Vandana Vani

Children Stories Inspirational

4.8  

Vandana Vani

Children Stories Inspirational

અથાણું

અથાણું

2 mins
23.2K


કાશીબા સિઝન બહું ચીવટથી જાતે જ ભરતા. તેમના અથાણાં, મુરબ્બાની ખ્યાતિ આખા ગામમાં ફેલાયેલી. કોઈ તેમના કામમાં વચ્ચે આવવાની હિંમત પણ ન કરતું. આજે સવારથી તેઓ અથાણાંની તૈયારી કરતા હતાં. નાની ટીનુ તેમની હિલચાલ તાકીને જોઈ રહો હતી. 

તેઓ એક મોટી થાળીમાં મસાલાની નાની નાની ઢગલી કરી અંદાજ કાઢતા હતા ત્યારે "બગડે તો આખું વર્ષ બગડે", તેમના અડધા બોલાયેલા વાક્યને ટીનુએ બરાબર ઝડપી લીધું.  

"શું બગડે તો આખું વર્ષ બગડે બા."

"આ મરચું, એટલે કે તારા દાદા, તીખા તમતમતા!" બોખા મોંઢે હાસ્ય ગજબનું લાગતું હતું.

ટીનુને બાની વાતમાં મજા પડી.

"બા આ કોણ છે." મેથીની ઢગલી તરફ આંગળી ચીંધી તેણે પૂછ્યું.

"આ તો હું, કડવી પણ ગુણકારી." ફરી ખડખડાટ હસી પડ્યા.

હવે એમને ટીનુના બધા સવાલ ખબર હોય એમ આગળ ચલાવ્યું," આ હળદળ એ તારી ફોઈ. કામ ઓછું ને રૂપ-રંગની માથાકૂટ વધારે. આ હિંગ એ તારા કાકા. ઘરમાં ન હોય ત્યારે ગેરહાજરી ન વર્તાય પણ તેના વગર મજા ન આવે."

ટીનુને વાતમાં રસ પડતા નજીક આવવા ગઈ તો તેલની બરણી માંડ પડતા બચી.

"અલી ઓયે તારા બાપને તો સંભાળ. બધાને એક કરીને જો રાખે છે!" કાશીબા બરાડી ઉઠ્યા.

"જરા તાપમાંથી મીઠું લઈ આવ. " ટીનુને બાનો આદેશ માનવો પડ્યો. 

મીઠાની તપેલી હાથમાં જ પકડીને ઉભી રહી, જાણવા માંગતી હતી ને!

"આ છે તારી મમ્મી. તેના વગર તો ઘર સાવ બેસ્વાદ!"

બાજુમાં રહેલી ખાંડની નાની ઢગલી જોઈ કુતૂહલતાથી પૂછ્યું,"આ?"

"એ તો મારી મીઠડી તું." કહી બાએ ગાલે ચુટકી ભરી. ટીનુ ફુલાઈને બેઠી.

મીઠા-મેથીની ઢગલી કરી બધા મસાલા ઉમેરી બાએ સરસ સંભાર તૈયાર કરી દીધો. 

ત્યાં જ પરસાળમાં ભઈલાનો રડવાનો અવાજ આવ્યો. ઘરના બધા તે ભણી દોડી ગયા. આળોટતા પલંગ પરથી પડતા થોડું વાગ્યું હતું. છાનો રાખવાની કોશિશ કરતા બધાં તેને વીંટળાઈ ગયા.

ભઈલો રડતો શાંત થઈ ગયો એટલે કાશીબા પાછા તેમના કામે વળગ્યા. ટીનુ તેમની પાછળ ખેંચાઈ આવી.

"બા આપણો ભઈલો કેરી નહીં? કેરીને બધા મસાલા કેવા ચોંટીને બેઠા છે!" બરણીમાં ભરાતા અથાણાંને તાકીને ટીનુએ કહ્યું.

કાશીબા ટીનુની ચતુરાઈને વંદી રહ્યા. ટીનુના જીવનનું કોઈ વર્ષ નહીં બગડે એ વાતની તેમને ખાતરી થઈ ગઈ.


Rate this content
Log in