લક્કડખોદ
લક્કડખોદ
ટક...ટક...ટક સવાર પડી ગઈ. નરેનનો હાથ આંખ ખોલ્યા પહેલાં તેના કાન પર ગયો. સવારની ચા ચૂલે ચડી ગઈ છે તેની નરેનને ખબર પડી ગઈ. રોજ રોજ મા ચામાં નાખવા આદુ ટીચેં અને નરેનનો હાથ આપોઆપ કાન પર જતો રહે તો કોઈવાર ઓશીકું. પણ આ ઓશીકાની આરપાર પણ અવાજ તો સાથે ને સાથે...ટક ટક...તેની ઓફિસમાં પણ ટાઇપરાઇટરનું ટક ટક. પોતે નાનપણથી જ ટાઇપીસ્ટ બની કામે લાગી ગયો એટલે આ ટક ટક અવાજ તેના અણગમાના આકાશને આંબી ગયો હતો જાણે પેલો લાંબી ચાંચવાળા લક્કડખોદ..એક વખત આ લક્કડખોદ ઝાડ પર બેઠો બેઠો તેની લાંબી ચાંચથી ઝાડ પર ટક ટક કરતો હતો ત્યારે તેણે માને પૂછ્યું હતું ‘આ શું કરે છે?’ ત્યારે માએ કહ્યું હતું ‘આ લક્કડખોદ છે તેની અણીવાળી લાંબી ચાંચથી તે આ થડ અને ડાળીને કોરી નાખે છે. તેના ખાડામાં જીવડાં ભરી રાખે છે અને પછી ખાય છે. આમ ઝાડને ખોખલું કરે.’
‘અમારો નરેન પહેલેથી જ બહુ ઓછું બોલે.’ ‘નરેને તો અમારો ડાહ્યો. તેના મોઢામાં જીભ જ નથી. ‘નરેન એટલે ન બોલ્યામાં નવગુણ.’ બસ આવી બધી પ્રશંસાના ઝાળામાં કેદ નરેન. પણ આજે તો નરેને નક્કી કર્યુ હતું કે નલીને પોતાના દીલની વાત કરી જ નાખવી. કાલે તો નલીની કેવી સુંદર લાગતી હતી.. ગુલાબી રંગની સાડી....તેના છૂટા વાળ અને તેની મેચિંગ પર્સ. વળી કાલે તો ગોગલ્સ પહેરીને આવી હતી જાણે ફિલ્મની હિરોઈન... હજુ હમણાં હમણાં તો ઓફિસમાં આવી હતી. તે આવે ત્યારે જાણે અત્તરનો દરિયો.. એ પહેલાં તો પેલો ખડૂસ કાકો...આખો દિવસ ખાસ્યા કરતો..ખૂ..ખૂ.. બાપુની જેમ જ. જ્યારથી આ હિરોઈન...ના ના... નલી તેણે જ તો કહ્યું હતું ‘તમે મને નલી કહેશો તો ગમશે.’ જાણે ટાઇપરાઈટર પર આખો પ્રેમપત્ર ટાઈપ થઈ ગયો...કેટલી સહજતાથી નલીનિએ પોતાની ઈચ્છા સહજ કરી. કોઈ છોકરી નહીં તો સીધેસીધી ‘આઈ લવ યુ’ થોડી બોલે અને જો તે બોલે તો તે વધુ પડતી ફાસ્ટ...આપણે ચાલે પણ નહીં. આજની સવાર તો મસ્ત લાગી. કોઈ દિવસ નહીં પણ આજે તેના હોઠ ગોળ થઈ ગયા... પણ સીટી ક્યાંથી વાગે?
આ પહેલાં તેના હોઠ ક્યારે ગોળ થયા હતા!
