અતીત
અતીત
ખંજનના જીવનમાં પડતો ખાલીપો જીવકોરબા જાણતા, સમજતા, અને અનુભવતા હતા એટલે જ ખંજનનો તેઓ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતાં રહેતાં. ખંજને લગ્ન પછી મળેલી સચિવાલયની નોકરી સ્વીકારી નહિ અને પરિવારને જ સમય આપવાનું પસંદ કર્યું હતું. વિધવા જીવકોરબાએ પિયરના આપેલા ખોરડામાં રહી લોકોના દળણા દળી અને પરચુરણ ઘરકામ કરીને ખુશાલને ભણાવ્યો હતો. એકદમ ગરીબ પરિસ્થિતિમાં ભણીને ખુશાલ કોર્પોરેશનમાં સિવિલ એન્જીનિયરની પોસ્ટ ઉપર હતો.
ખંજન, જાગૃતભાઈ અને ઝંખનાબેનની દીકરી હતી. ઝંખનાબેનના મૃત્યુ પછી ખંજને રસોડુ સાંભળી લેતા પિતા જાગૃતભાઇને મોટી રાહત હતી, તો બીજીબાજુ જાગૃતભાઈએ પણ ખંજનને "માં" અને "બાપ" એમ બંનેનું હેત જતાવી મોટી કરી હતી. અને ખંજનને "ખુશાલ" સાથે વળાવી ત્યારે જાગૃતભાઈ ચોધાર આંસુએ રો’એલા પણ ખરા.
જીવકોરબા અભણ સાસુ, પણ લાગણીના સમીકરણો બેખૂબીથી ઉકેલતા, તેથી તેમના પરિવારિક જીવનમાં કોઈ ગૂંચ ને અવકાશ નહતો. "ખંજન" અને" જીવકોરબા" વહુ-સાસુ હતાં અને છતાં એ બંને વચ્ચે અજબનું જોડાણ હતું. ‘ખંજન’ની દરેક સવાર ‘જીવકોરબા’ના જય શ્રી કૃષણ સાથે ગરમા ગરમ ‘ચા’ થી શરૂ થતી. પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરીને, પહેલાં વહુ-સાસુ નાસ્તો કરી લેતાં. તે પછી "ખંજન" ખુશાલ માટે ચા નાસ્તો બનાવતી, અને ‘ખુશાલ’ ચા નાસ્તો કરી પરવારી નોકરીએ જવા તૈયાર થાય ત્યાં ‘ખંજન’, ‘ખુશાલ’નું લંચ તૈયાર રાખતી અને જ્યારે ખુશાલ નોકરીએ જવા નીકળતો હોય ત્યારે ‘જીવકોરબા’નો દેકારો ચાલુ થઈ જાય, જોજે નોકરીએ જતાં પહેલા ‘જાગૃતભાઇ’ને ટિફિન આપવાનું ભૂલીશ નહીં, પાછો પટાવાળા સાથે ટિફિનને પાર્સલ સમજી રવાના ના કરાવતો. મને ખબર છે,તું ‘બવ, કામ વારો છે.
'ખુશાલ'ના ગયા પછી "જીવકોરબા"ની ખરી સવાર પડતી અને તેમના પૂજાપાઠ અને મહાદેવના મંદિર અને ત્યાં ના પીપળાની દૈનિક પૂજા પતાવી પાછા ઘરે આવે ત્યાસુધીમાં ખંજન અને ‘ખુશાલ’ના સંતાનો ‘મનુજ’ અને ‘માનસી’ જમી લેતા અને, તે પછી ખંજન અને જીવકોરબા સાથે મળી એ બંનેને તૈયાર કરીને શાળાએ મોકલતા. ત્યાર પછી બપોરે વહુ -સાસુ સાથે મળી રસોઈ ગરમ કરી જમતા. બપોરે રખેને ‘ખંજન’ જો આરામ ના કરે તો ‘જીવકોરબા’ની ટકોર ચાલુ થઈ જાય, "વ’વ, આરામ કરવામાં કઈ તારું શરીર ના વધે, સવારથી મશીન જેમ કામ કરે છે, થાકીને ચક્કર આવશે ને પડી ‘જૈશ. તો ઉપાધિ તો મારે જ ને!," ભગવાને આરામની તક આપી છે તો ભોગવ" એવી ટકોર પણ જીવકોરબા કરતા. પોતાને "બા " થાકેલી નથી જોઈ શકતા એ વાત ‘ખંજન’ જાણતી હતી.
