STORYMIRROR

Varsha Tanna

Others

4  

Varsha Tanna

Others

સબંધ સાવ નોખો

સબંધ સાવ નોખો

8 mins
27.2K


‘આજે કેમ મોડું થ્યું? તારી વાટ જોઈને અબઘડી ચા પીધો. તારી હાટું રાખ્યો સે. આ લે અડાળી હજી ગરમ જ છે. પેલા ચા પી પસે સોયદોરો હાથમાં ધર.’ ધૂળીમાએ રેવતીને કહ્યું. રેવતીએ કશું બોલ્યા વગર ચા રકાબીમાં લઈને પી લીધી. ચાથી ખાલી પેટની આગ વધુ વકરી. તેણે

સોયમાં દોરો પોરવી કામમાં મન પરોવ્યું જલદી જલદી ટેભાં લેવા માંડી. ‘આજ કેમ કાંય બોલતી નથ? કાંય થ્યુ સે? મંગળ કાંઈ બોલ્યો કે તારી બાઈજીએ કાંય ભરડ્યું? ઈનું નામ ખાલી હમજુ સે.હમજણને ક્યાંક ગીરો મૂક્યાવી સે. એની વાતને બહુ હૈયે નૈ બાંધવાની. આપણે હમજુ થઈ જાવાનું.’ આમ બોલી ધૂળીમાંએ દાંત કાઢ્યા. દાંતના પોલાણમાં ભરાયેલી બજર પણ હસી હોય તેમ થૂંકમાં ઊડી. રેવતીએ ધૂળીમા સામે જોયું ને બોલી ‘તે તમારું નામ ધૂળીમા સે તો તમે ધૂળ જેવાં થઈ ગ્યા?’

‘હા, લે કેમ નૈ...આ ધૂળ વગર આ ધરતી કાંઈ ધરાં કે’વાય.? તું જ કે આ ધૂળને બદલે સંધેય પાણી જ હોત તો? આ ધૂળ સે અટલે તો ધરતી સે. તે મારું નામ તો લાખેણું સે..... ને હુંય. આવું મારો ધણી મને આ હીખવતો ગ્યો સે.’ ધૂળીમાએ પોતે પહેરેલ લાલ ઓઢણાંના છેડાથી હાથ લૂછ્યા.

‘હે...માડી આવું મારા આતા કે’તાતા?’ રેવતી આ વાત માની શકતી ન હતી. તેણે રજાઈ શીવતાં ધૂળીમાં સામે જોયું. ધૂળીમાના ચહેરાની કરચલીમાં પ્રસન્નતાના પતંગિયા ઉડવા લાગ્યા.

‘લે મૂઈ હું ખોટું બોલુ સુ?’ ધૂળીમાએ ઝટ પૂછ્યું રેવતી થોડી ઝંખવાઈ. રજાઈમાં બનતો પંખો પણ ઝાંખો દેખાણો. એટલે પાણી પીવા ઊભી થતી હતી ત્યાં ઘચાક કરી સોય આંગળીની આરપાર. ઝાંખુ હવે સાફ થઈ ગયું. અને તે આંગળી પકડીને બેસી રહી.
‘મૂઈ આપણા ધણી હારે કાંઈ થ્યુ હોય તો ઈને કોકને કૈ દેવાનું …….હૈયું ઠાલવાનું. પણ આમ આપણા શરર પર બળતરાં નો કઢાય. આમ જો લોહીજાણ થયું. આ રજાઈ તો હિવાય જાહે પણ મન નો હંધાય’ ધૂળીમાએ હડી કાઢી હળદર લેવા. હળદર અંગુઠાં પર દાબી પોતાના લાલ ઓઢણાનો છેડામાંથી લીરો કરી પાટો બાંધ્યો.

રેવતી બેઠી જ રહી....શું કરવું......શું બોલવું ...ધૂળીમા સારા તો છે ...પણ બાઈજી હાંરે ઇનું રોજ ઉઠવા બેહવાનું...નયતર અહીંયા ય આવવા નો મળે... ...કંઈ ઉંચુંનીચું આઘું પાછું...તો પછી સાવ ડાળ વગરની.....

