયું!પણ બીજી જ પળે તેણે આંખો પટપટાવી. આટલા વરસોથી જેની પ્રતીક્ષા હતી.જે વેદના હૈયામાં સંઘરી રાખી હતી તે વેદનાની વરાળને આકાશ મળશે.ના સાકેત પણ આવશે મારા ચહેરાંને જોઈ ભાગી જશે ના, ભાગી તો નહીં જાય હું જેટલું તેને ઓળખું છું તે પ્રમાણે તે મળવાનું ઓછું કરી નાખશે. સાકેતનો સ્વભાવ ‘તડ અને ફડ’ નથી. રજતની જેમ. રજતનો એક્સીડન્ટ થયે લગભગ બે વરસ થવા આવ્યા. રજત હતો તો પણ તેને ક્યાં બહુ ફરક પડતો હતો. રજત તેની રીતે જીવતો અને પોતે? પોતે જીવતી હતી? હા, ખાતી હતી પીતી હતી….શ્ર્વાસ લેતી એક દીકરીની મા પણ હતી. પોતે જીવિત હતી એ માટે આનાથી બીજી સાબિતિ શું હોઈ શકે! આપણે બીજા માટે જીવીએ છીએ તેના માટે આ બધું સારું કહેવાય. પણ પોતાની જાતનું શું?
તેણે ખાલીપા સાથે દોસ્તી કરી લીધી હતી. એક દિવસ તેણે તેના સાસુ વીણાબહેનને કહ્યું ‘મમ્મીજી અહીંબાગ બગીચા બહુ નથી કેમ?’ વીણાબહેન થોડીવાર તેની સામે જોઈ રહ્યા. પછી હસવા લાગ્યા અને બોલ્યા ‘આ મુંબઈ છે સીમેન્ટનું જંગલ છે. અહીં કચરાં ઊગે ફૂલઝાડ નહીં.’ તરત જ રજત આવ્યો નહાયા ધોયા વગર. ‘મને બહુ ભૂખ લાગી છે.’ આવીને સીધો ટેબલ પર બેઠો. લિપિ બટાટા પૌવા લઈ આવી. એક ચમચી પૌવા મોંમાં મૂક્યા અને જોરથી પૌવાની પ્લેટનો જોરથી ઘા કર્યો. ‘હું માણસ છું ઢોર નથી. આવું તો ઢોર પણ ન ખાય.’ રજત ઊભો થઈ ગયો અને ત્યાંથી નીકળી ગયો. હવે લિપિની આંખમાં આસુ આવતા ન હતા. તે બોલી ‘સીમેન્ટના જંગલની કણી ખર્યા કરે તેનો કચરો ઉકરડો જ થાય ખાતર નહીં તો પછી ફૂલ ઝાડ કેવીરીતે ઉગે,’
જ્યારથી સાકેત મળ્યો છે. તેણે તેને જોયો પણ નથી તો પછી મળ્યો? મળવાનું શબ્દ કેટલો છેતરામણો લાગે છે. રજત મળ્યો હતો. તેની સાથે તેના લગ્ન થયા હતા. એક દીકરી હતી. તો રજત તેને મળ્યો હતો .એ તેનો હતો?તે પોતે? લગ્ન થયા ત્યારે પોતે તો રજત પર ઓળઘોળ હતી.અને રજત?
રજતે તો લિપિના પપ્પાના પૈસા માટે લગ્ન કર્યા હતા. પોતે બહુ દેખાવડી ન હતી જ્યારે રજત જાણે ફિલ્મનો હિરો. તેણે રજત જોવા આવ્યા ત્યારે પૂછ્યું પણ હતુ ‘તમે ખૂબ સરસ અને દેખાવડા છો. વળી મુંબઈ રહો છો. સુખી પણ છો. તમને મારા કરતાં સારી છોકરી મળી શકે. તો પછી તમે મને? વાત પૂરી કરવા પણ ન દીધી અને રજતે બહુ ઠાવકાઈથી કહ્યું હતું ‘હું રૂપ કરતાં ગુણ સંસ્કારને વધું માનું છું. તમે સુંદર છો’
બસ પછી સમય વહી ગયો સાથે શબ્દો પણ હવા સાથે ક્યાંય ઉડી ગયા. મુંબઈ આવ્યા. લિપિની ખૂબ ઈચ્છા હતી કે બંગલાના પરસાળમાં વાવેલા પારિજાતના ઝાડને પોતાની સાથે મુંબઈ લઈ જાય. પણ રજતે માત્ર એટલું જ બોલ્યો ‘મુંબઈમાં આપણે ફ્લેટમાં રહીએ છીએ ત્યાં પારિજાતને વાવી શકાય નહીં.’ લિપિ આ સાંભળી કરમાઈ ગઈ.