તે જલદી તૈયાર થઈ ગયો. આજે નરેને નવું શર્ટ પહેર્યુ હતું. આ શર્ટ તો તેણે ખાસ જન્મ દિવસે પહેરવા લીધું હતું. આમ તો તેને પોતાના માટે કોઈ વસ્તુ કે કપડા લેવાનો સમય જ ક્યાં આવતો.. ના.. સમય અને પૈસા બન્નેની અછત...સવારે નવ વાગે ઓફિસ... ટાઈપરાઈટર... અને ટક ટક...પછી છ વાગે એટલે ટ્યુશન. જેટલાં વધુ ટ્યુશન એટલી આવક વધે. રાત્રે બધાથી થાકી ઘરે આવીએ એટલે ફરી કેટલા લક્કડખોદ અને તેનું ટક ટક ખોખલું ઝાડ. હવે તો ઉંઘમાં પણ ટક...ટક...આ ટક ટકમાં કેટલાં જનમ દિવસ ગયા તે કપડાના માપ પરથી ખબર પડે. પહેલાં તો કપડા ટૂંકા થઈ જાય એટલે નવા લેવા જ પડે...પણ હવે? હવે તો કપડાં ટૂંકા પડતાં નથી છતાં પોતે લાંબો થતો જાય છે. જ્યારે મા હતી ત્યારે નવા કપડા અને ઘીથી લસલસતો શીરો તે પણ બદામ નાખીને...જનમદિવસ એટલે આટલું તો નક્કી જ. તે માનો રાજકુમાર હતો અને મા તેની પરી..બાકી બાપુ તેની માટે ચોકલેટ લઈ આવતા. તે બધા મિત્રો સામે તે રોફથી ખાતો. જ્યારે અત્યારે તો ‘ઘરમાં આ ખલાસ થઈ ગયું છે.’ ‘વિમલની શાળાની ફી ભરવાની છે.’ ‘આ દવા લાવવાની છે.’’લાઇટનું બીલ ભરવાનું છે.’ આ બધામાં પરચૂરણનું પતાસું પણ ચામાં નાખી ચા પીવી પડતી.
આ શર્ટ તો આ વખતે પોતાના જન્મદિવસે પહેરવા માટે ખાસ ખરીદ્યું હતું. ‘હું ચા નથી પીતો.’ તેનું આ સ્ટેટમેંટ ઓફિસના દરેક કર્મચારીની મોંઢે થઈ ગયું હતું. અને બધાના અહોભાવનું વધુ એક ઝાળું તેની આજુબાજુ વીંટળાઈ વળ્યું હતું,. આ ઝાળામાંથી બહાર નીકળાતું ન હતું...શ્વાસ રૂંધાતો અને શબ્દો અટકતા હોઠ પર.
પણ આજે આ નવું શર્ટ પહેર્યુ. જન્મ દિવસને દિવસે નવું લાવીશું. આમ જોઈએ તો આજે તેનો નવો જનમ...વાળ પણ ચાર વખત ઓળ્યા. બેલ્ટ બાંધ્યો અને ઈન શર્ટ કરી અરીસામાં આગળ પાછળ ફરી જોયું. હવે અરીસા સામે ઊભા રહી નાટકની તૈયારી સંવાદોનું રિહર્સલ ‘નલી આજે આપણે કોફી પીવા જઈશું.’ આટલું બોલતા ખિસ્સામાં હાથ નાખી પૈસા ગણી લીધા પરચૂરણ સાથે. જલદી હાથ કાઢી લીધો. ‘અહીં બાજુમાં નહીં પણ પેલા બાગની બાજુમાં છે તે કોફી હાઉસમાં.’ મનોમન ‘અહીં મી. દવે કે ત્રિપાઠી ભટકાઈ જાય તો.’ ‘હું તમારી સાથે લગ્ન કરવા માગુ છું. હું તમને રાજરાણીની જેમ રાખીશ.’
વિચારના વાંદરાએ ગુંલાટ મારી ’કેવીરીતે? શરૂઆત જ ખોટી!’
