નવ સાડત્રીસની ટ્રેન
નવ સાડત્રીસની ટ્રેન
નીલેશના કાનમાં ઘડિયાળનું ટકટક વાગતું હતું. તેણે રજાઈ ખેંચી કાન ઢાંક્યા. પણ અવાજ તેનો પીછો છોડતો ન હતો પેલી છોકરીના વિચારની જેમ. તેની નજર સામે ઘડી ઘડી પેલી છોકરીનો ચહેરો દેખાયા કરતો હતો. છેલ્લા ચાર દિવસથી એ છોકરી ત્યાં જ બેસે. અનાયાસે પોતાની સીટ પણ સાવ તેની સામે નહીં છતાં સામેની બાજુ કહી શકાય. આમ તો થોડીક શામળી લાગી.. ના ના ઘઉંવર્ણી કહેવાય. પણ તેના ચહેરાં પર કેવું અદભુત સ્મિત હતું. અદભૂત? શું તે કોઈ પરી હતી કે એંજલ? ના...ના એંજલ તો પોતાની જૂઈ જ. આમ તો સાદી દેખાતી હતી, જૂઈ પણ સાદી જ હતીને. પણ તેની આંખોમાં કંઈક જુદુ જ ખેંચાણ હતું. આ ખેંચાણે જ તેને તેની સામે જોવા પ્રેર્યો હતો. અત્યારે પણ તેની આંખોની પારદર્શકતા તેની આજુબાજુ વીંટળાઈ ગઈ હતી.
‘નીલ...ઉંઘ નથી આવતી?’ શ્રાવણી ધીમેથી તેના માથા પર હાથ રાખી બોલી. તેણે કશો જવાબ ન આપ્યો. પડખું ફરી શ્રાવણી સામે જોયું. પછી તેની આંખો પર હાથ રાખી બોલ્યો,‘તું સૂઈ જા.’ શ્રાવણીએ આંખો પરથી તેનો હાથ હટાવ્યો અને બોલી,‘આપણને બન્નેને હવે એકમેકને છેતરતાં આવડી ગયું છે.’ નીલેશ બોલ્યો,‘જ્યારે પોતાની જાતને છેતરતા આવડે ત્યારે તમે કોઈને પણ છેતરી શકો. ‘તો આપણે બંધ કરીએ જાતને છેતરવાનું.’ શ્રાવણી સહેજ ઊભી થઈને બોલી. ‘અત્યારે સૂઈ જા. આમ કરવા માટે આપણે ફરી આપણું નવું જીવન શરૂ કરવું પડશે.’ નીલેશ બોલ્યો. ‘નીલ જીવન શરૂ કરવા માટે કંઈક આધાર તો જોઈએ ને?’ આપણે તો નિરાધાર થઈ ગયા છીએ.’ શ્રાવણી સાવ મનમાં બોલતી હોય તેમ બોલી. ‘જૂઈ ગયા પછી તો...’ ‘શ્રધ્ધા રાખ. કંઈક...’ પોતાની જાતને સમજાવતો હોય તેમ નીલેશ બોલ્યો. હવે શબ્દો પણ આ ઠંડીના
કારણે ઠુંઠવાઈ ગયા હોય લાગ્યું. તેણે જોયું શ્રાવણી માત્ર આંખો બંધ કરીને પડી છે. ત્યારે તેણે પોતાની જાતને પણ બંધ કરી દીધી.
રોજની જેમ નીલેશે આજે પણ નવ સાડત્રીસની ટ્રેન પકડી. આ સમયે બહુ ભીડ રહેતી નહીં અને લગભગ બેસવાની જગ્યા મળી જાતી. જો જગ્યા ન મળે તો પણ તેના ધોળા જોઈ કોઈ સાંકડ મૂકડ જગ્યા કરી આપે. એટલે જ જૂઈ કહેતી ‘પપ્પા મને લાગે છે કે ટ્રેનમાં ટ્રાવેલ તો તમારી સાથે જ કરવું. જગ્યા મળશે તેની પાકી ગેરેંટી તો ખરી જ. ‘ જૂઈ બોલતી. ‘એ તને નહીં મને જોઈને મારા ધોળા જોઈને જગ્યા આપે છે સમજી. તારે તો ઊભું જ રહેવું પડશે.’ નીલેશ
બોલ્યો. ‘હું તમારા ખોળામાં બેસી જઈશ ને…’ જૂઈ હજુ પૂરું કરે તે પહેલાં જ શ્રાવણી બોલી ‘હવે તું કંઈ નાની નથી.’
