Het bhatt

Others

3  

Het bhatt

Others

દીપાવલી

દીપાવલી

5 mins
226


હિંદુ વર્ષના આશ્વિન માસની અમાસનું પર્વ, દીપોત્સવી. દિવાળી એ વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ તહેવારે દરેક ઘરોને દિપક અને રોશનીથી પ્રકાશિત કરવા, મીઠાઈઓ ખાવા, નવા કપડાં પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે. તે હિંદુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે.આ તહેવારને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ‘પ્રકાશની પંક્તિ’ એવો કરવામાં આવે છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે.

દીપાવલીના દીવડાની એક નાનકડી વાર્તા :-

આ વાત રાજશાહી સમયની છે. એક સુંદર મજાનું મનોહર અને નયનરમ્ય ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. આ બ્રાહ્મણ સંયુક્ત કુટુંબમાં ચાર ચાર દીકરા અને વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. આ ચારેય દીકરાના ઘરે બાલ ગોપાલ નાના - મોટા હતા. આમ આ પરિવારમાં કુલ 15 સભ્યો રહેતા હતા. બ્રાહ્મણ પરિવાર ભિક્ષા માંગી ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે, દીકરાઓનો સંયુક્ત વેપાર પણ બરોબર ચાલતો નહોતો. કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય, દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો ! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં દરિદ્ર-નારાયણ પણ દૂર ભાગે ખરા ? સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દીકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય ! મોટા દીકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં ! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. ત્રીજા દીકરાનો વારો આવ્યો પણ એમાં રતિભાર ફેરફાર ન થયો. ચોથા દીકરાનો વારો આવ્યો એટલે દીકરાએ પિતાજીને કહ્યું કે મારો વેપાર મારી પત્ની કરશે. ખુબ વિચારીને સસરાજીએ આ કામ નાની વહુંને આપવાનું નક્કી કર્યું. નાની વહુને પૂછ્યું કે દીકરી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ. નાની વહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું રહેશે. જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ કરવાની રહેશે નહી.શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.

સસરાજી એક વખત ગામ બહાર ફરવા ગયા. ફરીને ઘર પરત આવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો. નાની વહુ એ કહ્યુ કે જાઉં એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો. સસરાજીને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.

એ જ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગયા. અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતા હતા. તે દરમિયાન આકાશમાં ઊડતી સમળી હાર ચાચમાં લઈ ઊડી ગઈ. મહારાણી ન્હાઈ ને પાછા ફર્યા તો ત્યાં હાર હતો નહિ. રાણી રડવા લાગ્યા. ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે. રાજા કહે કે હું તમને બીજો મંગાવી આપું. રાણીએ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ. સ્ત્રી હઠ સામે રાજાએ નમતું મૂક્યું અને ગામમાં ઢંઢેરો પીટાવીને એલાન કર્યું કે મહારાણી નો મનગમતો હાર ખોવાઈ ગયો છે. જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે.

    આ બાજુ સસરાજીને એક દિવસ વિચાર આવ્યો કે લાઉં જોવું તો ખરો કે એ મરેલા સાપનું થયું શું ? તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો. તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઊડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. અને મરેલો સાપ ચાંચમાં પકડીને ઊડી ગઈ. સસરા તો ખુશ થઈ નાની વહુને નીચે આવી ખુશીના સમાચાર આપ્યા કે નાની વહુ આપણે તો હવે આ હાર વેચી માલામાલ થઈ જશું. તારી યુક્તિ કામમાં આવી. નાની વહુએ કીધુ કે ના, આ હાર મહારાણીનો છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરાજીએ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે?. આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જઈશુ. નાની વહુએ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજાને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી મહારાજ. પણ આ વર્ષે દિવાળી આવે છે તે દિવાળીની રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા પ્રગટેલા ન હોવા જોઈએ. માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા પ્રગટેલા હોવા જોઈએ. સસરા નારાજ થઈ ગયા !. પણ નાની વહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાની વહુની શરત મુકી. રાજાએ કહ્યું કે એ શરત મને મંજૂર છે. આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાં જ દીવા પ્રગટેલા હશે.

દિવાળી આવી. એ જ રાતે આખા ગામામાં અંધારું. માત્ર રાજાના મહેલમાં રોશની અને દીવાનો જગ-મગાટ. બીજી બાજુ બ્રાહ્મણના ઘરમાં નાનકડો દીવો અને દિવાળી પૂંજન. તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં. ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દીવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા. ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી. તેને થયું કે થોડીવાર બહાર જવું. બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ પણ દૂર દૂર એક નાના ઘરમાં દીવો પ્રગટેલો જોયો. લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડાવ્યો. અને કીધું કે મારે અંદર આવવું છે. નાની વહુ ખુબ ચતુરને હોશિયાર હતી. એટલે અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલ્યા કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવા દે. નાની વહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં. એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું બોલો શરત મજૂંર છે ? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂર છે. નાની વહુએ દરવાજો ખોલ્યો અને લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ઘરમાં ચારે બાજુ લક્ષ્મી....લક્ષ્મી.....

આ બાજુ એ જ ઘરમાં રહેતા દરિદ્ર- નારાયણ મુંઝાવા લાગ્યાં. ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ ને એ છટકવાની યુક્તિ કરી. પોતાનું પોટલું ભેગું કરી ભાગવાની તૈયારી કરવા લાગ્યાં. જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ર - નારાયણ રહી શકે ખરા ! નાની વહુએ દરિદ્ગ-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં ? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો. દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવા દે. નાની વહુ બોલી એક શરતે તમને જવા દઉં. તમે અહીંથી જાઉં પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં. મુંજાયેલા દરિદ્ર-નારાયણ બોલ્યા હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ઘરમાંથી ભાગ્યાં. બસ ત્યારથી એ ઘરમાં નાની વહુના પ્રતાપે લક્ષ્મીજીનો સદાયનો વાસ રહ્યો. સાથો સાથ બ્રાહ્મણ પરિવારમાં આનંદ-મંગલની આરતી હંમેશા થતી રહી.


Rate this content
Log in