સાંજે બજારમાં શાકભાજી લાવવાની હોય કે બીજી પરચુરણ સામાનની ખરીદી કરવાની હોય ‘જીવકોરબા’ ખંજન’ની સાથે હોયજ. ટૂંકમાં દરેક કામમાં ‘જીવકોરબા’ના સલાહ સૂચનો "ખંજન" સાથે હોયજ .’જીકોરબા’ને મન ‘ખંજન’ દીકરી સમાન હતી.
"ખંજન"નો પતિ " ખુશાલ" કોર્પોરેશનનો એંજિનિયર હતો એટલે તેને ડિસ્ટ્રિક્ટમાં ફરવાનું રહેતું અને તેનો ઘરે પાછા આવવા માટેનો કોઈ જ નક્કી સમય ન હતો, "ખંજન"ને તો તે બિલકુલ ટાઈમ આપી શકતો નહોતો. "ખંજન" સમજુ હતી, ‘ખુશાલ’ની જવાબદારીઓ જાણતી એટલે કદી ફરિયાદ ન કરતી. ’જીવકોરબા’નો સહવાસ અને ક્યારેક તેના પિતા ‘જાગૃતભાઇ’ની ઊડતી મુલાકાત અને છોકરાઓમાં તેનો સમય આનંદથી પસાર થઈ જતો હતો.
"ખુશાલ" અને બંને બાળકોને દિવાળીની રજા હોઈ તેઓ સૂતેલા હતા, પણ ‘ખંજન’ દરેક વર્ષની દિપાવલીની જેમ આજે પણ સવારમાં વહેલી ઊઠી ગઈ. એને ખબર હતી કે ‘જીવકોરબા’નો આજે સાદ પડવાનો નથી, મોટા અવાજે ઝીણી-મોટી સૂચનાઓ આપવાના નથી. છતાં પણ એ ‘જીવકોરબા’ના સાદને આજે ઝંખી રહી હતી. ‘ખંજન’ના લગ્નને બાર વર્ષ થયાં હતાં અને પોતાના સાસરે તેની આ અગિયારમી દિવાળી હતી. ‘ખંજન’ને ‘જીવકોર’બા વગરની આ વરસની દિવાળી સૂની- ફિક્કી લાગતી હતી. એણે ‘સપરમે, દિવસે જલ્દીથી પરવારીને ગેસ પર ઘઉંની સેવો ઓસાવા માટે પાણી ગરમ કરવા મૂક્યું અને "અતીત”ના વિચારે ચડી ગઈ.
‘જીવકોર’બા શું ગયા ? તો દરેક તહેવારનો આનંદ અને ઉમંગ અને ઉજવણીની રોનકમાં ઓછપ વર્તાતી હતી. ‘જીવકોર’બા દરેક પ્રસંગ ઉત્સાહથી ઉજવતા અને ઘરના સભ્યો, તેઓ પાસે પ્રસંગ ઉજવાવતા પણ ખરા. આ ઉત્સવો જ ‘જીવકોર’બાનું ખરું જીવનબળ બની રહ્યા હતાં.
દીવાળીમાં તો તેમનો રઘવાટ ચરમ સીમાએ રહેતો, કાળીચૌદશેના દિવસે અચૂક અડદના વડા જાતે બનાવતા અને કહેતા સાંજે ચાર રસ્તે જજે અને કકળાટ કાઢજે, ત્યારે કોઈવાર ‘ખુશાલ’ પૂછતો પણ ખરો “હેં બા, કકળાટ કેવો હોય? તમે બોલ બોલ કરો એવો?” એવું પૂછી ‘ખુશાલ’ રજાઓનું વાતાવરણ આનંદમય બનાવતો. તો ‘જીવકોરબા’ પણ ક્યાં કમ હતા, તેઓ કહેતા “ના ગગલા. બોલીએ એટલે કાંઈ કકળાટ થોડો થાય? ઘર હોય ત્યાં વાસણ ખખડતા રહે પણ તું ગગલા શેરડી કેમ નથી લાવ્યો ? આવતીકાલે દિવાળીએ મેર મેરાયું કરવાનું છે, ભૂલી ગયો ને ?. જા લઈ આવ જલ્દી થી.