લિપિ મુંબઈ પોતાની સાથે કરમાઈ ગયેલા પારિજાતના મઘમઘતા ફૂલની પોટલી લઈને આવી હતી. તેના મનમાં હતું કે લગ્નની પહેલી રાત્રે આ પારિજાતના ફૂલથી પોતાની જિંદગી પોતાની રાતને મઘમઘાવશે.
પણ સૂરજ હવે રાતનો અંધારની ઘડી વાળીને કબાટમાં મૂકવાની તૈયારી કરતો હતો ત્યારે રજત આવ્યોનહીં પણ તેને ઉંચકીને તેના મિત્રો તેને ઘરે પહોંચાડી ગયા.પારિજાતના ફૂલ કરમાયેલા તો હતા જ પણ હવે તે સડી ગયા હોય તેમ લિપિએ પોતાની સાડી નાક ઉપર રાખી દીધી. આમ પારિજાતનો મઘમઘાટ છૂટી ગયો. ધીમે ધીમે લિપિને ખબર પડી ગઈ કે રજતે તેની સાથે લગ્ન માત્ર તેના પપ્પાના પૈસા માટે જ લગ્ન કર્યા છે. સંસ્કાર અને ગુણ એ બધું તો માવઠું હતું જેણે પોતાની જિંદગી બગાડી. દીકરીના સુખ માટે રજતને પપ્પા નાના મોટા પ્રસંગે પૈસા આપતાં. પણ રજત મોટાભાગે તેને દારૂમાં પી જતો. હવે લિપિએ તેના પપ્પાને પૈસા આપવાની ના પાડી દીધી.
પૈસા મળતાં સાવ બંધ તો થયા ન હતા પણ ઓછાં થઈ ગયા હતા. આ પૈસાનો અવકાશ ગુસ્સો ગાળોથીભરાતો હતો. લિપિએ હવે પોતાના મોંઢા સાથે કાન અને નાક પણ બંધ કરી દીધા હતા. માત્ર પોતાની દીકરી ઝલકના ઉછેરમાં મન પરોવી દીધું હતું.
લિપિએ દીકરી ઝલકને અમેરિકા ભણવા મોકલી દીધી. થોડાં સમય પછી દારૂનો રાક્ષસ રજતને ખાઈ ગયો. લિપિ હવે આખા ફ્લેટમાં એકલી જ રહેતી. તેણે હવે પપ્પાની ગેરહાજરીમાં પપ્પાની ઓફિસનું કામ કરવા લાગી હતી. આમ તે સારી રીતે રહી શકતી હતી. અને સમય પણ સારીરીતે પસાર કરી શકતી હતી. તેણે ફ્લેટની નાની બાલકનીમાં થોડાં ફૂલઝાડ વાવ્યા હતા. તે રોજ તેની સાથે વાતો કરતી. આજ સુધી મૌન રહી હતી ગુંગળાયેલી રહી હતી. હવે ગુલાબના ફૂલની ડાળ તેની સહેલી બની ગઈ હતી. આ ફૂલે તો હવે લિપિના ગાલને પોતાનો રંગ પણ ઉધાર આપ્યો હોય તેમ ગાલ થોડા ગુલાબી થયા હતા. તેની આંખો તો બોલકી હતી જ પણ હવે તે ગુલાબના ફૂલની પાંખડી પરની ઝાંકળના બુંદની જેમ ચમકવા લાગી હતી. તે ગુલાબના ફૂલો સાથે વાત કરતી. મોગરાંના ફૂલને વહાલ કરતી અને ઝલક સાથે સ્કાયપી કે ફોનથી વાત કરી દિવસ પસાર કરતી. ફેઈસ બુક પણ હવે તેનું ફ્રેન્ડ બની ગયું હતું. આમ હવે રોજ સૂરજ ઉગતો હતો.ઝાંકળભીની સવાર લિપિના મનને ભીનાશ અર્પતી હતી. હવે શબ્દોનું પોલ્યુશન દૂર થઈ ગયું હતું
