STORYMIRROR

Varsha Tanna

Others

3  

Varsha Tanna

Others

અસ્ત્રીનો અવતાર

અસ્ત્રીનો અવતાર

5 mins
14.8K


‘બેન, દૂધ લઈ લ્યો’ રોજ ટહૂકા કરતી રાધીનો અવાજ આજે કંઈક બોદો લાગતો હતો. નીતુ દૂધની તપેલી લઈને આવી. તે ચૂપચાપ દૂધ ભરવા લાગી. ‘અરે, તને આ માથા પર શું વાગ્યું?’ નીતુએ રાધીને પૂછ્યું. કપાળ પરનો જખમ છૂપાવતી હોય તેમ રાધીએ પોતાનું ઓઢણું સરખુ ઓઢ્યું અને બોલી, ‘બેન કેટલું દૂધ આપુ?’ ‘રોજની જેટલું જ. તું વાત નહીં બદલ તને આ શું થયુ છે તે કહે. હાથમાં પણ વાગ્યું છે. પડી ગઈ’તી કે શું?’ નીતુએ ભાર દઈને પૂછ્યું. રાધીએ ધીમેથી જવાબ આપ્યો ‘બેન, આ બીજુ કંઈ નથી. આપણો અસ્ત્રીનો અવતાર. કેટલું કેટલું માથે વીતે. કંઈ પણ વાત વગર પણ કોકનો ગુસ્સો આપણે ખાવાનો. રાતે મારા ધણીને કોક સાથે બાધવાનું થયુ. એટલે તેણે ઘરે આવીને મને ઢીબી.’ ‘પણ કંઈ કારણ તો હશે ને?’ નીતુએ વકીલની જેમ પૂછ્યું. ‘કારણ તો બેન મનેય નથી ખબર. ક્યાંક કોક હારે કાંક થ્યુ હશે. તમેને ખબર છે ને બેન નબળો ધણી બૈરી પર શૂરો. ન્યાં નઈ હાલ્યું એટલે મને ઢીબી નાખી. આમ તો મારો ધણી બહુ સારો છે પણ કોક વખતઆવું થઈ જાય. બાકી અમારી જાતમાં તો આ બધું રોજનું છે.’ રાધીએ આખી વાત સમજાવતાં કહ્યું, ‘જો રાધા નીચી જાત કે ઊંચી જાતીની વાત નહીં કર પણ સાચું કહુ તું ખોટી રીતે સહન કરે છે. તું નક્કી કરી લે કે ગમે તે થશે તો પણ હું માર તો નહીં જ ખાઉં.’ નીતુએ આક્રોશભર્યા સ્વરે કહ્યું. ‘ના રે બેન, આ બધું અમારી જ જાતિમાં છે એવું નથી. સામેની સોસાયટીમાં રે’તા ઓલ્યા તમારા બેનપણી સુમનબેનની વહુ એના વરનો માર મારા કરતાં વધુ ખાય છે. સુમનબેન કાંય બોલે છે?’ સંસાર નિભાવવા માટે હસતું મોઢું રાખીને રે’વું પડે બેન.’ રાધીએ દૂધનું કેન બંધ કર્યુ અને ઘર તરફ રવાના થઈ.

રાધી બહુ થોડા ઘરમાં દૂધ આપવા જતી હતી. પણ જ્યાં જતી એ બધા ઘર સાથે તે સારો ઘરોબો કેળવ્યો હતો. તેની છાપ એક ઈમાનદાર સ્ત્રી તરીકેની હતી. નીતુ સાથે તો તે ઘણી વાતો કરતી.

આમ પણ નીતુ એ સમયે ઘરમાં એકલી હોય તેનાં પતિ ઓફિસે ગયા હોય અને નીતુ પોતાનું કામ શરૂ કરે તે પહેલા રાધી આવી પોતાની નિતનવી વાતોની જાજમ પાથરે. નીતુ સાંભળે પણ ખરી.

