STORYMIRROR

Vandana Vani

Others

3  

Vandana Vani

Others

અમર આશા

અમર આશા

2 mins
139

"આજે અમરને લંડન જવાને દસ વર્ષ પૂરાં થયાં. આ જીવને બસ એકવાર તેને  મળવા માટે રોકી રાખ્યો છે. પછી જે.." બોલતાં રંજનબેન રસોડામાં ગયા એટલે મનહરભાઈ પૂરું વાક્ય સાંભળી ન શક્યા.

ભણવા માટે અમરને લંડનના વિઝા મળ્યા ત્યારે રંજનબેને સત્યનારાયણની કથા કરાવી હતી. ત્યારે અડધા ગામે ચા-પાણીની મિજબાની માણેલી. તેઓ દીકરાને વળાવવા મુંબઈ ગયેલા, ત્યારબાદ મુંબઈના એરપોર્ટનું વર્ણન કરતા ગામડાની નાસમજ પ્રજા આગળ રોફ જમાવતા બોલતા પણ ખરા," અરે એ તો નસીબ હોય એને જ આવું જોવા મળે!"

અમરનું ભણવાનું પૂરું થયા ને પાંચ વર્ષ થઈ ગયા. મનહરભાઈની ઈચ્છા ખરી કે દીકરો ભલે ત્યાં રહે પણ વર્ષે એકવાર આવીને મળી તો જાય ! દીકરો દર દિવાળીએ ભારત આવવાની વાત કરતો. પછી તો દિવાળીની રાહ જોતા મા-બાપની કેટલીયે દિવાળી ગઈ!

"તું ક્યારે આવે છે? " પ્રશ્નનો જવાબ એક જ મળતો," અત્યારે બહું કામ છે. હોપ સો, દિવાળી પર."

બાયપાસ સર્જરી કરાવ્યા પછી મનહરભાઈ ઢીલા થઈ ગયા. રંજનબેન દેખાવે તો મજબૂત પણ અંદરથી એક ચિંતા તેમને ઉધઈની જેમ કોરી ખાતી," દીકરો અમારી અંતિમ ઘડીએ પહોંચશે ને?"

અષાઢ આવે એટલે રંજનબેન અમરને કાલાવાલા કરવાની શરૂઆત કરી દેતા,"આ વખતે આવશે ને બેટા ? શરીરને તો ગમે તેમ ઝાલી રાખ્યું છે પણ મન હાથમાં રહેતું નથી."  

રંજનબેન અને મનહરભાઈ દર દિવાળીની આતુરતાથી રાહ જોતાં. દિવાળી આ વખતેય સમયસર આવી પણ ..! રાતે આંગણે દિવા મૂકવા આવેલાં રંજનબેનને કોઈ દિવસ નહીં ને તે દિવસે વિમાનની ઘરઘરાટી સંભળાઈ.

"એ સાંભળો, આજે ચોક્કસ અમર મુંબઈ ઉતરશે અને કાલે સવાર સુધીમાં ઘરે આવી જશે." બોલતાં રંજનબેન રસોડામાં ગયાં. થોડીવારમાં રસોડામાંથી વાસણનો ખખડાટ સંભળાયો.

"શું દીકરાને વધાવવાની તૈયારી કરે છે ?” હસતાં મનહરભાઈ પૂછતાં રસોડામાં ડોકાયા. સાચે જ રંજનબેન થાળી, દીવો, પાણીનાં લોટાની તૈયારી કરતા હતા.

"હરખ પદુડી" કહેતા આગળના રૂમમાં આવી ગયા. આગળનું વાક્ય રંજનબેન ન સાંભળી લે તે માટે બહાર આવીને બોલ્યા,"કાલ સવાર ઉગતા હરખ વહી જશે. સમજી જા અમરની મા." 

સાચે જ બીજી સવારે અમરની ટેક્ષી ઘર આંગણે આવી ઉભી રહી!

"બેટા તું ખરા સમયે પહોંચી ગયો. જો તો ખરો તારી માને કઈ એંધાણ મળી ગયાં હશે કે બધી તૈયારી આગલી રાતે કરી જ દીધી હતી!" સળગતા દિવા અને બાજુમાં પડેલી પૂજાની થાળી અને લોટા તરફ આંગળી ચીંધી મનહરભાઈએ અમરને જોતા પોક મૂકી. દીકરાએ ભેટમાં લાવેલી શાલ નિશ્ચેતન માને ઓઢાઢી પિતાને બાથમાં લીધા.

અમરને શું બોલવું, શું કરવું તે ન સમજાયું. દિલોદિમાગ પર ઉથલપાથલ મચી ગઈ. દુનિયાના સર્વ શ્રેષ્ઠ સંબંધનો ઋણાનુબંધ ચુકવવામાં કરોડપતિ દીકરો વામણો સાબિત થયો! 

"એક દિવસ વહેલો આવ્યો હોત તો?" પશ્ચાતાપમાં પીગળતા પરદેશી દીકરાને માની લાખો નિરાશામાં છૂપાયેલી એક અમર આશા દઝાડતી રહી.


Rate this content
Log in