ભાઈ એ જ ભાઈ
ભાઈ એ જ ભાઈ


એક ગામમાં બે ભાઈઓ રહેતા હતાં. બંને ભાઈઓ ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતાં. કોઈકવાર અણસમજના કારણે નાના ભાઈએ મોટાભાઈ પર કોર્ટમાં કેસ કરી દીધો. બંને ભાઈઓ કોર્ટમાં જવા માટે એક જ ગાડીનો ઉપયોગ કરતા હતાં. બંને જોડે બેસીને કોર્ટમાં જતા હતાં. કોર્ટમાં જતા ત્યારે મોટોભાઈ નાનાભાઈને કહે કે ભલે આપણી વચ્ચે મતભેદ છે કે અણબનાવ છે. પણ મને તારા માટે મારા મનમાં કોઈ મનભેદ નથી. એટલે આપણે એક જ ગાડી માં જઈએ. એટલે ગામમાં લોકોને ખબર ન પડે કે આપણ વચ્ચે કંઈ અણબનાવ થયેલ છે. અને બંને ભાઈઓ બોલતા નથી.
નાનો ભાઈ કહે કે ભાઈ ભલે તમે કહો તેમ પણ કોર્ટમાં કેસ તો હું જીતી જઈશ. મોટોભાઈ કહે કે ભલે કોર્ટમાં કેસ તું જીતે પણ જ્યાં સુધી આપણે બંને ને કોર્ટમાં જવાનું છે. ત્યાં સુધી આપણ એક જ ગાડીમાં બેસીને જઈશું. બંને ભાઈ તૈયાર થઈ ગયા. અને બંને કોર્ટમાં જોડે જવા લાગ્યા.
એક દિવસની ઘટના બની જેના કારણે બધું જ બદલાય ગયું. નાનો ભાઈ કોર્ટની બહાર આવીને આમતેમ ચપ્પલ શોધે છે. પણ ચપ્પલ મળતા નથી. ત્યારે તેનો મોટોભાઈ આવીને પૂછે છે કે ભાઈ શું શોધે છે ? ત્યારે નાનાભાઈએ કહ્યું કે ભાઈ મારા ચપ્પલ મળતા નથી. આપણે અંદર ગયા ત્યારે હું મારા ચપ્પલ અહી જ કાઢીને ગયો હતો. પણ હવે તે મને મળતા નથી. ત્યારે મોટાભાઈએ કહ્યું કે ભાઈ તારા ચપ્પલ મેં છાયડામાં મૂક્યા છે. હું થોડા સમય પહેલા જ બહાર આવ્યો હતો. ત્યારે જોયું તો તારા ચપ્પલ પર તડકો પડતો હતો. એટલે મને થયું કે મારા ભાઈ ના પગ બળશે. એટલે મેં તારા ચપ્પલ છાયડામાં મૂકી દીધા છે.
ત્યારે નાનાભાઈએ કોર્ટના કેસના બધા જ કાગળ ફાળી નાખ્યા અને તે રડતો રડતો તેના ભાઈને ભેટી પડ્યો. અને કહે કે ભાઈ મને માફ કરી દે. ગામના લોકોના કહેવાથી તારા પર કોર્ટમાં કેસ કર્યો હતો. પણ ભાઈ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગના બળવાની ચિંતા કરતો હોય અને મારું કામ કરી દેતો હોય તે ભાઈ કોઈ દિવસ મારા વિશે ખરાબ વિચારી ના શકે અને ખરાબ બોલી પણ ના શકે.
દુનિયા ગમે તેમ બોલે પણ ભાઈએ ભાઈ હોય છે. પછી તે સગો ભાઈ હોય કે પિતરાઈ ભાઈ હોય. ભાઈ ભાઈ વચ્ચે કોઈ દિવસ અણબનાવ બને તો જોડે જઈને સમજવા કે સમજાવવા પ્રયત્ન કરવો પણ તેનાથી દૂર જવા માટે પ્રયત્ન ન કરવો. આપણે નજીક રહેવા પ્રયત્ન કરવો જોઈએ.