બપોર
બપોર
" ફાગણની લહેરખી વાતાવરણમાં ઊડી ", શિયાળાની ઠંડક જાણે બાષ્પીભવન બની અને આવ્યો એવો 'ઉનાળો'
બપોરનું જમી કરીને હું જરા આડો પડ્યો અને મારા નિત્યક્રમ મુજબ થોડી વાર પડખા ફેરવ્યા અને પછી બે કલાકની નિંદર. માંડ ચાર વાગે ત્યાં મારી આંખ ઉઘડે અને ઘરની આંખ બંધ થાય.
માંડ વહુ બાળકો ને જમાડી, ભણાવી, કામ પતાવી આડી પડે ત્યાં મારી આંખો ચાર થાય અને મને ચા દેખાય......પણ, આફત એ બનાવે કોણ ?
મારી વસુધા તો બારેય ઘોડા વેચી ને સુએ, વહુ રાણી થાક્યા પાક્યા સુતા હોય અને બાળકોને આવડે નહીં. હું ચા વિના રહી ન શકું ! મારે પછી મારા મિત્રો સાથે મંદિર જવાનું ત્યાંથી બગીચે અને રાતે ઘરે આવવાનું.....મારે તો ચા ગમે તેમ કરી ને જોઈએ જ...
" બહુ વાર બનાવવાની રીતો જોઈ પણ મારાથી ચા બને જ નહીં ".. ઘડીમાં દૂધ વધારે પડે, ખાંડ ઓછી, દૂધ ફાટી જાય, ગેસ બગડે, આદુ વધારે પડે, ચા ઓછી બને, રકાબી ના મળે, ગરણી તો રામ જાણે ક્યાં હોય ?
હવે, વિચારો હું કેમ નો ચા બનાવું ? એમ કોઈ ને થાય નહિ કે " સસરા ને ચા પીવી છે, મારા ધણીને ચા પીવી છે"
હું તો વાંક એ.સી.નો કાઢું.. એવા એ.સી.માં ઘોરી જાય કે સાંજ સુધી એ.સી.માં પડ્યા રહે. મારી વસુધા તો બોલે " એ.સી. એટલે એ.સી " આ પંખો તો કઈ જ ના આવે !
પણ, વાંક એ.સી નો નહીં પણ ગરમીનો છે. મને એમ થાય પહેલા તો પંખા વિના રહેવાતું અને આજે શિયાળામાં પંખા જોઈએ..... તો ઉનાળે તો શું વિસાદ ?
એવી આકરી ગરમી પડે, બપોર તો જાણે અગનભઠ્ઠી સૂર્ય જાણે નાચતો હોય !, એવી લૂ લાગે ને બપોરે....
" એકવાર મેં ચા બનાવી અને પી લીધી પછી મેં વસુધા ને કીધું હું બહાર જઈ ને આવું, અને વસુધા જાણે અર્ધભાન માં હા કીધું અને હું ઘરની બહાર "
માંડ દસ મિનિટ થયી હશે ને વસુધા જાગી મને શોધવા લાગી, હું મળ્યો નહિ એટલે ભર બપોરે ગામ ગજવ્યું. ક્યાંય સુધી હું ના આવ્યો તો છેક પોલીસ સુધી પહોંચી ગઈ અને જ્યારે હું આવ્યો ત્યારે મારા ઘરે આખી સોસાયટી જમા ને મારી સામે એ રીતે જોતા.......!
બાપરે, કેટલાય કિસ્સા છે. પણ, મને ઉનાળો કેમ ગમે ખબર છે ? મારી દીકરી, જમાઈ, ભાણીયા મારે ઘર આવે અને આનંદ ઉલ્લાસ...મારા ઘરે વેકેશન થાય એ જોઈ હું હરખાઉં.
એવી વાનગી, ફળો, શાકભાજી ને રાત્રે ધાબે સુવાની મજા જ અલગ છે. એ મજા એ.સી. એ ક્યાંક લઈ લીધી છે.
એક બપોરે તો ભારે થયું.
" એવી મસ્ત ગરમી હતી, જમી લીધું હતું અને મારે કોઈ જગ્યા ન હતી. મારી વહુ એ તરબૂચ સમાર્યું અને કહ્યું : રાત માટે છે, ફ્રીજમાં ઠંડુ કરવા મૂક્યું છે માટે કોઈ ખાતા નહિ.."
હું મારી આદત મુજબ ચાર વાગ્યે ઉઠ્યો ને જોયું ફ્રીજ માં તરબૂચ, મારા થી રહેવાયું નહિ અને મેં ધીમે રહી ને ખાઈ લીધું એ બધું મારો પૌત્ર જોઈ ગયો અને કહી દીધું.
કોઈ મને બોલ્યું નહીં પણ મને સારું લાગ્યું પણ નહીં. એમ ચોરીછૂપી ખાવું એ સારી આદત નહિ એ સમજી ગયો..પણ, ત્યારપછી મારી સામે ક્યારેય તરબૂચ સમારતા જ નહીં એ ભારે થયું.
" બાકી એ ગોળા, આઈસ્ક્રીમ, કેરી, ટેટી, તરબૂચ, રસ, અથાણું, પાપડ, સારેવડા, ચકરી......આહહ શું બનતું !"
સ્ત્રીઓ ભર તાપે સારેવડા ને ચકરી કરતી ને આપણે ખાલી ઝાપટતા....લાંબી રાત સુધી પત્તા, કેરમ, સાપસીડી, કોડી, જુના નાટકો કેટલુંય રમતા.. એ ફૂલ રેકેટ, વોલીબોલ, નાઈટ ક્રિકેટ એ રાત્રે ચાલવા જવાનું અને કંઈક ખાતા આવવાનું...!
ઉનાળો આમ નથી ગમતો પણ ઉનાળો જ યાદ રહે છે કાયમ. નથી એવા કોઈ તહેવાર પણ યાદ રહે કાયમ.
ઉનાળો તો બાકી ઉનાળો છે, મારે માણવો આ ઉનાળો ને તેની બપોર.