‘લે બટકું રોટલો પડ્યો એ તે પાણી ભેગો ખાઈ લે...ચા તો પીવાય ગ્યો સે. લે ઊભી રે.....બે મરચાં પડ્યા સે.. આપુ સુ. આ મરચાં પેટ ઠારે.....કકળાટ નૈ. પછી એક કળશો પાણી પી લેજે. જોજે તારી બધી બળતરાં બેહી જાહે.’

રેવતીએ રોટલોને મરચું ખાધું. બળતરાં રોજની છે પણ પેટમાં પડ્યું તે સારું લાગ્યું. પછી થાળી લઈ ઉટકવા માંડી એટલે ધૂળીમા બોલ્યા ‘રે’વા દે ભીનું થાહે તો પાકહે....ભલે પડ્યું રે.’ ધૂળીમા બોલતા રહ્યા અને રેવતીએ થાળી ઉટકી નાખી.

‘હે...મા તમારે છોકરાં નો થ્યા તો મારા આતા તમારી ભેગા દરોજ બાધતા’તા’ રેવતી આવીને ધૂળીમા પાસે બેઠી. મનની ઘુંટાતી વાતનો છેડો ફાડી ભૂતકાળનો લીરો હાથમાં પકડી ધૂળીમાં શું બોલે છે માટે કાન સરવા કર્યા.
ધૂળીમાંની ચહેરાની કરચલી ધ્રુજી. હાથની કંપારીને તેણે લાલ ઓઢણામાં વણી લેવા ઓઢણું માથા પર સરખું કર્યુ. રેવતીનો લીરો આખો ધ્રુજ્યો. રેવતીને થયું કપડાના લીરાં ખોટા થઈ ગયા. પલીતો ચંપાઈ ગયો

તેણે આગ ઠારવાં માડી સાટું પાણી આણ્યું. એક ઘુંટડે આખો ગ્લાસ પાણી ધૂળીમાં ગટગટાવી ગયા. ટીપું પાણી આંખોના ખૂણે આવી બેઠું. રેવતી મૂંઝાણી.....આમ તો પોતે કોરીકટ થઈ ગઈ હતી તોય તેને ડચૂરો ચડ્યો....પોતાની વાતનો પોતાની જાતનો..

પાણી પીધાં પછી ધૂળીમાએ ખોંખારો ખાધો ને બોલ્યા ‘જો વહુ...અમારા વખતમાં તપાસવાનું કે એવું કાંય નોતું. જો સોકરાં નો થાય તો બીજીવાર લગન થાંતા ઇ પણ આદમીના.. એક નૈ બે નૈ ત્રીજીવાર પણ પરણતો. ભલે ને સંધાયનું જીવતર બગડે. અમારા લગનને હજી તો માંડ વરહ થયું તિયાં તો સોકરું નથ થાતુંની માળા ફરવા લાગી.. મારા હાહરાનું ખોરડું ઇ વખતે ખમતીધર ગણાતું એટલે બીજી ત્રીજી ... જેટલી જોયે અટલી સોકરી આવે.... સોકરી ના પાડે પણ તેના માબાપ તો ગળે લટકાવી જ દે.’ ધૂળીમા એક શ્વાસે બોલી ગયા. એક ઠૂસકું આવ્યું. વળી રેવતી ફરી પાણી લેવા ઊભી થઈ. ધૂળીમાએ હાથ પકડીને બેસાડી દીધી.

‘તારા આતાએ ઈના માવતરને કૈ દીધું કે મારે તો આ ધૂળી જ મારી બૈરી છે. મારે બીજી ત્રીજી કોઈ લાવવીનથી.’ ધૂળીમાનો ચહેરાંની બધી કરચલીઓના પતંગિયા પ્રેમવિભોર થઈ ગયા.

