ડીસકાઉન્ટ
ડીસકાઉન્ટ
મનસુખભાઈ ટેવ પ્રમાણે ખડખડાટ હસતા દુકાનમાં પ્રવેશ્યા. બધા જ સાંભળી શકે એ રીતે ઊંચો અવાજ કરી પત્નીને સંબોધી રહ્યા:"આવતી રે. આ તો આપણી જ દુકાન. જેટલી જોઈએ એટલી સાડી પસંદ કર.." પત્નીએ જીવ ભરી ખરીદી કરી. બિલ ચૂકવવા કાઉન્ટર પર પહોંચતા જ મનસુખભાઈએ ત્યાં ઉભેલા યુવાનને પોતાની અને દુકાન માલિકની મિત્રતાનો આખો ઈતિહાસ કહી દીધો. "હું અને ધીરુ તો બાળપણના મિત્ર. ભણ્યા, રમ્યા બધું જ સાથે. એક બીજા વિના ચાલે જ નહિ. આજે નહિ આવ્યો કે દેખાતો નથી." કોઈને બોલવાની પણ તક ના આપતા મનસુખભાઈ બોલ્યે જ જાય. ''ચાલ જોઉં એક સરસ મોટું ડિસ્કાઉન્ટ કરી નાખ તો.." બોલવાની તક મળતાં જ યુવાને કહ્યું:"ના, એ નહિ આવ્યા. કેમ કે એમના અવસાનને એક વર્ષ થવા આવ્યું. હું એમનો પુત્ર. પંણ તમે જરાય ચિંતા ના કરતા. એમના અવસાનનું તમારા ડીસકાઉન્ટ ઉપર કોઈ અસર ના થાય," મનસુખભાઈને તો સમજ જ ના પડી કે ચ્હેરા ઉપરથી પહેલા પરસેવો લુછે કે શરમ!