વિચારોની ટ્રેનને બ્રેક વાગી. તેણે જોયું કોઈ તેનો હાથ ખેંચી બેસાડવાનો પ્રયત્ન કરતું હતું. આ તો પેલી જ છોકરી... તે તેની બાજુમાં બેસી ગયો. આમ જુઓ તો કોઈ સજ્જન વ્યક્તિ ચોથી સીટમાં કોઈ સ્ત્રીની બાજુમાં સાવ કિનારે ન બેસે. પણ આ તો પેલી છોકરીએ જ તેને બેસાડ્યો એ પણ હાથ ખેંચીને...સાવ ચૂપચાપ અને તે બેસી પણ ગયો. ધીમેથી માત્ર પેલી જ સાંભળે તેમ થેંક યુ પણ કહ્યું. ધોળામાથા પર હાથ પણ ફેરવ્યો. પણ પેલી છોકરીના ચહેરાના હાવભાવ પરથી કશો ખ્યાલ ન આવ્યો. નીલેશ માત્ર લટકતો બેઠો રહ્યો.
જમતાં જમતાં શ્રાવણીએ પૂછ્યું ‘આજે શું થયું છે?’ નીલેશે ન સમજાયુ હોય તેમ તેની સામે જોયું. શ્રાવણી આગળ કશું બોલી નહીં. રાત્રે સૂતાં સૂતાં શ્રાવણીએ ફરી પૂછ્યું. ‘નીલેશ આજે શું થયું હતું?’ નીલેશે શ્રાવણીને કહ્યું ‘મને ખબર નથી.
મને ખબર પડશે એટલે તને કહીશ. તને ચોક્કસ ખબર પડી જશે. મારે કહેવાની જરૂર નહીં પડે. અત્યારે સૂઈ જવા દે.’ નીલેશ પડખું ફરી સૂઈ ગયો. હવે શનિવાર અને રવિવાર સિવાય પેલી છોકરી નીલેશને આ ટ્રેનમાં અને આજ ડબ્બામાં રોજ મળતી. કોઈ દિવસ તે ખુશ લાગે તો કોઈ દિવસ ઉદાસી ઓઢીને બેસે. ખુશ હોય તો પણ ચૂપ જ. માત્ર તેના હોઠ મલકાટ ઉઘડે જેમ સવારે કળી ઉઘડે તેમ. એક દિવસ શ્રાવણીએ નીલને રાતના સૂતાં સૂતાં પૂછ્યું ‘નીલ તમને કોઈ મનગમતું મળ્યું છે?’
નીલ અંધારામાં શ્રાવણીની આંખોમાં જોઈ રહ્યો. અને બોલ્યો ‘મને લાગે છે કે તું અંધારામાં પણ મને પકડી પાડે છે.’ ‘અંધારામાં અનાયાસે આપણુ મહોરું ઉતરી જાય છે. અજવાળામાં દેખાતી સુખની ખુશીની ખોટી રેખાઓ આપણે બનાવેલી હોય છે વિધાતાએ નહીં. વિધાતાએ બનાવેલી લકિર આપણે કશું કરી શકતાં નથી. એટલે મને અંધારું ગમે છે. તું મને જેવો છે તેવો દેખાય છે.‘શ્રાવણી સહેજ શ્વાસ લેવા અટકી અને ફરી પૂછ્યું ‘કોણ મળ્યું હતું? ‘ખબર નથી. કદાચ..’ નીલેશના શબ્દો તેના મોંઢામાં અટવાઈ ગયા. ‘લીટલ એંજલ!’ શ્રાવણી એકદમ બેઠી થઈને બોલી. ‘મને ખબર નથી પણ એક છોકરી છે જે રોજ મને ટ્રેનમાં મળે છે. બસ એટલું જ.’ નીલેશે કહ્યું ‘મે કદી તેની સાથે વાત નથી કરી. હા, પણ કોઈ કોઈ વખત તે મને મારી સામે સ્મિત કરતી હોય તેમ લાગે છે. મારા હોઠ પર પણ આપોઆપ સ્મિત આવી જાય છે. તે હસે છે આપણી જૂઈ જેવું..’ પછી ફરી નીલેશ ચૂપ થઈ ગયો.
