JHANVI KANABAR

Others

4.0  

JHANVI KANABAR

Others

ધરતીનો વલોપાત

ધરતીનો વલોપાત

4 mins
197


ધરતીની છાતીને વીંધતી અલગ અલગ દેશની પતાકાઓ મનુષ્યની સત્તાપરાયણતાનો પરિચય આપે છે. ધરતીના ખૂણેખૂણા વેચી લઈ દરેકને પોતાના હસ્તક કરી લેવાની મનુષ્યની વૃત્તિથી ત્રસ્ત થઈ આજે જાણે ધરતી વલોપાત કરી રહી છે.

1947માં ભારત અને પાકિસ્તાનનો જન્મ તો થઈ ગયો પણ આ બે જોડિયા બાળકો વચ્ચેની ગાંઠ ઉકેલવામાં, તેને પૂર્ણતઃ એકબીજાથી સ્વતંત્ર કરવામાં કેટકેટલી લોહીની ધારાઓ આ ધરતી પર વહી તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કેટલાય ઘર નિર્વંશ થયા... કેટલાય બાળકો અનાથ થયા... કેટલીય સ્ત્રી વિધ્વા થઈ તો કેટલીય સ્ત્રીઓના શિયળ લૂંટાયા.... કેટલાય બેઘર... નિઃસહાયના આક્રંદ આ ધરતીની છાતીને ચીરતા હશે.... 1947 15મી ઓગસ્ટ પછી જ્યારે અંગ્રેજોની ગુલામીથી ભારતે સ્વતંત્રતા હાંસલ કરી, આઝાદીના બ્યુગલો વાગ્યા ત્યારે કોને ખબર હતી કે આની કિંમત બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ ચૂકવવી પડશે ? આ કપરા સમયનો ભોગ બનેલાઓમાં એક હતા વિજયસિંહ. જેની કરુણગાથા અત્રે પ્રસ્તુત છે.

વિજયસિંહે એક જમીન રાજા પાસેથી બક્ષિસમાં મેળવી હતી, પણ તેમાં ખરાબી હતી. તેમાંથી પાક લેવા અને સમથળ બનાવવા વિજયસિંહે પોતાના જીવનના સોળ વર્ષ આપ્યા હતા. કાળી મજૂરી કરી હતી. લાહોરની દક્ષિણ-પશ્ચિમે, રાવી અને સતલજ વચ્ચે નહેરોના માળખાંઓ મધ્યે આ જમીન હતી. વિજયસિંહે અહીં જ તંબુમાં પોતાનું ઘર વસાવ્યું હતું. લગ્ન કરી દામ્પત્યજીવન શરૂ કરેલું. બાળકો પણ હતાં. પાંચ રૂમનું માટીનું ઘર. બસ... આ જ તેના જીવનની સિદ્ધિ અને ગર્વ હતા. આઝાદીના બે દિવસ પહેલા જ તેને ગુપ્ત જાણકારી મળી હતી કે, `અહીંથી શીખ અને હિંદુઓને હાંકી કાઢવાના છે.’

વિજયસિંહે આ જાણકારી ગામના જેટલા પોતાના ભાઈ-ભાંડુ અને જ્ઞાતિજનોને આપવા ગુપ્ત સંદેશ મોકલાવી ગુરુદ્વારા પાછળ મળવાનું કહેવડાવ્યું. ગુપ્ત બેઠક થઈ. વિજયસિંહની વાત સાંભળી ગામના વડીલો અને ડાહ્યા માણસોએ વિચાર કર્યો અને અહીંથી સાથે જ પલાયન થઈ જવાનું નક્કી થયું. પ્લાન પ્રમાણે એંસી વર્ષના એક લશ્કરી સાર્જન્ટ અને બીજા પાંચ જણને સ્ત્રીઓ તથા બાળકોને લઈ એક ટ્રકમાં નીકળી જવાનું અને અન્ય પુરુષો અને વડીલો બીજા ટ્રકમાં. પલાયન કરતાં પહેલા વિજયસિંહે ગુરુદ્વારામાં જઈને ગુરુ નાનકને આજીજી કરી કે, `હું કંઈ લઈને જતો નથી, અમારે તારુ આરક્ષણ જોઈએ છે.’

ગામના શીખોના આ બે ટ્રક નીકળી ગયા. મુસ્લિમો તેમને જોઈ ન જાય એ માટે રસ્તા પરથી જવાને બદલે રેલ્વે લાઈન પરથી ટ્રક ચાલતા હતાં, પણ થોડે દૂર જતાં જ ગુરુનાનકનું રક્ષાકવચ જાણે દૂર થઈ ગયું હોય એમ પેટ્રોલ ખૂટી પડ્યું. થોડે દૂરથી ખબર મળ્યા કે રસ્તા પર આડા પથ્થરો અને ઝાડના થડો રાખવામાં આવ્યા છે જેથી જેટલા હાથમાં આવે એટલા શીખો અને હિંદુને મારી નાખવામાં આવે. થોડે દૂરથી મારો-મારોના દેકારા સંભળાતા હતા. ટોળુ જાણે આ તરફ જ આગળ વધી રહ્યું હતું. બધાના જીવ તાળવે ચોંટી ગયા. હવે શું કરવું ? જે કરવું હોય તે ઝડપથી કરવું પડશે.... મૃત્યુ નજીક જ હતું. પોતાના આપ્તજનોને ખોવાનો ડર મૃત્યુથી ભયાનક હોય છે. વળી, આવા રમખાણોમાં સ્ત્રીઓ અને બાળકો પર કેવા અત્યાચાર થાય છે એ તો સાંભળેલું હતું.

છેવટે એક દુઃખદ અને હૃદયને હચમચાવી મૂકે તેવો નિર્ણય લેવાયો કે, સાથે આવેલી બધી સ્ત્રીઓને જાતે જ મૃત્યુને ઘાટ ઉતારી દેવી જેથી એમને નરાધમોની ક્રૂરતા સહન ન કરવી પડે, રિબાઈ રિબાઈને મોત આવે એ કરતાં આપણે જ તેમને સહેલું મોત આપી દઈએ.. સ્ત્રીઓ, બાળકોના આક્રંદ ભલભલાના હૃદયને હલબલાવી મૂકે તેવા હતા. આખરે વિજયસિંહે અને અન્ય જુવાન પુરુષોએ અતિશય રડતા હૈયે બંદૂકો હાથમાં લીધી. સ્ત્રીઓ અને બાળકોને હરોળમાં બેસાડવામાં આવ્યા. વિજયસિંહની નજર પોતાની પત્ની અને બાળકો પર પડી પણ તે નજર મેળવી શકતો નહોતો... પોતાને આટલા અસહાય ક્યારેય નહિ અનુભવાયું હોય... એક.. બે અને ત્રણ બોલાય એટલે ગોળીઓ ચલાવવાનું નિર્ધારિત થયું. આંખોમાં અશ્રુ સાથે એક.. બે અને... ત્યાં તો દૂરથી વિજયસિંહને મોટરના હેડલાઈટ્સ દેખાયા. ઈશ્વરીય સંકેત લાગતા વિજયસિંહે ગોળી ચલાવતા અટકાવ્યા અને કહ્યું કે, `ચાલો આપણે આમની મદદ માંગીએ...’

આ મોટરમાં મુસ્લિમો હોવાનો ડર પણ હતો.. તો પણ સાહસ કરી વિજયસિંહ અને બે-ત્રણ જુવાનીયા મદદ માંગવા ગયા, ડરતા ડરતા વિજયસિંહે મોં પરનો રૂમાલ ખસેડી કહ્યું,`અમારા ટ્રકનું પેટ્રોલ ખૂટી ગયું છે અને અમને શીખો અને હિંદુઓને મારવા ટોળા નજીક આવી રહ્યા છે. અમને તમારી મદદ મળશે ?’

આશ્ચર્યજનક હતું કે એ લશ્કરી ટ્રક હતી અને એમાં મુસ્લિમ સૈનિકો હતા, પણ સારા માણસો હતાં. તેમણે અમને કહ્યું, `ચિંતા ન કરો ભાઈ... બેસી જાઓ આ ટ્રકમાં અમે તમને મદદ કરીશું. લઈ આવો તમારા પરિવારોને...’ આખરે ટ્રકમાંથી લશ્કરી ટ્રકમાં શિફ્ટ થઈ ગયા અને બધા આગળ વધ્યા. મુસાફરી દરમિયાન વિજયસિંહ પોતાની પત્ની અને બાળકોને પોતાના બાહુપાશમાં દબાવી બેસી રહ્યો હતો. એકલો વિજયસિંહ નહિ, બધા જ પરિવારો આજે વિખરાઈ જતા બચી ગયા...

આઝાદી પછી, વર્ષો સુધી આવી પાશવી અને હૃદયને હચમચાવી નાખે એવી ઘટનાઓ ધરતીએ સહન કરી હતી.....

(ભાગલા પછી, આવી ઘણીય દાસ્તાનો બની હતી, કેટલીય જગ્યાએ હિંદુ ભોગ બન્યા તો કેટલીય જગ્યાએ મુસલમાન...)


Rate this content
Log in