Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

"બુરા ના માનો હોલી હે.."

"બુરા ના માનો હોલી હે.."

9 mins
14.5K


આજે આખું શહેર રંગોના રંગે રંગાયું હતું. ચારે તરફ મસ્તી ને ઉમંગની  હવાઓ વહેતી હતી. મીતાને કોલેજ લઈ જવા સ્નેહલ મીતાના પિતાને મનાવી રહી હતી. આજે કોલેજમાં હોળીનો ઉત્સવ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાન હૈયાઓ રંગોના આ ઉત્સવને પૂર્ણ જોશમાં ને મસ્તીની ટોચ પર માણવા હરખાઈ રહ્યા હતા.

"પ્લીઝ અંકલ..."

"નહીં નહીં ગયા વર્ષે ખબર છે ને...."

આ વાક્ય અધૂરું શા માટે છોડાયું એ બધા જ જાણતા હતા. ગયા વર્ષે કોલેજમાં યોજાયેલ હોળીના ઉત્સવ માં મોટી ઘટના સર્જાઈ હતી. કોલેજના એક ઓરડામાં એક વિદ્યાર્થીની બેભાન અવસ્થામાં મળી આવી હતી. જાતીય છેડછાડના એ બનાવે ફક્ત કોલેજ માં જ નહીં આખા શહેરમાં હાહાકાર મચાવ્યો હતો. સમાજમાં જ્યાં ચોવીસો કલાક ટીવી ના પરદા પર નગ્નતા ને ગંદવાડ 'એન્ટરટેનમેન્ટ'ના શીર્ષક હેઠળ ભલે ઉજવાય પણ જાતીય છેડછાડ ને શારીરિક શોષણનો ભોગ બનેલી સ્ત્રીઓને તો મોઢું છુપાવીને જીવવાના કે જીવન ટૂંકાવવાના જ વિકલ્પ પૂરા પાડવા માં આવે! કોલેજની એ 'વિક્ટિમ' અને એનું પરિવાર શહેર છોડી જતા રહ્યા. જ્યાં દીકરીઓને અત્યાચાર અને અન્યાયની સામે ઉભી રહેવાની નહીં પંણ પીઠ ફેરવી ને ભાગવાની કે આત્મહત્યા કરવાની તાલીમ અપાતી હોય એ સમાજ પાસે બીજી શું આશા રાખી શકાય? દીકરીનું નામ સમાજમાં ઉછળે નહીં અને દીકરી કરતા પણ વધુ પ્રિય પોતાની દંભયુક્ત પ્રતિષ્ઠાને આંચ ના આવે એ કારણે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે પોલીસ કેસ કર્યા વિના જ આખું પરિવાર ક્યાં જતું રહ્યું એની કોઈ ને જાણ નહીં!

આ કાયરતા અને સ્વાર્થી નિર્ણય ના પરિણામ સ્વરૂપ આજે પણ ગુનેહગાર ગર્વથી કોલેજ માં ક્યાંક ફરતો હશે અને અંદરોઅંદર સમાજની પોકળતા પર હસતો હશે!

મીતાના પિતા પોતાની દીકરીને સારી રીતથી જાણતા. બાળપણમાં એની મા જયારે આ દુનિયા છોડી ગયા ત્યારથી બાપદીકરી જ એકબીજાની ઢાલ ને એકબીજાના મિત્ર. પોતાની અંતર્મુખી , શર્મીલી, શાંત ને બીકણ સસલીની એમને હંમેશા ચિંતા રહેતી. એક આ સ્નેહલ સિવાય કોઈ ખાસ મિત્રો પણ નહીં . સ્નેહલ સ્વભાવે મીતાથી તદ્દન ભિન્ન. ઊંચો અવાજ, મિત્રોની લાંબી કતાર, ગુસ્સો હંમેશા નાક ઉપર ને કોઈની પણ સાથે ગમે ત્યારે પણ ભીડવા તૈયાર. કોલેજ માં બધાજ એને 'રાણી લક્ષ્મી બાઈ' કહેતા. ને એ વાત નો એને પૂરો ગર્વ. સ્નેહલની આ નીડરતા ને ખુમારી મીતાના પિતાને ખુબજ ગમતી. એ મીતા ને હંમેશા સ્નેહલના ઉદાહરણ આપી પ્રેરતા. પણ પાંચ આંગળીઓ જેમ સરખી નહીં તેમજ માનવ સ્વભાવ પણ જુદાજુદા. શરીરના જીન્સ કહો કે ઉછેર નું વાતાવરણ -કારણ જે કોઈ પણ હોય એ ભિન્નતા માનવ સ્વભાવની એક મૂળ વાસ્તવિકતા.

