ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવો
ભૂતકાળ ભૂલી વર્તમાનમાં જીવો
કોઈ એક રાજ્યના રાજાની વાત છે. ત્યાંનો રાજા ખૂબ જ પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તે કોઈને પણ દુઃખી જોઈ શકતો ન હતો. તેના કામની અને નામની વાતો બીજા બધા રાજ્યોમાં થવા લાગી. બીજા રાજાઓ તેમને મળવા માગતા હતાં. તેમના જોડેથી કઈક શીખવા માગતા હતાં. તેમના જોડેથી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી આપવામાં આવતું હતું.
કોઈક એકવાર રાજા પોતાની પ્રજા સાચે જ સુખી છે. તેને કોઈ દુઃખ તો નથી ને ? તે જોવાની ઈચ્છા થઈ અને તે પોતાના સેનાપતિ અને કેટલાક સૈનિકોને લઈને પોતાના રાજ્યમાં ફરવા માટે નીકળ્યા. તેના જોડે જે પણ સમસ્યા લઈને આવે ત્યારે તેનું સમાધાન કરી આપવામાં આવતું અને તેને કંઈ ને કંઈ ભેટ પણ આપવામાં આવતી. કોઈને સોનાના સિક્કા, તો કોઈને ચાંદીના સિક્કા, તો કોઈને કિંમતી સામાન પણ આપવામાં આવતો હતો.મતલબ કે તે રાજા જોડે જે પણ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને આવે તેને ચોક્કસ ભેટ આપવામાં આવતી હતી.
રાજા જ્યારે પોતાના રાજ્યમાં ફરી રહ્યા હતાં. ત્યારે તેમની નજર દૂર એક ભિખારી પર પડી. તે ખૂબ જ દુઃખી હતો. તે ગટરની બાજુમાં બેસીને ભીખ માગતો હતો. રાજાને થયું કે હું ભિખારીને બોલાવીને કઈક આપુ તો કેટલું સારું ? તો રાજાએ પોતાના સૈનિકોને તેમના જોડે મોકલ્યા અને તેને બોલાવ્યો. રાજા વિચારતો હતો કે હું તેને જો સોનાના સિક્કા આપુ તો તેના જીવનમાં બદલાવ આવશે. તેનામાં કઈક ફરક પડશે.તે તેનું જીવન શાંતિથી પસાર કરી શકશે.
જ્યારે ભિખારી રાજા જોડે આવ્યો. ત્યારે રાજાએ તેને એક સોનાનો સિક્કો આપ્યો. તે સિક્કો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. કારણ કે તેને કદી પણ પોતાના જીવનમાં સોનાનો સિક્કો જોયો ન હતો. તેના આનંદનો કોઈ પાર નહતો. તે સિક્કો લઈને જ્યાં હતો ત્યાં જવા લાગ્યો અને આનંદમાં ને આનંદમાં તે સિક્કાને ઉછળતો ઉછળતો ગટર જોડે ગયો કારણ કે તે પહેલેથી જ ત્યાં બેસેલો હતો. અને તે સિક્કો સંજોગોવસાત ગટરમાં પડી ગયો. ભિખારી તે સિક્કાને શોધવા લાગ્યો.
આ દ્રશ્ય પેલા રાજા જોઈ રહ્યા હતાં.તેમને પણ ખૂબ દુઃખ લાગ્યું કે ભિખારી જોડેથી સિક્કો પડી ગયો. તેને પાછો બોલાવ્યો અને તેને એક બીજો સોનાનો સિક્કો આપ્યો. તે લઈને તે ભિખારી લઈને પાછો ત્યાં ગયો. અને પાછો પેલી ગટરમાં જે સોનાનો સિક્કો પડી ગયો હતો તેને શોધવા લાગ્યો. તે સમયે રાજાની નજર પાછી પેલા ભિખારી પર પડી. તે સોનાનો સિક્કો શોધી રહ્યો હતો.તેમને વિચાર આવ્યો કે કદાચ ભિખારીને સોનાના એક સિક્કાથી કામ થઈ શકે એમ નહિ હોય. તો તેને ફરી બોલાવવામાં આવ્યો અને તેને ફરી એક વધુ સોનાનો સિક્કો આપવામાં આવ્યો.
બે સોનાના સિક્કા આપવા છતાં પણ પેલો ભિખારી ગટરમાં પડેલો સિક્કો જ શોધવામાં પડ્યો હતો.આ બધું પેલા રાજા ત્યાં ઊભા રહીને જોઈ રહ્યા હતાં.હવે તેમનાથી ના રહેવાયું અને તે ભિખારીને જોડે બોલાવીને પૂછ્યું કે "ભાઈ હું તને એક સિક્કાની જગ્યાએ બે સોનાના સિક્કા આપ્યા. તેનાથી તું તારા જીવનમાં ખુશીથી અને શાંતિથી રહી શકે એમ છે. તો પેલા ગટરમાં પડેલા સિક્કાને કેમ શોધે છે ? તેના પાછળ તું કેમ સમય બગડે છે ? તું તારા પરિવાર સાથે શાંતિથી રહે ને.
ત્યારે પેલા ભિખારીએ રાજાને કહ્યું કે " ના મહારાજ મારું સાચું સુખ તો ત્યારે જ મળશે કે જ્યારે પેલો ગટરમાં પડેલો સિક્કો મને મળશે. ત્યારે મારા જીવનમાં આનંદ અને ખુશી આવશે."
આમ, આ બનાવ પણ આપણા જીવનમાં લાગુ પડે છે. કદાચ બધાના જીવનમાં નહિ પણ કેટલાકના જીવનમાં ચોક્કસ લાગુ પડે છે. જેમ કે આપણે જે સમય પસાર થઈ ગયો. જે સારો હોય કે ખરાબ પણ આપણે તેને જ પકડી રાખીને પણ હાલના સમયનો આનંદ લઇ શકતા નથી. માટે આપણે વર્તમાન સમયને આનંદથી, ખુશીથી અને ઉમંગથી જીવન જીવવું જોઈએ.
