અસ્તિત્વ
અસ્તિત્વ
મૈત્રી આજે સવારથી દોડધામમાં હતી. આજે એની અને સમીરની પાંચમી એનિવર્સરી હતી એટલે સવારથી સગાવ્હાલા અને મિત્રોના ફોન ચાલુ થઈ ગયા હતા શુભેચ્છા આપવા માટે. . સવાર સવારમાં સમીર સાથે મંદિર જઈ આવી હતી અને સાંજે હોટેલમાં પાર્ટી રાખી હતી.
મૈત્રી અને સમીરના પ્રેમલગ્ન હતાં. ચાર વર્ષનો પ્રેમ માંડ માંડ લગ્નમાં પરિણમ્યો હતો. મૈત્રી અને સમીર બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં પણ હમણાં થોડા સમયથી સમીરનું મૈત્રી તરફનું વર્તન બદલાયું હતું. ઘરે મોડું આવવું, મૈત્રી કઈ પૂછે તો ગુસ્સો કરવો, સરખી રીતે વાત ના કરવી વગેરે.
આજે વળી સમીર સારા મૂડમાં હતો એટલે જ મૈત્રી સાથે મંદિર ગયો હતો. પણ મૈત્રીએ મનોમન નક્કી કર્યું હતું કે આજે એનિવર્સરીની પાર્ટી પૂરી થાય પછી શાંતિથી સમીર સાથે વાત કરીને એના બદલાયેલા વર્તન વિશે પૂછી લઈશ.
રાત્રે પાર્ટી પૂરી થયા પછી ઘરે આવીને ફ્રેશ થઈને મૈત્રીએ શાંતિથી સમીરને પૂછ્યું તો જવાબ મળ્યો, " હું મારી સેક્રેટરી ખ્યાતિના પ્રેમમાં છું. . . તારે મારી સાથે રહેવું હોય તો રહે નહીં તો અહીંથી જતી રહેશે. " આ સાંભળતાં જ મૈત્રીના પગ નીચેથી જમીન ખસી ગઈ. આંખોમાં આંસુ સાથે મનમાં એક જ સવાલ ઊભો થયો હતો કે સમીરની જિંદગીમાં મારું અને મારા પ્રેમનું અસ્તિત્વ શું ?
