ધીરજનું ફળ
ધીરજનું ફળ
એકવાર એક હાથીની સુંઢમાંથી કેળું છટકીને તળાવમાં પડ્યું. કેળાને તળાવમાં પડેલું જોઈ હાથીએ ઝડપથી પોતાની સુંઢ પાણીમાં નાખી અને કેળાને શોધવા લાગ્યો. હવે કેળાને શોધવાના પ્રયત્નમાં હાથીએ ઝડપથી સુંઢને પાણીમાં ફેરવી જેના કારણે એ તળાવનું પાણી ડહોળું થઇ ગયું. હવે એવા ગંદા પાણીમાં કેળું નજરે પડવું ઘણું મુશ્કેલ હતું. આ જોઈ હાથી ખૂબ અકળાયો. તેણે રોષભેર તળાવના પાણીમાં પોતાની સુંઢને જોર જોરથી પછાડવા માંડી. આમ કરવા જતા પાણી હજુ ગંદુ થયું.
એક દેડકો પથ્થર પર બેઠો બેઠો ક્યારનોય આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે હાથીને કહ્યું, “હાથીભાઈ, થોડી ધીરજ રાખી શાંતિથી ઉભા રહો... તળાવનું પાણી સ્થિર થઇ જતા તમને આપમેળે કેળું પાછું દેખાવવા લાગશે.”
હાથી એ દેડકાની સલાહ માની ચુપચાપ કિનારે ઊભો રહ્યો. થોડીવારમાં જ માટી નીચે બેસી જવાને કારણે તળાવનું પાણી ચોખ્ખું થઇ જતા તેમાનું કેળું હાથીને દેખાયું! કેળાને તળાવમાંથી બહાર કાઢી હાથીએ દેડકાનો આભાર માન્યો અને આનંદથી ત્યાંથી જતો રહ્યો.
બોધ : ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એટલી પણ વિકટ હોતી નથી જેટલી ઉતાવળ કરી આપણે તેને બનાવી દઈએ છીએ.
(સમાપ્ત)