STORYMIRROR

Priyakant Bakshi

Others

2  

Priyakant Bakshi

Others

ભાભુ

ભાભુ

10 mins
14.7K


અંકુશે ભારતના નવા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનની ઘોષણા સાંભળી. તે વિચારમાં પડ્યો કે સૌ કોઈ જાણે છે કે સ્વચ્છતા જરૂરી છે પરંતૂ લોકો શું કરે છે, બીજાને ઉપદેશ આપવો અને સ્વયં નિષ્ક્રિય! શ્રી મોદીએ લોકોના આ સૂતેલા કર્તવ્યને જગાડવાની જે વાત કરી છે, તે પ્રશંસાને પાત્ર છે. એને થયું, સ્વચ્છતા અને શિક્ષણ વિષેની લાગણી અને કર્તવ્ય સ્વયંભૂ હોવા જોઈએ. જો માત્ર અંગુલીનિર્દેશ થકી સૌ આચરણ કરતા હોત તો આજે આવી ગંદકી અને અજ્ઞાનતાની નોબત જ ના આવતી. નાનપણથી જ જો બાળકોને એ બાજુ વાળ્યાં હોય તો તે અભિયાન સ્વયંભૂ બને છે.

અંકુશને અચાનક ભાભુની સ્મૃતિ તાદૃશ થઈ. આઝાદીના શરૂના વર્ષો હતાં. બચપણનું એ મુંબઈનું સબર્બ, આજે સ્વચ્છતાની વાત સાંભળતા એ સમય કડી બંધ યાદ આવે છે. ભાભુની સ્મૃતિના અંકોડા વગર એ કથની અધૂરી રહે. એ ત્રણ-ચાર ચાલીઓમાં વસતાં મધ્યમ વર્ગીય કુટુંબ જાણે એક ડાળના પંખી ન હોય! સૌના વડીલ એટલે ભાભુ. દર રવિવારે સૌ છોકરા-છોકરીઓ સવારે બે હારમાં ગોઠવાઈ જાય. ભાભુ દરેકનું સૂક્ષ્મતાથી પરીક્ષણ કરે. કોઈને કહેશે, 'કેમ વાળ બરાબર વ્યવસ્થિત નથી?' કોઈને કહેશે, 'કેમ નખ વધાર્યા છે?' કોઈને કહેશે, એ બેલા, આમ છુટા વાળ ન રખાય. ગૂંચ થાય અને વ્યવસ્થિત પણ ના લાગે.’ તો કોઈને કહેશે,'મંથર, ખમીશ ભલે થોડું ફાટી ગયું હોય પણ દોરાથી સીવવું જોઈએ એટલે વધારે ફાટે નહિ તથા સારુ પણ લાગે. આજનો સવારનો કાર્યક્રમ પૂરો થાય બાદ બીજું ખમીશ પહેરજે અને આ ખમીશ મને આપી જજે. હું સીવી આપીશ.’ જીભ, દાંત, આંખ અને કાન પણ તપાસે. આમ બરાબર નિરીક્ષણ બાદ સૌથી સ્વચ્છ છોકરા અને છોકરીનું નામ જાહેર કરે. પછી કહે, 'જુઓ, હવે આપણે સૌ ભેગાં મળીને કૂવા પાસે અને ચોગાન તેમ જ ચાલીની પાછળ સાફસૂફીમાં લાગી જઈએ.' એ વખતે ચાલીના બધા સ્ત્રી-પુરુષો સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ-કચરાની ટોપલીઓ સાથે જોડાતાં. ભાભુનું નામ તો કંચનબા પણ સૌ ભાભુ તરીકે જ ઓળખે. એમના પરિવારમાં એમના પતિ કરસન બાપા તથા બે પુત્રો અને એક પુત્રી. બે દિયર અને તેમની પત્નીઓ. બન્નેને ત્યાં એક-એક પુત્ર. ઘર ભર્યું-ભર્યું. મહેમાનોની અવરજવર સારી રહે. બાપાનો સ્વભાવ સારો પરંતુ ઓછું બોલે.

