ભલે થજો ફેસબુકનું
ભલે થજો ફેસબુકનું
પંચાવન વરસના નીતાબહેન એકલા પડી ગયા. દિકરો- વહુ એમના સંસારમાં. નીલેશ તેમના બીઝનેસમાં વ્યસ્ત. ત્યાંજ એક સખીએ વોટ્સએપ અને ફેસબુકમાં ફરતા શીખવ્યું. ફેસબુકમાં સર્ચ કરી કરી સરસ સમય પસાર થતો. અને લો, એક જણની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી. ડરતા ડરતા સ્વીકારી. સમાન શોખની વાતો થવા લાગી. ધીરે ધીરે અંગત જીવનની તેમ જ મનો જગતની વાતો થવા લાગી.
અંતે એક દિવસ મળવાનુ નક્કી કર્યુ. વિશુદ્ધ મૈત્રી મનમાં રમી રહી. શહેરની એક હોટલમાં ટેબલ બુક કર્યુ. ઘણા સમય બાદ નીતાબહેન રૂટીનમાંથી બહાર આવ્યા. ખૂબ ખુશ હતા. નિયત સમયે ગયા. ટેબલ પર બેસેલ વ્યક્તિને જોઈ સડક.
"નીલેશ તમે ?"
"હા, નીપા. હું બીજો ફોન વાપરતો પણ તારા નંબર પરથી મને ખબર હતી. આપણે બંને સમાન શોખ ધરાવીએ છીએ. સમાન રીતે વિચારી શકીએ છીએ. ખબર ના પડી. એકબીજા સાથે શેર કરવાની કોશિશ જ ના કરી. મારી નીતા કેમ આટલું મારી સાથે ખૂલી ના શકી ?"
"ખરૂ કહું, તમારો ડર, અવગણનાનો ભય અને ઘરમાં તમારા રૂક્ષ વર્તને મને અંતર્મુખી બનાવી દીધી હતી. તમે કદાપિ લાગણી કે ભાવને વ્યક્ત ના કર્યા અને હું તમારાથી મનોમન દૂર સરતી ગઈ. ભલુ થજો ફેસબુકનું. અનાયાસે આપણે નિકટ આવ્યા."
