ભેટ
ભેટ


એક સાંજે...
દિવ્યા અને સુધાકર તેમના એક દુરના સગા કિશોરના લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. ઓચિંતા કંઇક યાદ આવતા દિવ્યાએ પૂછ્યું, “સુધાકર, આપણે કિશોરને લગ્નમાં શી ભેટ આપીશું ?”
સુધાકરે બેફિકરાઈથી કહ્યું, “દિવ્યા, મારા જન્મદિવસે કૌશલ્યામાસીએ જે ડીનરસેટ મને ભેટમાં આપ્યો હતો આપણે તે જ ડીનરસેટ કિશોરને પધરાવી દઈશું.”
આ સાંભળી દિવ્યા હસી પડી, “તમે પણ ખરા છો ?”
સુધાકરે કહ્યું, “સબંધ આવી રીતે જ સચવાય વહાલી...”
*****
લગ્નના બીજા દિવસે...
કિશોર લગ્નમાં આવેલી ભેટસોગાદો તપાસતા બોલ્યો, “અરે ! સુધાકરે ભેટમાં ડીનર સેટ આપ્યો છે !”
કિશોરની નવોઢા શિલ્પાએ મોઢું બગાડ્યું, “હવે આનું શું કરીશું ?”
કિશોરે કંઈક વિચારીને કહ્યું, “અરે! ચિંતા કરીશ નહીં. થોડાક દિવસમાં જ મારા બોસ
દીનાનાથ રીટાયર થવાના છે, તો હું તેમને આ ડીનરસેટ પધરાવી દઈશ.”
શિલ્પાએ હસીને કહ્યું, “તમે પણ ખરા છો ?”
કિશોરે કહ્યું, “સબંધ આવી રીતે જ સચવાય વહાલી...”
*****
રીટાયરમેન્ટની એ સાંજે...
કિશોરના રીટાયર બોસ દીનાનાથ તેમને મળેલી ભેટસોગાદો જોતા જોતા ચોંક્યા, “અરે! આ ડીનરસેટ તો પહેલાં ક્યાંક જોયેલો લાગે છે ?”
“જોવા દો મને... અરે હા! આ તો આપણી લગ્નતિથિ નિમિતે કોઈએ ભેટ આપેલો ! એ આપણી પાસે પાછો કેવી રીતે આવ્યો ?” દીનાનાથની પત્ની કૌશલ્યાબેન બોલ્યા.
દીનાનાથ, “અરે! ચિંતા કરીશ નહીં. થોડાક દિવસમાં જ તારી બહેનપણીના દીકરા સુધાકરનો જન્મદિવસ આવી જ રહ્યો છે તું તેને આ ડીનરસેટ પધરાવી દેજે.”
કૌશલ્યાબેન હસીને બોલ્યા, “તમે પણ ખરા છો ?”
દીનાનાથે કહ્યું “સબંધ આવી રીતે જ સચવાય વહાલી.”