Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

અલી સાંભળી વાત

અલી સાંભળી વાત

5 mins
330


આ વડોદરા શહેરની વાત છે. વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટી. ઉતરાયણનો માહોલ હતો બધાં ધાબે ચઢ્યા હતા. ચારેબાજુ મોટે મોટેથી ગીતો વાગી રહ્યા હતા અને એ કાપ્યો. એ કાટી. લપેટ રે ભાઈ લપેટની બૂમો પડતી હતી. બાજુબાજુમા રહેતા પડોશી ઓ પણ આજે આનંદ માણી રહ્યા હતાં. ત્યાંજ ગીતાબેન ઉપર ધાબે આવ્યા અને હીના બહેનને કહ્યું 'આવો અહીં બેસીને વાતો કરીએ... અલા સાંભળી વાત તમે ?'

હીના બહેન કહે 'શું ?'

'જો જો કોઈને કહેતાં નહીં. આ પાછળની સોસાયટીમાં રહેતા મોજીલાલની વાત.'

હીના બેન કહે 'ના...'

મોજીલાલના મકાનને અડીને જ મારી જેઠાણી રહે છે એમણે વાત કરી તો મને થયું તમને જણાવું.

મોજીલાલ નામ પ્રમાણે જ મોજીલા હતાં. મોજીલાલની હાઈટ બોડી હતી અને કાયમ સફેદ સફારી જ પહેરતાં. પણ મનનાં તો કાળાજ હતાં. મોજીલાલના પત્ની કુસુમબેન સીધા, સાદા અને ભક્તિભાવવાળાં હતાં. મોજીલાલને બલ્બ બનાવાની ફેક્ટરી હતી. જ્યાં બધાં કારીગરો અને સ્ત્રીઓ પણ કામ કરતી હતી. મોજીલાલ એ સ્ત્રી ઓને નાની મોટી મદદ કરતાં અને પછી નોકરી ના સમય પહેલાં એમનાં ઘરે પહોંચી એમના છોકરાઓને ઘરવાળાને મદદ કરી એક સારા માણસ હોવાની છાપ પાડી દે. પછી એ સ્ત્રીનો ઉપયોગ કરીને કહે "જો તેં કોઈને આ વાત કરી તોનોકરીમાંથી નિકાળી દઈશ. અને તારાં ઘરે આવી તારાં ઘરનાંને કહીશ કે તું જ એવી છું.. મેં તને રંગે હાથે પકડી તો હવે એ મારી ઉપર આરોપ મુકે છે એવું કહીશ. અને સાંભળ મને ખુશ રાખીશ તો મારી રાણી બનાવી રાખીશ."

આમ અલગ-અલગ સ્ત્રીઓને આવું કહીને ફસાવે અને રંગરેલિયા મનાવતા. મોજીલાલને બે દિકરા અને એક દિકરી હતાં. મોટા દિકરાનું નામ રોશન હતું. નાનાંનું નામ પ્રિતેશ હતું. દિકરીનું નામ સંગીતા હતું.એ લોકો ભણતાં હતાં. કુસુમબેનના કાને ઘણી વખત આવી વાતો આવતી પણ એ તો એમજ કહે આખો દિવસ જેમ ફરવું હોય એમ હરેફરે. રાત્રે તો ઘરે જ આવશેને... જશે ક્યાં ?'

આમ મોજીલાલ પોતાના રૂપિયા અને શેઠ પણાનો ભરપુર ફાયદો ઉઠાવે. ફેક્ટરીમાં માતાજીનું મંદિર બનાવ્યું હતું તો સવાર સાંજ ધૂપ કરે અને કપાળમાં કંકુનો મોટો ચાંદલો કરે. આજુબાજુની ફેક્ટરીના કોઈ પગે લાગવા આવે તો જાણે પોતે કોઈ સંત હોય એમ આશિર્વાદ આપે. અને જો કોઈ સ્ત્રી આવી અને પગે લાગી તો બરડામાં હાથ મૂકીને આશિર્વાદ આપે એ બહાને હાથ ફેરવી લે. હદ તો ત્યાં થાય મોજીલાલની કે પોતાના નાના ભાઈઓની પત્નીને પણ પોતાની જાળમાં ફસાવી દે.

મોજીલાલ જે એરિયામાં રહેતા હતા ત્યાં ગીતા કરીને એક છોકરી રહેતી હતી એની વિધવા મા સાથે તો એને આવતા જતા જોઈને પોતાની ફેક્ટરીમાં નોકરી એ રાખી અને પછી એને એવી ફસાવી અને એનો ઉપયોગ કરીને છોડી દીધી. ગીતા હાલ પણ ગાંડી ( પાગલ ) થઈને ફરે છે અને સફેદ કપડાંવાળાને પથ્થરો મારે છે. રાવણ તો ખરેખર સારો હતો જેણે સીતા માતાને હાથ પણ નહોંતો લગાવ્યો તોય એને દશેરા એ બાળવામાં આવે છે. અને આવાંને રાવણ કહેતાં ય રાવણનું અપમાન થયું હોય એવું લાગે છે.

એનાં કરતાં આવાં મોજીલાલને જીવતાં સળગાવી દેવા જોઈએ. પણ અફસોસ એવું કંઈ થતું જ નથી. કારણકે આ બધા અંઠગ અને સાતીર ખેલાડી હોય છે અને અભિનય કરીને લોકો મા પોતાની સારી છાપ ઉભી કરે એટલે એમની સામે આંગળી કોણ ચીંધે. અને એનો જ ફાયદો ઉઠાવે આવાં મોજીલાલ. પાછાં મોટા મોટાનેતાઓ, પોલીસ અને માથાભારે તત્વો સાથે સારો સંબંધ રાખે. નાતમાં રૂપિયા આપી આગળ પડતાં મદદગાર બની બેઠા હોય. તો કોણ કોનો વિશ્વાસ કરે. મોજીલાલ છે પણ ખૂબજ ચાલાક એટલેજ રોજબરોજ એ નવી નવી સ્ત્રીઓને ફસાવે. કુટુંબના પણ મોજીલાલથી ડરતાં રહે છે.