ભાભુ રોજ સવારે ચાર વાગે ઊઠે. નરસિંહ મહેતાના પ્રભાતિયાં સરસ રાગે ગાતા જાયને કૂવેથી પાણી ભરે. અંકુશના સ્મરણપટ પર હજીએ ગુંજે છેઃ 'એ ય..જાગને જાદવા'.

પુરુષ વર્ગનો ધંધાનો તથા છોકરાંઓનો શાળા વગેરેનો સમય બરાબર સચવાય અને ભાભુ અગિયારેક વાગે ઘરના કામથી પરવારે. જે કોઈ વારતહેવાર આવતા હોય, તેની વાર્તાઓનો ખજાનો ભાભુ પાસે હોય. રામ નવમી, હોળી, જન્માષ્ટમી, શીતલા સાતમ, વટસાવિત્રી. રક્ષાબંધન, વીર પસલી, નવરાત્રીના માતાજી-શક્તિ પૂજાની વિવિધતા એમના સિવાય બીજા પાસે ન મળે. દિવાળીના દરેક દિવસનું મહાત્મય જેમાં વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવું વર્ષ કે ભાઈ બીજઃ ભાભુ ચાલીના સૌને પ્રસંગ પ્રમાણે માંડીને વાત કરે. અધિક માસમાં પુરુષોત્તમ માસનું વ્રત બેનોને કરાવે અને તેની વાર્તાઓ પણ કરે. વાતાવરણ ધાર્મિક અને પવિત્ર બની જાય.

ભાભુનું એક ઉપનામ વૈદરાજ હતું. કોઈની સૂવા ફેરમાં ડોક રહી ગઈ હોય અને ભાભુ પાસે રાવ કરે. ભાભુ વીક્સની બાટલીમાંથીવીક્સ કાઢે, ડોક દુઃખતી હોય ત્યાં લગાડે અને વાત કરતા જાયને બે હાથથી ડોકને આમતેમ ઘૂમવે. જેની ડોક રહી ગઈ હોય તે જરા દર્દનો માર્યો બૂમ મારી દે પણ પછી તદ્દન આરામ. કોઈની પેચોટી છૂટી ગઈ હોય અને વારંવાર હાજતે જવું પડે. પેટમાં દર્દ બહુ થાય. ભાભુ તેની દૂંટીની આજુબાજુ હિંગનો લેપ કરે. એના પગના અંગુઠાને પોતાના હાથની આંગળીઓથી કોઈ નસને દબાવે. પછી થોડીવાર આરામથી સૂઈ જવા કહે. ખરેખર દર્દ નાબૂદ! કોઈને જીવ-જંતુ કરડી ગયું હોય, ભાભુ હલદર-મીઠુ પાણીમાં ગરમ કરીને એ ભાગ પર લગાવી દે. જંતુનું ઝેર ઊતરી જાય. પ્રસૂતા સ્ત્રીને ધાવણ આવતું ના હોય તો એનો ઈલાજ ભાભુ પાસે હોય. મેથી ફાકવાનું કહે. ભાભુની ખરી કામિયાબી કમળા પર. કમળો થયો હોય તેને વહેલી સવારે બોલાવે. કંઈક મંત્ર બબડે અને રીલમાંથી કાઢેલ, સોયમાં ભેરવેલ દોરાને દર્દીની આંખોએ આમતેમ ફેરવે. કહે છે કે સફેદ દોરો પીળો થઈ જાય! પછી કડવા લીમડાના પાનથી દર્દીને હળવે-હળવે ઝાપટ જેવું કરે. દર્દીને સલાહ આપે કે ચણા ખાવાના, ગંડેરી ચાવવાની, તીખું, તળેલું બિલકુલ બંધ. વગેરે-વગેરે. દૂર-દૂરથી લોકો કમળાની માવજત કરાવવા ભાભુ પાસે આવતાં.

