STORYMIRROR

Varsha Tanna

Others

3  

Varsha Tanna

Others

નવી વસંત

નવી વસંત

10 mins
15.1K


માત્ર ઝાડ જ નહીં આજુબાજુના પાન રોજ રોજ ખરતાં હતાં. ધીમે ધીમે જમીન પરના પાનનો ઢગલો મોટો થતો જતો હતો અને ઝાડ વસ્ત્રહીન! વાતાવરણને પણ પાનખરનો ચેપ લાગી ગયો હોય તેમ નિસ્તેજ અને સાવ નિમાણાં ઊભા હતા. નિશા બાલકનીમાં ઊભી હતી. તેની બાલકનીમાંથી ખૂબ સરસ મજાનો પાર્ક દેખાતો હતો. સૌરભને આ પાર્ક ખૂબ જ ગમતો. આ પાર્કને પણ સૌરભ જતો રહ્યો એવી ખબર પડી ગઈ!

નિશા સૌરભને કહેતી ‘તને આ પાર્ક બહુ ગમે છે તો તું સવારે સવારે ચાલવા જા ને.’ સૌરભ બાલકનીમાં રાખેલી ખુરસીમાં બેસી માથું હલાવી જોરથી ‘ના’ બોલતો અને પછી નિશા સામે રીસ કરીને પૂછતો ‘કેમ તને મારા જલસાની ઈર્ષા આવે છે?’ નિશા પૂછતી ‘આમાં જલસો શું અને વળી ઈર્ષા શું?’

‘કેમ તારા હાથની ગરમા ગરમ ચા અને નાસ્તો મને બગીચામાં કરવા મળે?’ સૌરભ જવાબ આપતો. 'ચા અને નાસ્તો તો પાર્કમાંથી ચાલીને આવીને પણ થાય. હું કંઈ ના નહીં પાડું. ડબલ આપીશ બસ પણ પાર્કમાં ચાલવાનું શરૂ કર..’ નિશા સૌરભને સમજાવતી. આ સાંભળી સૌરભ ખડખડાટ હસતો અને બોલતો
‘તો આ મારું પેટ વધુ મોટું થશે સમજી.. અને તું મને જે કારણે ચલાવવા માગે છે તે તારો હેતુ બર નહીં આવે...સમજી?’ અને નિશા માત્ર ખોટો ગુસ્સો કરતી.
સૌરભ બોલતો ‘જો નિશા અત્યાર સુધી મેં મને ગમે તેમ જ કર્યુ છે. તારી સાથે લગ્ન કર્યા મારી ઈચ્છાથી. પપ્પાએ નક્કી કરી હતી તે નોકરી છોડી નવો બીઝનેસ શરૂ કર્યો એ પણ મારી ઈચ્છાથી. મને રડીને કે કકળાટ કરીને જિંદગી જીવવી નથી. મારે જિંદગી મોજથી જીવવી છે. અત્યારે સુધી હું મારી શરતે જિંદગી જીવ્યો છું. કાલે થવાનું છે તે ભલે આજે થાય પણ આપણા રામ તો મનમોજી જ રહેવાના.’ ‘હું તારી તબિયત માટે કહુ છું.’ નિશા બોલતી.. પણ નિશા માત્ર બોલતી જ રહી અને મનમોજી સૌરભ એવી પળમાં હારી ગયો કે તેની નિશાને પણ ખબર ન પડી. સૌરભને પ્રથમ જ હાર્ટ એટેક આવ્યો અને તેની આંખ મીંચાઈ ગઈ.

