STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

બે અજાણ્યા

બે અજાણ્યા

8 mins
29.3K


સમુદ્ર કિનારે રવિવારની સાંજે રેતીમાં હાથ ફેરવી રહેલ વિધિનો ચહેરો તદ્દન ઉદાસ ભાસી રહ્યો હતો. ચહેરાની ઉદાસીનતા હોઠો પર રમી રહેલ ગીતમાં નીતરી રહી હતી.

"છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસીબ નહીં આદમી કે લિયે; પ્યાર સે ભી જરૂરી કઈં કામ હે, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિયે.."

હવામાં લહેરાતા એ ગીતને જાણે ઉત્તર મળ્યો હોય એમ પ્રત્યાઘાતરૂપી એક અન્ય ગીત એના કાનમાં આવી સ્પર્શ્યું :

"એક પ્યાર કા નગ્મા હે,  મોજો કી રવાની હે,  જિદગી ઓર કુછ ભી નહીં ; તેરી મેરી કહાની હે.."  એ અજાણ્યા અવાજની દિશામાં એની અર્ધી ચીઢ ને અર્ધા ક્રોધવાળી દ્રષ્ટિ ફરી. ત્રીસેક વર્ષ ના એ અજાણ્યા પુરુષને એ ધમકાવતી આંખો એ પૂછી રહી :

"આ ગીત મારા માટે હતું?"

વ્યંગયુક્ત હાસ્ય સાથે પુરુષનો જવાબ પરત થયો:"ગીત તો સ્વગત આનંદ માટે હતું પણ જો આપને ગમ્યું હોય તો ખુશીથી રાખી શકો.."

છણકો કરતી વિધિએ પોતાનો ચ્હેરો અન્ય દિશામાં ફેરવ્યો:"અજાણ્યા લોકો જોડે વાત કરવાનો મને કોઈ શોખ નથી!"

"પણ મેડમ વાત તો આપે જ શરુ કરી!" અને ફરી પાછું એક વ્યંગ હાસ્ય વાતાવરણમાં ગુંજ્યું.

"ઓલ મેન આર સેમ" એ અજાણ્યા પુરુષ તરફ જોયા વિના જ એ અકળામણ ઠાલવી રહી.

"સો ડુ વિમેન.." હાર માન્યા વિના જ પુરુષનો પરત જવાબ આવ્યો. વિધિ ગુસ્સાથી લાલ પીળી ફરીથી એ દિશા માં ફરી.

"તમને પુરુષો ને પોતાની ભૂલ સ્વીકારતા ના જ આવડે.."

"ને સ્ત્રીઓને એક નાની વાતને મોટું સ્વરૂપ આપતા ખૂબ આવડે.."

"જુઓ મિસ્ટર આમ મેરિડ. તમને ફ્લર્ટ જ કરવું હોય તો અન્ય સ્થળે જઈ પ્રયાસ કરો.." કહેતા પોતાની બંને સેન્ડલ  હાથમાં પકડતી એ રેતી ઉપર પગલાં માંડી રહી.

"અરે વાહ, સ્ત્રીની વાત વાર્તાલાપ ને પુરુષની વાત ફ્લર્ટ?" કહેતા એ અજાણ્યા પુરુષે પણ  પોતાની બંને મોજડી હાથ માં લઈ એની પાછળ પગલાં માંડ્યાં. "ફોર યોર ઇન્ફોર્મેશન આમ મેરિડ ટુ.."

થોડા પગલાંઓ ભરી સમુદ્ર કિનારાની સીમા ઉપરની પાળી ઉપર ગોઠવાતા વિધિ કટાક્ષમાં હસી. "ટીપીકલ મેરિડ મેન? પત્ની ને છોડી આમ અજાણી સ્ત્રી જોડે ચર્ચામાં વ્યસ્ત.."

"જુઓ મેડમ હું મારી પત્નીને ખુબજ પ્રેમ કરું છું." પાળી ઉપર એની પડખે ગોઠવાતો એ અજાણ્યો સ્પષ્ટ કરી રહ્યો.

