Vandana Vani

Children Stories Fantasy Thriller

5.0  

Vandana Vani

Children Stories Fantasy Thriller

ચક્ષુ:શ્રવા

ચક્ષુ:શ્રવા

8 mins
638


"રુચિત, વરમાળાનો ઓર્ડર માળીને આપ્યો જ છે. લઈને સીધો સ્થળ પર પહોંચ. હું અજોડને તૈયાર કરીને, લઈને આવું છું." પાર્થવી એકના એક દિકરાના લગ્ન માટે બહુ ઉત્સાહિત હતી. "આપણા ઘરના રિવાજ પ્રમાણે આ મોતીની માળા પહેરીને જ વરરાજા લગ્ન કરવા મંડપમાં જાય છે." કહી પાર્થવીએ માળા દિકરા અજોડને પહેરાવી. 

"મમ્મી મંડપમાં નહીં મારે કોર્ટમાં જવાનું છે. મને જોવા માટે નથી ઢગલો જાનૈયા કે નથી સાસરીવાળા." અજોડે હસતા પાર્થવીને આગળ વધતાં રોકી.

પાર્થવી ખચકાઈ, સરકારનાં નિયમ પ્રમાણે લગ્નમાં નક્કી કર્યા કરતા વધારે ખર્ચ કરનારને ડબલ ટેક્સ ચૂકવવાનો અને અવાજનું પ્રદુષણ કરનારને એક લાખ રૂપિયાનો દંડ. કોણ કરે હિંમત હવે જાન જોડવાની!  

દિકરાના સુખી સંસારની મનોકામના કરતી, ભગવાનને પગે લાગી, બંને કોર્ટ જવા નીકળ્યાં. કોર્ટ ટાવર સિટીના છેક વીસમાં માળે. પાર્થવીને ટ્રેન આજે બહુ ધીમી ચાલતી હોય એવું લાગ્યું. તે વારેઘડી આજ અને કાલનાં ચક્રવ્યૂહમાં ફસાઈ જતી હતી. જમીનના અભાવે હવે ટાવર સિટી બની ગયા છે. એક જ તોંતિગ ટાવરમાં સફરજનની જેમ લટકતાં ઘરો સાથે મોટા મોલ, કોર્ટ, હોસ્પિટલ, પેટ્રોલ પમ્પ બધુ જ! ટાવરમાં એક ઘરથી બીજા ઘરે કે સ્થળે જવા માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવાનો. દિકરાને ઘોડા પર બેસાડી લાંબી જાન કાઢવાની મનમાં ધરપાઈ ગયેલી ઈચ્છા સાથે પાર્થવીએ બાજુમાં બેઠેલા અજોડ તરફ નજર નાખી. 

અજોડ અને અમીના નક્કી કર્યા મુજબ કોર્ટમાં સાદાઈથી લગ્ન સંપન્ન થયાં. પ્રેમનાં પ્રતીકરૂપી ફૂલોની માળા એકબીજાને પહેરાવી. ભેટમાં વડીલોનાં અઢળક આશીર્વાદ લઈને ઘરે આવ્યાં.

બીજી સવારે અજોડ અને અમીને કામ પર જવા તૈયાર થતાં જોઈને પાર્થવીને નવાઈ લાગી. 

" બંનેએ એક પણ દિવસની રજા નથી લીધી? ફરવા જવાનો પ્રોગ્રામ નથી?"

"છે ને મમ્મી, તેની જ તો તૈયારી કરીએ છીએ." હસતાં ડોક્યુમેન્ટ્સની ફાઈલ લઈને અજોડ-અમી ઘરની બહાર નીકળી ગયા.

આખો દિવસ ઘર સરખું કરતાં પાર્થવી તેના અને રુચિતના લગ્નને વાગોળતી રહી. કેવો રોમાંચ હતો લગ્ન પહેલા અને ત્યાર પછી પણ! બંને છોકરાઓની દોડધામ જોઈ નિરાશ થઈ. સાંજે બધાને ભાવતું બનાવવા જલ્દી રસોડામાં પહોંચી.

બધાને સમયસર આવી ગયેલા જોઈને ખુશ થતી થાળી પીરસવા માંડી.

"મમ્મી, અમે થોડાં દિવસ બહાર જવાનું વિચારીયે છીએ. મારે એક પ્રોજેક્ટ માટે જવાનું છે અને અમીને રિસર્ચ માટે જવાનું છે." અજોડે મમ્મીના માથે કરચલી જોઈ ઉમેર્યું,"ચિંતા ન કર અમે બંનેએ એક જ સ્થળ પસંદ કર્યું છે એટલે સાથે જ રહીશું."