બન્નેની એક દીકરી હતી સોનુ... તેના લગ્ન થઈ ગયા હતાં. તેના પતિ શિવનો જોબ સીંગાપુર હતો એટલે તે ત્યાં રહેતી હતી. તે દોડીને આવી. થોડા દિવસ મમ્મી પાસે રહી. અને બોલી ‘મમ્મી મારી સાથે ચાલો. સીંગાપુર રહેશો તો તમને ગમશે. અમારી સાથે તમારો ટાઈમ પાસ થઈ જશે.’ ‘ના હમણાં નહીં. થોડા સમય મારે અહીં જ રહેવું છે.’ નિશાએ દ્રઢ સ્વરમાં કહ્યું. નિશાએ જે સૂરમાં વાત કરી પછી સોનુએ આગ્રહ કરવાનું ટાળ્યું. તે નીકળતા પહેલાં બોલી,‘પપ્પાનો અને તારો સ્વભાવ સાવ અલગ. કદાચ એટલે જ તમે બન્ને સાથે સારી રીતે જીવી શકતાં હતા. પણ હવે તારી એકલતા ભરવાના બે રસ્તા છે. એક મારી સાથે સીંગાપુર આવવું જેની તે ના પાડી દીધી છે. તો હવે પપ્પાને ગમતું હતું તે બધું કર. આમાં વાર લાગશે. પરંતૂ કંઈ પણ કર તે પહેલાં વિચારજે કે પપ્પા હોય તો તે શું કરે? જોજે તારી એકલતા ભરાઈ ન જાય તો પણ ઓછી થઈ
જશે. પપ્પા ક્યાંય નથી ગયા એ આપણી, તારી સાથે જ છે. તને મન થાય ત્યારે તું મને ફોન કરજે. કોઈ જાતનો સંકોચ રાખતી નહીં. તારી તબિયતનું ધ્યાન રાખજે.’ સોનુ નીકળી ગઈ. નિશા તેની મોટી થયેલી દીકરીને જતી જોઈ રહી.

આજે નિશા પાર્કને બરાબર નિહાળી રહી હતી આ પાર્ક પણ તેને મનમોજી લાગ્યો સૌરભ જેવો! આજે જ્યારે તેને ટેકાની જરૂર છે ત્યારે તેણે પોતની લીલીછમ લાગણી સંકોરી લીધી અને પહેરી લીધી સૂકી ભઠ એકલતાં... અત્યારે તો આ પાર્ક સામે જોતાં પણ તે દાઝતી હતી. રાત્રીના અંધાકારમાં તેમાં લગાડેલી
નિયોન લાઈટ પણ તેની સામે ભૂતની જેમ ખિખિયાટા કરતી હોય તેવું લાગતું હતું. હવે તે ઊભી ન રહી શકી અને ત્યાં રાખેલી ખુરસી પર બેસી જવાયું. ખુરસી પર બેસી તેની નજર ફરી પાર્કમાં ગઈ. ત્યાં સામેના પાન વગરના બૂઠાં ઝાડ પર એક પક્ષી બેઠું હતું. ‘જો આ પક્ષી પણ મારી જેવું મનમોજી છે ને? તેને કશું એકલું
લાગતું નથી,’સૌરભ બોલ્યો. ‘હા, હું ન હોઉ ત્યારે તું પણ પેલા પંખીની જેમ ઘુટરઘુ કરી બધાને બોલાવવાનો પ્રયત્ન કરજે. મને ખબર છે તને એકલા નથી ગમતું..’ નિશાએ કહ્યું ‘તને ગમે છે?’ ‘ હું તો જે હોય તે બોલી જાઉં છું અને તું લાગણીને વ્યક્ત વ્યક્ત જ નથી કરતી,’ સૌરભે નિશાને કહ્યું. નિશા કશું બોલી નહીં.

સૌરભની વાત સાચી હતી. ‘નિશા, હું જો કાલે કદાચ હું ન હોઉ તો તું આખો વખત રડતી નહીં બેસતી. તારી બહેનપણીઓને અરે તારા બોયફ્રેંડને પણ બોલાવજે...’ સૌરભ આવું બોલ્યો કે તરત જ નિશા બોલી ‘શું ગમે તેમ બોલે છે? મને લાગે છે કે તને આ તારી ન ગમતી પાનખરની અસર છે કે ગમે તેવા વિચારો આવે છે.’ નિશાએ સૌરભની વાત કાપતાં કહ્યું.