અમે બાળકો માટે ભાભુનું પ્રદાન અવિસ્મરણીય રહેશે. ઘણીવાર રાતે ચાલીમાં સૌ બાળકોને ભેગાં કરીને ભાભુ અમને સોરઠની શૌરકથાઓ કરતાં. અમને પલાખાં પણ પૂછે. અમને સૌને ત્રીસા સુધીના આંક મોં એ કરાવેલ. જૂના તોલ માપ ચાલતાં. એ કોષ્ટક હજીએ મને યાદ છે. ઉદાહરણ તરીકેઃ ૩ પાઈ= ૧ પૈસો, ૪ પૈસા=૧ આનો, ૧૬ આના= ૧ રૂપિયો. ૧૨ ઈંચ = ૧ફૂટ, ૩ફૂટ= ૧ વાર, ૧૭૬૦ વાર = ૧ માઈલ. (૧ ફર્લાંગ= ૬૬૦ ફૂટ, ૮ ફર્લાંગ = ૧ માઈલ.) ૩ રતી= ૧ વાલ, ૩૨ વાલ = ૧ તોલો. ૪ છટાંક = ૧ પાશેર, ૪ પાશેર = ૧ શેર, ૪૦ શેર = ૧ મણ. ૨૪ કાગળ= ૧ ઘા, ૨૦ ઘા= ૧ રીમ.( ૪૮૦કાગળ =૧ રીમ.) ૧૨ નંગ= ૧ ડઝન, ૧૨ ડઝન= ૧ ગ્રોસ (૧૪૪ નંગ = ૧ ગ્રોસ). ગણિતના કોયડા સરળ કરવા અમને કહે, ' જુઓ, યાદ રાખજો, જેટલા રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર. જેમકે જે વસ્તુ ૧૦રૂપિયે મણ હોય તો તે ૧૦ આનાની અઢી શેર થાય.’

ધીરે-ધીરે ચાલીમાંથી કેટલાક લોકો પોતાની સગવડ પ્રમાણે બીજે રહેવા ગયાં. '૬૦ની આસપાસનો સમય હશે. શિશુ હતા તેઓ યુવાનીમાં પ્રવેશ્યાં. કેટલાકના લગ્ન લેવાયાં. જગ્યાના અભાવને લીધે સ્થળાંતર થવા લાગ્યું. ભાભુના ત્રણે સંતાનોના લગ્ન થઈ ગયાં. બન્ને દિયર તેમના કુટુંબ સાથે બીજે રહેવા ગયા. પહેલાના જેવો માહોલ ના રહ્યો. લોકોનો આધુનિક દવાદારુમાં અને ડૉક્ટરમાં વિશ્વાસ વધતો ગયો. ભાભુનો જુસ્સો પણ કરસનબાપાના મૃત્યુ બાદ કરમાવા લાગ્યો. ચાલીની સામુહિક અઠવાડિક સાફસફાઈ ભૂતકાળની બીના બની ગઈ. ભાભુનો મોટો દીકરો, તેની વહુની કાન ભંભેરણીથી જુદો ગયો. બાપાએ વિકસાવેલ ધંધો પડી ભાંગ્યો.

અંકુશ અમેરિકામાં સ્થિર થયો.