રોશનને વીસ વર્ષ થયા એટલે નાતમાંથી દુરના સાવ નાના ગામડામાં રહેતી આશા સાથે લગ્ન કરાવી દીધા. ગામ આખાની સ્ત્રીઓની આબરૂ લૂટનારો. ઘરમાં એવાં નિયમો રાખ્યા કે માથે ઓઢીને ફરવાનું અને સસરા કે ઘરના પુરુષો સામે બેસવાનું નહીં. છોકરાઓને પણ પાંગળા કરી દેવામાં આવ્યા હતાં કે જેથી અવાજ ના ઉઠાવી શકે. પોતાના ધંધામાં રાખ્યા એ પણ ખાલી ઓફિસમાં બેસવાનું બીજું કોઈ જ્ઞાન કે કોઈ કેળવણી ના આપી. કે જેથી ધંધો સંભાળી શકે. છોકરાઓને મહીને વાપરવા પાંચ પાંચ હજાર આપી દે. એટલે છોકરાઓ પણ ખોટાં રસ્તેજ આગળ વધ્યા. વ્યસન માં ડૂબી ગયા. સંગીતાને સોસાયટીના છોકરા સાથે પ્રેમ થઈ ગયો તો છોકરાને અને એનાં ઘરનાંને મારી મારીને અધમરા કરી દીધા અને સંગીતા જોડે રાખડી બંધાવી દીધી.

એક વર્ષ પછી કોલેજના છોકરા સાથે ફરતાં જોઈ ગયા તો ઘરે સંગીતાને મારી અને એ કોલેજનાં છોકરાની વોચ રાખી એનો એક્સીડન્ટ કરાવી પતાવી દીધો. મોજીલાલ એવાં ક્રૂર પણ છે. માણસાઈનું તો નામોનિશાન નથી બસ પોતાનો ફાયદો જ જોવાનો.

નાતમાંથી છોકરો અને છોકરી શોધી પ્રિતેશ અને સંગીતાને પરણાવી દીધાં. પ્રિતેશની પત્ની માલા મધ્યમવર્ગની હતી. માલાના પપ્પાને મોજીલાલે દારૂની લતે ચઢાવી દીધા અને માલાની મમ્મીને ફસાવી દીધા અને કહ્યું કે જો વેવાણ તમે તમારા દિકરીનું ભલું ઈચ્છતા હોય તો હું કહું એમ કરજો અને જો કોઈને કંઈ કહ્યું તો જાનથી હાથ ધોવા પડશે. એક દિવસ માલાના મમ્મી ઘરે આવ્યા અને આશા રસોડામાં કામ કરતી હતી. માલા અને પ્રિતેશ તો બહાર ગયાં હતાં. મોજીલાલ એ દિવસે ઘરેજ હતાં. કુસુમબેન મંદિરમાં દર્શન કરવા ગયા હતાં.

અને મોજીલાલ માલાની મમ્મીને બાહોમાં લઈ લીધાં અને આશાનું રસોડામાં થી બહાર આવવું. આશા આ જોઈ ચોંકી ગઈ. મોજીલાલની નજર આશા પર પડી. એમણે આશાને ખુબ ધમકાવી અને ડરાવી.

આશા પછી તો જુદી રહેવા જતી રહી પણ એની જિંદગીમાં એમણે દુઃખના કાંટાજ પાથરી દીધા. આશા જુદી રહેવા ગઈ પછી એને મોજીલાલની અનેક કરતૂતોની જાણ થઈ. એણે રોશનને વાત કરવા કોશિશ કરી જોઈ પણ એ તો એનાં પિતા વિરુદ્ધ એક શબ્દ સાંભળવા તૈયાર નથી. અને આશાને આ સચ્ચાઈ બહાર લાવવી હતી એણે પ્રયત્ન ચાલુ રાખ્યા. પણ એ હારી ગઈ... કોણ વિશ્વાસ કરે. મોજીલાલનો રૂવાબ અને રૂપિયા જો હતાં.

પણ કહેવાય છેને ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. આજે એ કહેવત મોજીલાલ પર સાચી પડી છે.

મોજીલાલ ના નાના દિકરા પ્રિતેશનો દિકરો દીપ પંદર વર્ષનો છે પણ દાદાની જિંદગી નર્કથી બદતર કરી દીધી છે. જો માગે એટલાં રૂપિયા ના આપે તો ઘરનાં બધાંને રૂમમાં પૂરી દે છે અને તોડફોડ કરે છે.

અને ઘરમાં બધાને ધમકી આપ્યા કરે કે હું આત્મહત્યા કરી લઈશ પણ દાદા તમારી વાતો બહાર પાડીને જઈશ.

હાલ મોજીલાલ દીપથી ડરીને જીવે છે. અને દિપ નિતનવી છોકરાઓ લાવે છે. જો જો પાછાં આ વાત કોઈને કહેતાં નહીં. આ તો મને થયું કે તમને જાણ કરું. આપણે ક્યાં ઉતરાયણમાં પતંગ ચગાવવાની હોય આ તો મારો પડોશી ધર્મ બજાવ્યો.


Rate this content
Log in