થોડીવાર બન્ને જણ ચૂપચાપ સૂતા રહ્યા. ‘મારે તેને જોવી છે.’ શ્રાવણીના અવાજમાં એક સચોટ રણકો હતો. નીલેશે તેનો હાથ હાથમાં લીધો અને
બોલ્યો,‘મે તારી ખુદની લીટલ એંજલને ધક્કો માર્યો હવે બીજા કોઈ અજાણ્યાને મારે ઘરમાં મનમાં લાવવી નથી.' '‘આપણી એંજલ હતી ત્યાં સુધી આપણે મહોરું પહેરવું પડતું ન હતું. તે ચૂમીના આપણા ગાલ પર પ્રેમ પ્રેમ લખી દેતી કે આપણે કદી મહોરું પહેરવાની જરૂર જ ન પડે.’ પછી ફરી નિશ્વાસ નાખીને બોલી ‘પણ હવે તો આપણને આપણા મહોરા ખૂંચે છે. છતાં ઉતારતા નથી.’ ‘આપણો પ્રેમ તેને ઓછો પડ્યો.’ નીલ બોલી ઉઠ્યો. ‘આપણે પણ તેને કેટલો પ્રેમ કરતાં હતા……અને આજે પણ કરીએ છીએ.’
‘નીલ કદી પ્રેમ ઓછો કે વધારે નથી હોતો પણ એકબીજાને સમજી શકતા નથી. આપણે દિલથી વિચાર્યુ તેને બદલે જો દિમાગથી વિચાર્યુ હોત તો આપણે સમજી શક્યા હોત કે આપણી દીકરી મોટી થઈ ગઈ છે. ને આપણી પરીને કોઈ રાજકુમાર ગમી ગયો છે.’ શ્રાવણી બોલતી હતી તેને વચ્ચેથી અટકાવીને નીલ જોરથી બોલ્યો,‘તે રાજકુમાર ન હતો. જો રાજકુમાર હોત તો હું તેને ના પાડત નહીં.’ ‘મને ખબર છે પણ તેને ખબર ન હતી. આજ એકમેકને સમજવાનો ફરક છે પ્રેમનો નહીં. આપણી લીટલ એંજલ આપણને એટલો જ પ્રેમ કરતી હતી એટલે તો તેને જ્યારે સમજણ પડી ત્યારે તે બધુ છોડી ફરી આપણી પાસે આવવા તૈયાર થઈ હતી.’ શ્રાવણી બોલી તો ગઈ પણ તેને સમજણ ન પડી કે તે નીલને કહી રહી છે કે પોતાની જાતને. તે પોતે પણ સાવ જુદુ જુદુ બોલતી હોય તેવું તેને લાગતું હતું. ‘સમજણ પ્રેમ... સમજણ પ્રેમ તું શું બોલે છે તે મને ખબર પડતી નથી.’ નીલેશ અકળાઈને બોલ્યો. ‘બે હાથ વગર તાળી ન પડે આ વાત તું માને છે ને?’ શ્રાવણીએ હવે પોતાની જાતને સંભાળી નીલેશને કહ્યું. નીલેશ તેની સામે જોઈ રહ્યો. ‘એક હાથમાં પ્રેમ છે અને એક હાથમાં સમજણ. આપણી લીટલ એંજલ પ્રેમથી ભરપૂર હતી પણ આપણી સમજણ જ ઓછી પડી..’ નીલેશ આજે શ્રાવણીને જોઈ રહ્યો. જેની આંખોમાં ઉદાસી ચમકતી હતી ત્યાં આજે એક નોખું કિરણ આવી બેઠું હોય તેવું તેને લાગ્યું... કદાચ પરી લોકમાંથી આવ્યું!
'નીલ તે તો તેનેપાછી બોલાવી હતી ને..અને તે આવતી જ હતી અને કાળમૂખો અકસ્માત ન થયો હોત તો તે અને તેની... દીકરી બન્ને અત્યારે આપણી સાથે હોત.’ શ્રાવણીએ નીલને ધીરજ આપતાં કહ્યું. ‘બે એન્જલ..! પણ એંજલ તો એક જ હોય એટલે જ કદાચ...’ શ્રાવણી મનમાં બોલી. ‘આ બધા મનને મનાવવાના તુક્કા છે.’ નીલ બબડતા બબડતા આંખ બંધ કરી દીધી.