વિધિનું હાસ્ય વ્યંગમાં રંગાઈ રહ્યું. "પ્રેમ? લગ્ન પછી તો પુરુષો બદલાય જ જાયને એમનો પ્રેમ પણ.."

"ઓહ, હવે સમજાયું. આ આક્રમણ સ્થળાન્તરનું મૂળ..એક પુરુષના વર્તન ઉપરથી સમગ્ર પુરુષજાતિ પર આક્ષેપો.."

"વિશ્વનો દરેક પુરુષ સ્ત્રીને લગ્ન પહેલા જેટલો પણ પ્રેમ કરવાના દાવા કરે પણ લગ્ન પછી પેલી કહાવત છે ને 'ઘર કી મુર્ગી દાલ બરાબર' જ થઈ જાય.." વિધિનો નિસાસો એના અનુભવ નો પડઘો પાડી રહ્યો.

"તો શું લગ્ન પછી સ્ત્રીઓ નથી બદલાતી? એમના સ્વાભાવમાં પરિવર્તન નથી આવતો? લગ્ન પહેલાની ધીરજ ને સહનશક્તિ અચાનકજ લગ્ન પછી ખૂટવા શા માટે લાગે છે? "અજાણ્યા પુરુષના શબ્દોં પણ  જાણે એનાં વ્યક્તિગત અનુભવને વાચા આપવા લાગ્યા.

"લગ્ન પછી સ્ત્રીનું આખું જીવન બદલાઈ જાય.. નવું ઘર, નવું વાતાવરણ, નવા જીવન ધોરણો.. કદાચ એ નવા ફેરફારોમાં બંધબેસતા કેટલાક મનોવૈજ્ઞાનિક ચઢાવ ઉતાર એમાં કારણરૂપ હોય શકે... પણ પુરૂષોના વલણમાં આવતા ફેરફારો પાછળ ક્યુ કારણ?"

"મૅડમ શું અમે પુરુષો માનવીઓ નહીં? નવા જીવન, નવા સંબંધથી શું અમારી માનસિકતા ઉપર અસર ન થાય? લગ્ન પહેલા અને પછી બદલાયેલી જવાબદારીઓનું આવી પડતું સંતુલનનું 'ચેલેન્જ' કદાચ અમારા બદલાવનું કારણ હોઈ શકે."

"હું એક આધુનિક સમયની સ્ત્રી છું. ઘર અને કારકિર્દી બંને વચ્ચે સંતુલન સાધવા પ્રયત્નશીલ રહું છું. ઓફિસના કાર્યોનો થાકને તણાવ મને પણ હોય છે. પણ જયારે ઘરમાં પ્રવેશું ત્યારે ઓફિસનો તણાવ થાક ઘરની બહાર છોડી આવું છું. પણ તમે પુરુષો ઓફીસીઅલ લાઈફ ને પર્સનલ લાઈફને જુદા નથી રાખી શકતા!"

"આ વાત સાથે હું તદ્દન સહમત છું. આ બાબતમાં સ્ત્રીઓ વધુ પરિપક્વતા દાખવે છે. પણ પછી ક્યારેક નજીવી બાબતોમાં એવી અધીરાઈ ને અસહનશીલતા દર્શાવે કે મૂંઝવણમાં મૂકાય જવાય. ખરેખર સ્ત્રીઓને કોઈ સમજી જ ન શકે!

"પુરુષો શું ક્યારેક અમે જ અમારા વર્તનથી મૂંઝાઈ જઈએ અને એની પાછળ નું કારણ સ્ત્રીનું હોર્મોન્સ સિસ્ટમ. શરીરના એ જટિલ રક્તસ્ત્રાવો અને એને આધારે સ્ત્રીઓ ને અનુભવાતા 'મૂડસ્વિંગ્સ' એટલે કે શરીરની રક્ત ભ્રમણ પ્રક્રિયાની ક્રિયા-પ્રતિક્રિયા. આજનો આધુનિક શિક્ષિત પુરુષ આ વાતને સમજી શકે તો પોતાની જીવન સંગીનીને વધુ ઉંડાણે સમજી શકે."