‘ઈ વખતમાં તો બાપા હામે બોલાતું તો નૈય પણ જોવાતું ય નૈય. ભલે ને દીકરો હોય. પણ આ તો તારા આતા..’ ધૂળીમા બોલ્યાને માથેથી ઉતરી ગયેલ ઓઢણું ફરી માથા પર ઓઢ્યું

‘મૂઈ મેય કીધું તારા આતાને...તમે બીજી પરણો પછી તમારાં સોકરાંનું હું ધ્યાન રાખીહ. તો મને કે અને સોકરું નૈ થાય તો તું કોનું કરીહ? ...પસે તો અમે જુદા થ્યા. પરભુએ ઈ’ને ઇમ સુઝાડ્યું.’ ધૂળીમાએ વાત પૂરી કરી. ફરી બોલ્યા ‘તારા આતા તો પાકા રામના અવતાર..’ ધૂળીમાં ભૂતકાળમાં લીન થઈ ગયા.

ધૂળની ડમરી અને વિચારોના વાવઝોડાએ રેવતીને બથમાં લીધી. રેવતી ચાલતી ચાલતી અટકી નહીં પણ ચાલ ધીમી પડી ગઈ. એટલે વાવાઝોડાનું જોર વધ્યું. ‘મંગળિયો...ઘડીકમાં પીટ્યો ઘડીકમાં વાલો લાગે તો ઘડીકમાં સાવ નમાલો થાય ત્યારે મૂઆ પર બહુ કરોધ ચડે. પણ કરોધ ઘોળીને પી જાવાનો પેટ ભરી લેવાનું......આખો દિ કટકટ કરતાં (અણ)હમજુ બાઈજી ...તલવાર જેવી જીભવાળો હહરો....વાંકાબોલી નણંદ ...ધૂળીમા..ધૂળીમાની અડાળી ચા....ધૂળીમાની આંખે જોયેલા આતા બધું એક સામટું બધું વીંટળાઈ વળ્યું.

‘ક્યાં જાવું...? મંગળિયો મને ગોતહે...? શું કામ ગોતે? એને તો બીજી જ ગોતહે!’…’આજે ઈને મારો સફેદ ડાઘ કરડ્યો! બે અઢી વરહ પરણે થઈ ગ્યા પણ આ સેલ્લા સ મહિનામાં તો મારી નાખી. બાઈજીનું તો હમજ્યા પણ ઘરવાળો આવું કરે તે? છેલ્લા સ સ મહિનાથી કૂતરો હડકાયો થયો સે. ઈના વાંહામાં ય કાળું ટીલું ક્યાં નથ? ઈ તો એણે કોઈને કીધુંય નોતું ને અટાણે મારા ડાઘાને કરડવા નીકળ્યા. અમારાં પેટમાં પાપ નોતું ને તે મારા બાપુએ પેલ્લેથી કઈ દીધું તું. સોકારાં નથ થાતાં ઈમાં મારો એકલી નો વાંક? મે દાગતર પાહેં જાવાનું કીધું તો ભોણમાં હાથ નાખી એરુંને અટકચાળો કરવા લાગ્યો હોય એમ રોજ બાધવાનું ગોતે.... ઈ જ દુકાળિયો સે તે દાગતર પાહેં ક્યાંથી આવે?. હવે બીજીને લાવહે અને એનોય ભવ બગાડહે.’ તે હવે થાકી. બસ સ્ટેંડના એક ઝાડ નીચે બેસી ગઈ. અને ચાવાળા પાસે ચા મંગાવી. સાડીના છેડેથી બાંધેલા પૈસામાંથી દસની નોટ કાઢી આપી. પૈસા ગણ્યા. બધી નાની નોટ....અને મોટું હતું માત્ર ‘હવે શું’નું પોટલું.. તેણે ઝાડ પર એક પારેવાને ઝાડ પર પાછું આવતું જોયું. ‘ચા નથ પીવી.’. વિચારે માત્ર થૂંક ગળે ઉતાર્યુ. ચાનો કપ હાથમાં પકડીને બેઠી રહી. ‘લ્યો ચામાં એક ટૂકડો ટોસનો બોળો’ રેવતી ક્યાં શું ને કેમના અંધારા કૂવામાં ગોથાં ખાતી હતી ત્યાં કોઈએ ખાલી ગાગર નાખી ડૂબક અવાજ કર્યો. એક સ્ત્રી ક્યારે તેની બાજુમાં આવી બેસી ગઈ હતી તેની તેને ખબર પડી ન હતી. તેણે પેલીની સામે જોયુ. તે હસી. ‘લ્યો આ ટોસ લ્યો.’ પેલી ફરી બોલી. રેવતીને ભૂખ લાગી હતી. તેણે ટોસ હાથમાં લીધો અને ચામાં બોળ્યો.