અંકુશનો સંપર્ક અજમલ મારવાડી સાથે હજી અકબંધ હતો. બાલ લંગોટિયા દોસ્ત. એ બધી વાત ફોન પર જણાવતો. ભાભુની સાથે રહેતી દીકરાની વહુનો ભાભુ પ્રત્યે વહેવાર સારો ન હતો. ભાભુની ખાનદાની એવી કે કોઈ કરતા કોઈને આ અંગે વહુનું ખરાબ ન બોલે. વહુ એને ભાભુની નબળાઈ માની, વધારેને વધારે કષ્ટ આપે. ચાલીના મોટા બેનો સમજાવવા જાય તો વહુ વધારે વીફરે. સીધુ કહી દે, 'બીજાના ઘર ભાંગવાનું રહેવા દો.' ભૂખ્યા કે અધભૂખ્યા ભાભુને કોઈ ખવડાવે અને વહુને જાણ થાય તો ભાભુની સાથે ખવડાવનારનુ આવી બને. ભાભુ એક દિવસ વહેલી સવારે ચાલીના દાદરાના ઉપરના પગથિયેથી નીચે ગબડી ગયાં અને માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું તેમજ શરીરે મૂઢ માર વાગ્યો હતો. ડૉક્ટરે સારા એવાં ટાંકા માર્યા હતા. હવે ભાભુને બહુ નબળાઈ વરતાય છે. ડગુમગુ ચાલ થઈ ગઈ છે.અજમલે એકવાર અંકુશને જણાવ્યું, 'અંકુશ, આપણી ચાલીની જગાએ ટાવર થયા છે. મોટા ભાગના ભાડવાત રોકડા કરીને બીજે જતાં રહ્યાં છે. ભાભુનો દીકરો ભાભુની સાથે એના કુટુંબ સાથે બીજે રહેવા ગયો છે. જૂની ચાલીના મારા ઉપરાંત બે-ત્રણ ભાડવાત ટાવરમાં રહીએ છીએ. બાકી બધા નવા છે.’

અંકુશને થયું, ભાભુની ભાળ કોઈપણ રીતે કાઢવી રહી. વેકેશનમાં ભારત જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. અજમલને જણાવ્યું કે પોતે અમુક તારીખે ભારત તેના ઘરે આવે છે. ભારત આવ્યા બાદ અંકુશ અને અજમલે ભાભુ માટે તપાસ આદરી. થોડી ઘણી માહિતી મળી. ભાભુ સાથે રહેતો દીકરો ચાલી છોડીને મીરા રોડ રહેવા આવ્યો હતો. ભાભુ હવે આ દુનિયામાં નથી રહ્યાં. એમની દીકરીનો દીકરો ધંધામાં સારું કમાયો હતો અને કેમિકલ બજારમાં કાઠું કાઢ્યું હતું. સખાવત પણ સારી કરતો હતો. ભાભુના નામે ગિર પંથકમાં ગળિયા ગામે એક શાળા સ્થાપી છે. ભાભુનું પિયરનું એ ગામ, જ્યાં ભાભુ મોટા થયાં. ભાભુના આ દોહિત્રે બન્ને મામાઓને શાળાના ટ્રસ્ટી તરીકે નીમ્યા. એ સમયે આઝાદીની ચળવળ સાથે ગાંધીબાપુની હાકલથી સમાજોધ્ધારની ક્રાંતિ આવી હતી. કન્યા શિક્ષણનો પવન આ નાના નેસડામાં વાઈ ચૂક્યો હતો. ભાભુએ શાળાનું શિક્ષણ લીધું. એમના પિતા ગોરધનબાપાનો કરિયાણાનો ધંધો અને દેશી ઓસડોની જાણકારી. એવા ઓસડો પણ રાખે. માલધારીને બીજી વરણના લોકોની સેવા ભાવનાથી સારવાર કરે. ભાભુએ એમની પાસેથી બચપણમાં ભણવાની સાથે આ બધું આત્મસાત કર્યું.

ધંધા અંગે વિમાનમાં મુંબઈથી દિલ્હી જતા અકસ્માત થયો. એમાં ભાભુના આ દોહિત્રનું ભરજવાનીએ મોત થયું. અંકુશે અજમલને કહ્યું, ' અજમલ, ચાલ આપણે ગિર પંથકના એ ગળિયા ગામે જઈ આવીએ.' અજમલે સંમતિ દર્શાવી.