"ઓહ! એટલે આખું વિશ્વ સ્ત્રીને નથી સમજી શકવાની જે વાતો કરે છે, એ ફક્ત આ ખૂબજ સામાન્ય શરીરના આંતરિક વિજ્ઞાનના જ્ઞાનના અભાવે જ.. હવે સમજાયું.."

"પણ મને એક વાત હજી નથી સમજાતી.. પુરુષો સ્ત્રીઓની દરેક મોટી  મહત્વની જીવન જરૂરિયાતો માટે દોડાદોડી કરતો ફરે એટલે કે આર્થિક જવાબદારીઓ ને પહોંચી વળવા.. પણ એ બધાની વચ્ચે એની નાની નાની લાગણીઓ, રોજિંદા જીવનની નાની  અપેક્ષાઓની અવગણના કરે એ કેટલું યોગ્ય? અમે સ્ત્રીઓ લાગણીશીલ પ્રાણી.. થોડો ગુણવત્તા યુક્ત સમય અમને ખુશ રાખવા પર્યાપ્ત શું એટલી સામાન્ય વાત ન સમજી શકાય?"

"કોઈ પણ સંબંધમાં સમજ બંને પક્ષે હોવી જરૂરી. હું મારું જ ઉદાહરણ આપું તો આજેજ  મારી પત્ની જોડે વિવાદ થયો. આવતી કાલે  અમારા લગ્નની પહેલી એનિવર્સરી છે. એ માટે કેટલા દિવસો પહેલાથી એણે 'સરપ્રાઈઝ પાર્ટી 'ની બધી જ વ્યવસ્થાઓ કરી નાખી હતી. હું આ બધાથી અજાણ. ઓફિસ તરફથી આજે જ રાત્રે વિદેશ  બિઝનેસ  ટ્રીપ પર નીકળવાનું છે, એક અઠવાડિયા માટે. હવે જયારે એને જાણ થઈ કે થઈ રહ્યુ.. વાત કરવા પણ તૈયાર નથી."

"પણ એમની લાગણીઓ તો દૂભાયજ ને! કેટલા પ્રેમથી એમણે બધી તૈયારીઓ કરી હશે  એમના દ્રષ્ટિકોણથી વિચારી જૂઓ તો!"

"હું માનું છું. પણ સ્ત્રીઓ પુરુષોને અંતર્યામી શું કરવા સમજે? એમના હૃદયની વાતો કહ્યા વિનાજ થોડી સમજાય? સિક્સથ સેન્સનું વરદાન તો ફક્ત સ્ત્રીઓ ને જ મળ્યું છે . પુરુષોને તો શબ્દોની ભાષા સમજાય. એકવાર એણે મને જાણ કરી હોત તો બધું યોજના બદ્ધ ગોઠવાય જાત. પણ હવે જવાબદારી સ્વીકારી છેલ્લી ઘડી એ પાછળ હટવું એ યોગ્ય કહેવાય? તમેજ કહ્યું હતું ને કે સંબંધને વ્યવસાયિક જીવન જૂદા રાખવા જોઈએ!"

"હું સ્વીકારું છું. તમારી વાત સાવ સાચી છે. તમારે કારકિર્દી સાથે, તમારા કાર્ય સાથે, તમારી ફરજ સાથે અન્યાય ન જ કરવો જોઈએ."

"પણ મારા માટે એની લાગણીઓથી વધુ કંઈજ નહીં... આ બિઝનેસ ટ્રીપ પણ નહીં ને કારકિર્દી પણ નહીં.. જો એ છે તો બધુજ છે, નહીંતર કંઈજ નહીં.."

વિધિનો હાથ અજાણ્યેજ એ અજાણ્યા પુરુષને સ્પર્શ્યો ને એ સ્પર્શથી એ અજાણી આંખોમાં પણ કંઈક જૂદી જ ચમક આવી. મોજડીમાંથી રેતી ખંખેરતા એ વિધિના સુંદર ચ્હેરા તરફ તાકી રહ્યો:"અહીં પાણી પુરી ખૂબજ સરસ મળે છે.."