એટલે રૂપ જેવું કંઈક તેના ચહેરાં પર ચમકવા લાગ્યું હતું.કેટલીયે વખત તેને ફેઈસબુક પર સાવ અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ મળતી હતી. તેમાં એક સાકેત પણ હતો. તેણેસાકેતનું પ્રોફાઈલ ચેક કર્યુ તો તેણે મૂક્યું હતું ‘પારિજાત પાથરીને રૂકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂરતી ચમેલી’. આ વાંચતા જ લિપિને પારીજાતની સુગંધ વીટળાઈ ગઈ. મમ્મીના ઘરે બારીમાંથી દેખાતું પારિજાતનું ઝાડ, રોજ સવારે આવી ટહુકો કરીને જગાડતું હતું.તેના ફૂલની કેસરવર્ણી દાંડી સફેદ પાંખડીને જાણે તિલક કરતી હોય તેવું લાગતું હતું. લિપિ રોજ રાત્રે પોતાનો એક દુપટ્ટો પાથરી દેતી અને સવારે બધા ફૂલ ભેગા કરી લેતી. તેમાંથી થોડાક ફૂલની મમ્મીના ઠાકોરજી માટે માળા બનાવતી તો થોડાં પોતાના માટે રાખતી. રાત્રે સૂતી વખતે પણ આ પારિજાતની પોટલી બાજુમાં રાખી સૂતી. મમ્મી હસતી છતાં પારિજાત જાણે તેની સૌથી પ્રિય સખી. પારિજાત...આમ બોલતાં જ જાણે તેને સુગંધ વીંટળાઈ વળી. તેણે સાકેતની રિકવેસ્ટ કનફર્મ કરી અને પંકતિને લાઈક કરી. બસ, પછી તો સાકેત જ્યારે પણ કશું નવું મૂકે ત્યારે લિપિ માત્ર વાંચતી જ નહીં પણ અનુભવતી. પછી તો આ સબંધ લાઈક્સમાંથી ચેટના રસ્તે આગળ વધ્યો. ફોન નંબરની આપલે થઈ અને વ્હોટ્સપથી વાત થતી. એક વખત રાત્રે મોબાઈલ પર મેસેજ ક્લીક થયો. ‘હું ફોન કરી શકું?’ અને લિપિએ જ નંબર જોડી જવાબ આપ્યો. રાત ટૂંકી થઈ. સાકેતનો દિવસ ઓફિસમાં જ પૂરો થતો હોવાથી હવે રાત્રે જ મોટાભાગે બન્ને સાથે મળી તારાં ગણતાં. લિપિની એકલતાના કાંટાં હવે ગોળ બન્યા હતા. તેના પર હવે તે વાતોના તોરણ બાંધી શકતી હતી. એક દિવસ સાકેતે ફોનમાં વાત કરતાં કરતાં પૂછ્યુ ‘તમે કેમ ફેઇસ બુક પર કે વ્હોટસપ પર તમારો એકપણ ફોટો શેર નથી કરતા.’ ‘મારો ફોટો?’ લાંબા આશ્ર્ચર્ય સાથે લિપિએ પૂછ્યુ.
‘..!....?....! તમે પહેલી એવી સ્ત્રી છો કે જે ફોટો મોં પહોળું કરીને બોલે છે. બાકી છોકરાના ગોળ હોઠ એટલે કે સીટી અને છોકરીના ફોટા તો તેઓ માટે બત્રીસ જાતના ભોજન અને તેત્રીસ જાતના પકવાન કરતાં મીઠાં લાગે છે. અને તેમાં પણ સેલ્ફી તો ખાસ.’ રજતે ટાઈપ કર્યુ.
‘તમે ખાવાના ખૂબ શોખીન લાગો છો નહીં?’ લિપિએ વાત બદલી
‘હા, તમારી જેમ માત્ર ફૂલોની સુગંધથી પેટ નથી ભરતો. તમને ફૂલ ખૂબ ગમે છે ને?’ સાકેતે વાત પકડી લીધી.
‘તમને કેવીરીતે ખબર પડી?’ ફરી લાંબુ આશ્ર્ચર્ય લિપિને ઘેરી વળ્યું.
‘તમારી દરેક કવિતા વાત દરેકમાં ફૂલનો સ્પર્શ હોય છે સુગંધ હોય છે.’ રજત બોલ્યો અને પછી ગાવા લાગ્યો ‘પારિજાત પાથરીને રૂકમણીજી બેઠાંને રાધિકા તો ઝૂરતી ચમેલી.’આ તો આપણા પરિચયનો સેતુ છે.’
‘તમને પારિજાતના ફૂલ ગમે છે તેની સુગંધ? લિપિએ જલદીથી પૂછી લીધું.
‘સાચું કહું પણ મારી આજુબાજુ સીગરેટની વાસ વીટળયેલી હોય છે તો પારિજાતની સુગંધની મને કેવીરીતે ખબર પડે? રજતે જવાબ આપ્યો.
‘તું તમે સીગારેટ પીવો છો?’ લિપિના અવાજની સુગંધ ઓલવાઈ ગઈ.