તેઓ ગળિયા આવ્યા. આ નેસડો ગિર જંગલમાં સાવજને સાવ જ નજીકથી જોવાનું સ્થાનક જ હોય તેમ શહેર તથા જંગલના રસ્તે મોકાનું સ્થાન હતું. તેથી તો અહીં પર્યટકો માટે એક હોટેલ થઈ છે. હોટેલનું નામ પણ 'સાવજ દ્વાર' આપેલ. શહેરની હોટેલની બરાબરીમાં ન આવે. થોડાક નાના-નાના ઓરડા. ભપકા જેવું ના દીસે. જંગલમાં આ સગવડ પણ ઘણી કહેવાય.

અંકુશ, 'એ પછી ની વાત છે. અમને આ ગામ વિષે અને અહીંના લોકો વિષે સારી માહિતી કોણ આપી શકશે?' મેનેજર,'આવો સાહેબ, જગાની વ્યવસ્થા થઈ જશે. ક્યારે સિંહને જોવા જવું છે? એ મુજબ વ્યવસ્થા કરી આપીશું.' અંકુશ, 'એ પછીની વાત છે. અમને આ ગામ વિષે અને અહીંના લોકો વિષે સારી માહિતી કોણ આપી શકશે?' મેનેજર,' જુઓ, મારું નામ વળાવિયો છે. આ પંથકના જનાવરથી માંડીને ઝાડ-પાનની બધી માહિતી મને છે. બધાને રસ્તો ચીંધતા-ચીંધતા મારું નામ જ વળાવિયો પડી ગયું છે. કહો, શી માહિતી જોઈએ છે?'
અંકુશ, 'અહીં ગોરધનબાપાની કરિયાણાની દુકાન છે કે?' વળાવિયો, 'ગોરધનબાપા તો મારી બે પેઢીએ થઈ ગયા. હવે ન્યાં બાપા એ નથી ને દુકાને નથી. બાપાને એક દીકરો, કેશવ અને એક દીકરી, કંચનબા હતાં. આઝાદીના ટાણે દીકરો અમદાવાદ કે કોઈ શહેરમાં હાલ્યો ગયો. કહે છે કે દીકરીના લગ્ન પછી તેના સાસરીના લોકો મુંબઈ હાલ્યા ગયા હતાં. કંચનબા ભારે હુશિયાર. બાપાનું બધું વૈદું ઈમને આવડે. ગાંધીબાપુના વાદે ભણી એખરી. અમારે ત્યાં દીકરીઓ ભણે નહિ. '

અંકુશ અને અજમલને લાગ્યું કે તેઓ ચોક્કસ સ્થળે આવી ગયા છે. અંકુશ, 'ભાઈ, બીજી કોઈ વિશેષ માહિતી?' વળાવિયો, ' ઈ આ તમે ઊભા છોને , ઈ હોટેલ તો થોડા વરહ પહેલા થઈ. મુંબઈથી કેટલાક શેઠિયા આવ્યા હતા અને ઈમની વચ્ચે કાંઈક કાગજ-પતર થયાં. ઈની મોર અહીં નિશાળ હતી. કહે છે કે કંચનબાની દીકરીના દીકરાએ આઈ 'શ્રીમતી કંનચબા આદર્શ વિદ્યાલય' ઈ નામે નિશાળ બનાવી હતી. નિશાળ સારી ચાલતી હતી. આ પંથકના આજુ બાજુના ગામોથી છોકરા-છોકરીઓ ભણવા આવતાં. હોટેલ કેમ બની અને નિશાળ બંધ થઈ, ઈ માટે તમારે મારા બાપાને મળવું પડશે. ઈમને ધણી ખબર છે.' અંકુશ, ' વળાવિયાભાઈ, જો તમને ફુરસદ હોય તો તમારા પિતાશ્રીની મુલાકાત કરાવશો. તમારો ખૂબ-ખૂબ આભાર.' વળાવિયો, ' જરૂર, જરૂર. બાપા ઘરે જ હશે. ઉંમરને લીધે હવે બહાર ઓછું જાય છે. હું જરા અહીંના કામની માણસને સોંપણી કરીને આવું છું. એટલીવાર આ બાજુએ બેસો. ચા મોકલું છું.'