અને મંદ મંદ મુસ્કાતી વિધિ પણ સેન્ડલ ચઢાવી એક અજાણ્યા મિત્ર જોડે પાણી પુરીની મજા માણવા ઉપડી પડી.

છૂટા પડવાનો સમય આવ્યો પણ વિધિની દ્રષ્ટિ એ અજાણ્યા ચ્હેરામાં કશેક ઊંડી ઉતરી ચૂકી હતી. વિધિના ચ્હેરા આગળ એ અજાણ્યા હાથો લંબાયાઃ "નાઇસ મિટિંગ યુ "

"સેમ હિયર મેમ.."

"મેમ નહીં વિધિ" એ અજાણ્યો સ્પર્શ કંઈક જાદુઈ અનુભવ આપી રહ્યો હતો.  વિધિની આંખોમાં એની ભાવનાઓ પામી જતાં એ અજાણ્યા પુરુષે વધુ નજીક આવી પરિચય આપ્યો :

"માઇ સેલ્ફ આકાશ.."

"ઓકે ધેન બાય.."

વિધિ પાર્કિંગ તરફ આગળ વધી. ગાડીમાં ગોઠવાઈ. કાચ નીચે કર્યા ને વિચારોમાં ખોવાય ગાડી સ્ટાર્ટ કરીજ કે એ અજાણ્યો ચ્હેરો અંદર ડોકાયો.

"નેક્સટ સન્ડે. કાફે સીટી.?"

"શાર્પ એટ ફાઈવ.." અને મંદ સ્મિત સાથે એણે ગાડી ભગાડી.

આંખે રસ્તે ડ્રાઈવિંગ કરતા એ ખુબજ હળવાશ અનુભવી રહી. ઘરે પહોંચવા પહેલાં કેટલીક ખરીદીઓ પણ નિપટાવી. ખૂબજ ખુશ હતી એ આજે. એ ખુશી એના ચ્હેરા સાથે એના સંપૂર્ણ વ્યક્તિત્વમાં છલકાઈ રહી હતી.

લગ્નના થોડાજ સમય પછી બે પ્રેમીઓ કે જીવન સાથીઓના હૃદય વચ્ચે આવતા અંતરોનું મુખ્ય કારણ એકબીજા પ્રત્યે ઉદભવતી અગણિત અપેક્ષાઓ. જયારે આ અપેક્ષાઓ ખરી ન ઉતરે ત્યારે ફરિયાદો ને વિવાદોના સ્વરૂપમાં ઉભરાય આવે અને આ બધાની વચ્ચે એકબીજા ને 'સમજવા'ની જગ્યા એ 'સમજાવવા'ની દોટ શરુ થાય. 'એ મને સમજતોજ નથી' કે 'એ મને સમજતીજ નથી' એ ભાવના  મનમાં ઘર કરી જાય ને અસંતુષ્ટ આંખો ઘરની બહાર મંડાય. જો કોઈ પણ દ્રષ્ટિ સમજણનો આછો ઈશારો પણ દર્શાવે કે મન તે તરફ ખેંચાતું જાય. જાણીતી વ્યક્તિએ આપેલી પીડા અજાણી વ્યક્તિને કહેવાતી જાય. મન હળવું થાય ને હૃદય સંતુષ્ટ! આવા સંબંધોને સમાજ 'અફેર', 'એક્સટ્રા મેરિટલ રિલેશન' કે 'છુપી મિત્રતા'ના શીર્ષકો આપે. પણ એની પાછળનું સમીકરણ એટલું જ કે લાગણીઓ સાચે સરનામે ન ઠલવાય ત્યારે ખોટા સરનામાં શોધી કાઢે!

