ચાંદામામા અને ચિન્ટુ
ચાંદામામા અને ચિન્ટુ


"ચાલ બેટા ચિન્ટુ, આજે તને ચાંદામામાની વાર્તા અને ગીતો સંભળાવું":- ચિન્ટુ ની મમ્મી બોલી.
"ના, મમ્મી, આ શું રોજ રોજ ચાંદામામાની વાર્તા ?. આ તમારા જમાનામાં તો ચાંદામામા મેગેઝીન પણ આવતું હતું. હવે તો મમ્મી બાલ સાહિત્ય તો ભૂલાઈ ગયું છે." :-દસ વર્ષ નો ચિન્ટુ બોલ્યો.
"આવે છે ને બેટા, જો દર અઠવાડિયે ન્યુઝ પેપરમાં બાલ સાહિત્ય એક વાર આવે છે. બેટા તને આ ચાંદામામાની વાતો ગમતી નથી !"
"ગમે છે મમ્મી..પણ જો ને આ બાલસાહિત્યની જગ્યાએ હવે તો મોબાઈલ અને ટીવી માં કાર્ટુનો એ લીધું છે. ઘણી વાર તો માથું દુ:ખે છે."
"સાચી વાત બેટા. તો હું તને કોઈ કવિતા કે વાર્તા કહું"
"ના મમ્મી. જો મમ્મી ચાંદામામા તો ગમે છે..અને મારા મામા પણ..પણ મમ્મી તું કહે છે કે ચાંદા મામા રૂપાળા છે..પણ મારા મામા તો સોહામણા છે..પણ મમ્મી તારા જેટલા તો નહીં હોં."
"બહુ બગડી ગયો છે. ચાલ હવે તો તારે વાર્તા ના સાંભળવી હોય તો હું થોડા ગીતો સાંભળું."
"ના, મમ્મી..પાછા ગીતો..આ જો ને ફિલ્મી ગીતોમાં પ્રેમી એની પ્રેમિકાના મુખને ચંદ્ર સાથે સરખાવે છે.. એવું હોય મમ્મી ? ચંદ્ર પર તો ડાઘ છે. ખાડા ટેકરા છે..તો એ પ્રેમીને તો બીક લાગવી જોઈએ."
"હવે તો તું બગડતો જાય છે. એક તો ઉંમર નાની ને મોટી મોટી વાતો...જો બેટા આ બધું રૂપક છે. તું પણ ચાંદ જેવો જ રૂપાળો છે."
"ના મમ્મી મારે તો ચંદા જેવું દેખાવું નથી..મારે તો તારા જેવો સ્વભાવ વાળું અને પ્રેમાળ બનવું છે."
"ઓકે બેટા. તને ખબર છે ચંદ્ર મામા એ પણ શંકર ભગવાનની તપ અને આરાધના કરી હતી. એને આજે લોકો સોમનાથ મહાદેવ કહે છે."
"એમ મમ્મી, તો તો મને સોમનાથ મંદિર દર્શન કરાવવા લઈ જશો ?"
"હા, આપણે દિવાળી પછી સોમનાથ મહાદેવના દર્શન કરવા જાશું."