JHANVI KANABAR

Children Stories Inspirational

4.3  

JHANVI KANABAR

Children Stories Inspirational

દાદાનો ઓરડો

દાદાનો ઓરડો

4 mins
130


`આદિ ઊઠ હવે... બહુ થયું.. રાતે પાર્ટીમાંથી આવતાં એક વગાડ્યો હતો તે.... જો તારા પપ્પાને ખબર પડશે તો...’

`ઓ.. નો નો મોમ.. પ્લીઝ.. પપ્પાને ના કહીશ..’ આદિ મૃદુલાબેનને મનાવવા લાગ્યો.

`ઝડપથી તૈયાર થઈને નીચે આવ..’ કહી મૃદુલાબેન રૂમની બહાર નીકળ્યા.

કાલ લેટનાઈટ પાર્ટીને કારણે પપ્પાના ગુસ્સાનો ભોગ ન બને એ માટે આદિ મમ્મીનો હુકમ પાળવા લાગી પડ્યો.

`હલ્લો પપ્પા ગુડમોર્નિંગ..’ આદિએ પપ્પાને જોઈ કહ્યું.

`ગુડમોર્નિંગ ?’ મનોહરભાઈએ ઘડિયાળ સામે જોઈ આદિને આંખથી જ ઠપકો આપતા કહ્યું.

મનોહરભાઈએ આદિ સામે અણગમો બતાવી, ઓફિસ જવા બેગ લઈ નીકળી ગયા.

આદિએ દાદા સામે સ્માઈલ કરી. `શું કામ તારા પપ્પાને ગુસ્સો આવે એવું કરતો હોઈશ બેટા ?’

`દાદા હવે આ ઉંમરે પાર્ટીઝ, ફ્રેન્ડસ, ચેટીંગ ન કરીએ તો ક્યારે કરીએ ? આના સિવાય લાઈફમાં શું એન્જોયમેન્ટ હોય ? પણ તમે કોઈ નહિ સમજો.’ આદિએ મોં પર કંટાળો લાવતા કહ્યું.

`યસ, આ બધું હોય તો મજા તો આવે, પણ એન્જોયમેન્ટના માત્ર આ જ માધ્યમ નથી, બીજા ઘણા માધ્યમથી તમને એન્જોયમેન્ટની સાથે નોલેજ પણ મળી શકે.. જેમ કે રીડીંગ.’ દાદાએ આદિને ફ્રેન્ડલી સમજાવતા કહ્યું.

`ઓહ પ્લીઝ દાદુ. તમારો રૂમ જોયો છે મેં, એ રૂમ નહિ પણ લાયબ્રેરી લાગે છે મને તો..’ આદિએ હસતા હસતા કહ્યું.

દાદા પણ હસતા હસતા પોતાના રૂમ કમ લાયબ્રેરીમાં ચાલ્યા ગયાં. `આદિ... આ દૂધનો ગ્લાસ દાદાને આપી આવ તો.’ મૃદુલાબેને આદિને બૂમ પાડી.

હવે આજે કોલેજ બંક કરી એટલે ઘરમાં મમ્મી કહે એ કામ કર્યા વગર છૂટકો જ નહોતો. આદિ કમને ગ્લાસ લઈ દાદાને આપવા તેમના રૂમમાં ગયો. રૂમમાં જોયું તો એક જાડું, મોટુ પુસ્તક દાદા વાંચી રહ્યાં હતાં. આદિએ દાદાને ગ્લાસ આપતા કહ્યું, `દાદા આ શું વાંચો છો ?’

`શ્રીમદ્ ભાગવત’ દાદાએ જવાબ આપ્યો.

`ઓહ, મહાભારતમાં યુદ્ધ વખતે અર્જુને કૃષ્ણને જે ઉપદેશ આપ્યો હતો, એના પર છે ને આ ?’ આદિએ પૂછ્યું.

`અરે વાહ ! તને તો બહુ ખબર આની ?’ દાદાએ તેની પીઠ થાબડતા કહ્યું.

`હવે એટલી તો ખબર હોય જ ને દાદા !’ આદિએ દાદાને જવાબ આપ્યો.

દાદા બધા એમ કહે છે કે, `આ યુદ્ધનું કારણ દ્રૌપદી હતી.. શું એ સાચુ છે ?’

`બેટા, તારી પાસે સમય હોય તો બેસ. હું સમજાવું..’ દાદાએ પ્રશ્નાર્થભાવે આદિ સામે જોયું.