દિવાળીની સવારે ‘જીવકોર’બા શેરડીનો સાંઠો લેતા અને તેની ઉપર ચાર ચીરા કરી તેમાં સૂકા નારિયેળનું કાચલું મૂકી તેમાં તેલ પાયેલા કપાસિયા ભરી મેરાયું બનાવતા અને સવારથી ઠાકોરજી પાસે, સિંઘોડા, સીતાફળ, માખણ –મિસરી, મગસ – સુંવાળી- ઘૂઘરાના પ્રસાદ સાથે તે ‘મેરાયું’ મૂકી રાખતા અને સાંજ પડે એટ્લે ‘ખુશાલ’ના છોરા ‘મનુજ’ને મેરાયું પ્રગટાવી આપીને ઘરની ચારે -કોર ફેરવડાવીને શેરી ને નાકે,એ મૂકાવતા. ત્યાર પછી ધન્વંતરિની પૂજા કરતા અને પૂજા પત્યા પછી ધન્વંતરીના ચટપટા પાણી સાથે પકોડી અને દહીંવડાની લહેજતનો કાર્યક્રમ બધા માટે રહેતો. અને ફટાકડા – ફૂલઝરી, વહુ છોકરા સાથે ફોડી, રાત્રે પૌત્ર પૌત્રી બંનેને સુવડાવતા પહેલા ગાયના‘ઘી’ના' દીવા'ની તાજી મેશનું અંજન કરી, “કાળી ચૌદશનો અંજયો –ગાંજયો ના જાય” એવું અચૂક બોલતા, છોકરાઓ અર્થ પૂછે તો કહે પૂછજે મારા ‘ખુશાલ’ને કહી વાત ટાળી દેતા.
પણ ગયા વર્ષે દિવાળીની રાત્રે મનુજના હાથે મેરાયું ફેરવાઈ, ધન્વંતરિની પૂજા પછી ધરાઈને પકોડી અને દહીંવડા ખાધા પછી, ગાયના‘ઘી’ના દિવાની તાજી મેશ, બંને છોકરાઓને આંજી હતી. અને, જીવકોરબા સવારે ઊઠ્યાં જ નહિ. દીપાવલીનાં દિવસે તેમના આતમ નો દીવો બુઝાઇ ગયો. બા નો અણમોલ સંગાથ ‘ખંજન’થી કાયમ માટે છૂટી ગયો. જીવકોરબા, ખંજન માટે ‘સાસુ’ કરતા સહેલી વધારે હતા ‘ખંજન’, ‘જીવકોરબા’ને યાદ કરીને દિવસો સુધી રડી, પણ બા ક્યાંથી પાછા આવે ?. ‘જીવકોર’બા વગર ઘરમાં એક નીરવ શાંતિ પથરાઈ ગઈ. જોત-જોતામાં જીવતા જાગતા ‘જીવકોર’બા અતિત બની ગયા અને તેમના ખંજન યુક્ત હસતાં ફોટા ઉપર સુખડનો હાર લટકતો થઈ ગયો.
દિપાવલીની મંગળ સવારે સેવનું આધણ ઊકળી રહ્યું હતું. અંજલિનીના હાથમાં ઘઉંની સેવની ડીશ હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. આજે બરાબર એક વર્ષ થયું હતું જીવકોરબાના નિર્વાણ. "ખંજન" તેના અતિતને યાદ કરતાં આજે ખાલીપો મહેસૂસ કરતી હતી. ‘બા’ના વૈકુંઠવાસી થયા પછી એકપણ દિવસ એવો નહિ હોય જેમાં ‘જીવકોરબા. યાદ ના આવ્યા હોય, ખુશાલ અને છોકરાઓની દુનિયામાં ‘ખંજન થકી પૂર્ણ દુનિયા હતી, પરંતુ ‘બા’ વગર ખંજન’ની દુનિયા ખંડિત હતી. તે પોતાના નસીબને કોસતી રહેતી, જન્મતા વેત, મા નું છત્ર ગુમાવેલું હતું અને છેક પરણી ને ખુશાલને ત્યાં આવી ત્યારે મા ની મમતા શું છે તે માણ્યા પછી, અતિતની પિતાએ આપેલી સાહેબી શુષ્ક દીસતી હતી. "બા" ના ગયા પછી ‘ખંજન’ના દિલમાં શૂન્યતા હતી.
બપોરે બધા સેવ-સાકર જમ્યા. ‘ખંજને’ પ્રસાદ અને મેરાયું બનાવી ઠાકોરજી પાસે રાખ્યું અને સાંજે મેરાયું ‘મનુજ’ પાસે ફેરવાઈ, ધન્વંતરીની પૂજા પતાવી. ત્યાર પછી રાત્રે જ્યારે પકોડી અને દહીંવડા ડિશ બનાવી બધા સાથે જમવા બેઠા ત્યારે એ ‘ખંજને’ અત્યારસુધી મહા-મહેનતે ખાળી રાખેલા આંસુના બંધન છૂટી પડ્યા અને તેનાથી રડી પડાયું. ‘ખુશાલ’, ‘મનુજ’ અને ‘માનસી’ ત્રણેય "બા" સાથેની ‘ખંજન’ની આત્મીયતાથી અજાણ ન હતા એટલે તેઓએ ‘ખંજન’ને દિવાળીના દિવસે પણ મન ભરીને રડવાં દીધી.