ઘરે પહોંચ્તા જ વિધિ કામમાં પરોવાય. લાવેલ ભેટ અને બૂકે ટેબલ પર ગોઠવ્યા. ડીનર ટેબલ ખુબજ પ્રેમથી શણગાર્યું. ગમતું ગીત ગણગણતી વિધિના શરીર ભાવો એની  આંતરિક ખુશી ને આનંદની સાક્ષી આપી રહ્યા.

ડોર બેલ વાગતાં જ એ બારણે ધસી ગઈ. બારણું ખોલતાં જ સમુદ્ર કિનારે મળેલ એ અજાણ્યું શરીર સામે ઉભું હતું. અપેક્ષા મુજબ એના આગમનથી વિધિના રોમેરોમમાં પ્રેમની ભરતી ઉભરાય રહી. આંખોમાં પ્રેમ અને લાગણી સાથે એની આંખો એને અંદર આપવાનું આમંત્રણ આપી રહી. આકાશ ઘરમાં પ્રવેશ્યો ને વિધિએ બારણું બંધ કર્યું.

કેન્ડલ લાઈટ સેટિંગમાં ગોઠવાયેલા આકાશ આગળ વિધિએ બૂકેને ભેટ ધર્યા.

"હેપ્પી એનિવર્સરી માઇ હબી.."

અને સામેથી આકાશે પણ એક નાનકડો ડબ્બો ખોલી એની અંદર સચકાયેલી વીંટી વિધિ ના હાથો માં પહેરાવી .

"સેમ ટુ યુ માઇ ડીઅર વાઈફ.."

આકાશને ગળે વળગી વિધિ પ્રેમથી પૂછી રહી: "ફ્લાઇટ કેટલા વાગ્યે છે?"

વિધિનો ચ્હેરો થામી આકાશે હળવેથી કહ્યું :"હું નહીં જઈશ. તે કેટલા પ્રેમથી પાર્ટીની તૈયારીઓ કરી છે ને હું કઈ રીતે.."

આકાશને વધુ હેતપૂર્વક થામી વિધિ વચ્ચેજ બોલી ઉઠી : "નહીં આકાશ આપણી કારકિર્દી ને સંબંધોનું સંતોલન આપણે જાળવવું જ રહ્યું ને એ માટે એકબીજાની જરૂરિયાતો ને પરિસ્થિતિઓ ને સમજી યોગ્ય સાથસહકાર આપીશું તો જીવન વધુ સરળ અને માણવા યોગ્ય બનશે.."

"પણ તારી પાર્ટી.."

"તું ટ્રીપ પર જઈ આવ, પછી એનાથી પણ મોટી પાર્ટી કરીશું.."

"સ્યોર?"

"પ્રોમિસ.. હવે જમી લઈએ.. પછી એરપોર્ટ પણ જવાનું છે..."

અને બંને પ્રેમીઓ કેન્ડલ લાઈટ ડિનર માણતા એકમેકમાં ખોવાય ગયા.

લગ્ન પછીના ઉતાર ચઢાવોમાંથી પસાર થતાં વિધિને આકાશે દર અઠવાડિયે આમ અજાણ્યા બની એકબીજાને મળવાનો નિર્ણય લીધો હતો એનું હકારાત્મક પરિણામ સામે જ છે. લગ્નજીવનની કપરી, જટિલ, મૂંઝવણભરી પરિસ્થિતિઓને બાહ્ય જગતની અજાણી વ્યક્તિ સમક્ષ રજૂ કરવા કરતા પોતે જ થોડા સમય માટે એકબીજા સામે અજાણ્યા બની હૃદયનો ભાર હળવો કરવો એમને વધુ યોગ્ય લાગે છે. શરત ફક્ત એટલીજ કે ઘરે પહોંચી એ ક્ષણો ઉપર કોઈ ચર્ચા ન થઈ શકે.

હવે આવતા અઠવાડિયે બંને ફરી મળશે..આજની જેમ જ અજાણ્યા બની..કાફે સીટીમાં..લગ્ન જીવનની કોઈ નવી ગૂંચ ઉકેલવા.


Rate this content
Log in