આદિ ચેર ખેંચી બેસી ગયો. દાદાને પણ આદિને રસ હોય એવું લાગ્યું. તેમણે વાત આગળ વધારતા કહ્યું, `દ્રૌપદીનો જન્મ થયો નહોતો. રાજા દ્રુપદને પોતે કરેલ એક યજ્ઞમાંથી દ્રૌપદી પુત્રીરૂપે પ્રાપ્ત થઈ હતી. તેને યાજ્ઞસેની પણ કહે છે. દ્રૌપદીનો સ્વયંવર યોજવામાં આવે છે, ત્યારે અર્જુન શરત અનુસાર લક્ષ્યને વીંધે છે, અને દ્રૌપદીને પ્રાપ્ત કરે છે. અર્જુન દ્રૌપદી સાથે માતા કુંતી પાસે આવે છે, અને કહે છે, “જો માતા હું શું લાવ્યો એ..” કુંતી જોયા વગર જ હંમેશની જેમ કહે છે, “જે પણ હોય પાંચ ભાઈઓમાં વહેંચી લો.” અજાણતા જ બોલાયેલા માતાના આ વચનો પાળવા ખાતર દ્રૌપદી અન્ય ચાર પાંડવોને પણ પતિ તરીકે સ્વીકારે છે. આગળ જતાં દુર્યોધન આ વાતને કારણે દ્રૌપદીને `ચારિત્ર્યહીન’ અને `વેશ્યા’ જેવા અપશબ્દ બોલે છે, જો યુદ્ધ થવાનું જ હોત તો ત્યારે જ થઈ ગયું હોત, અને તેમાં દુર્યોધન કારણ બન્યો હોત, પરંતુ એમ થયું નહિ. દ્રૌપદીના પૃથ્વી પર આગમનનો મૂળ હેતુ હતો - અધર્મને ઉપસાવવો અને પાપીઓને પાપ કરવા માટે પ્રેરવા. જો આમ થાય તો જ યુદ્ધ થાય... તો જ અધર્મનો પરાજય અને ધર્મનો વિજય થાય.... તો જ પાપીઓનો નાશ થાય... આમ, દ્રૌપદીને યુદ્ધનું કારણ તો ન કહી શકાય. હા, દ્રૌપદીને નવયુગના પ્રારંભનું કારણ કહી શકાય.’ દાદાએ વાત પૂરી કરતાં આદિની સામે જોયું. આદિ ધ્યાન દઈને સાંભળી રહ્યો હતો.

દાદા દૂધનો ખાલી ગ્લાસ આદિને આપી પોતાના વાંચન તરફ પાછા વળ્યા. આદિ વળીવળીને દાદાની બુકરેક તરફ જોતો હતો. તેને જાણે હજુ ઘણુંબધું જાણવાની જિજ્ઞાસા થતી હોય એવું લાગ્યું. થોડીવાર પોતાના રૂમમાં આદિ મોબાઈલ મચેડતો રહ્યો, પણ તેને ચેન નહોતું પડતું. આખરે કંટાળીને દાદા પાસે આવી ગયો, અને કહ્યું, `દાદા મારે મહાભારત વિશે પહેલેથી જાણવું છે.’ આદિની વાત સાંભળી દાદાને નવાઈ લાગી સાથે આનંદ પણ થયો. તેમણે ઊભા થઈ એક પુસ્તક આદિના હાથમાં મૂક્યું, `લે આમાં તને સમજાય એવી સરળ ભાષામાં મહાભારત છે.’ આદિ બુક લઈ પોતાના રૂમમાં જઈ વાંચવા લાગ્યો.

એક-બે વાર તેના મોબાઈલમાં ફ્રેન્ડસના ફોન આવ્યા, પણ આદિને તો હવે નવું માધ્યમ મળી ગયું હતું જાણવાનું અને માણવાનું. થોડા દિવસમાં તો આદિમાં અજબ પરિવર્તન આવ્યું હતું. તેને હવે લેટ નાઈટ પાર્ટીઝ કરતાં લેટ નાઈટ રીડીંગમાં રસ વધી ગયો હતો. હવે તો તેણે પોતાના રૂમમાં વાંચવાને બદલે દાદાના રૂમમાં જ વાંચવાનું શરૂ કરી દીધું હતું. મહાભારત જ નહિ, સરસ્વતી ચંદ્ર, પાટણની પ્રભુતા, ભારત એક ખોજ જેવા અનેક ગ્રંથો વાંચતો.

આજે આ વાતને પાંચ-છ વર્ષ વીતી ગયા. દાદા તો સ્વર્ગ સીધાવી ગયા પણ આ ઓરડાની સમૃદ્ધિ હજુ પણ એવીને એવી અકબંધ છે. મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ.ની પોસ્ટ પર કામ કરતો આદિ પોતાના દાદાનો આ સમૃદ્ધ વારસો જાળવે છે અને ભોગવે પણ છે.


Rate this content
Log in