મીતા સ્નેહલ જોડે રહેતી તેથી એના પિતાને પણ જરા ઓછી ફિકર રહેતી. પણ આજે આ હોળીની પાર્ટી માટે એમનું હૃદય જરા પણ માનતું ન હતું. ગયા વર્ષનો એ અમાનવીય બનાવ વિચારો માં ઘર કરી ગયો હતો.

"અંકલ કોલેજનું આ લાસ્ટ યર છે. પછી બધા મિત્રો જોડે આમ મસ્તી ને ધમાલની ક્ષણો થોડી પાછી  મળશે...પ્લીઝ...પ્લીઝ..પ્લીઝ.."

મીતા સ્વભાવ પ્રમાણે શાંત ઉભી હતી. પણ ચહેરાના ભાવો સ્પષ્ટ દર્શાવતા હતા કે એને પણ સ્નેહલ જેટલી જ ઉત્સુકતા હતી. એમના ઉત્સાહ ને ખુશીની સામે એ જરા ઢીલા પડ્યા:

"ઠીક છે . સાચવીને રહેજો ને જલ્દી પરત થજો."

"ઓહ અંકલ યુ આર ઘી બેસ્ટ."

"થેન્ક યુ પપ્પા."

કહેતા બંને એમને ભેટી પડી.

"ઠીક છે ઠીક છે હવે જલ્દી નીકળો. નહીંતર મોડી પડશો."

બંને બહાર ભાગી.

"મીતા..."

પપ્પાના શબ્દો સાંભળતી એ થંભી.

"બેટા સ્નેહલ ની સાથેજ રહેજે."

"જી," એક શબ્દનો એ મીઠો વાયદો આપી એ નીકળી. બંને સ્કુટી ઉપર ગોઠવાયા. સ્નેહલની એક જોરદાર કિક થી સ્કુટી ભાગી.

"હીઅર યુ ગો.."

બંને થોડીજ મિનિટો માં કોલેજના કેમ્પસ ઉપર. આજે તો આખું કેમ્પસ જ મેઘધનુષી. સફેદ વસ્ત્રો માં સજ્જ યૌવન મસ્તી અને રંગોમાં પૂરેપૂરું ડૂબેલું. બધાના જ ચહેરાઓ જાણે નાના બાળકે કાગળ પર રંગ કામ કરતા બધાજ  રંગો નું ઊંધું સીધું મિશ્રણ કરી નાખ્યું હોય એવા રંગીન અને રમુજી. કોઈને ઓળખી કાઢવું તો ખુબજ કપરું. બધા જ જાણે એક સમાન. રંગો, પિચકારીઓ, પાણીના ફુગ્ગાઓ મસ્તીની ચરમસીમાએ પહોંચવાના બધા જ માધ્યમો કાર્યરત. કેમ્પસના એક ખૂણામાં કોલેજના વિદ્યાર્થીઓ નું એક મ્યુઝિક બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું. સંગીત ના આધુનિક સાધનોથી સજ્જ એ બેન્ડના સંગીતના તાલે યૌવન થીરકી રહ્યું હતું . કેમ્પસની વચોવચ એક મોટું પ્રોજેક્ટર ગોઠવાયું હતું. કોલેજના વિદ્યાર્થીગણના નેતાએ પોતાના તરફથી આ ખાસ વ્યવસ્થા કરી હતી કે જેથી બોલિવૂડના દરેક હોળીના હિટ ગીતો ના વિડિયો ક્લિપ્સથી વાતાવરણ વધુ ફિલ્મી ને રોમાન્ટિક કરી શકાય.

"નાઉ ધેટસ કૉલ્ડ એ પાર્ટી," સ્નેહલ ચીખી જ ઉઠી ને એક લાંબી સીટી વગાડી રહી. મીતા નો હાથ પકડતી ઉત્સુકતા થી બોલી:

"લેટ્સ ડાન્સ.."

"નહીં યાર તું જા. એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ક્રાઉડ યુ  નો ધેટ.."પોતાની અંતર્મુખી સખીને એ સમજતી હતી એટલે એણે જીદ્દ ના કરી.

"એઝ યુ વિશ,પણ નજીક જ રહેજે.."

"અહીં પ્રોજેક્ટર ની સામે છું."

"ઓકે સ્વીટહાર્ટ," સ્નેહલે મસ્તીમાં આંખ પલકાવી.