નિશાની આંખ ખૂલી તો તે બાલકનીમાં ખુરસીમાં જ સૂઈ ગઈ હતી અને તે પણ સૌરભ બેસતો તે ખુરસીમાં. સૌરભે જ બાલકનીમાં બે ખુરસી લાવી મૂકી હતી. અને તે નક્કી કરેલી જગ્યાએ અને નક્કી કરેલી ખુરસીમાં જ બેસતો. સોનુ પણ બોલતી કે ‘આ પપ્પાની ખુરસી છે તેમાં કોઈએ નહીં બેસવાનું.’ અને આજે ક્યારે
તે સૌરભની ખુરસીમાં બેસી ગઈ.. સૂઈ ગઈ તેનો તેને ખ્યાલ પણ ન રહ્યો. નિશાએ વિચાર્યુ કે આ ખુરસીમાં બેસવાથી જ કદાચ તેને નીંદર આવી ગઈ!

નિશા પોતાનું જીવન નિયમિત કરવાનો પ્રયત્ન કરતી હતી પણ હજુ તેમાં જાજી સફળતા મળી ન હતી.

સવારે થોડા વખત માટે નિશા ઓફિસમાં જતી હતી. પણ બપોર પછીનો સમય તેને માટે ખૂબ આકરો હતો. ‘સાંજે આ સામેના પાર્કમાં ચાલવા જાઉં તો? ના ના આવા સૂકાભઠ પાર્કમાં ચાલવાની શું મજા આવે? હવે થોડા પગ પણ દુખે છે.’ આવા વિચારો આવવા છતાં એક દિવસ પગ પાર્ક તરફ વળી ગયા. ‘એકલાં એકલાં ચાલવામાં થોડી મઝા આવે?’ નિશાએ વિચાર્યુ. તેને સૌરભની વાત યાદ આવી. ‘તું ક્યારેય એકલી હોય તો તારી બહેનપણીને બોલાવજે...’ ‘બધી બહેનપણી આશ્વાસન આપી પોતપોતાની જિંદગીમાં ગૂંથાઈ ગઈ છે. ’નિશા વિચારવા લાગી. તેણે એક ખાલી બાંકડો જોયો અને તેના પર તે બેઠી. થોડીવારમાં એક એકલી સ્ત્રી આવી તેની સામેના બાંકડા પર બેઠી. આવીને સાવ ચૂપચાપ જાણે દુનિયાથી અલિપ્ત. પોતાની દુનિયામાં ખોવાયેલી હોય તેમ. નિશાએ તેની સામે જોયું. પણ તે પોતાની એકલતામાં ખોવાઈ ગઈ. બાજુમાં
એક ચાર પાંચ વરસની છોકરી રમતા રમતાં આવી ચડી. નિશાને પોતાની સોનુનું બાળપણ યાદ આવી ગયું. તે બાળકી હસી પેલી એકલી સ્ત્રી પાસે પહોંચી ગઈ. તેનો હાથ પકડવા લાગી. પેલી પોતાની દુનિયામાં ખોવાયેલી હતી. તેણે કશી પ્રતિક્રિયા ન આપી. પેલી બાળકીની મા આવી અને અજાણી સ્ત્રીને ‘સોરી’ કહી ત્યાંથી બાળકીને લઈ જતી રહી.

થોડીવાર રહીને પેલી સ્ત્રીએ હવે નિશા સામે જોયું. નિશાને ગુસ્સો આવ્યો.
‘પેલા બાળક સામે જોતી નથી અને અહીં મારી સામે તાકે છે.’ તે હવે ત્યાંથી જવા માટે તૈયાર થઈ અને તેણે અચાનક જ સાવ નિશાને પૂછ્યું.. ’કાલે તમે આવશો?’ નિશા બે પળ મૌન રહી. પછી માથું હલાવીને હા પાડી ત્યાંથી નીકળી ગઈ.