"સરસ, ક્યાં?"

"અર્જુ..ન." અજોડ હજી વાક્ય પૂરું કરે તે પહેલા જ પાર્થવી તૂટી પડી. "ના, હું તમને બંનેને ત્યાં નહીં જવા દઉં. અરે યુરોપ,અમેરિકા જાઓ પણ ત્યાં નહીં. ના, હું પરમિશન નથી આપતી."   

"મમ્મી મારે પ્રોજેક્ટ આ મહિનામાં જ પૂરો કરવો પડશે. અમીને પણ પેપર સબમિટ કરવાના છે અને અમે સાથે જ છીએ ને!" અજોડ પોતાનો નિર્ણય જણાવી રૂમ તરફ જતાં જીતનો આનંદ લેતો હોય એમ રુચિત સામે જોઈ મલકાયો.     

***

"ગુડ મોર્નીગ", બ્લેન્કેટનો એલાર્મ વાગ્યો. શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉઠવાનું મન થતું ન હતું. રુચિતને આજે ઓફિસે જવાનું ન હતું. હવે મોટેભાગે બધી કંપનીઓ ઇંધણ બચાવવાની સરકારની ઝુંબેશમાં જોડાઈ છે એટલે અઠવાડિયે એક જ દિવસ ઓફિસે બધાએ ફરજિયાત જવાનું, બાકી ઘરે રહીને જ કામ કરવાનું. કામના ટેબલ પર જતાં બાજુમાં ઉભા શ્યામ તરફ નજર કરી ચપટી વગાડી, એ સમજી ગયો કે માલિક માટે કોફી બનાવવાની છે. શ્યામ એટલે રુચિતે એના માટે બનાવેલો ખાસ રોબો. 

કોફીનો મગ હાથમાં લઈ વિચાર-યુદ્ધ સાથે કોમ્પ્યુટર ચાલુ કર્યું. આજે કોઈ પણ હિસાબે અર્જુન મિશનનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી દેવો પડશે. અર્જુન એટલે ચંદ્રનો ઉપગ્રહ. એ ઈસરોની ખોજ. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સીમાં પીએચડી કર્યા પછી વીસ વર્ષથી ઇસરોમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરતાં કેટલાયે એવોર્ડ જીત્યાં, દેશનું નામ અવકાશે ગાજતું કર્યું. પણ હવે દિકરાનું સ્વપ્ન પૂરું કરવા અને તેના જ્ઞાનની પરાકાષ્ઠા માપવા પાર્થવીને આજે સમજાવી દેવી પડશે. થોડી અકળામણ થતાં બીજી કોફી લેવા ઉભો થયો.

"બેટા, આ મશીનની કોફીથી સંતોષ નહીં થાય. લાવ ગેસ પર ચા બનાવી દઉં?" ચા પીવાની તો ઈચ્છા થઇ ગઈ પણ એંસી વર્ષનાં મમ્મીને તકલીફ આપવાનું ઠીક ન લાગ્યું. 

રુચિતને ત્રીસ વર્ષ પહેલાની ૨૦૨૦ની સવાર યાદ આવી ગઈ. પોતે અમેરિકાથી માસ્ટરની ડિગ્રી લઈને પહેલી વાર ભારત આવ્યો હતો ત્યારે મસાલા-કડક ચા પીતા, ડરતાં પોતાના અને પાર્થવીના સંબંધ વિષે ઘરે જાણ કરી હતી. 

મલકાયો," લ્યો, દિકરાએ અમને લગ્નની તારીખ જણાવી તો ખરી!"

સ્ટીમ બાથ લઈ, બ્રન્ચ કરી ફરી ટેબલ પર ગોઠવાયો. એકીસાથે કોમ્પ્યુટરની સાત-આઠ સ્ક્રીન ખોલી દીધી. પૃથ્વી સૂર્યની, ચંદ્ર પૃથ્વીની અને અર્જુન ચંદ્રની પ્રદક્ષિણા કરે. સત્તાવીસ દિવસમાં ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો અર્જુન સત્તાવીસ કલાકમાં ચંદ્રની પ્રદક્ષિણા કરે. અર્જુનની અતિશય ઝડપનાં કારણે અર્જુન મિશનમાં જરાપણ ગફલત થાય તો.. રુચિતને પરસેવો વળી ગયો.