"હેવ ફન," કહેતા મીતા પ્રોજેક્ટર પાસેની પાળી ઉપર ગોઠવાઈ. એનું ગમતું ગીત પ્રોજેક્ટર પર આવ્યું ને એના પગ થીરકવા માંડ્યા :

"બલમ પિચકારી જો તુને મુજે મારી તો સીધીસાદી છોરી શરાબી હો ગઈ," એના હોઠો પ્રોજેક્ટરમાં પ્રસારિત કારિઓંકેના શબ્દો ને અનુસરી રહ્યા.

"એન્જોયિંગ?" બાજુમાં ગોઠવાતો દિવ્યેશ બોલ્યો ને એ ચોંકી ઉઠી.

"ઓહ તમે?" એ નરમાશ થી બોલી.

"તમે નહીં તું. નો ફોર્માલિટીઝ.."

દિવ્યેશ પણ એની જેમ જ થર્ડ યરનો વિદ્યાર્થી હતો. વિષયો જુદા હતા. પણ ફરજીયાત વિષયોના તાસમાં એ મળતો. એ પણ જાણે મીતાનું જ પ્રતિબિંબ! ઓછાબોલો, અંતર્મુખી, શર્મીલો. આંગળીએ ગણાય એટલાજ મિત્રો. મીતાને પણ એની સાથે ફાવતું. સ્વભાવની સરખામણી જ કદાચ કારણ હોઈ શકે. છેલ્લા કેટલા દિવસોથી એ મીતાની વધુ નજીક આવવા ઈચ્છતો હતો. પણ એની પેલી બોડીગાર્ડ સ્નેહલ એને છોડે તોને! પણ આજે આવેલ તકને જતી ના જ કરાય. પેલી બોડીગાર્ડ આવે એ પહેલાજ એણે હિમ્મત કરી પૂછી જ નાખ્યું:

"મીતા ઘણા દિવસોથી કઈ કહેવા ઈચ્છતો હતો આજે પૂછી શકું?"

મીતાનો ચહેરો ગુલાબી થયો. જરા પરસેવો છૂટ્યો. હૃદયના ધબકારા વધી ગયા. પોતાની આંતરિક પરિસ્થિતિને એક જૂઠી હિમ્મતથી ઢાંકતી એ ધીરે થી બોલી:

"યા સ્યોર.."

"હું તારા માટે કંઈક લાવ્યો છું. અહીં બધાની સામે નહીં ફક્ત તને જ બતાવવા ઈચ્છું છું. કમ વિથ મી પ્લીઝ. જસ્ટ ફોર ટુ  મિનિટ્સ.."

મીતાના પગ ધ્રુજવા માંડ્યા. એની આંખો સ્નેહલને ઢૂંઢી રહી.

"પ્લીઝ મીતા. ના ન કહેતી. ઘણા સમયથી આ હિમ્મત ભેગી કરી છે."

મીતા મથામણમાં પડી. શું કરે શું ના કરે?

"ઠીક હું સ્નેહલને જાણ કરી આવું."

"મીતા ફક્ત બે મિનિટની વાત છે. હું જાતે તને સ્નેહલ પાસે છોડી જઈશ પ્રોમિસ."

ડરતા ડરતા એણે સ્વીકાર્યું,"ઓકે.."

આગળ પગલાં ભરતાં એની નજર હજી સ્નેહલને જ શોધી રહી. પણ રંગો ને ગુલાલ ની વચ્ચે  એ ક્યાં દેખાય? ધીરે ધીરે આગળ વધતા પગલાઓ સાથે બેન્ડનું સંગીત અને ગીત કાનો ને સ્પર્શી રહ્યા:'તું મિલે દિલ ખીલે ઔર જીને કો ક્યાં ચાહિયે?'

એક ક્ષણ માટે બંનેની નજર ટકરાઈને  ઢળી પડી. ડર અને શરમની બમણી લાગણીઓને છુપાવવા મીતાની આંગળીઓ એના ટીશર્ટ પર કંડારેલ પતંગિયા જેવા શણગાર બટન ને વારંવાર ફેરવી રહી. દિવ્યેશ એને કેમ્પસની પાછળ રમતના મેદાન ભણી દોરી રહ્યો. ધીરે ધીરે સંગીત, બેન્ડ, વિદ્યાર્થીઓ બધાનો શોર બંધ થયો. હવે નાતો કોઈ એમને જોઈ શકતું ના તો કોઈ સાંભળી શકતું. બેડમિન્ટન કોર્ટમાં પ્રવેશતાજ મીતા ચમકી. ત્યાં પહેલે થી જ બે ખુરશીઓ ગોઠવાઈ હતી. બાજુના ટેબલ પર થોડા ગિફ્ટ્સ, એક બુકે  ને કાર્ડ શણગારેલો હતો. એક નાનકડી ટ્રે માં કોલ્ડ્રીંકના પીણાં તૈયાર હતા. મીતા હજી પણ પોતાના ગભરાટને પતંગિયા સાથે રમતી આંગળીઓ થી સંકેલી. 

