અસ્તિત્વનો અવાજ - ૧
અસ્તિત્વનો અવાજ - ૧


અસ્તિત્વનો અવાજ ઉઠાવવા માટે ઘણી વખત માનસિક મનોબળ કેળવવું પડે છે.
લૂણાવાડાની બસ ગીતામંદિર અમદાવાદ બસ સ્ટેશન પર ઉભી રહી. અને બધાં પેસેન્જર ઊતરવા લાગ્યા.અરુણાબેન પણ પોતાના બે થેલા લઈને ઉતર્યા. અને મણિનગર જવા માટે રીક્ષા શોધવાં લાગ્યા. એમની આંખો એમનાં જાણીતા રીક્ષાવાળા ને શોધી રહી. સામેથી જ જગ્ગો આવતો દેખાયો. અરુણા બેને હાથ કર્યો. એ દોડ્યો અને અરુણા બેન પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.
'બા લૂણાવાડા જઈ આવ્યાં ? જિજ્ઞેશ દાદાની કથા સાંભળી આવ્યા ?'
“હા ઘણી ઈચ્છા હતી જિજ્ઞેશ દાદાની કથા સાંભળવાની તો મારી બહેનપણી સંગીતાને ઘરે રોકાઈ અને બધાં દિવસની કથાનો લાભ લીધો. મન હતું એટલે જઈ આવી. આપણા મણિનગરમાં શું નવાજૂની છે એ કહે”
“બસ કશું જ નવીનમાં નથી, બા.. પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી મણિનગરમાં આપણાં એરિયામાં વાતો સંભળાય છે”
જગ્ગાએ પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ અરુણા બેન ગોઠવાઈ ગયાં.
“એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું ?” અરુણા બેને એ જગ્ગા સામે જોઇને કહ્યું....
રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી. રસ્તામાં એક દુકાન પાસે રીક્ષા ઉભી રખાવી અરુણાબેને ઘર માટે નાસ્તો લીધો.
“મને પેલો ઈસ્ત્રી કરવાવાળો મનુ કહેતો હતો. કે અરુણા બેનની છોકરી, જમાઈ મકાન વેચી નાંખવાના છે અને શહેરમાં નવું મકાન લેશે અને તમને ત્યાં લઇ જશે.”
અરુણાબેનનું એમનાં એરિયામાં ખુબ જ માન હતું બધાં જ એમને બા કહેતાં હતાં. કારણકે અરુણાબેન અને એમનાં પતિ મહેશભાઈ બન્ને સેવાભાવી હતાં. બીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા. મહેશભાઈ મણિનગરમાં એક જાણીતી સ્કૂલમાં શિક્ષક હતા.જ્યારે અરુણાબેન એક સરકારી બેંકમાં નોકરી કરતા હતા.
લગ્નને પાંચ વર્ષ થયા સંતાન ન થતાં અનેક દવાઓ કરાવી પણ કોઈ પરિણામ મળ્યું નહીં. પછી તો બાધા આખડી રાખી અને પત્થર એટલાં દેવ કર્યા પણ નિષ્ફળતા મળી. આમ કરતાં લગ્ન ને પંદર વર્ષ થઈ ગયાં. એટલે પતી પત્ની એ ચર્ચા કરીને અનાથાશ્રમમાંથી દિકરી દત્તક લીધી. દીકરી મોના. એને ભણાવીને ગણાવી. કોલેજમાં પ્રેમ થઈ ગયો વિશાલ જોડે એટલે પ્રેમલગ્ન કર્યા પણ મોના સાસરે ના ગઈ અને વિશાલને ઘર જમાઈ બનાવ્યો. અરુણાબેન અને મહેશ ભાઈએ મોનાને સમજાવી પણ એ ના માની કહે 'મમ્મી પપ્પા હું તમને એકલાં નહીં રહેવા દઉ.' મેં પહેલેથી જ વિશાલ ને આ વાત કરી દીધી છે. આમ કહીને માતા પિતાને ચૂપ કરી દીધા...
આશ્રમરોડ બેંકમાં મેનેજર હતી મોના. અને વિશાલ તો નોકરીજ નહોતો કરતો. પણ મહેશભાઈ એ એને સમજાવ્યો અને ઓળખાણ લગાવીને આશરે બત્રીસ વરસની વયે છેલ્લે છેલ્લે વિશાલને ઓળખાણથી એક કંપનીમાં નોકરી મળી હતી. અને લગ્નને બે વરસ પછી તો બે બે વર્ષમાં મોનાને ત્યાં બે સંતાનો પણ હતાં. બે વરસ પહેલાંજ અરુણા બેનનાં પતિ અવસાન પામ્યા હતાં અને અરૂણાબેન સાવ એકલા અટુલા પડી ગયાં હતાં.
મણિનગરમાં એક જાણીતાં વિસ્તારમાં એક સોસાયટીમાં અરુણાબેનનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઉભી રહી. અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરનાં દરવાજા પાસે ગયાં અને ડોરબેલ વગાડી. જગ્ગો બંને થેલા મુકીને જતો રહ્યો. મોનાએ બારણું ખોલ્યું અને અરુણા બેન પોતાના મકાનમાં પ્રવેશ્યાં. મોનાનો નાનો દીકરો કરણ દોડ્યો...
“બા આવ્યા બા આવ્યા અને બોલ્યો 'બા મારે માટે શું લાવ્યાં ?'
અને અરુણા બેનનોનો બધો જ થાક કરણને જોઈને ઉતરી ગયો. અને એમણે થેલામાં મૂકેલ નાસ્તો આપ્યો. કરણ એ લઈને રસોડામાં દોડ્યો. કરણ એક ડીશમાં નાસ્તો લઈને ખાવાં લાગ્યો. નાસ્તો કર્યા પછી કરણ અરૂણાબેનના ખોળામાં બેસી ગયો અને પૂછવા લાગ્યો કે 'બા મને કહો તમે આટલા દિવસ શું કર્યું ?'
અરૂણા બેને કથા સાંભળી હતી એ કહ્યું અને કૃષ્ણ જન્મોત્સવમાં ઉછારેલી ચોકલેટ લાવ્યા હતા તે પાકીટમાંથી કાઢીને કરણને આપી. અને કરણને ભાલે ચુંબન કર્યું.
ત્યાં તો મોના નો અવાજ સંભળાયો, 'કરણ, હોમવર્ક બાકી છે એ કોણ કરશે ?' અને મમ્મી તું પણ શું બહારથી આવીને હાથ મોં ધોયાં વગર છોકરાઓને વ્હાલ કરે છે. તમને તો કંઈ પણ કહેવું જ બેકાર છે.
અને કરણ મોટે થી બુમ પાડીને તને ડોકટરે ના પાડી છે ને કે ચોકલેટ નહીં ખાવાની દાંતમાં કીડા પડી જાય છે, કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય રૂમમાંથી બહાર નિકળવું નહીં. તોયે સમજતો જ નથી અને કોઈ શરમ નથી તને ?' અને કરણ થીજી જ ગયો. અને સાથોસાથ અરુણાબેન પણ !
આખા એરિયામાં બધાં જ વખાણ કરતાં નહોતાં થાકતાં એ અરુણાબેન પોતાના ઘરમાં આ જ રીતે હડધૂત થઈ રહ્યા હતાં. અરુણા બેન વિચારમાં પડ્યા. અરુણા બેન શું વિચારવા લાગ્યા હશે ? શું થયું હશે વાંચો આગળના ભાગમાં...
ક્રમશ: