અશ્રુબંધ
અશ્રુબંધ
"મોટીબેન, તમે જલ્દી આવી જાવ. હવે પપ્પાની તબિયત બહુ સારી નથી રહેતી. એ તમને બહુ જ યાદ કરે છે." ફોન પર ભાઈએ આપેલાં સમાચાર સાંભળીને તેને થયું કે, "એ હમણાં જ પપ્પા પાસે પહોંચી જાય. પરંતુ એ તો શક્ય જ નહોતું. હમણાં નીકળે તો પણ બાર કલાકે પહોંચી રહે. એ વિચારી રહી, "કાશ, એને પાંખો આવી જાય. નાનપણમાં સાંભળેલી પરી કથાઓની જેમ."
મોબાઈલની રીંગ વાગતાં તેની વિચાર તંદ્રા તૂટી. મોબાઈલની સ્ક્રિન પર અભયનું નામ ચમક્યું. ફોન રીસીવ કર્યો કે તરત જ અભયે કહ્યું, "તું જલ્દી તૈયાર થઈ જા. મેં ફ્લાઈટ બુક કરાવી દીધી છે. આપણે એક કલાકમાં નીકળવું પડશે. હું દસેક મિનિટમાં ઓફીસેથી નીકળું છું." બોલીને સામે છેડેથી ફોન મૂકાઈ ગયો. પહેલીવાર અભયની આવી કાળજી જોઈને તે ગદગદ થઈ ગઈ.
તે ઉઠી. ઝડપથી સામાન પેક કર્યો. ફોન કરીને પડોશમાં રહેતી તેની બહેનપણીને બોલાવી લીધી. જાતે બોલાવવા જવાનો સમય જ ક્યાં હતો ? "જો, વિભા, હું ને અભય બન્ને જઈએ છીએ. હવે, ક્યારે પાછા આવીશું નક્કી નથી. તું પેપર, કામવાળીબાઈ ને બધું સાચવી લે જે. દૂધવાળાને ના કહી દેજે. અને હા, ફ્રીજમાં બગડતું હોય તે જોઈ લે જે. શાકભાજી, દૂધ બધું તું લઈ જજે."
"તું નિશ્ચિંત થઈને જા હું બધું જોઈ લઈશ. તું આવવાની હોય એનાં આગલા દિવસે ફોન કરી દેજે. હું ઘર સાફ કરાવી દ ઈશ અને દૂધ પણ લઈ રાખીશ."
ધાર્
યાં કરતાં વહેલાં પહોંચી ગયાનો હાશકારો લઈને ઘરનો ઊંબરો ચડી. પિતાના અંત સમયે આખો પરિવાર તેમની નજર સામે ઊભો છે. દીકરીની મનોસ્થિતિ એવી હતી કે, એ કંઈ બોલી ના શકી, તે સ્વગત બોલી, "પપ્પા, તમને કંઈ નહિ થાય, તમે જલ્દી જ સાજા થઈ જશો."
પિતાએ આંખ ખોલી. પિતા જાણે કે દીકરીના મનની વાત સમજી ગયા હોય એમ બોલ્યા. "ક્યાં સુધી તું મને આમ બાંધી રાખીશ ? હવે મારા શરીરમાં છે પણ શું ? હું જાતે હલન-ચલન નથી કરી શકતો, નથી કાંઈ ખાઈ શકતો કે નથી હું બહુ બોલી શકતો. શું, તું ઈચ્છે છે કે હું આમ, ઓશીયાળી જિંદગી જીવું ?"
"પપ્પા, બાંધી તો તમે મને રાખી છે. તમારા પ્રેમનાં બંધનમાં. તમારી લાગણીનું બંધન એવું છે કે તમે ક્યારેય મને રડતી નથી જોઈ શકતાં. તેથી હું મારા લગ્નની વિદાય વખતે પણ નહોતી રડી. પરંતુ પપ્પા, સાચું કહું, અત્યાર સુધી રોકાયેલાં મારા એ અશ્રુબંધને આજે હું નહિ અટકાવી શકું. મને માફ કરજો પપ્પા." દીકરી ગળગળાં સાદે આટલાંથી વધારે કંઈ બોલી જ ના શકી. બસ, એની આંખોએ જાણે શ્રાવણ-ભાદરવો બેઠો.
એની આંખમાંથી ટપકેલાં આંસુ સીધા પિતાની છાતી પર જઈને પડ્યાં. પિતાએ દીકરીનાં નિ:સાસો નાંખતા, અંતરની વેદનાનાં ગરમ આંસુનાં ટીપાને, પોતાનાં હ્રદયમાં ઝીલીને હંમેશ માટે આંખો મીંચી દીધી.
એક આથમતી સાંજે પૂરા પરિવારે ઘરનાં મોભીને વેદના સહિત આખરી વિદાય આપી.