"રુચિત તારે બીજા કોઈ પણ સાયન્સટિસ્ટને મોકલવો હોય મોક્લજે પણ મારો અજોડ નહીં. હું આજે મીટીંગ હોવાથી ઓફીસે જાઉં છું. બાકીની ચર્ચા સાંજે." પાર્થવીએ જતાં સમાનવ યાન માટે દિકરાને મોકલવાની મનાઇ ફરમાવી દીધી.

રુચિતને ચંદ્રયાન-૫ સમાનવ ચંદ્ર પર ઉતરાણની સફળતા મળી ત્યારે નાના અજોડે તેની પાસે કાલીઘેલી ભાષામાં પ્રોમિસ લીધું હતું," હું મોટો થાઉં એટલે મને તમારે ચંદ્ર પરના બાગમાં ફરવા લઇ જવાનું." પછી તો ચંદ્ર પર વસવાટની હોડ લાગી. બે વર્ષ પહેલા જ ચંદ્રની આસપાસ ફરતો પૃથ્વી પરથી ભૂરા રંગનો દેખાતો એક નાનો ગ્રહ ઇસરોએ શોધ્યો. એ અવકાશી ગ્રહનો રંગ ભૂરો દેખાતા કદાચ તેના પર પાણી હોઈ શકે અને ઉપયોગી ખનીજ પણ, એ કારણે સમસ્ત દુનિયામાં સમાનવ યાન મોકલવાની હોડ લાગી છે. થોડું જોખમ ખરું પણ અજોડનું અવકાશયાત્રી બનવાનું સ્વપ્ન સાકાર કરવાનો મોકો તો છે જ. જૂની વાતોને યાદ કરતાં પાંપણ ભીની થઈ ગઈ. બધા પોતાના સંતાનોને ઘરમાં રાખશે તો દુનિયામાં દેશનું અસ્તિત્વ જોખમાશે, વિચારતો રુચિત કામમાં પરોવાયો.

આજની મીટીંગમાં ચાલેલી ચર્ચાને વાગોળતી પાર્થવી આવી ચુપચાપ સોફા પર ગોઠવાઈ. એકવીસમી સદીના મધ્ય ભાગ સુધી ઇલેક્ટ્રીસીટીના ઘણાં વિકલ્પો શોધાઈ ગયા છે પણ વાહન વપરાશના ઇંધણ માટે વિકલ્પ શોધવાનો હજી બાકી છે. નાના વાહનો મોટરસાઇકલ કે મોટરકાર તો સોલર કે ઇલેક્ટ્રીકથી ચાલી શકે છે પણ ભારે વાહનો,વિમાનો માટે હજી પેટ્રોલ-ડિઝલનો વિકલ્પ મળ્યો નથી. દુનિયાના ધનિક દેશો પાસે પણ ખનીજ ભંડારના તળિયા દેખાવા માંડ્યા છે. બાયો ડિઝલ વિકલ્પ ખરો પણ જમીન ક્યાં, કે વધુ ઉગાડી વધુ ઉત્પાદન લઈ શકાય. 

પૃથ્વી પર પાણીનું પ્રમાણ ઘટતાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરવાનુ કામ ખોરંભે ચઢ્યું છે. અર્જુન પર નેવું ટકા હાઇડ્રોજન વાયુ છે. ચંદ્રથી અડધા અંતરે આવેલા અર્જુન પરથી હાઇડ્રોજન વાયુને આયાત કરી શકીએ તો! 

ઓફિસમાં અર્જુનના થયેલ ઉલ્લેખને યાદ કરવા લાગી. વિકલ્પો તો બધાં શોધી આપે પણ પ્રયોગ કોણ કરે?  

વિચારતાં મગજ થાકી ગયું. કંટાળી વોલ-ટીવી ચાલુ કર્યો. "સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના." ટીવી બંધ કરી વર -છોકરાની મહેચ્છા વિષે વિચારવા લાગી. ઇલેકટ્રીકલ એન્જીનિયર તરીકે પોતે એ પ્રોજેક્ટમાં ક્યાં મદદ કરી શકે એની યાદી મનમાં બનાવવા માંડી. અજોડની પત્ની અમીએ ફયુઅલ એન્જીનીયરીગમાં પીએચડી કર્યું છે. અમીને આ વિષય પર હજી સંશોધન કરવું છે. એટલે એ પણ અર્જુન મિશન માટે ઉત્સુક છે. બની ગઈ મજબૂત ટીમ!