એટલેજ નીતુએ આજે રાધીને પોતાની જાણી માર નહીં ખાવાની સલાહ આપી. સલાહ આપતાં-આપતાં સુમનબેનની વહુ દિપ્તીની આંખો તેને યાદ આવી ગઈ. તે દિપ્તીની આંખોમાં કેટલાયે સવાલોનો દરિયો ઉછળતો હતો. પણ જવાબનો કિનારો ક્યાંય કોઈની પાસે ન હતો.

બીજે દિવસે રાધીને બદલે રાધીનો દીકરો દૂધ દેવા આવ્યો. સત્તર અઢાર વર્ષનો માંડ હશે. મૂછનો દોરો હજુ માંડ ફૂટ્યો હતો. ચહેરા પર હજુ મરદની કરડાઈ આવી ન હતી પણ નિર્દોષ ચહેરાની વચ્ચે ક્યાંક અકળામણ દેખાતી હતી. નીતુએ તેને જલદી પુછ્યું, ‘તારી મા કેમ ન આવી? તેને કેમ છે હવે?’ છોકરાએ કશું બોલ્યા વગર દૂધ આપવા માંડ્યું. દૂધ આપી તે કશો જવાબ આપ્યા વગર રવાના થઈ ગયો. નીતુ માત્ર જોતી રહી ગઈ.

થોડા દિવસ પછી ફરી રાધી કામે ચડી ગઈ. ફરીથી જાતજાતની વાતોથી બધા સાથે પોતાના મનનો ભાર હળવો કરતીને રાધી બધાને પોતાના બનાવતી હતી. આજે રાધી ખૂબજ ખુશ હતી.

તેણે દૂધ દેતાં દેતાં બોલી ‘બેન, મારા દીકરાના વિવા નક્કી કર્યા છે. બેન,છોકરી બહુ સારી મળી છે.’ ‘તારો દીકરો, કેવડો છે? હજુ તો નાનો લાગે છે.’ નીતુએ રાધીને પુછ્યુ. ‘લે બેન અઢારનો થયો. અમારે તો બહુ થઈ ગયું. બાપા ભેગો કામે પણ લાગી ગયો છે.’ રાધીએ નીતુને જવાબ આપ્યો અને પોતાની ખુશી દૂધની સાથે વેંચવા નીકળી પડી અને બોલતી ગઈ થોડા દિ હલાવી લેજો લગન પણ તરત જ લેવાના છે. રાધીના દીકરાના લગ્ન થઈ ગયા. અને રાધી રોજિંદા કામે ચડી ગઈ. એક દિવસ તે તેની વહુને લઈને આવી. સરસ મજાની છોકરી હતી. ‘તારું નામ શું છે?’

નીતુએ તેને પુછ્યું ‘એનું નામ તો સુખિયા હતું પણ બેન આવું નામ હવે નો હાલે એટલે સુષમા કરી નાખ્યુ છે.’ રાધીએ જ જવાબ આપ્યો. ‘બારમી પાસ છે અમારામાં તો બહુ ભણેલા કે’વાય.’ રાધીએ પોરસાતાં પોરસાતાં વાત કરી. નીતુ એ છોકરી સામે જ જોઈ રહી. સરસ મઝાની ગુલાબી રંગની સાડી પહેરી હતી. હાથમાં મેચિંગ બંગડી અને ગળામાં તેવીજ મેચિંગ માળા પહેરી હતી.

ગળામાં નાનકડું મંગળસૂત્ર પણ પહેર્યું હતું. હાથમાં બંગડી સાથે ઘડિયાળ પણ પહેરી હતી. રાધી તેને બોલવાનો મોકો જ આપતી ન હતી. તેનું જ પુરાણ શરૂ હતું. નીતુએ તેના હાથમાં સોની નોટ મૂકી અને આશિર્વાદ આપ્યા. ‘તારા ભણતરનો સારો ઊપયોગ કરજે અને નામ પ્રમાણે સુખી થજે.’

