અનમોલ ક્ષણ
અનમોલ ક્ષણ
એ દિવસે અમારા ક્લાસના બધા વિદ્યાર્થી ખૂબ ઉત્સાહમાં હતા અને કેમ ન હોય ? પ્રાથમિક વર્ગના સર્વ વિદ્યાર્થીઓ વચ્ચે નાટકની હરીફાઈ જો હતી. અમારા ક્લાસના શિક્ષક શ્રી સંદીપભાઈએ અમને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે સહુ વાલીઓને આપણા ક્લાસનુંજ નાટક ગમવું જોઈએ. જોકે અંદરખાને તેઓ પણ જાણતા હતા કે આ વાત ઘણી અઘરી હતી કારણ એ હરીફાઈમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીઓ પણ ભાગ લેવાના હતા. હવે અમારાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને હરાવવાનું કામ સ્વાભાવિકપણે ખૂબ અઘરું હતું.
તે સમયે મારી વાર્તા ચંપકમાં છપાયેલી હોવાથી આખા ક્લાસમાં હું લેખક તરીખે પ્રખ્યાત થઇ ગયો હતો. સંદીપસરે નાટકના લેખનથી માંડીને તેની ટ્રેનીંગની જવાબદારી મને સોંપતા કહ્યું, “પ્રશાંત, મારી ઈચ્છા છે કે આ વર્ષે આપણા કલાસે નાટકમાં ધમાલ મચાવવી જોઈએ.”
સંદીપસર પહેલેથી તે આજદિન સુધી મારા માટે પ્રિય અને આદરણીય રહ્યા છે. હવે તેઓની ઈચ્છા પૂર્ણ કરવા કંઇક તો તડજોડ કરવી જ પડે. સહુથી પહેલા મેં નાટકમાં ભાગ લેવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓની યાદી બનાવી. નાટકમાં ભાગ લેવા ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થયા પરંતુ જયારે સંદીપસરે તેમના અભિનયની કસોટી કરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમાંથી માંડ ત્રણ જણા જ અભિનય કરી શકતા હતા.
સંદીપસરે મને કહ્યું, “આપણે સહુને લેવા પડશે... કોઈને પણ નારાજ નહીં કરીએ.”
મને સંદીપસરની આ વાત સાંભળી બહુ ગુસ્સો આવ્યો. છતાં મેં મારી રીતે સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત કરી. લગભગ ત્રણ દિવસની અથાગ મહેનત બાદ હું સંદીપસર પાસે ગયો અને કહ્યું, “સર, નાટકની સ્ક્રીપ્ટ લખીને તૈયાર છે.”
સદીપસરે પહેલો પ્રશ્ન પૂછ્યો, “બધા વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થઇ જાય છે ?”
મેં કહ્યું, “હા સર... બીજા પણ કોઈકને લેવા હોય તો તમે લઇ શકો છો.”
સંદીપ સરે ચોંકીને પૂછ્યું, “નાટકનું નામ શું છે?”
મેં કહ્યું, “ગામડાની શાળા...”
આ સાંભળી મારી યુક્તિ પર સંદીપ સર ખડખડાટ હસી પડ્યા.
મારા એ નાટકમાં શિક્ષક, પ્રિન્સિપાલ અને ક્લાસનો મોનીટર આ ત્રણ પાત્રો મુખ્ય હતા. બાકીના પાત્રોએ વિદ્યાર્થી તરીકે ક્લાસમાં “યસ સર.” “નો સર” જેવા એકાદ બે સંવાદ બોલ્યા બાદ ચુપચાપ પોતાની જગ્યાએ બેસી રહેવાનું હતું.
સંદીપસરે મને પૂછ્યું, “આ ત્રણ મુખ્ય પાત્રોમાંથી તું કયો અભિનય કરવાનો છે ?”
મેં કહ્યું, “એકેયનો નહીં... આપણી પાસે ત્રણ સારા કલાકારો છે આપણે તેમને આ પાત્ર સોંપીશું.”
સંદીપસરે નવાઈ પામતા પૂછ્યું, “તો તું શું બનીશ ?”
મેં શાંતિથી કહ્યું, “પટાવાળો...”
સંદીપસર, “કેમ?”
હું બોલ્યો, “સર, પટાવાળો હોઈશ તો હું સ્ટેજ પર મુક્તપણે હરીફરી દરેકના અભિનય પર બરાબર ધ્યાન રાખી શકીશ. જો કોઈ સંવાદ ભૂલી જાય તો તેને હું એ યાદ દેવડાવી શકીશ. જયારે શિક્ષક કે મોનીટરનું પાત્ર ભજવવા જતા હું એક જ જગ્યાએ બંધાઈ જઈશ.”
સંદીપસરે કહ્યું, “તને જે યોગ્ય લાગે તેમ કર.”
આખરે એક મહિનાની તાલીમ બાદ અમે મંચ પર નાટક ભજવવા માટે સજ્જ થઇ ગયા. અમારું નાટક ખૂબ સફળ રહ્યું. નાટકના રમુજી સંવાદો પર પ્રેક્ષકો પેટ પકડીને હસ્યા હતા. સહુ વિદ્યાર્થીઓએ પણ પોતપોતાનું પાત્ર બખૂબી ભજવ્યું હતું. નાટક પૂર્ણ થતા આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ જોઈ સંદીપસર અત્યંત આનંદિત થઈને સ્ટેજ પર દોડી આવ્યા અને મને ઊંચકી લીધો. તાળીઓના ગડગડાટ વચ્ચે મારા પ્રિય સરે મને ઊંચકી લીધાનું ગૌરવ હું આજદિન સુધી ભૂલી શક્યો નથી. એ બાદ શોર્ટ ફિલ્મ અને લેખન ક્ષેત્રે ઘણા એવોર્ડ અને સન્માન મેં મેળવ્યા પરંતુ મારી કૃતિ માટે સહુથી પહેલું મળેલું આ બહુમાન મારા માટે શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. હું ક્યારેય ભૂલી નહીં શકું મારા જીવનની આ અનમોલ ક્ષણ.