અર્જુન પર વિજય મેળવવા માટે ચાર યોદ્ધાઓ દિવસ-રાત જોયા વગર કામે લાગી ગયા. 

રુચિતને અર્જુન મિશનમાં એક મુશ્કેલી નડતી હતી. અસમાન વેવલેન્થના કારણે પૃથ્વી અને અર્જુન વચ્ચે અવાજનો સમન્વય થઈ શકતો ન હતો. અર્જુનની પરિભ્રમણની ઝડપ વધારે હોવાથી ભારે અવાજો સંભળાતા હતા. ટ્રાન્સમીટર કામ કરતાં ન હતા. અવકાશમાં હવે સમાનવ યાન ઉતારવું બહુ સામાન્ય થઈ ગયું છે પણ સંદેશાવ્યવ્હારમાં નડતી મૂશ્કેલીનાં કારણે હજી સુધી અર્જુન પર કોઈએ પહેલ કરી નથી.  

રૂચિત આકાશ ભણી મીટ અને હાથ રાખી વિચારતો બેઠો હતો ત્યાં જ મમ્મીએ હાથમાં લાપસીનો પ્રસાદ મૂક્યો."આજે નાગ પાંચમી. નાગદેવતા મારા બધા છોકરાઓની રક્ષા કરજો."

"જંગલમાં ફરતા કે ઝૂમાં કેદ નાગદેવતા કેવી રીતે સાંભળશે મા તારી વાત, કારણકે તેમને તો કાન જ નથી." પૌત્ર અજોડે હસતાં આવીને દાદીને બાથમાં લીધા.

"અરે નાગ-સર્પને કાન નથી પણ એ સાંભળે ખરા. આંખોથી!"

"આંખોથી?" 

"હા, કેમ એ મદારીની ભાષા નથી સમજતો? મદારી તેની આંખોમાં આંખ મેળવી સ્થિર કરે પછી મદારી જેમ કહે તેમ કરે. ચક્ષુ:શ્રવા! " દાદી બોલતા રૂમમાં પહોંચી ગયા.

રૂચિતને ઉકેલ મળી ગયો. "અજોડ મારી સામે જો તો?" બાપ-દિકરાને એકબીજાની આંખમાં રણમાં જળ દેખાયું. બધુ સાંભળી રહેલી પાર્થવી અકળાતી હતી કે ક્યાંક દેખાતું આ જળ મૃગજળ ન હોય!

અર્જુન મિશન માટે ખર્ચો વધી ગયો હતો અને હવે આ નવો પ્રયોગ! સરકાર પાસે ફંડનો અભાવ જણાતા લોકભાગીદારીથી નવી લેબ ઉભી કરવાની તવાયત હાથ ધરી. ૨૦૨૦-૨૧માં વૈશ્વિક આર્થિક મંદીમાં ધર્મને સકંજામાં લઈને ચોરી,લૂંટફાટ, તોફાનો વગેરે ફાટી નીકળ્યાં હતા ત્યારે ધનિકોએ સ્વેછાએ પોતાની એંસી ટકા સંપત્તિ સરકારને હવાલે કરી દીધી હતી અને દુનિયામાં દેશને મોખરાનું સ્થાન આપવામાં મોટો ફાળો આપ્યો હતો. છેલ્લા વીસ વર્ષમાં તો દુનિયાનાં કેટલાક દેશનાં તો આખેઆખા નકશા જ બદલાઈ ગયા!   

આઈ-લાઈનથી મનની વાત સમજી શકે એવા શક્તિશાળી કેમેરા કેમ બનાવવા? સમયની મર્યાદામાં કામ પૂરું કરવાનું! રતીભાર ગફલતને સ્થાન નહીં હોય. રૂમમાં હાજર બધા સભ્યોના વિચારોનાં ઘોડા અલગ અલગ દિશામાં દોડ્યા. 

રુચિત આબેહૂબ અજોડની આંખ જેવો કેમેરો બનાવવામાં જોતરાયો. પાર્થવી અજોડનું શારીરિક બંધારણ સમજી તેનું આલેખન કરવામાં વ્યસ્ત થઇ. અજોડ અર્જુન પર જનારા યાનને સજ્જ કરવામાં અને અમી અર્જુન પર ટકવા માટેની તૈયારી કરવામાં ગૂંથાઈ.    