રાધી રોજ આવતી અને રોજ સુષમાની વાતો કરતી, ખૂબ ડાહી છે. ખૂબ હોશિયાર છે. અંગ્રેજી પણ આવડે છે. તે ખૂબ ખુશ હતી. ‘તારા દીકરા સાથે ફાવી ગયુ છે ને?’ નીતુ એ એક દિવસ રાધીને પૂછ્યું. ‘હોવે. બેય બઉ સારી રીતે રે છે.’ રાધીએ જવાબ આપ્યો. થોડા દિવસ પછી રાધીને બદલે તેનો દીકરો દૂધ દેવા આવ્યો તો નીતુએ રાધીની સાથે સુષમાના ખબર પણ પૂછ્યા. પેલાએ માત્ર ચૂપ રહીને જ જવાબ આપ્યો. બીજા દિવસે રાધી આવી. નીતુએ તરત જ પુછ્યુ ‘કાલે વહુને લઈને બહાર ગઈ’તી તે દીકરાને મોકલી દીધો. ક્યાં જઈ આવી? વહુને થોડી છૂટમાં રાખવી. એકલી જવા દેવી.’ પણ રાધી આજે કોઈ જવાબ આપવાના મુડમાં ન હતી. એટલે વાતોના ગાડા ભર્યા વગર ચાલી ગઈ.

‘બેન આપણે અસ્ત્રીનો અવતાર એટલે સહન જ કરવાનું.’ એક દિવસ રાધીએ ઓચિંતુ નીતુને પૂછ્યું.

નીતુએ તેને સમજાવતા કહ્યું, ‘સ્ત્રીઓમાં સહન શક્તિ વધારે હોય છે. તેનો પુરૂષો ખોટી રીતે લાભ ઊઠાવે છે. સાચું કહું રાધી આપણે સહન કરી તેઓને ખોટું કરવા માટે ઉત્તેજન આપીએ છીએ. સહન કરવું, પણ ખોટુ નહીં સમજી.’ નીતુએ રાધીને સમજાવતાં કહ્યું. રાધી કશું બોલી નહીં. અને ત્યાંથી રવાના થઈ ગઈ. નીતુને સમજણ પડી નહી કે રાધી આવું કેમ પૂછે છે. તેને સમજણ પડી કે નહીં.

તે વિચારતી વિચારતી કામે વળગી. થોડીવાર થઈને રાધી આવી તેની સાથે તેની વહુ સુષમા પણ હતી. તેનો ચહેરો રડેલો હોય તેમ લાગતું હતું. તેણે તો મૌનનો સાળું પહેર્યો હતો અને આજે તો તેની પર આંસુનાં આભલાં ચોટાડ્યા હતા. પણ રાધીએ આવીને નીતુને કહ્યુ ‘બેન પારકાની દીકરી આપણી જ દીકરી કે’વાયને. મારો છોકરો પણ તેના બાપનું જોઈને આ છોડીને ખોટું ખોટુ ઢીબડે છે. આ મરદ તો બધા માથે ચડી જાય છે. બેન મને થોડા પૈસા આપશો તો આ છોડીને લઈને મારે ગામ ભેગું થઈ જાવું છે. આ મારી વહુ ભલે રહી પણ અસ્ત્રી તો ખરીને. મેં માર ખાધો તો હવે એને નહીં ખાવા દઉં. આપણો અસ્ત્રીનો અવતાર. આપણે અસ્ત્રી અસ્ત્રીનું દરદ નઈ સમજીયે તે કોણ સમજશે? એને પિયરેય નથી મોકલવી. હવે હું એની મા બેઠી છું ને. થોડા દિ’ ગામ જતાં રે’શું. એટલે એની મેળે સૌને ભાન થશે.’ નીતુ રાધી માટે પાંચસો રૂપિયા લઈ આવી અને આપ્યા. અને રાધી સુષમાને લઈ ત્યાંથી નીકળી ગઈ. અને થોડીવારમાં ખબર આવ્યા કે સુમનબેનની વહુ દિપ્તીએ પોતાનું જીવન દવા ખાઈને ટૂંકાવ્યુ.


Rate this content
Log in