આજે નિશાને સૌરભ ભૂલાયો ન હતો પણ પેલી અજાણી સ્ત્રીના વિચારો વધારે આવ્યા. તે કોણ છે તેની તેને ખબર નથી છતાં પોતે કેમ કાલે આવવાની હા પાડી! નિશા રહી રહીને આ વિચાર કરતી હતી.

‘મને કોઈ બોલાવે તો હું તો તરત જ જાઉં’ સૌરભ બોલ્યો. ‘ના, હં મને એવા હરખપદુડા થવું ન ગમે.’ નિશાએ જવાબ આપ્યો. ‘આપણું કંઈક કામ હોય તો જ આપણને બોલાવે ને? આપણે તેને ઉપયોગી થવાનું છે. આપણાથી કોઈનું ભલું થતું હોય તો...’ બોલતાં સૌરભની વાત કાપતાં જ નિશા બોલી ‘મને એટલી ખબર પડે છે એનું ભલું થાય કે ન થાય પણ આપણે ક્યાંય ફસાઈ જવા ન જોઈએ. આજ કાલ કોઈનો ભરોસો જ કરવા જેવું નથી.’ ‘આપણે કોઈ પર નહીં આપણી જાત પર ભરોસો કરવો જોઈએ સમજી. જિંદગી આમ ડરતાં ડરતાં ન
જીવાય.’ સૌરભે નિશાને કહ્યું. ‘આમાં ડરવાનું નથી પણ બી કેરફુલ માય ડિયર હસબન્ડ. આ મારો ફંડા છે.’

આ બધા વિચારો સાથે સવારે નિશા ઉઠી અને તેને સોનુનો ફોન આવ્યો ‘કેમ છે મમ્મી? કાલે શું કર્યુ પપ્પાને યાદ કરવા સિવાય? કંઈક પપ્પા કરતાં હતા એવું કંઈક...’ બસ પછી નાની મોટી વાત અને ફોન મૂકાઈ ગયો. સૌરભ તો કોઈપણ
અજાણી વ્યક્તિ માટે ચોક્કસ જાત. આમ વિચારતી વિચારતી નિશાના પગ આપોઆપ સાંજે પાર્ક તરફ વળી ગયા.

પેલી સ્ત્રી હજુ આવી ન હતી. પણ હજુ વધારે વિચાર કરે તે પહેલાં તેને ઝડપભેર આવતા જોઈ. આવીને તે બોલી ‘સોરી.. મને મોડું થઈ ગયું. તમારે વધારે રાહ તો જોવી નથી પડીને?’ આજે નિશા અને પેલી સ્ત્રી બન્ને એક જ બાંકડા પર બાજુ બાજુમાં બેઠા. તેને થોડીવાર બેસવા દઈને નિશા બોલી ‘તમારું નામ..?’ ‘શાહીદા..’ પેલીએ જવાબ આપ્યો. પછી તેણે પૂછ્યું અને ‘તમારું?’ ‘નિશા..’ નિશા બોલી.

નિશાએ પૂછ્યું નહીં કે તેણે આજે તેને કેમ બોલાવી છે અને પેલીએ પણ કશું કહ્યું નહીં. બન્ને જણા વાતોએ વળગ્યા. બન્ને જણાએ પોતાના પતિ અને ઘરની વાત કરી પણ પોતાની વાત ક્યાંય ન આવી. આમ પણ સ્ત્રીઓ પોતાની માટે ક્યાં જીવે છે?

‘મારા અનવરને સ્વીટ બહુ ભાવે..’ એક દિવસ શાહીદા બોલી ‘પણ મારાથી બહુ સારી થતી નથી.’ ‘સૌરભ પણ મીઠું ખૂબ ખાતો અને બોલતા ગૌડ ગૌડ ખાવ ગૌડ ગૌડ બોલો. તેને માટે અઠવાડિયામાં મારે બે વખત તો કંઈક ગળ્યું બનાવવું જ પડતું. પણ હવે..’ નિશાથી નિશ્વાસ નખાઈ ગયો.

