બે દેડકા
બે દેડકા
એકવાર દૂધ ભરેલા વાડકામાં બે દેડકા પડ્યા. દૂધનો વાડકો ખૂબ ઊંડો અને લીસો હોવાથી દેડકાઓ તે વાડકામાંથી બહાર નીકળી શકતા નહોતા. બન્ને દેડકા વાડકાની લીસી સપાટી પર ચડવાની કોશિશ કરવા જતા નીચે લપસી પડતા.
આખરે થાકીને પહેલો દેડકો બીજા દેડકાને બોલ્યો, “ભાઈ, હું તો પ્રયત્ન કરી કરીને થાકી ગયો છું. હવે મને નથી લાગતું કે હું બચી શકીશ. કદાચ આપણો સાથ અહીં સુધી જ હતો.” આમ બોલી પહેલા દેડકાએ પ્રત્યન કરવાનો છોડી દીધો. હવે તેણે પોતાના પગ હલાવવાના બંધ કરી દીધા હોવાના કારણે તે એ વાડકાના દૂધમાં ડૂબીને મરી ગયો.
બીજો દેડકો પણ ખૂબ થાકી ગયો હતો પરંતુ તેને જીવવું હતું. વાડકામાંથી બહાર નીકળવાનો પ્રત્યન તેણે છોડ્યો નહીં અને સતત પોતાના પગને હલાવતો રહ્યો. હવે બન્યું એવું કે સતત પગ હલાવવાને કારણે વાડકામાનું દૂધ વલોવવા લાગ્યું. થોડીવારમાં જ એ વાડકાનું દૂધ વલોવવાને કારણે ઘટ્ટ મલાઈ જામવા લાગી. જયારે બીજા દેડકાએ આ જોયું ત્યારે તે ખૂબ ખુશ થયો. ઝડપથી તે જામેલી મલાઈના ઘટ્ટ સ્તર પર ચડ્યો અને એક લાંબી છલાંગ લગાવીને વાડકામાંથી બહાર નીકળી ગયો.
આમ, છેવટ સુધી પ્રયત્ન ન છોડનાર એ દેડકો આખરે બચી ગયો.
(સમાપ્ત)