અજોડ-અમીએ પાંચ ચો.મી. વિસ્તારમાં બે મહિના રહેવાનુ હતું. "ફાવશે? ચાલશે?" પાર્થવી વારેઘડી પચીસ-પચાસ વર્ષ પાછળ પહોંચી જતી હતી. વિશાળ બંગલો અને દરેકનાં અલગ રૂમ.  

આ સદીની શરૂઆતમાં આલિશાન ઘરો,ગાડીઓ, મોટા લગ્નો ધનિકોની શાન કહેવાતી. પણ તેનાં ચોથા દાયકાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એકથી વધારે બાળક ધરાવનારને કોઈ સરકારી સહાય કે નોકરી નહીં! વ્યક્તિ દીઠ અડધો જ રૂમ અને પરિવાર દીઠ એક જ વાહન! 

"ચલાવવુ પડશે", બબડતી પાર્થવીએ આજુબાજુ જોઈ લીધું. કોઈ નથીને?

પાર્થવીના હાથ કામ કરતાં વારેઘડી અટકી જતા હતાં. પાંડુ પુત્રોને બચાવવા બ્રાહ્મણીએ પોતાના પુત્રોનું બલિદાન આપ્યુ હતું, તેમ તે પણ..! વ્યાકુળ આંખને અજોડ પામી ગયો.

"ચિંતા નહીં કર મા. પાપાના કામ પર ભરોસો રાખ. તે જ સમજાવ્યું છે, ધ્યેય વગરનો માણસ પશુ છે. મારે ફક્ત યાનમાં મુસાફરી કરી, ચંદ્રને જોઈને પાછા નથી આવવું. મળેલ મનુષ્ય અવતારનું ઋણ ચૂકવવાનું છે."

"ગર્વ છે અમને તારા પર. વિજયી ભવઃ!" આંસુ આંખમાં જ સમાઈ ગયા.    

પચીસ દિવસની મહેનત પછી કેમેરો તૈયાર થઇ ગયો. ટેસ્ટિગ માટે ઈસરો પર વૈજ્ઞાનિકોની ટીમ ભેગી થઈ ગઈ. ડમી યાનમાં કેમેરો અજોડની આંખ સામે ગોઠવાયો. કેમેરાને વાયરલેસ યંત્ર સાથે જોડ્યો જે ઇસરોના કન્ટ્રોલ રૂમમાં હતું. બીજો કેમેરો કન્ટ્રોલ રૂમમાં રુચિતની આંખ સામે ગોઠવાયો. યાનમાં અવકાશનું વાતાવરણ બન્યું.  

કેમેરો ઓન કરવાનો આદેશ અપાયો. વન ટુ થ્રિ.. કેમેરો ઓન ન થયો. કંટ્રોલ રૂમમાં દોડધામ મચી ગઈ. પાર્થવીના નામનો મેસેજ મોટા સ્ક્રીન પર ઝબૂક્યો. "પાર્થવી ઇઝ ધેર એની રોંગ?"

શોર્ટ સર્કિટ થાય તો ડમી યાન... રુચિતની નજર પાર્થવીના ધ્રૂજતાં હાથ પર પડી.  

પાસે આવી ખભે હાથ મૂક્યો," બ્રેવ મધર પાર્થવી, કમ ઓન". પાર્થવીનો ધ્રૂજતો હાથ સ્થિર થઈ બટનને અડ્યો. કેમેરો ઓન થયો. 

અજોડને અવકાશયાત્રીના વેશ-ભેસમાં જોઈ રુચિત-પાર્થવીનું હૃદય પાંસળીઓ તોડીને બહાર આવી જશે એ હદે ધબકવા લાગ્યું.  

કેમેરાની સામે જોવા રુચિતને લખીને આદેશ અપાયો. રુચિત-અજોડની આંખો મળી. સ્ક્રીન પર બંનેની વાતચીત કેમેરાએ અંકિત કરી. 

"આભાર, મારું સપનું સાકાર કરનાર, ચક્ષુ:શ્રવા!" આંખમાંથી નીકળતાં પાણીએ અર્જુન વિજયઘોષ કર્યો.

બસ પછી તો થોડા દિવસોમાં જ અર્જુન પર સફળ લેન્ડિગ થયું, સહીસલામત પાછા આવી અજોડનું નામ દુનિયામાં અજોડ બન્યું.


Rate this content
Log in