‘મને ગળ્યું બનાવતા શીખવશો?’ શાહીદાએ નિશાને પૂછ્યું
‘હા, કેમ નહીં?’ નિશાએ તરત જ સ્વસ્થ થઈને જવાબ આપ્યો.

બીજા દિવસે નિશા સુખડીનો ડબ્બો બનાવીને લઈ આવી અને બોલી ‘આ અનવરભાઈ માટે.’ ‘હા, આજે તો હું આ ડબ્બો ચોક્કસ લઈ જઈશ અનવરને સુખડી તો સૌથી વધુ ભાવે. મને બનાવતા શીખવશો?’ શાહીદા એકધારું બોલી ગઈ. ‘હા શીખવીશ.’ નિશાએ જવાબ આપ્યો.

એક દિવસ શાહીદા નિશાને ઘરે પહોંચી ગઈ. સુખડી શીખી. તે આજે ખૂબ ખુશ હતી. પાછી તેણે નિશાની બાજુમાં બેસી કહ્યું ‘હું નહીં હોઉ તો તમે અનવરને સુખડી બનાવી ખવડાવશો.’ ‘તું ક્યાં જવાની છે? અને ક્યારે?’ નિશાએ પૂછ્યું.

‘દીદી મને કેંસર થયું છે અને મને અનવરની ખૂબ ચિંતા થાય છે. અમે ભાગીને લગ્ન કર્યા છે. એટલે અમારી સાથે કોઈ બોલતું નથી. હવે હું વધારે સમય જીવવાની નથી. મને અનવરની ખૂબ ચિંતા થાય છે.' શાહીદા બોલી.

થોડી પળ માટે નિશા પણ અવાક થઈ ગઈ. પછી પોતાની જાત સંભાળતા કહ્યું ‘કેંસર થયું છે તો ગભરાવાનું નહીં. આજે તો કેટલી બધી શોધ થઈ છે. તેની દવા પણ છે. તું ચિંતા નહીં કર. તને સારું થઈ જશે.’ ‘અનવર પણ ખૂબ અપસેટ થઈ ગયો છે. મારી સામે સ્ટ્રોંગ હોવાનો ઢોંગ કરે છે.’ શાહીદાએ નિશાને કહ્યું.

આજે બહુ વાત ન થઈ પણ શાહીદા સુખડી લઈને ઘરે જતી રહી. પણ શાહીદાના શબ્દો પડઘાતા રહ્યા ‘મને કેંસર થયું છે.’ આજે બાલકનીમાં ઊભા રહી નિશાને પાનખર વધુ તીક્ષ્ણ લાગી. આમ કેમ? મારી પાસેથી મારા સૌરભને અચાનક છીનવી લીધો અને હવે શાહીદાને અનવર પાસેથી.! વિચારતા તે મનમાં વધુ
અકળાતી હતી. આ વખતે પાનખરની વસંત આવશે જ નહીં? આ ઝાડ પક્ષી વિહોણા સાવ એકલવાયા ઊભા રહેશે....પોતાની જેમ.