થોડા સમયબાદ વળાવિયો અંકુશ અને અજમલને એના ઘરે દોરી ગયો. બન્ને એ બાપાને રામ રામ કર્યા. વળાવિયો કહે, ' અદા, શે'રથી મેમાન આવે છે. એમને કંચનબા નિશાળનું કંઈક જાણવું છે.' અદા, 'બેહો, શું જાણવું છે?' અંકુશ, 'આ નિશાળમાંથી હવે હોટેલ કેવી રીતે થઈ ગઈ?' અદા. 'ઈ બહુ લાંબી વાત છે. થોડામાં ઝાઝું કહું. ગોરધનબાપાની છોડી, કંસનબાના ભાણાએ (દોહિત્ર) માના નામે નિશાળ બનાવી અને અહીં રહેતા સંધાય મોભીને એકઠા કર્યા. કહે કે વડીલો, મને એક વાત કે'જો, કંસનબા ભણ્યા ઈ સારું લાગ્યું કે નહીં? ગાંધીબાપુ કહી ગયા છે કે વિદ્યા હશે તો સુખ શાંતિ આવશે. સાચી વાત કે નહીં? આ નિશાળ બનશે એટલે અહીંના ગામોથી સૌ છોકરા-છોકરીઓને ભણવા મોકલજો. કંસનબા હવે આ દુનિયામાં નથી પણ એનો આત્મા બહુ ખુશ થાહે.'

'સંધાએ હા કરી. નિશાળ મજાની ચાલતી હતી. અહીંના પંથકના ઠીક ઠીક ગામથી છોડા-છોડી આવતાં. થોડા વરહ ગયાને કંસનબાના બે દીકરા અને કોઈક શેઠિયા આહીં આવ્યા. ગામના મોભીને દીકરાઓ કે' હિતુભાઈ (ભાણાભાઈ) અકસ્માતમાં ખપી ગયા છે. નિશાળ હલાવવા અમારી પાસે પૈહા નથી. તમે આ બોજો ઊઠાવી શકશો? તો નિશાળ રાખીએ, નહિ તો બંધ કરવી પડશે. અહીં કોઈ પાહે એટલા પૈહા ન મળે. પેલા શેઠિયાને જગા વેચી દીધી. તેઓએ હોટેલ કરી. પણ ખરું કારણ એ હતું કે એમને પૈહાનો લોભ લાગ્યો હતો. સરકારે સાવજ જોવા દૂર-દૂરથી શે'રના લોકોને બોલાવ્યા. એ આવન-જાવનને લીધે કમાણી ખૂબ છે. હોટેલને લીધે તેઓની કમાણી સારી છે.’ અંકુશ,' અદા, માહિતી માટે તમારો ખૂબ-ખૂબ આભાર. અમે બનશે એટલી કોશિશ કરીને આ નિશાળ શરૂ થાય એવો પ્રયત્ન કરીશું.’ ‘વળાવિયાભાઈ, હોટેલના શેઠનું નામ અને સરનામુ આપશો?'

વળાવિયો, 'જીવનભાઈ અને કિશોરભાઈ, જાતે બે દિવસ પછી અહીં આવે છે.' તેઓ હોટેલમાં રોકાયા અને તે દરમિયાન સિંહને જોવાનો કાર્યક્રમ પણ થઈ ગયો. અંકુશ અને અજમલે આજુ બાજુના પ્રદેશનું ઊંડાણથી નિરીક્ષણ કર્યું.

હોટેલના માલિકની મુલાકાત થઈ. અંકુશ, ' જુઓ, જીવનભાઈ અને કિશોરભાઈ, આ હોટેલની પહેલા સ્કૂલ હતી. આ પંથકમાં નજીકમાં એકેય સ્કૂલ નથી. તેથી સ્કૂલ બંધ થતાં હવે અહિના બાળકોએ ભણવાનું મૂકી દીધું છે. ધંધામાં માત્ર નફાનો વિચાર ન કરાય પરન્તુ ઉપરવાળો જે હિસાબ કરે છે તેની તરફ ધ્યાન દોરું છું. બાળકોના શિક્ષણના પુણ્યના કામ આગળ પર્યટકોની
આવનજાવનથી પૈસો કમાઓ છો તે કેટલું લેખે લાગે છે? જરા વિચારી જુઓ. '

જીવનભાઈ, 'સ્કૂલ માટે તમને આટલી લાગણીનું કંઈ કારણ? એ કંચનબા તમારા શું થાય? આ તો સહજ રીતે પૂછું છું.'