"પણ આ..."

મીતા આગળ કંઈ બોલે એ પહેલાજ એણે પીણાંનું ગ્લાસ આગળ ધર્યું.

"પ્લીઝ મીતા આ બે મિનિટ ફક્ત મારી. એમાં મને મારું જીવન જીવી લેવા દે."

મીતાએ ગ્લાસ હાથ માં લીધો.

"ફોર આર ફ્રેન્ડશીપ.." કહેતા દિવ્યેશે પોતાનું ગ્લાસ મીતાના ગ્લાસ સાથે અડકાવી પોતાનું પીણું એક જ શ્વાસે પૂરું કર્યું. એને અનુસરી મીતા એ પણ ગ્લાસ ખાલી કર્યું. દિવ્યેશે ગ્લાસ હાથમાંથી લીધું કે મીતાનું માથું ભમવા લાગ્યું. આખો કોર્ટ એને ડોલતો લાગ્યો. આંખોની સામે અંધારા છવાયા. અને બીજી જ ક્ષણે એ સીધી જમીન ઉપર પછડાઈ. દિવ્યેશે બરાબરથી ચકાસી લીધું. એના પ્લાન પ્રમાણે મીતા બેભાન સામે પડી હતી. રામનો મ્હોરો ઉતારી એ રાવણના સાચા કિરદારમાં આવ્યો. ખડખડાટ હાસ્યમાં જીતની ગુંજ.

"તીર સીધું નિશાન પર. ઈમોશનલ ફૂલ. ગયા વર્ષ પેલી દીપ્તિ ને આ વર્ષ મીતા."

કોઈ આવે એની પહેલા જ પોતાનો પ્લાન આગળ વધારતા એણે મીતાની નજીક જવા પ્રયત્ન કર્યો કે કોર્ટનું બારણું તૂટ્યું. સ્નેહલ આચાર્યને લઇ આવી પહોંચી. એનું રામનું મહોરું પાછું ચ્હેરા ઉપર ઓઢાયું.

"સર હું તમારી પાસેજ આવી રહ્યો હતો. મીતા અહીં બેભાન પડી છે. આઈ વૉઝ ટ્રાંયિંગ ટુ હેલ્પ હર."

સ્નેહલએ સીધા જ એના કોલર પકડ્યા.

"તો બારણું અંદર થી કેમ બંધ હતું?"

એનો હાથ કૉલર પરથી છોડાવતા એ બોલ્યો,"લિવ મી."

આચાર્યના સામે ફરી એ સાધુ જેવો ચહેરો બનાવી રહ્યો:

"સર મીતા અહીં કોઈ જોડે હતી. હું પસાર થતો હતો ને બંને નો અવાજ સાંભળી અહીં આવ્યો. મને જોતા જ એ ભાગ્યો. હું પકડવા ગયો કે એણે મને હડસેલી બારણું બહાર થી લૉક કરી નાખ્યું."

"યુ લાયર.." સ્નેહલ આગળ વધવા ગઈ કે એણે એને અટકાવી .

"ઇનફ. સર એને કહો કે પુરાવા વિના કોઈ નિર્દોષ પર આમ આક્ષેપો ના મુકાય." કોર્ટ માંથી બહાર નીકળતાં જ એણે સ્નેહલ તરફ જોઈ આંખ પલકાવી આચાર્ય ના જોઈ શકે એ રીતે. સ્નેહલની બંને મુઠ્ઠીઓ ગુસ્સામાં બંધ થઈ રહી. દિવ્યેશ ઝડપભેર કેમ્પસ પર આવી પહોંચ્યો. એના આશ્ચર્ય વચ્ચે બધા જ વિદ્યાર્થીઓએ એને ચારે તરફથી ઘેરી લીધો. બધાના ચ્હેરાઓ ગુસ્સાથી લાલ અને દરેક નજર એના પ્રત્યે તિરસ્કારથી છલકાઈ રહી હતી. એનું શૈતાની દિમાગ આગળ કઈ વિચારે એ પહેલા જ એના અને મીતા વચ્ચે થયેલ સંવાદ એના કાને સંભળાયો. "ફોર આર ફ્રેન્ડશીપ..''