‘જો આ પંખી સાવ નવું લાગે છે.’ સૌરભ બોલ્યો. ‘હા, બિચારું ભૂલું પડ્યું લાગે છે.’ નિશાએ પંખીને ઝાડ પર બેસતાં જોયું અને બોલી. ‘ના, એ ભૂલું નથી પડ્યું એ તો એવું જ છે. તે વસંત હોય કે પાનખર તે ખુશ રહે છે. એક ખુશી જ બીજી
ખુશીને લઈને આવે છે.’ સૌરભે કહ્યું. ‘ઓ મારા રાજા વિક્રમાદિત્ય તું વળી પશુ પક્ષીની ભાષા ક્યારે શીખ્યો?’ નિશાએ સૌરભની મજાક ઉડાડતા કહ્યું. ‘હું ભાષા નહીં લાગણી શીખ્યો છું. તે આવ્યું છે તે રડતું રડતું નહીં ગાતું ગાતું આવ્યું છે. એટલે પાનખરમાં પણ તે ખુશ છે. તે રડવામાં માનતું નથી.. જો પાનખરમાં હસશો તો વસંત આવશે નહીં તો વસંત આવે તો પણ તમને ખબર પણ નહીં પડે.’ સૌરભે નિશાને જવાબ આપ્યો. ‘ખરેખર તું કેટલો પોઝીટીવીટીથી ભરપૂર છે.’ નિશા બોલી. ‘તું નહીં માને નિશા, પણ જેટલો સમય મારી પાસે છે તારી પાસે છે આપણી પાસે છે તેનો આપણે ઉત્સવ મનાવીએ. ખુશીને બોલાવીશું તો દુ:ખ ક્યાંય દૂર જતું રહેશે.’ સૌરભ બોલ્યો. સવારે આંખ ઉઘડી તો મોડે સુધી જાગ્યા છતાં પણ તાજગી વર્તાતી હતી. સવારનો નિત્યક્ર્મ પતાવી જલદી ઓફિસ જઈ આવી અને શાહીદાને ફોન કર્યો. તે આજે કેમો થેરિપિ માટે જવાની હતી. નિશાએ અનવરને કહ્યું ‘તે પોતે પણ તેની સાથે આવે છે.’

ટ્રીટમેંટ થતી હતી. નિશા ટ્રીટમેંટ વખતે સાથે જ રહેતી અને શાહીદાને માથે હાથ ફેરવતી. અનવરને આશ્વાસન આપતી. નિશા તેનો મોટાભાગનો સમય હવે તે બન્ને સાથે જ વીતાવતી. સારું હોય તો બન્ને જણાને સાથે પાર્કમાં લઈ આવતી. તો એકાદ વખત પિકચરનો પ્રોગ્રામ પણ બનાવી નાખ્યો હતો. અનવર
અને શાહીદાને પોતાના હાથે નવું નવું બનાવી જમાડતી. તો કોઈ વખત શાહીદાની રસોઈ જમતી અને વખાણ પણ કરતી. હવે કેંસરનો પડછાયો નાનો થઈ ગયો હતો. અને તેના નવા રિપોર્ટથી ડોક્ટર પણ નવાઈ પામ્યા હતા અને બોલ્યા ‘અનવરભાઈ આ તમારા પોઝીટીવ એટીટ્યુડને કારણે જીત્યા છો.. નહીં તો કેંસરનું નામ સાંભળીને જ લોકો અરધા મૃત્યુ પામે છે.’ અનવરે તરત જ સાથે આવેલી નિશા સામે જોયું. નિશાએ ઈશારો કરી ચૂપ રહેવા સમજાવ્યું.

આજે નિશા ખૂબ જ ખુશ હતી. તે ઘરે આવી તો સોનુએ તેને અચાનક આવી સરપ્રાઈઝ આપી હતી. તે બોલી ‘મમ્મી મેં તો વિચાર્યુ હતું કે તું તો સાવ એકલી બેઠી રડતી હોઈશ. તેને બદલે યુ આર હેપી. એમ વેરી ગ્લેડ કે તે એકલા જીવતા શીખી લીધું.’ ‘તે જ તો મને કહ્યું હતું કે પપ્પા તારી સાથે જ છે. અને ખરેખર સૌરભ મારી સાથે જ છે. અને તેમણે જ મને જીવન જીવતા શીખવ્યું છે.’ આટલું બોલી નિશા બાલકનીમાં સોનુને લઈને આવી અને સૌરભની ખુરસીમાં બેસી ગઈ. ત્યાં સામેના પાર્કમાં પેલું અજાણ્યુ પંખી આવી ગાવા લાગ્યું. અને નિશા માત્ર એટલું જ બોલી ‘હવે નવી વસંત આવી’ સોનુ માત્ર તેની સામે જોઈ રહી.


Rate this content
Log in