Shalini Thakkar

Others Children

4.5  

Shalini Thakkar

Others Children

ભીંજાઈ ગઈ

ભીંજાઈ ગઈ

4 mins
244


વિશાખાએ બારીની બહાર ડોકિયું કર્યું અને પોતાની દ્વિધાભરી દ્રષ્ટિ આકાશ તરફ નાંખી. ગઈકાલના ધોધમાર વરસાદ પછી આજે સવારથી જ આકાશમાં થોડો ઉઘાડ હતો. વરસાદ પડવાના કોઈ એંધાણ નહોતા લાગતા. પુત્રી રિયા બોલી, "મમ્મી ચાલ ને ટુ-વ્હીલર લઈને જતા રહીએ. ટ્રાફિકનેે કારણ ગાડીમાંં પહોંચતા વાર લાગશે". પુત્રી રિયા ને સ્કૂલમાં મુકવાની હતી. શહેરના ટ્રાફિકમાં ટુ વ્હીલર લઈને જવાનું વધારે સરળ હોવાથી વિશાખા ને રિયા ની વાત વ્યાજબી લાગી અનેે એણે સ્વીકારી લીધી. થોડી જ વારમાં એ જેવી ચાવી લઈને બહાર નીકળી કોણ જાણે ક્યાંથી, છુપાયેલા વાદળો વિશાખા સાથે સંતાકુકડી રમી રહ્યા હોય એમ એને જોઈને એકાએક ફરી 'થપ્પો' કરતા આકાશમાં આવી ચડ્યા. બદલાયેલું હવામાન જોઈને વિશાખા જાણે ભીંજાઈને વરસાદથી આઉટ થઈ જવાની હોય એમ ફરી ઘરમાં જઈને સંતાઈ ગઈ. હંમેશા ઘેરાયેલા વાદળો અને વરસતો વરસાદ જોઈને રોમાંચિત થઈ ઉઠતું વિશાખાનું મન હવે જવાબદારીનેે વશ થઈને ભૂતકાળ કરતા વિપરીત જ વિચારી રહ્યું,"અરે યાર ! આ તો ફરી વરસ્યો. આવા વાતાવરણમાં કેવી રીતે સમયસર સ્કૂલ પહોંચાશે ? રિયા ને સ્કૂલ મૂક્યા પછી ના દરેક પૂર્વનિશ્ચિત કાર્યોનો ઘટનાક્રમ એના યાંત્રિક મનમાં ચાલવા માંડ્યો. એના મગજમાંં ચાલી રહેલી ગડમથલથી જાણે એકદમ જ અલિપ્ત, એની સોળ વર્ષની પુત્રી રિયાનું મન જાણેેે આભમાં વરસી રહેલી કુદરતની મહેર જોઈને એમાં ભીંજાઈ જવા ઝૂમી ઉઠ્યું. મન મૂકીને વરસાદમાં ભીંજાઈ જવા તત્પર થયેલી રિયા બોલી,"મમ્મી ચાલને વરસાદમાં ભીંજાઈએ. આજેે સ્કૂલમાં છુટ્ટી". વરસાદ જોઈને આનંદથી તરબતર થયેલું એનું ઉત્સાહી મન બીજો કોઈ પ્રસ્તાવ મૂકે એ પહેલાં જ વિશાખા એ એના પર બ્રેક મારતા કહ્યું,"તને કંઈ ખબર પડે છે, આટલા ધોધમાર વરસાદમાં ભીંજાઈ ને બીમાર થઈ જઈશ તો ? અનેેે સ્કૂલમાં તો કંઈ રજા પડાતી હોય ? ચાલ, ગાડી કાઢી લઈએ એટલે તું સુરક્ષિત સમયસર સ્કૂલ પહોંચી જાય".

