...અને એ સવારે
...અને એ સવારે


નીતાની નજર અમસ્તી જ પડી અને ઉપર ઉપરથી તપાસતા જ ગભરાયેલી નીતાને ખાતરી થઇ ગઈ કે ઋષભ હમણાં જ ઘાંટાઘાંટ કરી મુકશે અને આખું ઘર માથે લઇ લેશે. એટલે ઋષભને વાતની જાણ થાય એ પહેલા જ નીતાએ પોતાના પ્રયત્નો શરુ કરી દીધા. આમ તો કંઈ નક્કી નહોતું કે ઋષભ એ શોધે અને કધાચ ન પણ શોધે અને કદાચ.. પણ જો શોધે તો ? નીતા પોતે પણ જરા ચિંતામાં હતી કે આવું થયું કેવી રીતે ? ઘરમાંથી કોણ લઇ જાય અને એ પણ ... નીતાએ આખું ઘર રુશ્ભને ખબર ન પડે એ રીતે જોઈ લીધું પણ કંઈ જ પત્તો લાગ્યો ન નહીં. નીતા ઋષભના સ્વભાવને અઢાર વર્ષથી જાણતી હતી. ઋષભ એની દરેક ચીજ વસ્તુ બરાબર જગ્યાએ મુકવાની આદત હતી અને ત્યાંથીજ મેળવવાની પણ. આમ એ મનમોજીલો અને નિખાલસ હતો પણ એની વસ્તુઓ બાબતે એ જરા વેદિયો કહી શકાય એવો. સમયબધ્ધતા, સંતુલન અને નિયમિતતામાં માનનારો મઝાનો પાર્ટનર. પણ એની આ આદતોને જયારે જયારે ઠેસ પહોંચતી કે એ હચમચી જતો.અને પછી ગુસ્સાવાળો, ચીડચીડિયો અને રીસાયેલા સ્વરૂપનો ઋષભ જોવા મળતો.
ઋષભ તૈયાર થઇ ગયો, એના રૂમમાંથી બહાર આવ્યો અને એને આવતા જોઇનેજ નીતાના ધબકારા વધવા લાગ્યા. રવિવાર હતો એટલે ઓફીસ તો જવાનું નહોતું પણ જો આમતેમ બહાર જાય તો... અને ન જાય તો વાંધો નહિ. પણ નીતાએ જોયું કે એ ટ્રેક અને ટીશર્ટમાં નહિ પણ પેન્ટ અને ટીશર્ટ પહેરીને રૂમમાંથી બહાર આવ્યો છે અને એ નક્કી થયું ગયું કે એ ચોક્કસ બહાર જશે જ અને બહાર જવાનો હોય તો થોડી જ વારમાં તોફાન થશે. ખોવાયેલી વસ્તુ શોધવા કરતા હવે નીતાનું સંપૂર્ણ ધ્યાન વિકટ પરિસ્થિતિની કલ્પના રચવામાં હતું. નીતાએ જોરથી બુમ પાડી અને કિચન તરફ આવવા લાગી,
"ઋષભ, તમે પહેલા નાસ્તો કરીલો ચાલો. પછી જ્યાં જવું હોય ત્યાં જજો."
"અરે પણ હું તો પડોશમાં દેસાઈના ઘરે જાઉં છું અને એને ત્યાં ઈકોનોમી મેગેઝીન આવે છે એ લઈને પાછો આવી જઈશ હમણાં."
"હમણાં ? ના.. તમે નાસ્તો કરીને જ જાઓ."
"અરે, આઈ વિલ ટેક ૫ તો ૬ મિનીટ"
"તો, ચા પીને જાઓ."
"અરે, ચા બનાવશે ત્યાં સુધીમાં તો હું આવી પણ જઈશ."
"ના.. તમારે આજે કશે નથી જવાનું ?"
ઋષભ નીતાના વર્તનથી હેરાન હતો પણ નાત ના છેલ્લા વાક્યએ ઋષભનો મૂડ બદલી નાખ્યો.
"શું વાત છે સવાર સવામાં ? દીકરો ઘામાં નથી ?
"ના નથી."
"ધૈર્ય નથી એનો ફાયદો ઉઠાવવો છે ?"
નીતા ઋષભના રોમેન્ટિક મૂડથી અજાણજ હતી.
"ના, તમે ચા પીને જ જાઓ."
"તું કહે તો જમોને પણ જાઉં."
બોલતા જ એ નીતાની નજીક પહોંચ્યો અને.. ત્યારે નીતાને ઋષભના રોમેન્ટિક મૂડની જાણ થઇ.
"ઋષભ, આ શું કરો છો ?
"તું જ ઇન્વીટેશન આપે અને તું જ ખીજવાય છે ?"
એટલામાં નીતાનો સોળ વર્ષનો દીકરો ધૈય પ્રવેશ્યો અને એને ઋષભના સેન્ડલ કાઢ્યા અને અંદર આવ્યો, નીતા આ જોતીજ રહી ગઈ.
"હાઈ પપ્પા ગુડમોર્નિંગ, હું હમણા જ આવ્યો." બોલતાવેંત પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
નીતા શોકમાં હોય એમ સેન્ડલને જોતી રહી અને બોલી, "આ ધૈર્ય પહેરી ગયો હતો અને હું ટેન્શન લેતી હતી."
ઋષભ કઈ સમજ્યો ન હોય એમ બોલ્યો, "વોટ ?"
"આ છોકરો તમારા સેન્ડલ પહેરીને ગયો હતો અને મને તમારા સેન્ડલ દેખાયા નહીં, હું ગભરાય કે વળી તમે ગુસ્સે થશો એટલે બહાર જતા રોકાતો હતી. અને અહીં તો.."
ઋષભ ખડખડાટ હસી પડ્યો અને નીતાને વળગી પડ્યો. નીતા પણ હસી પડી. આમ બંનેના અવાજ સંભાળીને ધીર બહાર આવી ગયો અને બોલ્યો,
"શું થયું ?
ઋષભ બોલ્યો,
"દીકરા, તું જન્મ્યો ત્યારે એક ફોટો પડાવેલો અમે, તારા નાના અમસ્તા પગના તળિયાને કવર કરતી તારી મમ્મીની હથેળીઓ દિલના શેપમાં અને એને કવર કરતીમારી હથેળીઓ. અને આજે એ નાના પગના તળિયા એટલા મોટા થઇ ગયા છે કે મારા સેન્ડલ એમાં ફીટ બેસી જાય છે. અને એ સેન્ડલ તું પહેરીને જાય તો તારી મમ્મી ટેન્શનમાં આવી જાય છે."
"શું બોલો છો પપ્પા?"
"કંઈ નહીં, તું તારું કામ પતાવીને આવ પછી શાંતિથી બેસીને નાસ્તો કરીએ જા."
ધૈર્ય એના રૂમમાં ગયો કે તરત જ ઋષભ અને નીતા ફરી પાછા ખડખડાટ હસી પડ્યા, નીતાની આંખ ભીની થઇ અને બોલી,
"ઋષભ, દીકરો મોટો થઇ ગયો કે આપણે બુઢ્ઢા થવા માંડ્યા ?"