ચોથા ખુણાની પાંચમી દિશા
ચોથા ખુણાની પાંચમી દિશા


નશાને કારણે આંખો નમી જતી હતી કે પછી એના સ્ટાઈલીશ આઉટફીટને કારણે, લોકો વિષે એ નક્કી કરવામાં સેન્ડ્રાને મૂંઝવણ થતી હતી. બે પેગ અંદર જાય પછી માણસની અંદરનો માણસ આરામથી બહાર આવી જતો અને ત્યાંતો મધરાત થવા આવી હતી. કોર્પોરેટ ફિલ્ડની આ પાર્ટીઓ છેક રાત્રે આઠ, નવ વાગ્યે શરુ થાય અને વહેલી સવારે પતે. બધા મોટેભાગે કપલમાં જ આવ્યા હતા, પણ જયારે અંદરનો માણસ બહાર આવે ત્યારે કપડા પહેરેલો હોવા છતાં સંસ્કાર, મર્યાદા, માન-સ્વાભિમાન જેવા ઇન્ટરનલ ફિટ્સ ઉતારી, નાગો થઇ જતો હોય છે. આવું તો બધા જ કરે, ફક્ત પુરુષ નહીં.
સેન્ડ્રા ડિસોઝા. બીઝનેસ ટાઈકૂન નચિકેતા મલ્હોત્રાની પર્સનલ સેક્રેટરી. પણ, નચિકેતા મેડમ કરતા ઓફીસ સ્ટાફ અને બીઝનેસ રીલેશન ધરાવતા સહુ કોઈની નજર સેન્ડ્રા પર વધારે રહેતી. ગોરોવાન, કર્લી હેર અને તે પણ બ્રાઉન-બ્લેક રંગના, કસાયેલું પણ સ્લીમ એન્ડ ટ્રીમ ફિગર, ટાઈટ કપડા અને સ્લાઈટ મેકઅપ. વાક્છટામાં મહેર અને આંખોની મારકણી અદા. પછી કોઈક જ પુરુષ હોય જે સેન્ડ્રા પર ફોકસ ન કરે. પણ, સેન્ડ્રા કોઈને ભાવ આપે એવી પહેલેથી જ ન હતી. ક્રિશ્ચયન ફેમિલીમાં જન્મ, શહેરની કોન્વેન્ટ સ્કૂલનો અભ્યાસ અને પર્સનલ સેક્રેટરીની નોકરી, બોલ્ડનેસ એની નસેનસમાં વહેતી.
પાર્ટીઓ એને બહુ ગમતી નહીં કારણ ત્યાં પુરુષોની લાળ ટપકાવતી હરકતો હોય, સ્ત્રીઓની એ ઈરીટેટીંગ ગોસેપ હોય અને આ બધામાં એ સિંગલ હોય. એટલે હાજરી પુરાવા માટે એ પાર્ટીઓમાં જતી અને મિસ્ટર રસેશ મલ્હોત્રા પાર્ટીમાં આવે કે એ નચિકેતા મેડમથી દુર થઇ ઘરે જવા નીકળી જતી. એમ જ એ દિવસે પણ એ કંટાળી હતી કારણ કે ડીપ નેક અને ઓફ શોલ્ડર પાર્ટી ગાઉનમાં સહુ પુરુષોની નજર સેન્ડ્રાની આંખથી એક ફૂટ નીચે જ રહેતી. અને એ બધા પુરુષોને જોઈ ત્યાં હાજર સ્ત્રીઓની નજર સેન્ડ્રાને ત્યાં જ વેતરી નાખતી. એ બે ગ્લાસ વાઈન પતાવીને ત્યાંથી નીકળી, બહાર આવીને જોયું તો એની કારના બે ટાયર ફ્લેટ થઇ ગયા હતા. હવે એની પાસે ત્યાં કાર મુકીને જવા સિવાય કોઈ રસ્તો બાકી ન હતો. એણે જરા આમતેમ નજર નાખી પણ કોઈ દેખાયું નહિ. ધીરે ધીરે એણે ચાલવા માંડ્યું અને એ હોટેલના દરવાજા બહાર આવીને ઉભી રહી. મધરાત થઇ ગઈ હતી અને એ કારણે ટેક્સીની આવવાની ફ્રિકવન્સી પણ ઓછી થઇ ગઈ હતી. અને જે આવતી હતી એ પેસેન્જર સાથેની જ હતી. પર્સનલ કાર પણ ઘણીખરી પસાર થતી હતી, કોઈ રોડ પર, કોઈ હોટેલ અંદર જતી અને કોઈ હોટેલથી બહાર આવતી. અમાની ઘણી કાર સેન્ડ્રા પાસે રોકાતી અને એડ્રેસ પૂછ્યા વગર જ આવવા માટે આમંત્રણ આપતી,
"At your home or my home ?"
સેન્ડ્રા સમજી જતી હતી કે આ આમંત્રણ એને કેમ મળે છે ! સેન્ડ્રા બોલ્ડ હતી પણ ...
થોડીવારમાં હોટેલમાં એક ટેક્સી દાખલ થઇ, એક જ છોકરી હતી એમાં. સેન્ડ્રાને આશા બંધાઈ કે આ ટેક્સી આવશે અને એ એને કામ લાગશે. ટેક્સી અંદર ગઈ, બ્રેક લાગી, પેલી છોકરી ઉતારી અને હોટેલમાં ચાલી ગઈ. ટેક્સી હોટેલ બહાર આવી જ રહી હતી ત્યાં નચિકેતા મેડમની કાર સેન્ડ્રા પાસે આવીને ઉભી રહી. એની બરાબર પાછળ ટેક્સી પણ આવતી હતી. સેન્ડ્રા મેડમનો ડ્રાઈવર કારની બહાર આવ્યો અને પાછળ ટેક્સીમાં બેસી ગયો. એ સાથે જ નચિકેતા મેડમ ઉતર્યા અને ડ્રાઈવર સીટ તરફ આવ્યા. સેન્ડ્રાએ સહેજ સ્માઈલ આપી. અને નચિકેતા મેડમ બોલ્યા,
"આજે રશેષ અહી જ રોકવાનો છે, આપણે જઈએ, એટ માય હોમ !"
સેન્ડ્રા બોલી : "લવ ઈટ."
કાર ત્યાંથી નીકળી ગઈ.