‘નલી આપણે એક બીજા ઘરમાં રહેવા જઈશું. હું બળદિયો નથી.....મારી પણ જિદંગી છે. આ મારા બાપના વસ્તાર પણ મારું કોણ મને કોઈ પૂછે છે? હા ડીમાન્ડોનું લીસ્ટ પકડાવી દે છે.’ બધાને મીઠાં મીઠાં બોર ખવડાવું છું પણ મારે મારું કાળજું ખાવા દેવું નથી. ‘આપણે ઘર પણ ભાડે લઈ લેશું...એટલે આપણી જિંદગીમાં કોઈની ખટપટ નહીં.’
તૈયાર થઈને ચાનો કપ હાથમાં લીધો. એક ઘુંટડો મોંમા અને અવાજ આવ્યો... બાજુવાળી મેઘા દોડતી આવી જાણે કાળી બિલાડી ‘માસી જલદી દોડો વિમલનો એક્સીડંટ થયો છે એને બહુ વાગ્યું છે.’ આદુવાળી ચા રહી ગઈ અને માથામાં ફરી પેલું ટક....ટક.....મા અને નરેન બન્ને દોડ્યા.
માણસોના ટોળા વચ્ચે લોહી નીકળતો વિમલ રડતો હતો. આજુબાજુના લોકો રીક્ષાવાળાને ખોખરો કરવા માટે તૈયાર હતા પણ વિમલ સામે કોઈનું ખાસ ધ્યાન ન હતું. નરેને જલદીથી રીક્ષા પકડી મા અને વિમલને લઈ હોસ્પીટલ પહોંચ્યો.
‘મિ. દેસાઈ કેમ મોડું થયુ?’ ઓફિસમાં પહોંચતાની સાથે બોસે પોંખ્યો.
આખા એક્સીડન્ટની વાત કરી નરેને સફાઈ આપી. પણ બોસે તેના ચશ્મામાંથી એવીરીતે જોયું કે જાણે શિયાળ....મા રોજ એક વાર્તા કરતી... તેમાં શિયાળ હંમેશા લુચ્ચુ જ હોય અને બોસ...? નરેન પોતાની કેબિનમાં ગયો તો કેબિનમાં એકલું ટાઈપરાઈટર સાવ ચૂપચાપ આખી કેબિન ખાલી અત્તરના દરિયાની પ્રતીક્ષા ક્યાં કેમ ક્યારે...હવે સવાલોનું ટક ટક!
મા રોજ વાર્તા કરતી ત્યારે મા તેને રાજાનો કુંવર બનાવતી તો નરેન માટે મા આપોઆપ પરી બની જતી. પણ ઓચિંતા એક દિવસ પરી બીજા દેશ જતી રહી અને નરેન એકલો...બાપુ તો આખો દિવસ કામમાં અને રાત્રે મોડા આવે. પહેલાં મોડા તો આવતા પણ માના મૃત્યુ પછી વધુ મોડા આવતાં...આમ છ સાત મહિના ચાલ્યું અને એક દિવસ ઓચિંતા વહેલા આવી ગયા ’આ તારી મા છે.’ બાપુ આવી બોલ્યા ‘આ બધું મે નરેન માટે જ કર્યુ છે.’ ડૂબકી મારી પણ પોતે સાવ કોરાંને કોરાં. નરેન કશું સમજી શક્યો નહીં. સમયે તેને સમજાવી દીધું કે નવી મા આવી ગઈ છે. આ મા નરેનને સમયસર જમવાનું આપતી, શાળાની બેગ પણ તૈયાર કરી આપતી.
એક દિવસ તાવ આવ્યો તો ડોક્ટર પાસે લઈ ગઈ અને દવા પણ પાઈ. બાપુ તો ખુશ ખુશ...પણ નરેનને એમ હતું કે તાવ આવ્યો છે તો આજે તો આ મા આજે માથા પર હાથ ફેરવશે...પણ...ત્યારે તે વાર્તા પણ સાંભળશે પણ એ માત્ર ધ્યાન રાખતી હતી તે મા નહોતી.