શનિ રવિ ગયા અને આજે સોમવાર. ફરી રોજની જેમ આજે પણ નવ સાડત્રીસની ટ્રેનમાં તે ચડ્યો. આજે તેને બેસવાની જગા મળી ગઈ. તેની નજર પેલી છોકરીને શોધવા લાગી. પણ આજે એ છોકરી ક્યાંય નજર આવતી ન હતી. તે વિચારવા લાગ્યો છેલ્લા લગભગ એકાદ મહિનાથી તે છોકરી રોજ આ જ ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી. તેની એક નક્કી કરેલી સીટ હતી. તે એકલી હતી
છતાં જેંટ્સના ડબ્બામાં ટ્રાવેલ કરતી હતી નહીં કે લેડિઝ ડબ્બામાં. તે તેની સામે રોજ જોતી હતી... ના... ના પોતે ખુદ જ તે છોકરી સામે જોયા કરતો હતો. તેને ખરાબ લાગી ગયું હશે... તો પછી મને હાથ ખેંચીને બેસાડ્યો કેમ? બીજા કેટલા બધા હતા!
‘નીલેશભાઈ કેમ છો? મને તમારું આ બહુ ગમે તમારી ટ્રેનનો ટાઈમ નક્કી નહીં? ઓલા અંગ્રેજ જેવું તો નહીં ને? બધુ ટાઇમ ટુ ટાઈમ.’ આટલું બોલી હસમુખભાઈ આખો ટ્રેનનો ડબ્બો સાંભળે તેમ હસવા લાગ્યા. નીલેશને આવું ખોટું હસતા માણસો બહુ ગમતાં નહીં પણ અત્યારે તો બાજુમાં આવી બેસી ગયા. તેની
પાછળ નીલેશે પેલી છોકરીને હાંફળીફાંફળી જોઈ. તેણે આમતેમ જોયું. ક્યાંય જગ્યા ન હતી. નીલેશને થયું આ હસમુખભાઈ થોડા મોડા આવ્યા હોત તો કાલના ઉપકારનો ભાર આજે ઉતારી નાખત. પણ હસમુખભાઈ તો પહેલાં આવીને બેસી ગયા. પેલી છોકરીને જોઈને નીલેશ સામે જરા આંખ મીંચકારીને બોલ્યા ‘ઓળખો છો આને? મારી જ ચાલીમાં રહે છે મુંગી છે.’ નીલેશે તેના પર વધુ ધ્યાન ન આપ્યું. પછી હસમુખભાઈ બોલ્યા ‘સાવ એકલી.. તેણે ભાગીને લગ્ન કર્યા હતાં. છાનામાના.. હવે પેલો ક્યાંક તેને છોડીને જતો રહ્યો છે એક છોકરી ખોળામાં નાખીને.’ નીલેશથી પેલી છોકરી સામે જોવાઈ ગયું. પેલીને હવે બેસવાની જગ્યા મળી ગઈ હતી એટલે પોતાની જ બાજુ બેઠી હતી. તેનો ચહેરો પૂરો દેખાતો ન હતો. તે માત્ર બારીની બહાર જોયા કરતી હતી. હસમુખભાઈએ વાત આગળ વધારી અને બોલ્યા ‘આમ છોકરી તો સારી છે પણ થોડું છટકી ગયું છે. તે છોકરો એટલે કે તેનો વર આ જ ટ્રેનેમાં રોજ ટ્રાવેલ કરતો હતો એટલે પોતે પણ આ ટ્રેનમાં જેંટ્સના ડબ્બામાં ટ્રાવેલ કરે છે. તેને મનમાં એમ છે કે ઈ છોકરો એક દિ તો નક્કી મળી જાશે.’
સ્ટેશન આવ્યું પણ પેલીની નજર બહાર જ હતી. અચાનક ઊભી થઈ. ટ્રેન શરૂ થઈ તે ઉતરવા ગઈ. નીલેશ જોરથી બોલ્યો,‘અરે... ટ્રેન ચાલું થઈ ગઈ છે...’ આ શબ્દો તો પેલી છોકરીના લોહીથી રંગાઈ ગયા. ટ્રેન ઊભી રહી ગઈ. નીલેશ જલદીથી નીચે ઉતર્યો. લોકો ભેગા થઈ ગયા હતા. ‘હસમુખભાઈ ચાલો જલદીથી
ઘરે જઈએ.
‘નીલેશ આજે તમને કેટલું મોડું થયું? આજે તો તમારે મને લીટલ એંજલને મળવા લઈ જવાની હતી.’ દરવાજો ખોલતાં ખોલતાં જ શ્રાવણી બોલી.
‘લે આજે આપણી લીટલ એંજલ આવી છે’ આમ બોલી નીલેશ એક નાનકડી ઢિંગલી જેવી છોકરીને શ્રાવણીના હાથમાં મૂકી.