અંકુશ, 'કંચનબા ને અમારે કોઈ લોહીનો સંબંધ નથી. પરન્તુ એ અમારા સૌના ભાભુ છે.' અંકુશ અને અજમલે મુંબઈની એ ચાલીની તથા ભાભુના કાર્યનું ટૂંકમાં બયાન કર્યું. અંકુશે આગળ ચલાવ્યું, 'જુઓ, અમે અહીંથી દક્ષિણમાં લગભગ દોઢેક કી. મિ. દૂર શહેરને અને પર્યટકની ઑફિસને જોડતો રસ્તો જોયો છે. ત્યાં જો હોટેલ કરવામાં આવે તો પર્યટકને વધારે સુગમતા રહેશે. સિંહ જોવા માટે એમને એ ઑફિસે જવું પડે. અહીં કરતા ઓછું અંતર થાય. એ જમીન મીનાભાઈની છે અને પૂછતાછ કરતા, તેઓ હોટેલ માટે જગા એ શરતે વેચવા તૈયાર છે કે અહીં નિશાળ ફરીથી શરૂ થાય. આ લો, ચેક. હોટેલની કિંમત તમે ભરજો.’

જીવનભાઈ અને કિશોરભાઈને અંકુશની વાતથી મન પર ઉત્તમ છાપ પડી. ભાભુના દીકરાઓનો સ્વાર્થ અને જેને લોહીનો સંબંધ નથી તેનો ભાભુ માટે પ્રેમ! આ માણસની ભાભુ માટેની લાગણી માટે શિર ઝૂકી જાય છે. બન્ને જણાએ કંઈક મસલત કરી. જીવનભાઈ,‘'જુઓ,અંકુશભાઈ અને અજમલભાઈ, અમારે હોટેલ પેટે પૈસા નથી જોઈતા. અમે દસ્તાવેજ પર સહી કરી આપીએ છીએ કે અહીં નિશાળ હતી, તે નિશાળ રહેશે. એના ટ્રસ્ટી તરીકે તમને બન્નેને ગોઠવીએ છીએ.’અંકુશ, 'ના, મને ટ્રસ્ટી તરીકે ના નીમો. હું અમેરિકા રહું છું. મારાથી એની દેખરેખ તરત ના થઈ શકે. એની જગાએ તમે, જીવનભાઈ, કિશોરભાઈ અને અજમલ ટ્રસ્ટી તરીકે રહો એ યોગ્ય છે. નિશાળનો વિકાસ અટકે નહીં તે માટે એ ભંડોળમાં મારા તરફથી રૂ.અગિયાર લાખ અગિયાર હજારને એકસો અગિયારનો
આ ચેક આપું છું.'

થોડા સમય બાદ નવી નિશાળ બની ગઈ. એના ઉદ્ઘાટન પ્રસંગે, જીવનભાઇ અને કિશોરભાઈના આમંત્રણને માન આપીને અંકુશ અમેરિકાથી ભારત આવ્યો. અંકુશે નમ્રતાથી ઉદ્ઘાટન વિધિ પોતાને હસ્તક કરવાની ના કહી. આ ઉદ્ઘાટનની વિધિ ગળિયાના એક વયોવૃધ્ધ વડીલ પાસે કરાવી. સૌએ નિશાળના પ્રાંગણમાં સ્થાપિત ભાભુની મૂર્તિને ફૂલહાર કરી, નમન કર્યાં.


Rate this content
Log in