ટોસ ચામાં બોળતા રેવતી બોલી ‘મારો ધણી મને કોય દિ ભૂખી નો રાખે...અપ્પાસ……… એકટાણાંય નો કરવા દે.’

ટોસનો ટૂકડો મોઢામાં મૂક્યો અને જીભ કચરાઈ. સીસકારો નીકળી ગયો.

‘જીભને બટકું ભરાઈ ગ્યું? ખોટું બોલીયે તો જીભ કસરાઈ જાય, હે..ને?’ રાધી બોલતાં બોલતાં મલકી.

રેવતીની જીભ ટોસના ટૂકડાંની જેમ લોચો વળી ગઈ. રેવતી ચા પીધીને પછી બોલી ‘સારું કર્યુ બેન ચા ભેગો ટોસ ખાધો તે પેટ ઠર્યુ.’

‘આપણે તો અસ્ત્રીનો અવતાર.......સંધાયનું ધિયાન રાખીએ પણ આપણું જ ભૂલી જાયે.’ પેલી સ્ત્રી બોલી. તારું નામ હું? રેવતીએ પેલીને પૂછ્યું ‘રાધી.’ પેલીએ જવાબ આપ્યો., અને પૂછ્યું ‘તારુ?’

‘રેવતી...’ રેવતીએ જવાબ આપ્યો. બસ સ્ટેંડ હતું એટલે બસ આવતી જતી હતી. રેવતી અને રાધીના મનમાં બસ કરતાં વધારે ઘરેરાંટી ચાલતી હતી વિચારોની.બસમાં ચડતાં ઉતરતાં લોકોનો અવાજ કરતાં આજુબાજુ કોલ્ડ ડ્રીંક્સ બીસ્કીટ અને શેરડીના રસ વાળો પોતાની વસ્તુ વેચવાનો પ્રયત્ન કરતાં હતાં. લોકો આવતાં જતાં કોઇ કંઇ લે કોઈ નીકળી જાય તેના પર બણબણતી માખીની જેમ. અવાગમનની ખુશી....ભાર..દુ:ખ આ બધાના અવાજો માખીના બણબણાટને એકમેક સાથે હરીફાઈ કરતાં હતાં. બન્ને સ્ત્રીઓનો આ બધા અવાજથી સાવ વિમુખ...પોતાની દુનિયામાં ઓચિંતાના પારેવાના ફડફડાટે રેવતીએ ઝાડ પર જોયું. ‘બેન તારે ક્યાં જાવું છે?’ રાધીએ સાવ ઓચિંતું જ પૂછ્યું.

રેવતી માત્ર તેની સામે જ જોઈ રહી અને પછી બોલી ‘ભાવનગર.’ બોલતાં બોલતાં પારેવું ક્યાં ગયું તે જોવા ઝાડ પર નજર કરી. પારેવાનું કોઈ ભેરું કોઈ સગું .....!

ધણી હારે બાધવાનું થ્યુ સે?’ રાધીએ રેવતીને પૂછ્યું. રેવતીને જાણે કોઈએ તીર માર્યુ તેવો તરફડાટ ચહેરા પર પથરાઈ ગયો

‘બુન...સંધાય મરદ હરખાં જ હોય. દાદાગીરી તો ઇની જ હાલે.’ રાધીએ તેના તરફડાટ પર મલમ લગાડ્યો. રેવતી થોડીવાર કશું બોલી નહીં. પછી રાધીને પૂછ્યું ‘તુને કેમ ખબર પડી?’ રાધી મલકી તેના ઘઉંવર્ણા ચહેરાં પર પોતે સાચી છે તેનો સંતોષ ગરમ લહેરખી સાથે આવીને જતો રહ્યો.

‘બુન....હું યે એક અસ્ત્રી છું ને. આ સંધાય મરદને હરખા. તે કોઈપણ અસ્ત્રી હોય ઘરવાળી કે બારવાળી, દાદાગીરી તો એની જ હાલે ’ રાધી બોલી અને તેનો ચહેરો તમતમવા લાગ્યો.