આઠ વરસ થઈ ગયા અને વિમલ વિશ્વા અને વિવેકનો મોટો ભાઈ તે બની ગયો. મોટો બન્યો એટલે જવાબદારી વધી. બાપુએ ટાઈપીંગ શીખવી દીધું અને એક પ્રાઇવેટ કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી ગયો અને બાપુને ટેકો. ‘જો બેટા હવે તું મોટોભાઈ છે. તારા આ નાના ભાઈબહેનનું ધ્યાન રાખવાની જવાબદારી તારી.’ બાપુએ કહ્યું'.
‘મારી કેમ? એ તમારો પરીવાર છે તમારું કુટુંબ...તમે ધ્યાન રાખો.’ સારાપણાના ઝાળામાંથી બહાર આવવા ધુજતા શબ્દો માત્ર નરેનેના હોઠને અને મનને ધ્રુજારી આપતા. ‘લગન તો મારી માટે કયાં કર્યા અને આ છોકરાં? જો ત્રેવડ હતી નહીં તો પછી..’ વિચારથી આખું શરીર ધ્રુજતું. માએ કહેલી વાર્તા તેના મગજમાં રોજ ઘણની જેમ અથડાતી. એક મગર અને એક વાનરો બન્ને મિત્રો.વાનરો ઝાડ પરથી તોડી રોજ મીઠાં મીઠાં જાંબુ મગરને ખવડાવે. મગર મગરી માટે પણ રોજ લઈ જાય. એક દિવસ મગરે વાંદરાને ઘરે આમંત્ર્યો. મગરીએ મગરને કહ્યું કે જે આટલાં મીઠાં ફળ આરોગે તેનું કાળજું કેટલું મીઠું હોય! પોતે મુરખ વાંદરો. આ તો આખું મગરનું ફેમીલી. રોજ રોજ કાળજું માગે મીઠી મીઠી વાતો કરી...આ મગર...બાપુ...પહેલાં કોઈ દિવસ બાપુ મારી
પાસે બેસવા આવતાં નહીં અને હવે ?...હવે તો ડાહ્યો છે ડાહ્યો છે પેલા લક્કડખોદની જેમ....ટક ટક. આમ ખાડો અને પછી જવાબદારીના પોટલાં ભરી દે. નથી કરવું મારે કશું કામ...મારે ભણવું છે.. મારે રમવું છે..મારે જીવવું છે!
મા તો સાવ ઓચિંતિ જતી રહી પણ બાપુએ હોસ્પીટલ દવાના ડોઝ...મોટા બીલ બધું જોયું...પછી કદાચ સહન થયું નહીં હોય એટલે આ બધું નરેનને હવાલે કરી આંખ મીંચી ગયા. આ બધું પૂરું કરવા માટે ભણવા સાથે છેડો ફાડી પેલા ટાઈપ રાઈટરના ટક ટકને અપનાવ્યું હતું. આ અવાજથી કેટલાં બધા લક્કડખોદ તેને સામે દેખાતાં. ’ભાઈ આજે આ ખલાસ થઈ ગયું છે પૈસા જોશે.'
'વિશ્વાની શાળાની ફી ભરવાની છે.' તો વિમલ બોલશે...'ભાઈ મારે નવી ચોપડી લેવાની છે.' 'આજે શાળાનો પ્રોગ્રામ છે તેમાં પહેરવાના ડ્રેસના પૈસા ભરવાના છે.' અને નાનાકડો વિવેક 'ભાઈ મારા માટે ચોકલેટ લેતાં આવજો...ભાઈ...કેડબરી હો...' 'ભાઈ નવા બુટ લેવા છે...મારા ફ્રેંડ વેદ જેવાં..લઈ આપશો ને..?' માગવાનું મંગાવવાનું કામ નવી મા મોટે ભાગે નાનકડી વિશ્વા મારફત કરતી. કોને ખબર પણ નરેનને આ નાનકડી વિશ્વા ખૂબ જ ગમતી. તે જ્યારે ગોળ ગોળ ફરી રમતી ત્યારે નરેનને એક પતંગિયુ ઉડતું હોય તેવું લાગતું. વિશ્વાનું સ્મિત ગમે પણ ખરું. ક્યારેક કંઈક સ્પર્શીને જાય પણ શું તેની ખબર ન પડે. બાકી વિમલ અને વિવેક બન્ને તો તોફાની બારકસ આખો દિવસ કામ નહીં કાજ નહીં માત્ર તોફાન..
