ચકો અને ચકી
ચકો અને ચકી
આજે દરરોજ કરતા વધારે કંકાસ હતો એ ઘરમાં. રોજ તો ફક્ત બોલાચાલી થતી પણ આજે તો ઝઘડાનું સ્વરૂપ કંઈ ઓર જ હતું. આમ તો ઘરમાં સભ્યો ફક્ત બે જ. સમર્થ અને તૃષ્ણા. બંન્ને આમ પ્રેમીપંખીડા અને છેલ્લા એકાદ વર્ષથી લગ્નગ્રંથી જોડાયેલા. લગ્ન બાદ પ્રેમ વ્યવહારિકતાની નીચે દબાઈ ગયો અને એનુ સ્થાન ફરિયાદોએ લઈ લીધું જેનું પરિણામ એ હતું કે કંકાસ હવે રોજ થતો પણ આજે એની તીવ્રતા રોજ કરતા વધારે હતી.
આજે તો ઘણીબધી વસ્તુઓ પણ આ કંકાસનો ભોગ બની રહી હતી. વાતાવરણ ગંભીર બનતા પડોસીઓ પણ બહાર આવી ગયા. સમર્થ અને તૃષ્ણાના પરસ્પર આક્ષેપો, ફરિયાદ અને ક્રોધના વાતાવરણમાં ગળાડુબ હતા. રોજ તો બોલાચાલી થાતી પણ આજે તો ગઈકાલે ખરીદેલી નવી નક્કોર ક્રોકરી, કાચના ગ્લાસ અને ફ્લાવર વાઝ પણ શહીદ થઈ ગયા. સમર્થની દલીલો તૃષ્ણાના ગુસ્સા આગળ એક ક્ષણ પણ ન ટકે. સમર્થ તૃષ્ણાને સમજાવવામાં હંમેશા અસમર્થ રહેતો અને તૃષ્ણાની તૃષ્ણા કયારેય છિપાતી નહી. અંતે રોજની જેમ સમર્થ નિસહાય બનીને ઘરની બહાર નીકળી ગયો.
સમર્થે તૃષ્ણાને દુનિયાભરની સડવડો આપી હતી પણ તૃષ્ણાને હંમેશા ખુટતું ને ખુટતું રહેતું બસ આ જ રોજના કંકાસનુ મૂળ હતું. જ્યારે સમર્થ બહાર નીકળી ગયો ત્યારે તૃષ્ણા શાંત થઈ અને એ શાંતિ થતાં જ બાલ્કની તરફથી આવતો સામાન્ય કોલાહલ સંભળાયો. ખિન્ન મને તૃષ્ણા બાલ્કનીમાં ગઈ અને એણે જોયું કે ચકા અને ચકી બંન્ને ચીં ચીં કરીને એમની ભાષામાં કંઈક વાતચીત કરી રહ્યા હતા. એકબીજાને ધક્કે ચઢાવીને એકબીજાને કંઈક સમજાવી રહ્યા હતા. અચાનક ચકો એના માળામાથી ઉડી ગયો અને કોલાહલ બંધ થઈ ગયો અને તૃષ્ણા પોતાના રોજીંદા કામમાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ ધણા સમય સુધી ચકો પોતાના માળામાં પરત ન ફરતાં બેબાકળી થયેલી ચકી ફરી ચીં ચીં કરીને કોલાહલ મચાવવા માંડી જેના કારણે તૃષ્ણાનું ધ્યાન તેના તરફ ગયું અને એને ખબર પડી ગઈ કે ચકાના વિરહમાં ચકી બેબાકળી થઈ છે. જાણે ચકાને શોધતી હોય તેમ આમતેમ ઉડવા લાગી. એની નજર ચકાને જ શોધવા હતી.
આ જોઈને અચાનક જ તૃષ્ણાના મનમાં એક ધ્રાસકો પડ્યો અને એ બેબાકળી બનીને સમર્થને શોધવા દોડી અને ત્યાં જ ઘરની ડોરબેલ વાગી. દરવાજો ખોલીને જોયું તો સમર્થ હતો. સમર્થને જોતાં જ તૃષ્ણા એને વળગી પડી. તૃષ્ણાએ ચકીના માળા તરફ જોયુ ત્યારે ચકો અને ચકી એકબીજાને આલિંગન આપી રહ્યાં હતાં. બસ તે દિવસથી તે ઘરમાં નીરવ શાંતિમાં પ્રેમ પાંગરતો રહ્યો.