‘આલે પાણી પી.’રેવતીએ એક બાટલી આપતાં કીધું. ‘તું તારે મોઢે માંડ. સંતોષ થાય. ઉંચેથી ધરવ નો થાય.’ રાધીએ પાણીની બોટલ મોંઢે માંડી રાધીનો તમતમાટ ઓછો થયો નહીં.

‘મારા માવતરને તો મે જોયા જ નથ. હું હાવ નાની હતી ત્યારના મરી ગ્યા. કાકીના ઠબલાં ખાઈને મોટી થઈ સું.’ રાધી એકધારું બોલી ગઈ. રાધી શ્વાસ લેવા અટકી. શ્વાસમાં ઉકળાટ હતો. રેવતી એ તેની પીઠ પર હાથ ફેરવ્યો.

‘મને ગમે ત્યાં પયણાવી નાખવી તી. ઘર મારા બાપનું સે ઇ સમૂળગું એનું થઈ જાય ને! આટલા વરસ એટલે તો મને સાચવી..ના ના....રાખી. ઈ ઘર મારું સે એવું કોઈ દિ બોલીયે નથી પણ ઈના જ મનમાં મેલ હોય તે મુને કાઢી. મે તો એવુંય હાભળ્યું છે કે ઓલા માણાએ મારા હાંરે લગન કરવા મારા કાકાને પૈહા પણ આલ્યા સે.’ લાલચોળ સૂરજ તેની સામે જોઈ શકતો ન હતો. ‘તું જ કે’ બેન પેટની દીકરી હોત તો ઈ એને વેચત?

ફરી રાધીએ થોડો શ્વાસ લીધો અને બોલી ‘મને તો પૈણ્વામાં પણ વાંધો નો’તો. પણ ઈ મરદ બીજી વાર લગન કરવાનો હતો. તેની પેલી બૈરી જીવતી છે તો યે.’ રેવતીએ તેની સામે જ જોયા કર્યુ.

રાધી તેની આંખોમાં જોઈને બોલી ‘સાચું કઉ બુન, મને બીજવરનો જરાય વાંધો નથ. પણ પેલી જીવતીને જીવતે જીવ મારી નાખવાનો વાંધો છે. મલકમાં વાત વે’તી મેલી છે કે ઇ બાઈને કંઇ રોગ છે. ઘડીક કે સોકરાં નથ થાતાં. દાગતર પાસે ગ્યો? કાંઈ તપાસ કરાવ્યા વના મારે કોઈના નિહાકાં નથ લેવાં.’

વાત હજી પૂરી થઈ ન હતી અને રેવતીએ પોતાના પગ પર પોતાના હાથથી જોરથી માર્યુ. રાધીએ તેની સામે જોયું એટલે બોલી ‘આ તો કીડીએ ચટકો ભર્યો એટલે .’ પગ પર લાલ થઈ ગયું હતું. અને મોઢું પણ.

રેવતીએ જોરથી લૂછી નાખ્યું અને પછી બોલી ‘હાલ....હવે તારે શું કરવાનું સે.?’

‘શું કરે શું...ભલે કાકી ઘર ગળે બાંધતી પણ મારે એમ ગમે તેવાને ગળે નથી બંધાવુ. ઈને ઘર જોતું’તું ને તો ભલે ઇ રે. પણ મારે કોઈનું ઘર નથી ભાંગવું’ રાધી બોલી

‘પણ ઈ બાઈ તો ન્યાંથી વઇ ગઇ સે.’ રેવતી ધીમેથી બોલી રાધી તેની સામે જોઈ રહી. જાણે બધું અધ્ધરતાલ......

‘હાલ, બુન આંય કીડી બઉ સે અબઘડી મુને સટકી તી. આમ હામે જો હાર હાલી જાય આ જો બસ આવી આપણે નથી રે’વું અંયા. આંય કીડી ચટકો ભર્યા વગર નઈ રે.’ રાધીએ રેવતીનો હાથ ખેંચ્યો અને બન્ને બસ તરફ રવાના થયા.


Rate this content
Log in