એક મગર અને એક મગરી નહીં આખું કુટુંબ નાના મોટા સહુ વાંદરો દોડે છે આ બધા મગર કુટુંબના મોંઢા પર ચાંચ ચોટાડેલી છે એટલે પહેલાં મગર જેવી મીઠી મીઠી વાત કરે...ટક ટક પછી ચાંચથી ખોતરે છે. તેની પાછળ બધા દોડે છે. આપો આપો આપોની લાવો લાવો.. બુમાબુમ... રાડારાડ...
ચોમેર અરાજકતા... અવ્યવસ્થા... મનમાં... પણ કોણ જુએ? ‘નરેન તો અમારો બહુ ડાહ્યો દીકરો છે.’ સાવ શાંતિ હતી. ટાઈપરાઈટરનું ટક ટક પણ નહી...છતાં કાન પર હાથ જતાં રહ્યા. કાન બંધ કરવાથી મગજનું ટક ટક બંધ થાય ખરું? નલી આવીને જતી રહી હશે બે દિવસ પહેલાં પણ જલદી નીકળી ગઈ હતી. આ વિમલનો એક્સીડંટ થયો ન હોત તો આજે મનની વાત નલીને ચોક્કસ કહેવાઈ ગઈ હોત. તે પણ જલદી નીકળી ગયો. પરીક્ષા માથા પર હતી એટલે ટ્યુશનને ના પાડી શકાય તેમ નહોતું. જલદી જલદી બધું કામ પતાવી દેવું છે. પણ પછી શું? નલી તો આજે નહીં મળે... હવે પોતે આ બોજ કે ટક ટકમાંથી ક્યારે છૂટશેના! હવે તો છટકવું જ પડશે.
વિચારના વહાણમાં બેસી નરેન સૂરજને ત્યાં પહોંચ્યો. સૂરજ તેના બંગલાના બગીચામાં એક કૂતરા સાથે વાત કરતો હતો. નરેન સીધો ત્યાં પહોંચ્યો. ‘સૂરજ પરીક્ષા માથા પર છે અને આ બધા શું નખરાં ચાલું કર્યા છે? હોમવર્ક કર્યુ છે કે નહીં? ચાલ હાથ ધોઈ લે આપણે રીવીઝન કરીએ.’ નરેન એક શિક્ષક બની બોલ્યો.
‘સર...આને જુઓને..’ સૂરજે નરેનને આગ્રહ કર્યો.
‘અરે...આ તો રસ્તાનું ગલુડિયું છે એને અહીં કેમ લઈ આવ્યો? ચાલ છોડી દે તેને...હાથ ધોઈ નાખ,' નરેને જરા ભારેખમ અવાજમાં કહ્યું.
‘સર, એની મા ત્રણ દિવસ પહેલાં એક એક્સીડંટમાં મરી ગઈ છે. એટલે હું તેને અહીં લઈ આવ્યો છું.’ સૂરજએ સફાઈ આપી. નરેનને આઘાત લાગ્યો. બિચારાની મા મરી ગઈ! સ્વસ્થ થવાનો દેખાવ..
‘હવે શું કરીશ?’ નરેને સૂરજને પૂછ્યું.