‘હા,એકલતાં માણસને બધુ શીખવી દે છે.’ રજતે જવાબ આપ્યો.
‘તમે તો આટલું સરસ વાંચો છો કામ પણ સારું જ છે તો પછી એકલતા?’ લિપિ સ્વગત વાત કરતી હોય
તેમ બોલી.
‘આ બધું તો ધીમે ધીમે થયું સહુ પહેલાં સીગારેટે કંપની આપી પછી બધા આવ્યા. હવે તો આ સીગારેટના ધુમાડામાં મારા સપના દેખાય છે. કોઈ કોઈ વખત તમે પણ!’ રજત ધીમેથી બોલ્યો
‘હું…? તમે મને ક્યાં જોઈ છે?’ લિપિએ બોલી
‘પણ હું તમારી કલ્પના તો કરી શકું ને?’ રજત બોલ્યો
‘કલ્પના અને વાસ્તવિકતામાં બહુ ફરક હોય છે.’ લિપિ બોલી’
‘કેટલો ફરક? ટપાલ અને ઇમેલ જેટલો?’ રજતે પૂછ્યું
‘ટપાલ અને ઈમેલમાં ફરક? ઈમેલ છે એ બારસાખ છે જ્યારે ટપાલ એ તેના પર લખેલ લાભ શુભ છે’
રજતે વાત સમજાવતાં કહ્યું
‘મને લાગે છે કે હવે આપણે મળીએ.’ રજત બોલ્યો અને બધું નક્કી કરી નાખ્યું. એટલે જ રજતે તેને પૂછ્યું હતું કે ‘તને શું ગમે?’ ત્યારે લિપિએ મનમાં લખી નાખ્યું હતું ‘તું આવે તે.’ પછી વિચાર કરવા લાગી કે ‘આ ઈમેલ છે કે ટપાલ’ ખબર નથી પણ કશુંક મનગમતું, ચારેબાજુ વગર પારિજાતે મહેકવા લાગ્યું તેનું તન અને મન. તે દોડતી અરીસા સામે આવી ઊભી રહી. આજે તો તેને પોતાનો ચહેરો ગમ્યો. ત્યાં અરીસામાં એક નાનકડી તિરાડ જોઈ. તેને થયું કે સાકેત પણ રજતની જેમ તેનો ચહેરો જોઈને અણગમો વ્યક્ત કરશે તો?....ના સાકેત એવું નહીં કરે. કાગડાં તો બધે કાળા જ હોય. પુરૂષ જાત છે. તું ઓળખતી પણ નથીજોયો પણ નથી તો તારો આત્મ વિશ્ર્વાસ નથી બોલતો આત્મશ્ર્લાઘા બોલે છે.’
હવે કાલે મળવાનું હતું. આખી રાત ઉંઘ ન આવી. તેને પોતાની પારિજાતની પોટલી યાદ આવી. તેણે કબાટ ખોલ્યો. જે જગ્યાએ તે પોટલી રાખી હતી તેને સ્પર્શ કર્યો. પારિજાતની પોટલી તો ક્યારનીયે ખોવાઈ ગઈ હતી. છતાં મન મઘમઘવા લાગ્યું. કબાટ બંધ કરતાં અરીસામાં જોવાઈ ગયું મને જોઈને આયનામાં પણ તડ પડી ગઈ! તો? રાતના બારણે સૂરજે ટકોરાં દીધા અને લિપિનો મીઠો ઉજાગરો પૂરો થયો. તે ઉઠીને ચા મૂકતી હતી ત્યાં ફોન બોલ્યો. અત્યારે કોણ હશે? ઝલક? ફોન ઉચકે તે પહેલાં ફોન બંધ. અને દરવાજાની ઘંટડી રણકી. બધું સાથે કેવીરીતેનો રઘવાટ તેની ચાલમાં દેખાયો. દરવાજો ખોલ્યો મઘમઘાટથી મન ખુશ થઈ ગયું. પારિજાતની મહેકથી. દરવાજો ખોલ્યો તો સામે સાકેત ઊભો હતો. હાથમાં પારિજાતના ફૂલ લઈ મલકતો હતો. લિપિ ક્યાંય સુધી પ્રતિમા બની રહી. એટલે સાકેત બોલ્યો ‘માત્ર પારિજાતની ફોરમને જ તમારા ઘરમાં આવવાની રજા છે. મારે આમ બહાર જ ઊભા રહેવાનું છે.’ લિપિએ દરવાજો આખો ખોલ્યો અને સાકેત પારિજાતના ફૂલ સાથે ઘરમાં દાખલ થયો.
