અક્ષ નો લાંબી પૂંછડી વાળો પતંગ
અક્ષ નો લાંબી પૂંછડી વાળો પતંગ


તહેવારો આવે અને ઘરનું વાતાવરણ બદલાઈ જાય. એમાં પણ ઘરમાં જો નાના બાળકો હોય તો વાતાવરણ વધુ આનંદમયી બની જાય.
હિરેનભાઈને ત્યાં પણ આ વખતે કઈક આવું જ જોવા મળી રહ્યું હતું. ૮ વર્ષનો નાનકડો અક્ષ ઘણા દિવસોથી ઉત્તરાયણની તૈયારી કરી રહ્યો હતો. જાતજાતના પતંગો અને ફિરકીથી જાણે આખું ઘર ભરી દીધું હતું. હિરેનભાઈએ પણ પોતાના લાડકાને જોઈએ એવા પતંગો લાવી આપ્યા હતા. પતંગો કોઈ ફાડી નાખશેએ ડરથી તો અક્ષ કોઈને એના રૂમમાં જવા પણ નહતો દેતો. અને એનું પેલું વાજું સ્કૂલથી આવીને વાજું વગાડે અને આજુબાજુ બધાને યાદ અપાવે કે ઉત્તરાયણ આવી ગઈ છે. બ ને વાજુ નથી ગમતું છતાં બાના કાન પાસે જઈને વાજું વગાડવામાં અક્ષને મજા પડતી. સ્કૂલના “પતંગ મહોત્સવ”માં જાતે ક્રાફટ વર્ક કરીને પતંગ બનાવીને લઈ ગયો હતો. ઉત્તરાયણ એ અક્ષનો મનપસંદ તહેવાર હતો.
ઉતરાયણની આગલી સાંજની વાત છે. અક્ષ સ્કૂલથી આવ્યો અને મીનુ બા એ નાસ્તો કરાવ્યો. પછી ઝટપટ એના મિત્ર જોડે પતંગ અને ફિરકી લઇને ધાબા પર ચડી ગયો. બીજી બાજુ હિરેનભાઈને ઓફિસથી ઘરે આવતા મોડું થઈ ગયું હતું. હજી આવીને ચાજ પીતા હતા ત્યાં તો અક્ષ દોડતો દોડતો ધાબેથી ઉતારીને આવ્યો. ”પપ્પા. . . પપ્પા. . . ”અક્ષના અવાજમાં તાલાવેલી જણાતી હતી. ”પપ્પા જલ્દી કરો. . મારે બજાર જવું છે, પતંગ લેવા છે.” હિરેનભાઈએ નવાઈ ભરી નજરે એની તરફ જોતા કહ્યું, ”બેટા, હજી કેટલા પતંગો જોઈએ છે તારે. બધી દુકાનો તો ખાલી કરી છે તે." અક્ષ વધારે અધીરો બન્યો, ”ના પપ્પા, એ બધા તો સાદા પતંગો છે, મને લાંબી પૂંછડી વાળો પતંગ જોઈએ છે. ઊંચે આકાશમાં હશે તો પણ એની લાંબી પૂંછડી આપણે જોઈ શકીશું. ચાલોને પપ્પા જલ્દી કરો. દુકાન બંધ થઈ જશે.” આટલું કહી અક્ષ આશાભરી નજરે મમ્મી પપ્પા તરફ જોઈ રહ્યો. મમ્મી પપ્પાએ ઘણું સમજાવ્યું પણ લાડલો અક્ષ એકનો બે ના થયો. હિરેનભાઈ અક્ષને લઈને બજાર જવા નીકળ્યા, પરંતુ મોડું થઇ ગયું હતું અને એ દુકાન બંધ થઈ ગઈ હતી. નાનકડો અક્ષ નિરાશ થઇ ગયો ત્યારે પપ્પાએ એને કહ્યું કે આપણે કાલે સવારે પાછા આવીશું. દુકાન તો કાલે જલ્દી ખુલી જશે.