એક પછી એક નિયમિત રોજિંદા કાર્યો કરવાથી નિયંત્રિત થયેલું વિશાખાનું મન, એ વર્તુળથી બહાર કશું વિચારવા માટે સક્ષમ જ ન હોય, એમ એ તાડૂકીને બોલી. પોતાની માગણીનો અસ્વીકાર થતા રિયા રીસાયેલા સ્વરમાં બોલી, "શું મમ્મી, તું તો સાવ જ બોરિંગ છે". રિયાના મોઢામાંથી નીકળેલું એ વાક્ય,"તું તો સાવ જ બોરિંગ છે... "જાણે વિશાખાના હૃદયની આરપાર વીંધાઈ ગયું. આકાશમાંથી ધડાકા સાથે ચમકી રહેલી વીજળીના પ્રકાશમાં એનેે વીસ વર્ષ પહેલાનું ધૂંધળું થઈ ગયું દ્રશ્ય ફરી ચમકીનેેે સ્પષ્ટ દેખાવા માંડ્યું. વરસતા વરસાદમાં ઉછળતી કુદતી વિશાખાની નાની બહેન બોલી રહી હતી,"ચાલને વિશાખા વરસાદમાં ભિંજાઈએ". સાંભળીને મોઢા પર કેવી ચમક આવી ગઈ હતી. બંને બહેનો એ હાથ પકડીને ઘરની બહાર દોટ મૂકી હતી. પીઠ પાછળથી એક અવાજ આવ્યો હતો,"અરે ક્યાં જાવ છો વરસાદમાં ? માંદા પડશો તો ?" ઉનાળાની ધગધગતી ગરમી પછી આકાશમાંથી પડી રહેલા ઋતુના પહેલા વરસાદમાં ભીંજાવાનું આકાશ તરફથી આવેલું ભાવભીનું આમંત્રણ નકારવું, એ અલ્લડ અને બેફિકરા મન માટે અશક્ય હતું. પાછળ ફરીને જોયા વિના જ વિશાખાએ જવાબ આપ્યો હતો," તું પણ ચાલને મમ્મી, બહુ મજા આવશેે". અને મમ્મીની કેસેટ ફરી ચાલુુુ થઈ ગઈ હતી,"તમે બંને ગાન્ડા થઈ ગયા છો કે શું ? અરે, એક તો ભીના કપડાની કતાર લાગી છે ઘરમાં અને તમે એમાં વધારો કરો છો..... મમ્મી બોલતી જ રહી હતી પણ સાંભળે કોણ."મમ્મી તું તો સાવ જ બોરિંગ છે" કહીને બંને બહેનો વરસાદમાં ભીંજાવાનો ભરપૂર આનંદ લીધો હતો. આજે વીસ વર્ષ પછી ઈતિહાસ પુનરાવર્તિત થતું હોય એમ એનું જ બોલાયેલું આ વાક્ય જાણે કે બુમરેંગની જેમ ફરીને એની પાસે આવીને એના કાનમાં પડઘો પાડી રહ્યું. વિશાખા એ વાક્યને મનોમન સુધારીને બોલી,"મમ્મી આજે સમજાય છે કે તું બોરિંગ નથી, તુંં તો બેસ્ટ છે. અમારી જવાબદારીના કવચમાં કેદ તારું મન વરસતા વરસાદમાં પણ કોરુંં જ રહ્યું. તે કોરા રહી ને અમને ભીંજાવાનો આનંદ આપ્યો. તું કોરી રહી એટલે જ તો અમેે ભીંજાઈ શક્યા. અમને ના તો ભીના થઈ ગયેલા કપડા સૂકવવાની ચિંતા હતી કે ના તો ભીંજાયા પછી કોરા થઈને જ્યારેે ભૂખ લાગશે ત્યારે શું ખાઈશું એની ફિકર કે ના તો પછી તારી છત્રછાયામાં બીમાર થવાની બીક. ઉંમર સાથે પરિપકવ થયેલા વિશાખાના ચહેરા પર માના એ ગુસ્સામાં પણ પ્રેમ જ હતો એ સમજાતા મીઠું સ્મિત ફરકાવ્યું. એણે પુત્રી રિયા તરફ નજર કરી. રિયાના ચહેરા પર વીસ વર્ષ પહેલાંની વિશાખા ડોકિયું કરી રહી હતી. બદલાયેલા હવામાનની જેમ બદલાયેલા વિશાખાના ચહેરાના હાવભાવને સ્વીકૃતિ સમજીને રિયા બોલી,"તો પછી હું જાઉં ને મમ્મી, વરસાદમાં ભીંજાવા ? વિશાખાએ ડોક હલાવીને હામી ભરી. અને રિયાએ ઘરની બહાર દોટ મૂકી. વિશાખા બારીમાંથી પોતાની પુત્રી રિયા ને વરસાદમાંં ભીંજાઈને આનંદ કરતાં જોઈ રહી. આભમાંથી વસી રહેલા વરસાદની ઝરમર, પવનની ઠંડી લહેર સાથેે મળીને હળવેથી બારીમાં પ્રવેશી અને વિશાખાના ચહેરા ને ચૂમી રહી અનેે એના ઠંડા સ્પર્શથી, ભૂતકાળની મીઠી સ્મૃતિમાં ખોવાયેલું વિશાખાનું કોરું રહી ગયેલું મન ભીંજાઈને આનંદથી તરબતર થઈને ગયું !


Rate this content
Log in