‘ખંજન’ શાંત થઈ એટલે ‘ખુશાલે’ કહ્યું, “જો ‘ખંજન’ તું રડીને નાહક દુખી ના થા”, તું કેટલી નશીબ વારી છે કે તારી પાસેના ‘અતીત’માં કેવળ અને કેવળ મીઠી યાદો ઠાંસી- ઠાંસીને ભરેલી છે આપણાં "બા" ખુદ જીવંત ઉત્સવ સમાન હતા, તેઓ સદા આનંદમાં રહ્યાં અને આપણને પણ આનંદમાં રાખ્યા છે. તેઓ ક્યારેક કહેતા હું ઊડતી ટ્યૂબલાઇટના ઝબકરા નહીં મરૂ, વીજળીના ગોળા માફક ચમકારામાં ઉપડી જઈશ, એમનું મરણ પણ તેમના માટે ઉત્સવ સમાન હતું.
ખુશાલે, ખંજનને સાંત્વન આપતા ખીસામાંથી, ‘જીવકોર’બા,ની પ્રથમ વાર્ષિક નિર્વાણ દિવસે દૈનિક પેપરમાં આપેલી શ્રદ્ધાંજલીની મેટરનો કાગળ મૂક્યો.
અમારા ‘જીવકોર’બા પંચતત્વમાં લીન થયાં છે, તે ક્યાંય ગયાં નથી,
તેઓના આશીર્વાદ અમારી સાથે છે.
તેઓ કાંઈ ધરતીમાં અદ્રશ્ય થયાં નથી,
જીવકોરબા તો માટીની મહેક લઈ વનાંચલમાં વિસ્તરી ગયાં છે.
આશિષ રેલાવી પ્રગાઢ તરુવરમાં વેરાઈ ગયાં છે.
દિવંગતની યાદોના કલકલતા ઝરણાંઓ વહી રહ્યા છે,
તેઓનું સ્મિત લીલાંછમ પર્ણોના મર્મર નાદમાં ગુંજી રહ્યું છે.
‘જીવકોર’બા કાંઈ અદ્રશ્ય થયાં નથી,
તેઓ દિવ્યજ્યોત સ્વરૂપે અવતરીને,
દરેક દિપાવલીએ
આપણાં હૃદયનાં તુલસીક્યારે ઝળહળશે હવે
જે દિવંગત છે, તે ક્યાંય જતાં નથી,
તેઓ તો પંચતત્વ રૂપે આપણી આસપાસ જ રહે છે.
એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભૂમિમાં જીવંત જ રહે છે.
તેઓના આશિષ આપણી સાથે છે .
અમારા,….આપણાં...સૌના ... “બા” પંચતત્વમાં લીન થયાં છે, તે ક્યાંય ગયાં નથી.
ખુશાલ સંગ આપની લાડકી ‘ખંજન અને “મનુજ – માનસી” તરફથી શ્રદ્ધાંજલી.
મેટર વાંચતાં ‘ખંજન’ને પણ થયું કે ‘ખુશાલ’ અને બાળકો પણ બાને મિસ કરે છે. તેને એક નજર ઠાકોરજીની સેવામાં ટમ-ટમટી વીજળીની સિરીઝ સામે જોયું અને, બા તેને કંઈક કહેતા હોય તેવું લાગ્યું, જે ચમકે છે તેનો અસ્ત .. નિશ્ચિત હોય છે. ખંજનને મહેસૂસ થયું ચમકારા અને અસ્ત વચ્ચેનો સમયનો ઉપયોગ “બા એવો કરી ગયા .. કે તેમની દિવ્ય જ્યોતિ તેમના ગયા પછી પણ જળહળે છે.
‘ખંજને, સ્વસ્થ થતાં કહ્યું, ‘ખુશાલ, તારી આપણાં “બા”ને અર્પેલી કાવ્યાંજલી સાચી છે. મૃત્યુ એ દરેક સજીવનું સનાતન સત્ય છે, તે આપણે સ્વીકારવું રહ્યું, "બા" ક્યાંય ગયા નથી, તો પાછા બોલાવવા કરતાં આપણે આપણાં “અંતર’માં સાદ દઈશું. આપણાં જીવકોરબા એક ખર્યું પાન, એક વડલાની “ખુશાલ” છાયા આપતા ગયા છે, તે મારે માટે મોટી વાત છે.
ચાલ ‘ખુશાલ’ આપણે હવે "અતીત"ની મધુર યાદો ને યાદ કરતાં તેમના આદર્શોને જીવંત રાખી તેઓના આશિષ મેળવીએ. એજ આપણાં અને આપણાં બાળકો માટે હવેથી નવા વરસના પર્વની બા તરફની દિપાવલી પર્વની ‘બોણી’ રહેશે.