થોડું સમજાવવાથી અક્ષ માની ગયો અને ફરી પાછો પપ્પા સાથે ઘરે જાવ રવાના થયો. રસ્તામાં અક્ષની મમ્મી નો ફોન આવે છે અને ફોન પર વાત કરવા માટે હિરેનભાઈ પોતાની બાઇક રસ્તાની એક બાજુ ઊભી રાખે છે ત્યારે આમતેમ જોતા જોતા અક્ષની નજર ત્યાં લગાવેલા એક બેનર તરફ જાય છે. અક્ષ ધ્યાનથી એ બેનર વાંચે છે અને કઈંક ઊંડા વિચારમાં પડે છે. હિરેનભાઈ વાત પૂરી કરે છે અને અક્ષને લઈને ઘરે પહોંચે છે. રાતે બધા સાથે જમવા બેસે છે. આ બાજુ અક્ષ હજી કોઈ વિચારમાંજ ડૂબેલો હતો. ”મમ્મી,કાલે સવારે મને જલ્દી ઉઠાડી દેજો” એટલું કહીને અક્ષ જમીને જલ્દી સુવા મટે જતો રહે છે.
દિવસ ઉગે છે. ઉત્તરાયણની સવાર. રોજની જેમ જ અક્ષ આજે પણ જલ્દી ઉઠે છે અને તૈયાર થઈ જાય છે. પપ્પા બાઇકની ચાવી હાથમાં લે છે અને અક્ષ ને કહે છે, ”ચાલ બેટા, તારો લાંબી પૂંછડી વાળો પતંગ લઈ આવીએ. ”હા પપ્પા,બસ એક જ મિનિટ” આટલું કહીને અક્ષ એની મમ્મીને બૂમ પાડે છે. ”મમ્મી,જલ્દી એક ડબ્બામાં તલના લાડુ ભરી દો ને” મમ્મી પપ્પા આશ્ચર્ય ભરી નજરે અક્ષને જોઈ રહ્યા અને એને પ્રશ્ન કરે છે. ”કેમ સીધો ધાબા પરજ જાય છે ? પતંગ લેવા નથી જવું ?"
ત્યારે નાનકડા અક્ષ નો જવાબ સાંભળી મમ્મી પપ્પાને ખૂબ ગર્વ થયો. અક્ષએ કહ્યું, ”ના પપ્પા આજે હું પતંગ નહિ ચાગાવું. કાલે મે એક બેનર જોયું, એમાં “જીવદયા” વિશે લખ્યું હતું. આપની ઉપરના માળ પર કરનભાઈ રહે છે ને એ પણ એવાજ ગૃપમાં છે જે ઘાયલ પક્ષીની સારવાર કરે છે તો આજનો દિવસ હું ત્યાંજ પસાર કરીશ. મારા જે પતંગો બચ્યા છે એ વેચીને હું બધા પૈસા જેને જરૂર હોય એવા છોકરાઓને આપી દઈશ. હું જ્યાં જાઉં છું ત્યાં કરનભાઈ સાથે બીજા પણ ભાઈ હશે એટલે મમ્મી તમે વધારે લાડુ ભરી આપજો અમે સાથે મળીને ખાઈશું. ”મમ્મી પપ્પા અક્ષમાં આવેલા આ પરિવર્તનથી ખૂબ જ ખુશ થયા. હિરેનભાઈ બોલ્યા,”અરે પણ તારા પેલા લાંબી પૂંછડી વાળા પતંગનું શું ?” ત્યારે અક્ષ એ જવાબ આપ્યો, ”ભલે મારો લાંબી પૂંછડીવાળો પતંગ આજે આકાશમાં ના ચગે પણ કોઈ ઘાયલ પક્ષી સાજુ થઈને ફરી પાછું આકાશમાં ઊડતું થશે તો એ મને ગમશે. એ જ મારી ઉત્તરાયણ કહેવાશે.”અક્ષના આ જવાબ સાથે મમ્મી પપ્પાએ તેને વહાલથી બાથમાં લઇ લીધો.