Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

ચોમાસું

ચોમાસું

2 mins
198


આંધી તોફાન સાથે વરસાદ શરૂ થયો હતો. ચોમાસું પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. વાદળ છાયું વાતાવરણ ગમગીન બની ગયું હતું.

એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું વરસાદ અટક્યો જ નહોતો ને સૂર્ય નારાયણ દેખાયાં જ નહોતાં !

અબોલ જીવોને પણ તકલીફ પડી રહી હતી !

ઘર વિહોણા લોકોને જીવવું દોહ્યલું બની ગયું હતું.

ફૂટપાથનાં છેડે ઝાડની ઓથમાં બેઠેલા રઘુ એ રઘલી ને કહ્યું આ ઈશ્વર પણ રિસાયો લાગે છે આજે આઠ આઠ દનથી પેટમાં અનાજનો દાણો ગયો નથી ને ઉપરથી આ ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ઠંડીમાં ઠુંઠવાઈ ગયાં છીએ પણ કોણ આવાં વરસાદી માહોલ વચ્ચે આપણાં માટે દેવદૂત બનીને આવે ?

રઘલી કહે સાચી વાત છે !

એ તો ભલું થાય કે દુકાન બહાર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ હું વીણી લાવી તે આખા શરીર પર ઢાંકપિછોડો કરવા કામ લાગી !

ભલું થજો આ પ્લાસ્ટિક ઉદ્યોગવાળાંનું કાયા તો ઠંડીથી બચી શકે છે.

એટલામાં મોટી ગાડી આવી ને કાચ ખોલીને બૂમ પાડી કે ખાવાનું જોઈતું હોય તો લો.

ટૂંટિયું વાળીને બેસી રહ્યા હતાં એટલે અકળાઈ ગયેલા પગને સીધા કરીને રઘો ને રઘલી માથે કોથળી ઓઢીને ધસી ગયાં.

ગાડીવાળા એ કહ્યું કે કેટલાં જણ છો ?

રઘો ને રઘલી કહે અમે બે જ છીએ માઈ બાપ.

ગાડીવાળો બબડાટ કરતા આ ચોમાસું બહું નડ્યું દીકરીની બર્થડે પાર્ટી રાખી હતી પણ ધાર્યા કરતાં માણસો ઓછાં આવ્યાં ને ખાવાનું બહું વધી પડ્યું પણ આ વરસાદમાં તમારાં જેવાં માંગણ ને શોધવા ક્યાં ?

લો આ તમે લઈ લો આજુબાજુ કોઈ તમારાં જેવું હોય તો આપી દેજો તો અમારે નિરાંત ને આવાં વરસાદી માહોલ વચ્ચે ઘરમાં રહેવું જ ડાહપણભર્યું છે !

એમ કહીને બે ચાર મોટી મોટી કોથળીમાં ખાવાનું ભરેલું હતું તે રઘુ ને રઘલી ને પકડાવીને ગાડી પૂરપાટ ઝડપે જતી રહી.

રઘો ને રઘલી ઈશ્વરનો આભાર માનીને ખાવા પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યાં.


Rate this content
Log in