અંત સંતાપનો
અંત સંતાપનો
એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલો અજીત.
પણ કુદરતી જ એ નાનપણથી ખુબ સમજદાર અને ડાહ્યો હતો એ બીજાનાં સંતાપ ને સમજી શકતો.
માતા ઈલા અને પિતા રાજીવે નોકરી કરી ભણાવ્યો ગણાવ્યો.
ગામડે રાજીવ નું એક કાચું મકાન હતું અને ગામમાં થોડી જમીન હતી.
વર્ષમાં એક વખત ગામડે સપરિવાર જતાં અને અઠવાડિયું રહીને પાછાં આવતાં.
માર્ચ મહિનામાં કોરોના મહામારી ફેલાઈ અને એનાં પગલે લોકડાઉન આવ્યું.
મંદિરો બંધ થઈ ગયા એટલે રાજીવ અને ઈલા વધુ ને વધુ સમય એકબીજા જોડે રહેતા હતાં.
દિકરો અજીત અને એની પત્ની સારંગી બંને ઓફિસ નું કામ ઓનલાઈન કરતાં હતાં એટલે એ એમનાં રૂમમાં જ હોય.
અજીત બે ત્રણ દિવસે એક વખત બજારમાં જાય અને ત્રણ-ચાર દિવસનું શાકભાજી અને દૂધ લઈ આવે.
બાકી ઘરમાં દૂધનાં પાવડર નો ડબ્બો લઈ આવ્યો હતો અજીત એટલે દૂધની ચિંતા નાં રહે.
ઘરમાં આવેલું શાકભાજી ઈલા જ ધોતાં અને સાફ કરતાં હતાં બાકી એ લોકડાઉન માં ઘરનાં ઝાંપા ની બહાર પણ નહોતાં નિકળ્યા..
આમ પણ ઈલા અને રાજીવ ની ઉંમર પંચાવન સાઈઠ હતી.
અઠવાડિયામાં આવેલું શાકભાજી ધોતાં ઈલા ને કોરોના થયો અને તબિયત બગડતાં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી એ છેલ્લી નજર રાજીવ અને બાળકો પર નાંખી ને ગઈ હતી.
કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી પણ ઈલા ની તબિયત વધુ બગડતી રહી અને એને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડી રહી અને અંતે શ્વાસ ખૂટી ગયાં..
કોવિડ હોસ્પિટલમાંથી રાજીવને જાણ કરવામાં આવી.
રાજીવ તો સંતાપ માં એટલાં ડૂબી ગયા કે સ્થળ અને કાળ નું ભાન જ ભૂલી ગયા.
ઈલા નાં તો અંતિમ દર્શન પણ નાં થઇ શક્યાં.
આખું ઘર સંતાપમાં ડૂબી ગયું.
પંદરેક દિવસ પછી અજીત રાજીવને ચા, નાસ્તો આપતો હતો પણ રાજીવ તો સ્થિતીપ્રજ્ઞ ની જેમ જ બેસી રહેતા હતાં.
અજીત અને સારંગીએ રાજીવને આ સંતાપમાં થી બહાર નીકળે એ માટે ભરપૂર પ્રયત્નો કર્યા પણ રાજીવ માં કોઈ ફેરફાર થયો નહી.
આની ચિંતા અને ચર્ચા અજીત અને સારંગી કરતાં હતાં.
અજીતે ઓળખીતા ડોક્ટર જોડે પણ આ વિશે ચર્ચા કરી.
આમ કરતાં ત્રણેક મહિના પસાર થઈ ગયા અને લોકડાઉન ખૂલ્યું એટલે અજીત રાજીવને બહાર લઈ જવા મથામણ કરી પણ એમણે ઉત્સાહ જ ન બતાવ્યો.
આમ અજીત સતત વિચારોમાં રહેતો કેમ કરીને પપ્પાને આ સંતાપ
માં થી બહાર કાઢું.
આમ વિચારો કરતાં એનાં મગજમાં ઝબકારો થયો અને બીજા દિવસે એ સારંગીને કહીને વહેલી સવારે ગાડી લઈને પોતાના ગામડે ગયો.
અને ગામમાં જઈ બધાને દૂરથી મળ્યો.
અને પોતાના ઘરે આવ્યો.
ઘરની બાજુમાં જ રહેતા વિધવા ગીતા બહેન એમને મળ્યો અને વાત કરી કે ગીતા મા તમે વિધવા છો અને નિઃસંતાન છો આ મકાન તમારાં જ નામ પર રેહશે તમારે બીજું કોઈ આગળ પાછળ સગું વહાલું છે નહીં.
તો આપ મારી વાત ધ્યાનથી સાંભળો.
મારી મમ્મી હમણાં જ આ કોરોના નાં લીધે મૃત્યુ પામી એને ત્રણ મહિના થયા છે પણ ત્યારથી મારાં પપ્પા સંતાપમાં ડૂબી ગયા છે તો જો આપ મારી સાથે શહેરમાં આવો અને અમારી સાથે રહો તો તમને બંને ને એકબીજાને અરસપરસ સાત્વિક હૂંફ રહે.
અને મેં એ પણ સાંભળ્યું છે કે તમે અને મારાં પપ્પા એકબીજા ને પ્રેમ કરતાં હતાં પછી તમારાં લગ્ન થઈ ગયાં અને સાસરે ગયા પણ પછી વિધવા થઈ તમે અહીં જ તમારાં બાપુનાં મકાનમાં જ આવી રહ્યાં છો..!!!
ગીતા હા તારી વાત બધી જ સાચી છે બેટા પણ આ દુનિયા આ સમાજ શું કહેશે.
અજીત આ સમાજને બીજાનાં દુઃખ, સંતાપ જોડે કોઈ લેવાદેવા નથી બસ વાતો કરી ચર્ચા ને સોશ્યલ મિડીયા માં ઠાલવે છે અને વિકૃત આનંદ લે છે.
માટે તમે સમાજ ની ચિંતા નાં કરશો.
જો તમારી હા હોય તો હું તમને લેવાં જ આવ્યો છું ગાડીમાં..
ગીતા મા વિચાર કરતાં હતાં ત્યાં ગામનાં એક બે વડીલો આવ્યા અને ગીતા ને કહ્યું કે જા બૂન સુખી થઈશ પાછલી ઉંમરે.
ગીતા ઘરમાં ગઈ અને એક થેલીમાં કપડાં અને જરૂરી ચીજવસ્તુઓ લઈ લીધી અને ઘરને તાળું મારી અજીત જોડે ગાડીમાં બેસી ગઈ.
અજીતે ગામવાળા નો બે હાથ જોડીને આભાર માન્યો અને ગાડી ભગાવી સીધી ઘર તરફ.
ઘર આંગણે આવ્યો એટલે એણે ગીતા મા ને ઉતાર્યા અને પછી એ બંને સેનેટાઈઝ થયાં પછી સ્નાન કરી ને એ ગીતા મા ને લઈને રાજીવનાં રૂમમાં ગયો અને પછી રાજીવના ખભા પર હાથ મૂકીને કહ્યું કે જુવો પપ્પા કોણ આવ્યું છે?
રાજીવે નજર ઊંચી કરી અને ગીતા ને જોઈ મોં પર આછી હાસ્ય ની રેખા ઉપસી અને વિલીન થઈ ગઈ.
પણ અજીતે ગીતા મા ને ઈશારો કર્યો અને નજીક બોલાવ્યા.
અને ગીતા મા એ રાજીવ નાં હાથ પર હાથ મૂક્યો અને એ સાથે જ રાજીવ નાનાં બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને આટલાં દિવસોના સંતાપનો અંત આવ્યો.