‘તમે સર છો તેમે ઉપાય બતાવો ને,’ સૂરજે સહજતાથી કહ્યું.
‘હું…?’ નરેન અચકાયો... આમ તેમ નજર ચોરી. દરવાજા પાસે નજર પડી, દરવાનને બોલાવ્યો.
‘જો દરવાજામાં એક કૂતરી ઊભી છે તેને અહીં લઈ આવ,’નરેન બોલ્યો દરવાન દોડ્યો અને દરવાજો ખોલ્યો અને કૂતરી અંદર. તે કૂતરી આવી સાથે બીજા બે ગલુડિયા પણ પાછળ પાછળ. કૂતરીએ આવી પેલા ગલુડિયાને સુંઘ્યું. પછી તેની પૂછડીને ચાટી..અને જાણે કાનમાં કંઈક કહ્યું.
ગલુડિયાએ આંખો ખોલી તેની સામે જોયું. ચોમેર ખુશી અને સૂરજ બોલ્યો ‘આ તો ઊઠ્યું!’ આ કૂતરી સાથે બીજા બે ગલુડિયા આવ્યા અને તેઓ એ ખાવામાં મોઢું માર્યુ. હવે પેલું ગલુડિયું પણ ઊઠ્યું અને તેની સાથે ખાવા લાગ્યું. પેલી કૂતરી પણ ખુશ થઈને પૂંછડી પટપટાવા લાગી. ખાવાનું ખતમ અને ભોં ભોં ઝગડા ચાલું. પણ હવે બધા સાથે રમવા લાગ્યા. ‘થેંક યુ સર... હવે મારો સૂરજ પણ શાંતિથી જમશે. બે દિવસથી તો આ ગલુડિયાની પાછળને પાછળ..’ સૂરજની મમ્મી આવીને બોલી. ‘આ કૂતરીએ આ ગલુડિયાને પણ પોતાનું બનાવી દીધું... હવે ચિંતા નથી...’ આવા પડઘા નરેનના કાનમાં ક્યાંય સુધી પડઘાતા રહ્યા. આજે ક્યાંય સુધી દરિયા કિનારે ચાલતો રહ્યો... બેસી રહ્યો... ભૂખ તો લાગી હતી છતાં વિચારોના વાવાઝોડાએ રસ્તો રોક્યો. ઘરે પહોંચતા મોડું થઈ ગયું હતું. બધા સૂઈ ગયા હશે. આમ વિચાર કરી બે પાવ વડા લીધા. પોતાની જેમ રડ્યા ખડ્યા માણસો સિવાય કોઈ દેખાતું ન હતું એટલે પાવ વડા લઈને તેણે પણ ઘર તરફ પગ ઉપાડ્યા. સૂનકાર ઘરને ઘેરી વળ્યો હતો. નરેને દરવાજો ખોલ્યો એટલે દરવાજાના કિચુડાટથી સૂનકાર સળવળ્યો. ધીરા પગલે નરેન ઓરડામાં દાખલ થયો. લોખંડના પલંગ પર ધીરેથી બેઠો. પાછળ કશોક નવો સળવળાટ થયો. પાછળ વિમલ વિવેક અને વિશ્વા. ‘ભાઈ તમે પાવ વડા લાવ્યા છો?’ વિશ્ર્વાએ નાક ઊંચું કરી પૂછ્યું. નરેનને તેના લટકાથી હસવું આવી ગયું. તે પલંગ પર બેઠો અને વિશ્વાને પોતાની પાસે બોલાવી. તેની સાથે વિનય અને વિવેક પણ ખેંચાયા. નરેને પાવ વડાનું પેકેટ ખોલ્યું. બે પાવ વડા આપ્યા. વિશ્વાએ બે પાવવડાના ચાર ભાગ કર્યા અને બધાને એક એક આપ્યો. પછી તે ખાવા લાગી. નરેને વિશ્વા સામે જોયું... વિશ્વા મીઠું હસી. જાણે ...મા!
