ડોક્ટરના અનુભવ
ડોક્ટરના અનુભવ
આ એક સત્ય ઘટના છે મારો ભાઈ એમ.ડી. ફિઝિશિયન છે. દસ વર્ષ પહેલાની વાત છે. મારા ભાઈના બે મિત્રો તેને મળવા આવ્યા હતા. તે મિત્રોની સાથે દ્વારકા ફરવા ગયો હતો. તેઓ દ્વારકાધીશ ના દર્શન કરી અને બધામાં ફર્યા. પછી તે અને તેના મિત્રો એક હોટલમાં જમવા ગયા. બધા પરિવાર સાથે હતા. એટલે બધાએ જમ્યા પછી આઈસ્ક્રીમ ખાધો. તે સમયે પણ 3000 જેવું બિલ આવ્યુ.
મારો ભાઈ બિલ ચૂકવવા ગયો તો મેનેજરે પૈસા લેવાની ના પાડી. ભાઈ એ કારણ પૂછ્યું. તો તેણે કહ્યું કે તમારું બિલ કોઈ ભાઈ ચૂકવી ગયા છે. ભાઈએ તેનું નામ પૂછ્યું. પણ મેનેજરે નામ કહેવાની ના પાડી. ભાઈ એ કારણ પૂછ્યું. મેનેજરે જયારે બિલ ચૂકવનાર ભાઈની વાત કરી. ત્યારે મારાં ભાઈને ખૂબ નવાઈ લાગી.
મેનેજરે કહ્યું કે પૈસા આપતી વખતે તે ભાઈએ કહ્યું કે "પાંચ નંબર ના ટેબલ ઉપર ત્રણ પરિવાર બેઠા છે તેનું બિલ હું ચૂકવીશ. તે અમારા ગામના ડૉક્ટર છે. મને જયારે હૃદય રોગનો હુમલો આવ્યો હતો, ત્યારે ડૉક્ટરે ઓછા ચાર્જમાં મારી સારવાર કરી હતી. તે સમયે મારે પૈસાની ખુબ તકલીફ હતી. તેમને જયારે મારી આર્થિક હાલતની ખબર પડી ત્યારે મારી પાસેથી દવાના પૈસા ના લીધા. ત્રણ દિવસ તેના દવાખાનામાં દાખલ કર્યો હતો. તેનો પણ બહુ ઓછો ચાર્જ લીધો. મારી ખરાબ પરિસ્થિતિમાં સાહેબે મારી ખૂબ મદદ કરી. એટલે આજે તેમનું બિલના પૈસા મારે આપવા છે. તેને મારું નામ નહિ કહેતા. ડૉક્ટરનું ઋણ તો હું ના ચૂકવી શકુ, પણ તેમને મે જમાડ્યા તેનો મને આનંદ થશે. જો મારું નામ કહેશો તો મને કોઈ પણ રીતે પૈસા પાછા આપી દેશે." આમ કહીને તે ભાઈ ચાલ્યા ગયા.
મેનેજરની વાત સાંભળી મારો ભાઈ વિચારવા લાગ્યો કે કોણ ભાઈ હશે જે તેની પાસે સારવાર લેવા આવ્યો હશે. આમ એક દર્દીની લાગણીનો સારો અનુભવ થયો. મારો ભાઈ તો ગામમા ઘણાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો ગરીબોને ફ્રી માં દવા આપતો, એટલે તેને ખબર જ ના પાડી કે તેનું બિલ કોણે આપ્યું.
આમ ડોક્ટરને દર્દીના સારા અનુભવ પણ થાય છે. ડોક્ટરને તો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી તેના જીવનમાં ડૉક્ટરનું ખૂબ મહત્વ હોય છે. ડૉક્ટર મહેનત કરીને બીમાર વ્યક્તિને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે. ત્યારે ડૉક્ટર પોતાના જીવના જોખમે દર્દીની સારવાર કરે છે.આથી ડૉક્ટરનું સન્માન કરવું જોઈએ. પહેલી જુલાઈ એ ડૉક્ટર ડે ઉજવાય છે.
મારા ભાઈને જેમ દર્દીને લીધે સારો અનુભવ થયો તેમ ક્યારેક ખરાબ અનુભવ પણ થયો છે. ક્યારેક દર્દીની ખૂબ સારવાર કરવામાં આવે. તેને સારૂ થાય નહિ અને મૃત્યુ પામે તો તેનો પરિવાર ડૉક્ટરને જવાબદાર ગણે. ક્યારેક ઘણા લોકો તો હિંસા કરવા લાગે. અને દવાખાનામાં ધમાલ કરવા માંડે.
હમણાં રાજસ્થાનમાં એક બનાવ બન્યો. સ્ત્રી રોગના ડૉક્ટર પાસે સારવાર લેતી એક સ્ત્રીનું મૃત્યુ થયું તો તેના પરિવારે ડૉક્ટરને જવાબદાર ગણી અને તેના દવાખાનામાં ધમાલ બોલાવી અને ડૉક્ટરને ખુબ માનસિક ત્રાસ આપ્યો કોર્ટમાં જવાની ધમકી આપી. આથી ડોક્ટરે માનસિક તણાવમાં બીજે દિવસે આત્મહત્યા કરી લીધી. જો ડૉક્ટર સાથે લોકો આવું ખરાબ વર્તન કરશે, તો ગંભીર દર્દીની સારવાર કરતા પહેલા ડોક્ટર વિચારશે. સારવાર કરવાની ના પણ પાડી દેશે. એટલે ડૉક્ટર ઉપર આરોપ ના મૂકવો જોઈએ.
આમ ડૉક્ટરને સારા અને ખરાબ બધા અનુભવ થાય છે. ડૉક્ટરને પણ પોતાની જિંદગી હોય તેને પણ પોતાના પરિવાર સાથે ક્યારેક ફરવા જવું હોય. ઘણા દર્દી ડૉક્ટરને ફોન કરીને પરેશાન કરતા હોય છે. ડોક્ટર વિનાના સમાજની કલ્પના પણ ના કરી શકાય. આથી ડૉક્ટરને, "ડૉક્ટર ડે" ના દિવસે જ નહિ હંમેશા સન્માન આપવું જોઈએ.
