ચોકલેટ
ચોકલેટ
અંજલીએ તેની નાની દીકરી કાવ્યાના હાથમાંથી ચોકલેટ આંચકી લેતા કહ્યું, “તને કેટલીવાર કહ્યું છે કે કોઈ કંઇ આપે તો એ લેવું નહીં. બેટા, નાના બાળકોના ભોળપણનો ધુતારાઓ લાભ ઉઠાવતા હોય છે. આ કળયુગમાં કોઈ પર ભરોસો કરવો નહીં.”
અંજલીની વાત તરફ ધ્યાન આપ્યા વગર માસુમ કાવ્યા બહાર રમવા દોડી ગઈ. અંજલી હાથમાંની ચોકલેટ તરફ જોતાં જોતાં ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ. તેના બાળપણની એ ગોઝારી ઘટના અંજલીની આંખ સામે તાદ્રશ્ય થઇ. અંજલીની પાડોશમાં રહેતા કરસનદાદા અવારનવાર તેઓના ઘરમાં આવતા રહેતા. કરસનદાદાના મિલનસાર સ્વભાવને લીધે તેઓ અંજલીના પરિવાર સાથે હળીમળી ગયા હતા. કરસનદાદા અંજલીને જયારે પણ મળતા ત્યારે કાયમ ભેટમાં ચોકલેટ આપતા.
એકદિવસ ચોકલેટની લાલચે અંજલી કરસનદાદાના ઘરે ગઈ. કરસનદાદાએ ધીમેકથી બારણું બંધ કર્યું અને અંજલીને ચોકલેટ આપી વહાલથી ખોળામાં બેસાડી. તેમના વિચિત્ર અડપલાથી મૂંઝાઈને અંજલીએ પૂછ્યું, “આ શું કરો છો દાદા ?”
કરસનદાદાએ અંજલીનું મોઢું દબાવી કહ્યું, “દાદા ? ધોળા વાળવાલા બધાયે દાદા નથી હોતા.” એ દિવસે બાળપણમાં જ અબુધ અંજલીને વાસ્તવિક દુનિયાનો પરિચય કરાવતી ગઈ હતી તેના હાથમાંથી છટકી ભોંય પર પડેલી એ ચોકલેટ.