પાછળ નજર ફરતાં જ એ સ્તબ્ધ થયો. પ્રોજેક્ટર ના પરદા ઉપર એના અને મીતા વચ્ચે પસાર થયેલ દરેક ક્ષણ ને એકાંતનો સંવાદ બધાએ જ લાઈવ જોયો. આખું રેકોર્ડિંગ ને સ્નેહલનું પ્લાનિંગ એના મગજમાં બેસી ગયું. ચારે તરફથી ઘેરાઈ એ ચેક એન્ડ મેટ થઇ ચુક્યો હતો. પોલીસની ગાડીના સાઈરનથી આખું કેમ્પસ ગુંજી ઉઠ્યું. સ્નેહલ, મીતા ને આચાર્ય પણ  ત્યાં પહોંચી ગયા. મીતાને સંપૂર્ણ હોશમાં જોતાં જ દિવ્યેશ ના હોશ જ ઉડી ગયા. મીતાએ આગળ વધી એને એક જોરદાર થપ્પડ માર્યો. ગુસ્સામાં પલટવાર કરવા જેવો એણે હાથ ઉઠાવ્યો કે સ્નેહલ એ સામે આવી હજી એક થપ્પડ માર્યો. અને રમૂજ માં બોલી,"બુરા ના માનો હોલી હે."

મીતાએ પોતાના ટીશર્ટ ઉપરના શણગાર પતંગિયા બટનમાં છુપાવેલ બટન- કેમેરા દિવ્યેશના હાથમાં થમાવ્યો.

"પુરાવો જોઈતો હતો ને તો આ લે.."

"પણ કોલ્ડ ડ્રિન્કનું શું?" શૈતાની દિમાગ હજી એનો ઉત્તર શોધી રહ્યો.

"હું જાણતી હતી કે દીપ્તિની જેમજ કોઈ શરમાળ, અંતર્મુખી ને ઓછાબોલી જ હવે નવો શિકાર બનશે. એટલે મીતાને હું પહેલેથી જ એન્ટી સપ્લીકેશન આપી ચુકી હતી જેનાથી એના ઉપર માદક દ્રવ્યોની અસર ના થાય," સ્નેહલ પોતાની હોશિયારી પર ગર્વ લઈ રહી.

"યુ આર અન્ડર અરેસ્ટ.." પોલીસની ટુકડી એને ગાડીમાં બેસાડી સાથે લઈ ગઈ.

"હવે તો કોલેજમાં બબ્બે રાણી લક્ષ્મીબાઈ!"

ટોળામાંથી કોઈ બોલ્યું ને બધાએ તાળીઓથી મીતા ને સ્નેહલને વધાવી લીધી. બીકણ સસલીનો અવાજ આજે પહેલીવાર બધાએ સાંભળ્યો.

"થોડી સતર્કતા ને થોડી હિમ્મત રાખી પોતે જ પોતાની કાળજી લઈએ તો આપણે બધી રાણી લક્ષ્મી બાઈ." આચાર્યએ પણ મીતાની સાથે સહમતી દર્શાવી.

"તહેવારો પ્રેમ અને ખુશીઓ લઈ આવે. પણ એ પ્રેમ ને ખુશીઓમાં એટલા ઘેલા પણ ના થવું કે પોતાની સુરક્ષાજ ભૂલી જઈએ. જોશમાં આવી હોશ કદી ના ખોવું. આસપાસ ફરતા રાવણનો  સામનો કરવા થોડી સતર્કતા અને કાળજીવર્તી તહેવારોનો વધુ આનંદ માણીયે. નાવ એન્જોય યોર પાર્ટી

"બુરા ના માનો હોલી હે.."

."

ખુબજ ભારે અને ગંભીર થઈ ગયેલ વાતાવરણને હળવું કરવા મ્યુઝિક બેન્ડએ તાર છેડ્યા.

"અભી તો પાર્ટી શુરુ હુઈ હે.."

બધાજ શરીરો પુનઃ થીરકી ઉઠ્યા અને આજે તો મીતા પણ સ્નેહલનો હાથ થામી હોળીના રંગે રંગાવા ને સંગીતના તાલે ઝૂમવા નીકળી પડી. બંને સખીઓ એક સાથે ચીખી ઉઠી,

"બુરા ના માનો હોલી હે.."

 


Rate this content
Log in